Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:સાત અપરાધથી બચવું

    1 week ago

    આપણે જીવ છીએ. આપણામાં બહુ કમજોરીઓ હોય છે; આપણને દેખાતી નથી તે વાત જુદી છે. આપણને આપણી કમજોરી દેખાય નહીં એ ખોટનો ધંધો અને બીજું કે જેને દેખાય તેની વાતને આપણે સ્વીકારીએ નહીં! એવા સમયે હું સ્પષ્ટતા કરું કે સાત અપરાધથી બચવું. એક, કોઈ દિવસ કોઈની સાધનાનો અપરાધ ન કરવો. મુસ્લિમ ભાઈઓ એની રીતે સાધના કરે; એ રોજ પાંચ સમયની નમાજ પઢે છે, તો મારી સનાતન વૈદિક પરંપરા જે પ્રવાહમાન છે, તે કોઈ ખાબોચિયું નથી. જેનો સિદ્ધાંત ગગનસિદ્ધાંત છે, તે પંચદેવની પૂજા કરે છે. ગણેશ, દુર્ગા, વિષ્ણુ, ભગવાન શિવ અને ભગવાન ભાસ્કર. ઈસાઈ લોકો એની રીતે સાધના કરે. બુદ્ધ ભગવાનના માર્ગે ચાલનારા, મહાવીરના માર્ગે ચાલનારા અથવા જે કોઈ પણ હોય એ એની રીતે સાધના કરે, મુબારક. નમાજ પઢવાથી શું થાય ને પાંચદેવને પઢવાથી શું થાય? `બુદ્ધં શરણં ગચ્છામિ’થી શું થાય ને `નમો અરિહંતાણં.’ બોલવાથી શું થાય, એમ કહીને કોઈની સાધનાનો અપરાધ ન કરવો. તો કોઈની સાધનાનો અપરાધ ન કરવો. કોઈના સાધનનો અપરાધ ન કરાય. સૌનાં સાધનાનાં સાધન જુદાં હોય. કોઈ માળા પર જપ કરે, કોઈ આંગળી પર જપ કરે, કોઈ માનસી જપ કરે, સૌનું સાધન અલગ અલગ છે. જેને જે સુલભ પડે તે સાધન અપનાવે. કોઈના મંત્રનો અપરાધ ન કરવો. એ મંત્ર વૈદિક હોવો જોઈએ. જે ઋષિની વાણીમાં સત્ય હોય અને જે મુનિની વાણીમાં સ્વાભાવિક મૌન હોય એને ઊતરેલું એ પરમ સત્ય હોય છે. એટલે ઋષિઓને મંત્રદૃષ્ટા કહ્યા છે. કોઈના સૂત્રનો અપરાધ ન કરવો. સૂત્ર એટલે સાંખ્યસૂત્ર, ન્યાયસૂત્ર, યોગસૂત્ર, ભક્તિસૂત્ર, ધર્મસૂત્ર, કલ્પસૂત્ર. જોડી કાઢેલાં સમીકરણોને સૂત્રો ન કહેવાય. આપણાં આદિ-અનાદિ સૂત્રો, વૈદિક સૂત્રોમાં હું ને તમે વસુંધરાના મણકાઓ તેમાં પરોવાયેલાં છીએ. સૂત્ર એટલે ધાગો. ભક્તોને `સૂત્ર’ શબ્દ બહુ અઘરો પડ્યો, કારણ કે સૂત્ર વૈદિક છે. ભક્તોને સમજાયું હશે પણ તેમને જેની પાસે આ વાત પહોંચાડવી છે તે સમાજને કદાચ લાગે કે સૂત્ર સૂત્ર શું થઈ રહ્યું છે? એટલે તેને ધાગો કહ્યો,; દોરો કહ્યો. તુલસીદાસજી કહે છે, આ બધા જ ગ્રંથોના મણિને એકઠા કરીને અસ્તિત્વના ગળામાં જે મણિઓની માળા છે, તેનો જે ધાગો છે તે `રામચરિતમાનસ’ છે. કોઈના શસ્ત્રનો અપરાધ ન કરવો. ભગવાન રામને ધનુષબાણ લેવા પડ્યાં જગતને સરખું કરવા માટે. રામનાં ધનુષબાણનો અપરાધ ન કરો. કૃષ્ણએ સુદર્શન ચક્ર ફેરવવું પડ્યું. બધું પ્રસાદક છે, સમજજો. જગદંબાના ત્રિશૂલની ટીકા થાય? મહાદેવના ત્રિશૂલની ટીકા થાય? બધી દેવીઓ શસ્ત્રો લઈ લઈને બેઠી છે. કોઈનાં શસ્ત્રનો અપરાધ ન કરવો. ભારતીય પરમ દેવીઓ, પરમ દેવતાઓ, આદિ દેવતાઓના હાથમાં જે શસ્ત્ર છે તેની આલોચના ન કરવી. નામ તો જુઓ! તેનાં નામ જોઈને આલોચના કરતાં બંધ થઈ જઈએ. `સુદર્શન’, નામ તો જુઓ! સુદર્શન ચકરડું હાથમાં લઈને તમે કેટલાને મારી શકો? પણ તમારામાં તાકાત હોય ,તમારી આંખ ભજનથી ભરેલી હોય તે આંખોથી તમે દર્શન આપો તો જગત ધન્ય થઈ જાય, તે સુદર્શન છે. જેને ચારે બાજુ દેખાય છે, જેને કાંઈ અણદેખ્યું નથી, જેને કોઈ અછૂત અને તિરસ્કૃત નથી, જેની આંખ બધે જ ફરે છે તે સુદર્શન. શાસ્ત્રનો અપરાધ ન કરવો. શાસ્ત્ર એટલે જે ખટ્દર્શનો છે તે. વેદ પરંપરામાં જે આવે છે તે. દેશમાં વિદ્વાનો વેચાય છે! અને હું ધારું તેવું લખાવી દઉં કે આ તમે લખી દો તો તે શાસ્ત્રો વેચ્યાં કહેવાય! એની નોંધ `રામચરિતમાનસ’માં છે. `અયોધ્યાકાંડ’માં લખ્યું છે કે ભરતજીએ આંખમાં આંસુ સાથે કીધું કે હે મા કૌશલ્યા, રામ વન જાય અને મને રાજ્ય મળે તેવું મેં જો ક્યારેય કૈકેયીને કહ્યું હોય તો એ પાપ મને લાગે. `બેચહિ બેદ ધરમુ દુહિ લેહીં.’ વેદ વેચવાનું અને ધર્મનું શોષણ કરવાનું પાપ લાગે. શાસ્ત્રો એટલે મૂળ ધારાઓ, સનાતન શાસ્ત્રો, તેનો અપરાધ ન કરવો. સાતમો અપરાધ તો મારે ને તમારે બહુ ધ્યાન રાખવું કે નિરપરાધીને અપરાધી ઘોષિત ન કરવો, નહીંતર પછી નાગણીઓ પસ્તાવો કરે છે તેવો પસ્તાવો થાય. નરસિંહ મહેતા કહી ગયા: નાગણ સહુ વિલાપ કરે છે, છોડો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. અમે અપરાધી સમજી ન શક્યા ભગવાનને! આ તો મહેતાનાં વચન છે, પણ મહેતા પછી ગોસ્વામીજી આવ્યા, તેમણે વળી એવું કહ્યું, `અનુચિત બહુત કહેઉં અગ્યાતા.’ પરશુરામજી કહે છે, રામ-લક્ષ્મણ, અજ્ઞાનતાને લીધે મેં તમને બહુ અઘટિત કહી દીધું, પણ `છમહુ છમામંદિર દોઉ ભ્રાતા.’ મહેતાને છસો વર્ષ અને તુલસીને પાંચસો વર્ષ થયાં. પાંચ હજાર વર્ષ પહેલાં જઈએ તો અર્જુન બોલ્યો છે `ગીતા’માં કે અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ. તમારો મહિમા હું જાણી શક્યો નહીં તેથી તમે મને ક્ષમા કરો. `માનસ’ની ચોપાઈ છે: કૌસિક કહા છમિઅ અપરાધૂ બાલ દોષ ગુન ગુનહિં ન સાધૂ. સાધુ કોણ? સીધી સાધુની વ્યાખ્યા છે, પ્રસાદક રીતે. બાળક કાંઈક બોલી નાખે તો સાધુપુરુષ તેને ગણતરીમાં ન લે. પણ ઉંમરને લીધે જ બાળક હોય તેવું અહીંયા નથી. બુદ્ધિને લીધે પણ બાળક ગણાય. બુદ્ધિને લીધે જેનામાં બાલીશતા આવી ગઈ હોય તે કાંઈક બોલે તો સાધુપુરુષ તેને ગણતરીમાં નથી લેતા. વિશ્વામિત્રજી કહે છે, ‘મહારાજ, બાળક છે. બાળકના દોષ સાધુ ગણતરીમાં નથી લેતા.’ અહીં સીધી સાધુની પરિભાષા છે. (સંકલનઃ નીતિન વડગામા)
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:પૂછો: તમારા જીવનમાં મહત્ત્વના પુરુષને...
    Next Article
    ડૂબકી:નવી ક્ષિતિજ પર જીવનનો ઉદય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment