Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તર...બ...તર:સમર્પણ : સ્ત્રી નામના સિક્કાની બીજી બાજુ

    1 week ago

    હરદ્વાર ગોસ્વામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ઓવરડોઝમાંથી બહાર નીકળીને નીરખીશું તો જણાશે કે છેવાડાના ગામમાં સ્ત્રીની હાલતમાં બહુ સુધારો આવ્યો નથી. હા, શહેરમાં એ ગતિ-પ્રગતિનો અહેસાસ જરૂર થાય છે. આટલાં વર્ષો જે નારીએ સહન કર્યું તો એને આજે વિશેષ સુવિધાઓ મળે તો એમાં ખોટું શું છે? ઇબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાએ અથડાવેલાં બારણાંના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાયા હતા. આ પ્રથમ અને પ્રબળ નારીસ્વર. ગૃહત્યાગ માટે બહાર ડગ મૂકવા જતી નોરાને એનો પતિ યેનકેન પ્રકારેણ રોકવા મથે છે. છતાં દૃઢનિશ્ચયી નોરા અફર રહે છે અને કહે છે, ‘મારી બીજી ફરજો પણ છે, કઈ?, મારી જાતપ્રત્યેની.’ સ્ત્રી પોતાના માટે કેટલું જીવે છે? થોડાં વર્ષો પિતા, થોડાં પતિ, થોડાં પુત્ર માટે ખર્ચી નાખે છે. કેટલીક નારીઓનું સમર્પણ તો પ્રપૌત્ર સુધી પ્રલંબાય છે. યુગોથી ચાર દીવાલોમાં બંધાયેલી નારીને ચાર દિશાઓ ખુલ્લી મળી છે. લટકામાં મળ્યું માથે ખુલ્લું આકાશ. પહેલાં મોટા ભાગે માતૃત્વ વખતે જ સર્જનનો અનુભવ કરી શકતી હતી. હવે કાગળ પર સર્જન કરે છે અને આગળ ઉપર પણ સર્જન કરવા લાગી છે. કુન્દનિકા કાપડિયાની કલ્પના, કલ્પના ચાવલાએ પૂર્ણ કરી છે. સાંકડી શેરીમાંથી નીકળી રાજમાર્ગના રજવાડાંમાં આવી ગઈ છે. અપ્રગટ ઈચ્છાને મનગમતો મંચ મળ્યો છે. શક્યતાના સીમાડા વળોટીને મંજિલથી પણ આગળની એક મંજિલ પર બિરાજમાન થઇ છે. પંદરમી સદીમાં તોરલે ‘ધણી કેરા નામનો રે પાટ મંડાણો, એ જી એમાં ઝળહળ જ્યોતું દરશાણી’ કહ્યું હતું એનો પ્રકાશ એકવીસમી સદીમાં આવી રહ્યો છે. હજારો પુરુષોનો સરવાળો પણ એક સ્ત્રી સામે ઝાંખો પડે છે. એક પલ્લામાં સમગ્ર સૃષ્ટિની માલમિલકત અને બીજા પલ્લામાં સ્ત્રીસંવેદના મૂકો તો બીજું પલ્લું ઝૂકશે. એની હૈયાઉકલત સામે હર કોઈએ ઝૂકી જવું પડે. તેનામાં ઈશ્વરે ફૂટીકૂટીને પારાવાર પ્રતિભા ભરી છે. ‘दपि तव गुणानां ईश पारं न याति’ આ ઉક્તિ સ્ત્રીના સંદર્ભે પણ એટલી જ પ્રસ્તુત અને પ્રભાવક છે. ગુજરાતના ઇતિહાસમાં છેલ્લાં વર્ષોમાં બાળકીનો ઓછો જન્મ દર ‘બેટી બચાવો’ અભિયાનનું અભિમાન ઉતારી દે એવું છે. ખરેખર તો આ કાર્ય સરકાર કરતાં સહકારનું છે. વિકસિત દેશોમાં કદી સ્વચ્છતા, ટ્રાફિક નિયમન, શિસ્ત ઇત્યાદિની જાહેરાત કરવી પડતી નથી. સ્વયંશિસ્તનું અજવાળું જ અમાવસ્યાને દૂર કરી શકે છે. પહેલાં કહેવાયેલું ‘નારી નરકની ખાણ’ ખોટું છે એમ આજે કહેવાયેલું ‘ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ પણ એટલું જ ગલત છે. કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે સ્ત્રીને બુરખામાં રાખી હતી. બાકી સ્ત્રી તો સૂર્યકિરણ જેમ સૌને ઝળાહળાં કરે છે. લાજ કાઢવાની પ્રથા દૂર થઇ રહી છે, એ સ્તુત્ય છે. માસૂમ બાળકી પર અમાનુષી અત્યાચાર થાય ત્યારે યૌવન પણ શરમાઈ જાય છે. લાજ રાખવાની પ્રથા આરંભાશે ત્યારે દ્રૌપદીના અઢળક આશીર્વાદ પ્રાપ્ત થશે. લાભશંકર ઠાકરના નાટક ‘મનસુખલાલ મજીઠિયા’માં પોતાનો નામેરી માણસ ગુનો કરે તો પણ નાયક ડિસ્ટર્બ થઇ જતો. લાગે છે કે એ સાચૂકલી સો ટકાની સંવેદનાનો આખો યુગ આથમી રહ્યો ગયો. માતા અને દીકરાને સારું બને તેમ પિતા અને પુત્રી વચ્ચે ગાઢ સંબંધ હોય છે. પિતાને ક્યારે દવા આપવાની, ચશ્માં ક્યાં પડ્યાં, ક્યારે ચા પીવાની વગેરેની દરકાર દીકરી માફક કોણ રાખી શકે? પિતા-પુત્રીને નથી નડ્યો. દીકરી સહૃદય સોહાર્દ સાથે દરેક વાત પિતાને કહી શકે છે. બાળપણમાં સંતાકૂકડી રમતાં એ થોડી વાર માટે સંતાઈ જાય છે, પણ યુવાન થાય અને કોઈ કેસરિયા સાફા પાછળ ખોવાઈ જાય ત્યારે પિતાના વહાલની બચકીમાંથી કાળજા કેરા કટકાની જણસ છૂટી જાય છે, આ ઘટના વસમી હોય છે. મહાકવિ કાલીદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુંતલમ’માં શકુંતલાની વિદાય વખતે કણ્વ ઋષિની સંવેદના ઝાડ-પાનને પણ સ્પર્શે છે. અમૃતા પ્રીતમ કહે છે: ‘એક દર્દ હતું, જે સિગારેટની જેમ મેં ચુપચાપ પીધું છે, ફક્ત કેટલાંક ગીત છે, જે સિગારેટ પરથી મેં રાખની જેમ ખંખેર્યા છે.’ સ્ત્રીના આગવા અવાજને કચડવો એનાથી મોટું કોઈ પાપ નથી. ‘Lipstic Under my Burakha’ની અતૃપ્ત ઇચ્છાને કોઈ સરોવર મળશે ખરું? ‘બરેલી કી બરફી’માં દીકરી પોતાની સિગારેટ બાપને આપી દે એ દૃશ્ય દિલને સ્પર્શી જાય છે. અહીં ‘સિગારેટ’ સ્વાતંત્ર્યનું પ્રતીક છે. ‘ફેસબુક’માં કેટલાક વિરલાઓ રાત પડે શિકાર પર નીકળી પડે છે. સ્ત્રીઓના એકાઉન્ટ પર મુલાયમ મેસેજનો મારો ચલાવે છે. જોકે, સ્ત્રીને પણ સોશિયલ મીડિયામાં લક્ષ્મણરેખા દોરતા આવડવી જોઈએ. વનિતા એ માત્ર ‘વેલેન્ટાઇન ડે’ની બ્રાન્ડ એમ્બેસેડર નથી. એના સમર્પણ અને સહનશક્તિ, ત્યાગ અને મૌન વિશે કહેવા જઈએ તો વરસોના વરસ લાગે. થોડા સમય પહેલાં એક ચેનલ પર શરૂ થયેલી શશી અને સુમિત મિત્તલ નિર્મિત સિરિયલ ‘બેરિસ્ટર બાબુ’ ખોટી પરંપરાને દૂર કરવા અને સ્ત્રીને બંધનમાંથી મુક્ત કરવાના પ્રયત્નો ને વેગ આપનારી હતી. સાવ બાળક જેવી બંદિતાને બાળવિવાહ અને સતી પ્રથાના દૂષણોમાંથી અનિરુદ્ધ છોડાવે છે. પોતાના બાળપણના પ્રેમનું બલિદાન આપી આ કુરિવાજોમાંથી બહાર લાવવા બંદિતા સાથે લગ્ન કરે છે. આજે પણ વંશ વધારવાના અડબોડ ઓઠા હેઠળ હૈયાની હેલી હાંસિયામાં ધકેલાઈ જાય છે. પુત્રમાં પેંડા ને પુત્રીથી પરેશાનીની વ્યામોહ વ્યાખ્યાના વર્તુળમાંથી આપણે બહાર નીકળીશું ખરા? સાત પગલાં આભાસના વળોટવા કોઈ વામનની પ્રતીક્ષા કરવી રહી. કોઈ પણ સર્જન કરવા માટે અને સામાન્ય જીવન જીવવા માટે પણ પુરુષને જેની જરૂર પડે એવા જ વાતાવરણની સ્ત્રીને પણ જરૂર પડે. પોતાનો કહેવાય એવો એક ખંડ કે ખૂણો, થોડી શાંતિ, થોડો સમય, થોડું એકાંત એક સ્ત્રી ઈચ્છે તો એ જરાય અજુગતી વાત નથી. દરેક પુરુષ કે સમાજના ઠેકેદારોના ત્રાજવે જોખાયા કરતી અને પળેપળ એમના માપદંડો પ્રમાણે અનુત્તીર્ણ થતી વર્જિનિયા વુલ્ફ જેવી સર્જક સ્ત્રી અનુભવે છે કે ‘The eyes of others our prisons; their thoughts our cages’. પરંતુ સૃષ્ટિના સર્જન માટે કેન્દ્રરૂપ એવી કોઈ પણ સ્ત્રીનો કોઈ દેશ હોતો નથી. એ કોઈ દેશની જાગીર બનવા માગતી પણ નથી. સમગ્ર દુનિયા જ એનો દેશ છે. નારીને પોતાનું એક આકાશ જોઈએ છે, જેમાં એ ઊડવા ચહે છે, ક્ષિતિજની પેલે પાર... મહાત્મા ગાંધીએ કહ્યું છે: ‘પોતાની જાતને ઘસી નાખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે’. આવજો... કોઈ પણ વ્યક્તિ એક નદીમાં બે વાર પગ મૂકી શકતું નથી... - હેરાક્લિટસ
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:પોતાના માટે શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવો
    Next Article
    અમલપિયાલી:પ્રકાશ એ ઉછીનું સત્ય છે, શાશ્વત તો અંધકાર જ છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment