Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:આપણે સ્વતંત્રપણે જે નિર્ણય લઇએ છીએ, તે નિર્ણય પણ ખરેખર આપણો હોય છે ખરો?

    1 week ago

    અસ્તિત્વવાદી સાર્ત્ર ‘ચોઇસ’ પર ભાર મૂકનારો દાર્શનિક હતો. જીવનમાં ચલણ કઇ વાતનું છે? પસંદગીનું કે પછી પસંદગીવિહીનતા (ચોઇસલેસનેસ)નું? પ્રક્ષિપ્ત માણસ પાસે કઇ પસંદગી બચે છે? માનવી લગભગ સંજોગોના ષડયંત્રનો બજાણિયો હોય એ રીતે વર્તે છે. એ દોરડા પર નાચે તો છે પરંતુ સંગીત વગાડનાર કોઇ બીજું જ હોય છે. જીવન ક્યારેક એક વિરાટ લાચારી, એ મેગ્નિફિશન્ટ હેલ્પલેસનેસ હોય એવું પણ લાગે. પોતીકી રીતે જીવવાની સ્વતંત્રતા એ માણસનું શમણું છે, લાચારી તો ખડકાળી વાસ્તવિકતા છે. મનોવિજ્ઞાની પ્રોફેસર બી. એફ. સ્કિનરનું પુસ્તક ‘બિયોન્ડ ડિગ્નિટી એન્ડ ફ્રીડમ’ પ્રગટ થયું ત્યારે એમને રશિયાતરફી ગણીની અમેરિકનોએ ભાંડેલા. પુસ્તકનો સાર એક જ વાક્ય આપી શકાય તેમ છે: માનવીય ગૌરવ અને મુક્તિની વાતો કરનારા માણસના હાથમાં કશું જ નથી. વાત જ નીકળી છે તો ઉમેરવું પડે કે આ મનોવિજ્ઞાનીએ એક નવલકથા પણ લખી છે, જેનું મથા‌ળું છે: ‘વોલ્ડન-2’. મથાળું થોરોના પુસ્તક ‘વોલ્ડન’ પરથી ઉછીનું લીધેલું છે. થોરોના ચાહકોને આ પુસ્તક વાંચવું ગમશે. રોકડી લાચારીની વાત પર પાછા આવીએ. આ લાચારી ટાળી ટળે તેમ નથી. મૃત્યુ ન ટળે અને લાચારી પણ ન ટળે. મૃત્યુ પોતે જ માણસને માથે મારવામાં આવેલી ભયાનક લાચારી છે. નરસિંહ મહેતાનું પ્રભાતિયું આપણી લાચારીને ઉર્ધ્વમૂલ બનાવનારું છે અને તેથી આશ્વાસન આપનારું પણ છે: આપણો ચિંતવ્યો અર્થ કાંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો. *** નીપજે નરથી તો કોઇ ન રહે દુ:ખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે. ગીતાના અઢારમા અધ્યાયને અંતે પ્રગટ થતી શરણાગતિ અને ઇસ્લામના હાર્દમાં રહેલી શરણાગતિ તો વિરાટ માનવીય લાચારીમાંથી પ્રગટેલા ડહાપણનું ધર્મમૂલક આરોહણ છે. બધી વાતનો સાર છે: માનવની સમક્ષ છતી થતી પસંદગીવિહીનતા. સ્વભાવે દાર્શનિક એવા મિલાન કુન્ડેરાના પુસ્તકનું મથાળું છે: ‘ધ અનબેરેબલ લાઇટનેસ ઓફ બીઇંગ.’ આ માણસે નવલકથાના ક્ષેત્રે નવોન્મેષ પ્રગટાવ્યો હતો. તેમની નવલકથા ફિલસૂફીનું કોઇ મોટું થોથું નથી. ચેકોસ્વોલેકિયામાં 1929માં જન્મેલા મિલાન કુન્ડેરાએ પ્રથમ નવલકથા ‘ધ જોક’ લખી હતીય 1968ની વસંતમાં પ્રેગના રાજમાર્ગો પર રશિયન ટેન્કો ઘૂમી વળેલી અને મુક્તિની ચળવળ પર હિંસક સ્ટીમરોલર ફરી વળેલું. એ દિવસોમાં આ નવલકથા ઇતિહાસ સર્જી ગયેલી. 1975 પછી કુન્ડેરા ફ્રાન્સમાં સ્થિર થયા. ‘ધ અનબેરેલ લાઇટનેસ ઓફ બીઇંગ’માં એક જગ્યાએ તેઓ લખે છે: ‘માનવીને જીવવાની તક ફક્ત એક જ વાર મળે છે. આપણો કયો નિર્ણય સારો અને કયો નઠારો તે નક્કી કરવાનું મુશ્કેલ છે. જે તે પરિસ્થિતિમાં આપણે કેવળ એક જ નિર્ણય લઇ શકીએ છીએ તેથી નિર્ણય સારો કે ખરાબ તે નક્કી કરવાનું મુશ્કેલ બની જાય છે. વિવિધ નિર્ણયો અંગે સરખામણી કરવા માટે આપણને બીજી, ત્રીજી કે ચોથી જિંદગી મળતી નથી. આ બાબતમાં વ્યક્તિની જિંદગી અને ઇતિહાસ સરખાં જ ગણાય.’ મિલાન કુન્ડેરા, નિર્ણયની સરખામણી અશક્ય છે એવી વાત કરે છે. વાત વાજબી છે, પરંતુ મૂળભૂત પ્રશ્ન બીજો છે. આપણે જે નિર્ણય સ્વતંત્રપણે લઇએ છીએ તે નિર્ણય પણ ખરેખર આપણો નિર્ણય હોય છે ખરો? જીવનનાં વહેણ વમળ પર આપણો કોઇ જ કાબૂ ન હોય ત્યારે પ્રવાહમાં કોઇ સમયદ્વીપ પર ઊભાં રહીને જે નિર્ણય લેવાય તે વાસ્તવમાં આપણો નથી હોતો, પરંતુ આપણી આસપાસ ચકરાતાં પરિબળોને કારણે આપણને જડેલો પરિસ્થિતિજન્ય નિર્ણય હોય છે. આપણે કોઇ નિર્ણય લેતા નથી, નિર્ણય આપણા દ્વારા લેવાતો હોય છે. કહેવાતી પસંદગી આપણું આશ્વાસન છે, આપણો અધિકાર નથી. આ જગતમાં ધર્મથી ચડિયાતું બીજું આશ્વાસન જડવું મુશ્કેલ છે. ભગવાનથી ચડિયાતું ટ્રાન્ક્વિલાઇઝર હજી માણસને જડ્યું નથી. દરદીના આશ્વાસન ખાતર જ ડૉક્ટર પ્લેસીબોની આશ્વાસક ગોળી આપે છે. ધર્મગુરુઓ સદીઓથી આ જ કામ કરતા આવ્યા છે. છેલ્લી માંદગી લંબાઇ જાય અને પથારીની દુનિયા આકરી લાગે ત્યારે નાસ્તિકો વધારે દુ:ખી થાય છે. ટ્રાન્ક્વિલાઇઝર ગેરહાજર છે. ભગવાનના હોવાની ભ્રમણા ભલે રહી, એને ભોંયભેગી કરવામાં ભારે જોખમ છે. મંદિર, મસ્જિદ, દેવળ કે દેરાસરને કોઇ કોન્સોલેશન ક્લિનિક કહીને વગોવે તો તેની સામે વાંધો લેવાનું જરૂરી નથી. શાર્ક માછલીનાં જડબાં જેવી લાચારી ભયાનક છે. માણસ ટકી રહેવા માગે છે અને ટકી રહેવા માટે મથવાની સ્વતંત્રતા તો એની પાસે બચેલી જ છે. વાતો વાંચીને તમ્મર ચડે તેવું છે. મલેશિયામાં પેનાંગથી માંડ વીસેક મિનિટ છેટે વિશ્વનું એક અનોખું ઉપવન આવેલું છે. એ ઉપવનમાં કેવળ પંતગિયાંઓની આણ છે. ખાસ સર્જવામાં આવેલા અનુકૂળ પર્યાવરણમાં પતંગિયાંઓનો ઉછેર કરવામાં આવે છે. હજારો પતંગિયાંઓનું આ ઉપવન દુનિયાનું આ પ્રકારનું પ્રથમ ઉપવન છે. જોકે, પતંગિયાંના ઉપવનમાં કોઇ માણસ એકલો જાય તે ન શોભે. આ ઉપવનમાં પ્રવેશ્યા પછી નિર્ણય, પસંદગી, પસંદગીવિહીનતા અને લાચારી જેવા શબ્દો ખરી પડે એમ બને. પછી કદાચ એક જ ચીજ બચે. એ છે આપણા હોવાની અસહ્ય હળવાશ. કુન્ડેરા હળવાશને અસહ્ય કેમ કહે છે? એક જ જવાબ જડે છે, જે ખોટો હોવાનો પૂરો સંભવ છે. હળવાશની ટેવ છૂટી જાય પછી હળ‌‌વાશ પણ અસહ્ય બની રહે એમ બને. પાઘડીનો વળ છેડે મધ્ય આફ્રિકાની કોઇ આદિવાસી વસાહતમાં હજી હોવાની, બીઇંગની હળવાશ બચી છે. એ હળવાશનો ચહેરો જોવો છે? આફ્રિકાના એક આદિવાસીને મગર તાણી ગયો અને પછી એને ફાડી ખાધો. એ આદિવાસી ભાઇએ હસતાં હસતાં બીજા લોકોને આ વાત કરી અને જણાવ્યું, ‘નદીમાં એ ગ્યો’તો, તે મગર ખાઇ ગ્યો!’ મૃત્યુ મરી ગયું રે લોલ!
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:કિલ્લાઓમાં પત્થરો ભૂત ઊભા કરે છે!
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:હાઇબ્રિડ ધુળેટીના ઝાંખા રંગ…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment