Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાગ બિન્દાસ:નિઃશબ્દ નાયિકાઓ: સ્ત્રી સંવેદનાનાં સરનામાં

    1 week ago

    ટાઇટલ્સ: કેટલીક વાતોના અવાજ વિના પડઘા પડે. (છેલવાણી) ‘આપવાથી આપનારનો આત્મા હળવો બને છે.’ - માયા એન્જેલો *** ‘પ્રેમનું બીજું નામ જ સેવા છે.’ - મધર ટેરેસા *** તમે વૃદ્ધ પ્રેમાળ દાદીની મુઠ્ઠીમાં ચૂંથાયેલો રૂમાલ જોયો છે? એમાંથી એ એક પછી એક ઘડીઓ ખૂલતી જાયને અંદરથી માત્ર એક જ રૂપિયો નીકળે ને એ પોતાના પૌત્ર કે પૌત્રીને પ્રેમથી આપે.. એ સિક્કાની કિંમત કરોડોથી વધુ કે કદાચ અણમોલ છે. સૂની ડેલીમાં સંતાન માટે રાહ જોતી માની આંખોમાંથી ટપકતા આંસુઓમાં સેંકડો સુમદ્રથી વધુ ગહેરાઇ હોય છે. પોતાનું બધેબધું પોતાનાંઓને આપીને રાજી થતી સ્ત્રીનાં મનના હાશકારામાં કરોડો કુબેરોના ખજાનાથી વધુ ઐશ્વર્ય હોય છે. માન્યું કે આ દોલત, પૈસાટકા માલમત્તાથી ચાલતી દુનિયામાં કેટલીક સ્ત્રીઓને ધનવૈભવ વારસામાં મળે છે તો કેટલીક સ્ત્રીઓને માથે માત્ર કમરતોડ જવાબદારી ને સંઘર્ષ જ મળે છે. પણ ઘણીવાર આ ફરક દોલતથી નહીં પણ દિલથી સમજાય છે. કેટલીક સ્ત્રીઓ જીવનભર ચૂપચાપ બધું સહન કરે છે તો કોઇ જૂનવાણી પરંપરાઓને પડકારીને સમાજને બદલે છે, પણ અમુક સ્ત્રીઓ તો કોઈ ઢંઢેરા કે શોરથી વિના ખામોશ કદમે બદલાવ લાવે છે. જેની અસર અદૃશ્ય અજોડ હોય છે. તમિલનાડુના કોઇ ગામમાં વૃદ્ધ શાકવાળી સવારથી સાંજ સુધી રસ્તે રસ્તે શાક વેચતી. વરસો સુધી સોજ સાંજે ઘરે જઈ સિક્કા ગણે. એક દિવસ એણે પોતાની જીવનભરની આખી બચત, લગભગ એક કરોડ રૂપિયા, ગામની સરકારી શાળાને આપી દીધી. કારણ? એ ગામની સ્કૂલની છત કાયમ વરસાદમાં ટપકતી જેની નીચે ગરીબ બાળકો ભણતાં. એ શાકવાળી પોતે તો અભણ હતી પણ એને શિક્ષણના મહત્ત્વની સમજ હતી. તો એણે શાળાની છત માટે જીવનભરની બચત આપી દીધી એટલું જ નહીં પણ સ્કૂલના મકાનને પોતાનું નામ આપવાનીય ચોખ્ખી ના પાડી! તો વળી પ. બંગાળમાં એક શિક્ષિકાએ પ્રોવિડન્ટ ફંડ ગામની દીકરીઓના ભણતર માટે ચૂપચાપ આપી દીધું, કારણ કે એ ટીચરે અનેક છોકરીઓને ફીના અભાવે ભણતર છોડતી જોઇ હતી. એ શિક્ષિકા ખૂબ ધનવાન નહોતી પણ છોકરીઓ જ્ઞાન મેળવે એ જ એની સાચી કમાણી હતી. ઇન્ટરવલ સુખી માનવ, ‘એ’ સૌ ચંચળ દશાનું રૂપ સમજે છે, દુ:ખીઓની દયા ખાજે નહીં કિંતુ દયા લેજે. (બેફામ) આમ તો આવા કિસ્સા થોડા દિવસ ચર્ચાય, પછી એની એ ફોન પર રીલ્સ, નફરતી રાજકીય સમાચારો શોરમાં ભુલાઈ જાય, પણ આવા શાંત સમર્પણની ફિંગરપ્રિન્ટ જીવનમાં ભણીગણીને આગળ વધતી દીકરીઓમાં આજન્મ જોવા મળે છે. કદાચ પોતાની મરણમૂડી જેવી બચત, સર્વસ્વ આપી દઇને કોઇનું જીવન સુધારવું એક મૌન માતૃત્વ છે. ‘મારી પાસે જે છે, તે માત્ર મારું નથી’ એવી સહજ સંવેદના છે. આવા કિસ્સાઓ વાંચી મરીઝસાહેબનો શેર યાદ આવે: ‘દુનિયામાં એને શોધ, ઇતિહાસમાં ન જો, ફરતા રહે છે કઇંક પયગંબર કહ્યા વિના.’ ફેબ્રુઆરી, 2024માં આવી જ પૈગંબરી અવસ્થાવાળી હસ્તીએ મતલબી દુનિયામાં મૂંગે મોઢે અદભુત કામ કર્યું. 93 વર્ષની રુથ ગોટ્સમેને અમેરિકાના બ્રોન્ક્સ જિલ્લામાં આવેલી ‘એલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઑફ મેડિસિન’માં એક અબજ રૂપિયા (એક બિલિયન ડોલર) આપી દીધા. એ રુથ ગોટ્સમેન કોઈ ધનવાન ઓરત કે બિઝનેસ વુમન નહોતી. લગભગ પચાસેક વર્ષ સુધી એ પણ ત્યાં શિક્ષિકા હતી. જે બાળકોને ભણવામાં તકલીફ પડતી એ સૌને માટે નવી નવી શિક્ષણ પદ્ધતિઓ એણે વિકસાવી, સાક્ષરતા કાર્યક્રમો વિકસાવ્યા કર્યાં. રુથનું જીવન પોતાની બચતના પૈસા ઇન્વેસ્ટ કરીને ઇન્ટેરેસ્ટ કમાવામાં નહીં, બાળકોમાં ઇન્ટરેસ્ટ લેવામાં વીત્યું. 2022માં રુથના પતિ સેન્ડીનું અવસાન થયું. તેઓ વૉરેન બફેટની ‘બર્કશાયર હેથવે કંપની’માં શરૂઆતના રોકાણકાર હતા. રુથને આની ખબર પણ નહોતી પણ પતિ ગુજરી ગયા બાદ તેને ઘણી સંપત્તિ મળી. એ સમયે મેડિકલના વિદ્યાર્થીઓને ભણવા માટે બે લાખ ડોલર સુધીનું દેવું લેવું પડતું. રુથબહેન થયું કે યુવાનોને આ શૈક્ષણિક કરજના ભારમાંથી મુક્ત કરવા જોઇએ. બ્રોન્ક્સ જેવા પછાત વિસ્તારોમાં, જ્યાં આરોગ્યની સમસ્યાઓ ગંભીર હતી. રુથે એ સમસસ્યાની સમૂળગી દિશા બદલી નાખી. એણે એક અબજ રૂપિયા દાનમાં આપી વિદ્યાર્થીઓની લોન ચૂકવી ને કાયમ માટે ફી ન ભરવી પડે એવી વ્યવસ્થા કરી આપી! હવે વિદ્યાર્થીઓ દેવાનાં ભાર વિના ભણશે. ડૉક્ટર બનશે, પરંતુ માત્ર કમાણી માટે નહીં પણ સેવા માટે. વળી, રુથે પણ પોતાનું નામ એ કોલેજને આપવાની વાત નકારી દીધી. રુથે કહ્યું, ‘મને કોલેજની ઇમારત પર મારા નામના અક્ષર નથી જોઈતા, યુવાનોના ભવિષ્યના હસ્તાક્ષર જોઈએ છે.’ જરા કલ્પના કરો, જેમ એક મા પોતાના સંતાનને કહે, ‘જા બેટા, પૈસાની ચિંતા વિના બસ ભણ.’ એમ રુથે તો હજારો વિદ્યાર્થીઓ માટે આવું કરી દેખાડ્યું. હવે દર વર્ષે સો જેટલા નવા વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશે છે. રુથે માત્ર દાન નહોતું આપ્યું, અનેક દરિદ્રોની દિશા બદલી નાખી. 93ની ઉંમરે એણે આરામ નહીં, જવાબદારી ઉપાડી. હતી તો એ શિક્ષિકા હતી અને સમાજને સાચી શીખ આપતી ગઇ. વેલ, આજે ‘મહિલા દિવસ’ છે. છાપાંમાં, સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આવશે, ઠેર ઠેર કાર્યક્રમો થશે, ભવ્ય ભાષણો થશે. ઘરેણાંઓ કે સાડીઓ ખરીદતી, મોંઘાં પરફ્યુમ કે પર્સ ખરીદતી, કિટી પાર્ટીઓમાં મહાલતી સ્ત્રીઓ કે સોશિયલ મીડિયામાં શોર મચાવતી સ્ત્રીઓ વચ્ચે અમુક આવી નારીઓ પણ છે જે ચૂપચાપ સમાજ માટે, સ્ત્રીઓ માટે કશુંક કરીને ઇતિહાસમાં અદૃશ્ય થઇ ઓગળી જાય છે. સલામ ને પ્રણામ, આવી નિઃશબ્દ નાયિકાઓને. એન્ડ ટાઇટલ્સ આદમ: મારે દાન દેવું છે. ઇવ: મને શાંતિનું દાન આપ તોય ઘણું.
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:સંગ જ સંજીવની…
    Next Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:કેચ છૂટ્યાની વેળા…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment