Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:પૂછો: તમારા જીવનમાં મહત્ત્વના પુરુષને...

    1 week ago

    આજે, વુમન્સ ડેના દિવસે પુરુષોને કેટલાક સવાલ પૂછવા છે? એમની પત્ની, પ્રેમિકા, મા, દીકરી, બહેનની ચપ્પલની સાઈઝ શું છે? એમનો ફેવરિટ રંગ કયો છે? એમને સૌથી વધારે શું ભાવે છે? એમની ચાઈલ્ડહુડ બહેનપણીનું નામ શું? એમને સ્કૂલમાં કોઈ છોકરો ગમતો હતો? આજે એમને કોઈ ગમે છે? કોઈ ક્રશ છે? એમનું એક છૂપું સપનું ખબર છે તમને, જે એમણે કોઈને ન કહ્યું હોય... પણ તમે જાણી લીધું હોય! એમનો શોખ શું છે? એમને તમારી કઈ વાત સૌથી વધુ ગમે છે, અને કઈ વાત સૌથી વધુ અણગમતી છે? તમારી પત્ની કે પ્રેમિકાના અંતઃવસ્ત્રની સાઈઝ કે પસંદગી વિશે તમે કંઈ જાણો છો? દીકરીને પિરિયડ્સ શરૂ થયા, પત્નીને મેનોપોઝ આવ્યો કે બહેન, પ્રેમિકાને એ દિવસોમાં તકલીફ થાય ત્યારે તમે સહાનુભૂતિ કે સમજણથી એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે? પત્ની કે પ્રેમિકા સહજ અને નિર્દોષભાવે એના પુરુષમિત્રની ઓળખાણ કરાવી શકે? તમે એની સાથે સરળતાથી વર્તી શકો? દીકરીના પુરુષમિત્રો – ક્લાસમાં ભણતા છોકરાઓ વિશે એ તમારી સાથે વાત કરી શકે? દીકરીને જો કોઈ છોકરો ગમતો હોય તો એ તમને કહી શકે ખરી? તમે જજમેન્ટલ થયા વગર, છોકરાની જ્ઞાતિ કે ઈકોનોમિકલ સ્ટેટસ પૂછ્યા વગર દીકરી સાથે એ છોકરા વિશે વાત કરી શકો ખરા? પત્નીના પિયરપક્ષ વિશે તમે જો અણગમો વ્યક્ત કરતા હો, તો એટલી જ સહજતાથી એ જ્યારે પોતાના શ્વસુરપક્ષ વિશે કંઈ કહે ત્યારે તમે સાંભળી શકો ખરા? કમાતી પત્ની જ્યારે તમને હિસાબ પૂછે – સહજ રીતે, ત્યારે તમે ચિડાયા કે અકળાયા વગર ખર્ચેલા પૈસાનો હિસાબ આપી શકો? પત્નીના ડ્રાઈવિંગ વિશે ભૂલ કાઢ્યા વગર એની બાજુમાં બેસીને પ્રવાસ કરી શકો? જીવનભર જેણે ઘર, સંતાનો અને પરિવારને સાચવ્યા છે એવી પત્ની કોઈ દિવસ મગજ ગુમાવે – કારણ વગર ગુસ્સો કરે, સંતાનોની સામે તમને કંઈ એવું કહી બેસે જે ખૂબ જ અણગમતું કે અપમાનજનક લાગે, તો... શું કરશો? સામે મગજ ગુમાવશો/એને ચૂપ કરી દેશો/અબોલા લઈ લેશો/માફી માગવાની ફરજ પાડશો કે એનો આજનો દિવસ ખરાબ હશે એમ વિચારીને એને થોડો સમય શાંત થવા દેશો? એનો મૂડ કેમ ખરાબ છે, એ વિશે સ્નેહ અને સમજદારીથી પૂછીને એનો મૂડ સારો કરવાનો પ્રયત્ન કરશો... તમારી મા જ્યારે પોતાના નિરર્થક જીવન વિશે ફરિયાદ કરે ત્યારે તમે એને ચૂપ કરવાનો પ્રયત્ન કરો છો કે ધીરજથી સાંભળો છો? રેસ્ટોરન્ટમાં એના સ્વાદની પસંદગી, સાડીમાં એની પસંદગી કે ઘરના કોઈ પ્રસંગમાં એનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો છે? તમારી પ્રેમિકા ક્યારેક ‘બ્રેકઅપ’ની વાત કરે તો તમે શું કરો છો? તરત સ્વીકારી લો છો/ગુસ્સે થઈને એને ધમકી આપો છો/એની ભૂલોનું લાંબુલચક લિસ્ટ એને સંભળાવા લાગો છો કે શાંતિથી, સ્નેહથી એને આવતીકાલે આ વિષય પર વાત કરવાનું કહો છો? એને તમારા વિશે શું નથી ગમતું એ જાણવાનો પ્રયત્ન કરીને સ્વયંને થોડા બદલવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરો છો? છેલ્લો સવાલ, પત્ની, પ્રેમિકા, મા, બહેન કે દીકરી... તમારી મજાક ઉડાવે, તમારી કોઈક હાસ્યાસ્પદ ટેવો કે પ્રસંગ વિશે કોઈ અન્યને વાત કરે, હસે ત્યારે તમે સાથે હસી શકો છો? આવા અનેક સવાલો છે, પરંતુ જો તમે ફક્ત આટલા જ સવાલોના સાચા જવાબ આપી શકો – તમારા જીવનની તમામ સ્ત્રીઓ વિશે, તો તમે સ્ત્રી સશક્તિકરણને સમજ્યા છો, સ્વીકાર્યું છે અને જીવનમાં ઉતાર્યું છે... જો તમે આમાંના એકપણ સવાલનો જવાબ ન આપી શકો, તો તમે ગમે તેટલા હેન્ડસમ, ચાર્મર કે સફળ હોવ તો પણ સ્ત્રીના મનને-દિલને સમજી શક્યા નથી. એથી આગળ વધીને તમે જે જવાબ આપો એ સાચો જ છે, એવું સ્વીકારવાની તમારા જીવનની સ્ત્રીને ફરજ પાડો કે એ તમારા ગુસ્સાથી, અણગમાથી ડરીને તમે જે કહો છો તે જ સાચું છે એવું કહીને વાત પૂરી કરે તો તમે એક મેલશોવેનિસ્ટ છો. બદલાતા સમય સાથે તમે બદલાઈ શક્યા નથી. તમે હજી એ જ પુરાણા પૈતૃક સત્તામાં જીવતા રૂઢિચુસ્ત અને જડ પુરુષ છો! આપણે સૌ જે સમાજમાં જીવી રહ્યા છીએ એમાં સ્ત્રી તો બદલાઈ ગઈ છે – માનસિક અને આર્થિક રીતે એનો વિકાસ થયો છે. એ ગાડી ચલાવે છે, પેન્ટ પહેરે છે, પોતાનું ઘર ખરીદે છે અને સિંગલ પેરેન્ટ તરીકે સંતાનનો ઉછેર પણ કરે છે, પરંતુ આ બદલાયેલી અને સ્વતંત્ર સ્ત્રી સાથે કેવી રીતે જીવવું એ આપણે આપણા સમાજના પુરુષોને શીખવી શક્યા નથી. પતિ જ્યારે પત્નીને વાસણ ધોવડાવે કે કચરો કાઢી નાખે ત્યારે માને આજે પણ ‘વહુઘેલો’ લાગે છે. દીકરો જ્યારે એની મા સાથે તીર્થયાત્રાએ જાય કે ઓફિસથી આવીને એક કલાક અનડિવાઈડેડ એની માને સમય આપે ત્યારે પત્નીને એ ‘માવડિયો’ લાગે છે... કામ કરતી, વ્યવસાયી પુત્રવધૂ ઘરે આવે ત્યારે સાસુ થોડું કામ કરી રાખે કે પુત્રવધૂ પોતાની કારકિર્દીમાં આગળ વધી શકે એ માટે સાસુ એના સંતાનોને સાચવે ત્યારે ભાગ્યે જ ફરિયાદ કર્યા વગર કે અકળાયા વગર આ કામ કરી શકે છે. પંચાવન-સાઠ વર્ષની સાસુ પોતાની બહેનપણીઓ સાથે બહારગામ ફરવા જાય, દુનિયા જુએ કે પાર્ટી કરે... પતિના બચાવેલા કે રિટાયરમેન્ટમાં મળેલા પૈસા મરજીથી ખર્ચ કરે તો પુત્ર અને પુત્રવધૂ બંને આ એક સરખા સ્નેહ અને આદરથી સ્વીકારે એવું ભાગ્યે જ બને છે. સાઠ વર્ષે સેક્સ મહત્ત્વનું નથી હોતું એવું સમજી શકતા ભણેલા-ગણેલા પુત્ર અને પુત્રી, પુત્રવધૂ અને જમાઈ બધા જ ‘સમાજ’નો ડર બતાવીને આ સ્વતંત્રતા છિનવી લેવાનો પ્રયત્ન કરે જ છે! અર્થ એ થયો, કે સાચો બદલાવ તો હજી આવ્યો જ નથી. વસ્ત્રો કે જીવનશૈલી બદલવાથી માનસિકતા બદલાઈ છે એવું પુરવાર નહીં જ થઈ શકે. આપણે હજી પણ સ્ત્રી માટે બનાવેલી એક ઈમેજના કેદી છીએ. આદર્શ સ્ત્રી કેવી હોવી જોઈએ એને માટે આપણા મનમાં રહેલી છબીની બહાર જો કોઈ સ્ત્રી વર્તે, વિચારે કે વિરોધ કરે તો એને સજા કરતા સમાજનો હિસ્સો બનવામાં આપણને કોઈ વાંધો હોતો નથી. એક સ્ત્રી જ્યારે સશક્તિકરણની માગ કરે છે ત્યારે એ માત્ર વ્યક્તિત્વમાં નહીં, એના વિચારો પર રહેલા કન્ટ્રોલને પણ ચેલેન્જ કરે છે. આપણા સમાજમાં ચેલેન્જ કરતી, પ્રશ્ન પૂછતી, અધિકાર માગતી કે જૂના-પુરાણા રૂઢિચુસ્ત વિચારો અને રિવાજોનો વિરોધ કરતી સ્ત્રીને એકલી પાડી નાખવામાં આવે છે. સામે પક્ષે જે ટોળું એકઠું થાય છે એમાં સ્ત્રીઓ પણ હોય છે, એ કેટલી નવાઈની વાત છે! આવી સ્ત્રીઓનું ઉદાહરણ ન લેવાનું ઘરની ‘સંસ્કારી’ સ્ત્રીઓને કહેવામાં આવે છે... આ કહેનારા માત્ર પુરુષો નથી હોતા, સ્ત્રીઓ પણ હોય છે! ભાષણ કરવાથી, કાર્યક્રમો યોજવાથી, આધુનિક વસ્ત્રો પહેરીને પાર્ટી કરવાથી વુમન્સ ડેની ઉજવણી કરી લીધી, એમ માનતા સૌએ ઉપરનો લેખ વાંચવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર:દેશની માતૃભાષા સંસ્કૃત કેમ નથી?
    Next Article
    માનસ દર્શન:સાત અપરાધથી બચવું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment