Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઇમલાઈન:‘હું ક્યાં છું? કોણ છે અહીં? કોણ રોકી રહ્યું છે મને?'

    1 week ago

    અક્ષર બાવડા, પ્રકરણ - 1 વડોદરાની વર્ષો જૂની સેન્ટ્રલ લાઇબ્રેરીના જર્જરિત થઈ ગયેલા દાદર પર ઉતાવળે મંડાયેલા પગલાં રિસેપ્શન પર પહોંચી અટકી ગયા, લગભગ હાંફ ચડી ગયો હતો એને પણ એની શ્વાસની એ વધતી ગતિને ધ્યાનમાં લીધા વગર એ યુવકે ત્યાં બેઠેલી લાઇબ્રેરિયનની સામે જોઇ એક હળવું સ્મિત આપ્યું ને પોતાના હાથમાં રહેલી બુક્સ ટેબલ પર જ મૂકી અંદર ચાલ્યો ગયો. લગભગ વીસેક મિનિટથી લાઇબ્રેરીનાં જુદાં જુદા કબાટ ફંફોસી રહેલા આ યુવાનના ધબકારા હવે સામાન્ય થઈ ચૂક્યા હતા અને થોડીવાર પછી એ ફરી રિસેપ્શન કાઉન્ટર પર આવીને ઊભો રહ્યો અને બોલી ઊઠ્યો, ‘મેમ.. હું એક પુસ્તક શોધી રહ્યો છું પણ મને મળી નથી રહ્યું.’ લાઇબ્રેરિયને તેની સામે જરા રૂઆબથી જોતા પૂછ્યું, ‘કયું પુસ્તક છે? એના ઑથર કોણ છે?’ વિગતો આપતા જ લાઇબ્રેરિયને પોતાના કમ્પ્યૂટર સૉફ્ટવેરમાં ડેટા એન્ટર કર્યો અને પોતાની જગ્યાએથી ઊઠીને લાઇબ્રેરીમાં લગભગ સાવ છેલ્લા ધૂળ ચઢી ગયેલા કબાટ તરફ ચાલવા માંડ્યું. યુવાન પણ લાઇબ્રેરિયન પાછળ દોરાયો. એક જૂના કબાટના હેન્ડલ પરથી ધૂળની ચાદર હટાવતા લાઇબ્રેરિયને કબાટ ખોલ્યો અને પુસ્તક શોધતા બોલી, ‘અમમ.. અહીંયાં જ ક્યાંક હોવું જોઈએ.’ અધીરાઈની બધી હદો વટાવતાં પેલો યુવાન બોલ્યો, ‘તો.. જલદી લાવો.’ ‘હા, હું તમારી ઉત્કંઠા સમજી શકું છું પણ આવાં પુસ્તકો સામાન્ય રીતે કોઈ વાંચતાં નથી હોતાં એટલે લાઇબ્રેરીમાં તેને છેલ્લે મૂકી દીધાં હોય છે. હું આટલાં વર્ષોથી અહીં છું મને યાદ નથી આવતું કે કોઈએ આ પુસ્તક માગ્યું હોય એટલે મારે પણ શોધવું પડશે. સૉફ્ટવેરની એન્ટ્રી પ્રમાણે તો આ પુસ્તક અહીં જ ક્યાંક હોવું જોઈએ.’ લાઇબ્રેરિયને કબાટમાં પડેલાં પુસ્તકોને આમતેમ ઊથલપાથલ કરી જોયાં અને એક ખૂબ જૂનું અને જાડું પુસ્તક કાઢીને પેલા યુવાનને આપ્યું. પુસ્તક જેવું એ યુવાનના હાથમાં આવ્યું કે તરત જ એના ચહેરા પર ઉમળકો છલકાઈ ઊઠ્યો ને એ સાથે જ અભિવાદન કરતા બોલી ઊઠ્યો, ‘થેન્ક યૂ! ફાઈનલી મને આ પુસ્તક મળી ગયું. વાંચીને હું તમને પાછું આપી જઈશ.’ ‘થેન્ક યૂની કોઈ જરૂર નથી.. આ મારું કામ છે.. તમારા જેવા વાંચનના કીડાઓ માટે ગમતું સાહિત્ય શોધી આપવાની મને પણ મજા આવે છે. ’ લાઇબ્રેરિયન મોઢા પર સ્મિત છલકાવતાં બોલી. પેલા યુવાને પુસ્તક પર પોતાની પકડ જરા વધુ કસી. પુસ્તક ઇસ્યુની એન્ટ્રી થાય ત્યાં સુધી પુસ્તક પર તેના હાથ ફરી રહ્યા હતા જે તેની આ પુસ્તકને વાંચવાની તાલાવેલી દર્શાવવા સક્ષમ હતા. પુસ્તક ઇસ્યુ થઈ જતાં જ એ યુવક ત્યાંથી ચાલ્યો ગયો. ઘરે પહોંચીને પોતાના રૂમમાં ભરાઈને જ્યારે યુવકે આ પુસ્તક ખોલ્યું ત્યારે એની આંખોની ચમક સાવ જુદી હતી. એક પછી એક પાનાં ફેરવતાં એ યુવાનના હાથ લગભગ ત્રીજા પાનાં પર આવીને અટકી ગયા અને એ પાને રહેલી એક તસવીર પર પોતાનો હાથ ફેરવતા બોલી ઊઠ્યો, ‘વાહ! અદભુત, અપ્રતિમ, મનમોહક ખરેખર ભગવાને તારું ઘડતર સમય લઈને કર્યું હશે.’ હજુ તો એ યુવાન આગળ કંઈ બોલે કે પુસ્તકનું પાનું પલટાવે એ પહેલા જ એ પુસ્તકમાંથી એક સુવર્ણ પ્રકાશ ઉદભવ્યો અને એ પ્રકાશે યુવાનને અચંબામાં મૂકી દીધો. જોતજોતામાં તો એ પ્રકાશ યુવકની આંખને આંજતો તેના આખા રૂમમાં ફેલાઈ ગયો. કલાકો સુધી સીધા સપાટ બેભાન પડી રહ્યા બાદ જ્યારે એ યુવાન ભાનમાં આવ્યો ત્યારે આંખ ખોલતા જ એની નજર એના માથે દેખાઈ રહેલા ભૂરા આકાશ પર પડી, ભરબપોર જેવા સૂર્યપ્રકાશના તેજથી એની આંખ અંજાઈ ગઈ, એ આંખ ચોળતો ઊભો થયો ત્યાં અન્ય એક આશ્ચર્ય એની રાહ જોઈ ઊભું હોય એમ અનેક નાનાંમોટાં આધુનિક વિમાનોને એણે હવામાં ઊડી રહેલાં જોયાં અને અમુક વિમાનો મોટા પત્થર ઊંચકીને ઇમારતનું નિર્માણ કરી રહ્યાં હોય એવું દેખાયું. આ જોતા જ એ યુવાન રીતસર ડઘાઈ ગયો. ‘પિરામિડ’ એ ચણાઈ રહેલી ઇમારત તરફ જોઈ એના હોઠ ફફડ્યા ને એ મનોમન વિચારવા લાગ્યો. ‘શું આ પિરામિડ છે? આઈ મીન પિરામિડનું નિર્માણ મારી આંખ સામે થઈ રહ્યું છે? શું આ નદી જે વહી રહી છે એ નાઇલ નદી છે?’ અનેક સવાલોના જવાબ શોધવા એના પગ એ ઇમારત તરફ આગળ વધ્યા, ઉતાવળે ચાલતા એ પગલાં અને આશ્ચર્યથી પહોળી થઇ ગયેલી આંખ સાથે એ યુવક આગળ વધ્યો ત્યાં જ જાણે કોઈ દીવાલ સાથે ભટકાયો હોય એમ ભટકાઈને જમીન પર પડ્યો! એને નવાઈ લાગી. ‘હું ક્યાં છું? કોણ છે અહીં? કોણ રોકી રહ્યું છે મને?’ એના શબ્દોમાં ગભરાટ અને ગુસ્સો બેઉ ભળી ગયા હતા ને એ સવાલોના જવાબ મળે એ પહેલાં જ એની આસપાસ અદૃશ્ય રૂપે બનેલી એ દીવાલો જાણે એનું મૂળ સ્વરૂપ લેવા માંડી! હવે તેની આસપાસ કાચની દીવાલો હતી. આ દીવાલોની રચના એટલી ઉત્કૃષ્ટ હતી કે તેમાંથી આરપાર જઈ શકવું લગભગ અશક્ય હતું. શરીર પ્રમાણે આકાર ધારણ કરીને આરામ આપવા માટે ડિઝાઈન થયેલો આધુનિક બેડ એની નજર સામે પ્રગટ થઈ ગયો પણ બહાર નીકળવાનો દરવાજો દેખાઈ રહ્યો નહોતો. બહાર જવાનો દરવાજો ન દેખાતા ફરી એ બરાડયો, ‘આ હું ક્યાં આવી ગયો? આ કેવી જગ્યા છે? પળવાર પહેલાં તો હું ભૂરા આકાશ નીચે હતો અચાનક મારી આસપાસ આ દીવાલો કઈ રીતે આવી ગઈ?’ મનોમન બબડી ચિંતાતુર બનીને યુવક આ કાચની દીવાલોમાંથી બહાર નીકળવા માટે રસ્તો શોધવા લાગ્યો પણ કોઈ જ રસ્તો ન મળતા ફરી એ તાડુક્યો, ‘કોણ લઈ આવ્યું મને અહીં?’ ‘હેલ્લો!’ અચાનક તેને એક યાંત્રિક અવાજ સંભળાયો. આ અવાજ સંભળાતા જ યુવાન ખૂબ ડરી ગયો અને આમતેમ જોવા લાગ્યો પણ આસપાસ કોઈ નહોતું અને ગભરાયેલા અવાજે બોલી ઊઠ્યો, ‘ક…કોણ…કોણ છે અહીં?..’ ‘કોણ છે તું અને અહીં કઈ રીતે આવ્યો?’ ફરી એ યાંત્રિક અજાણ્યો અવાજ પ્રશ્ન કરતા બોલ્યો. ‘ક..ક..કોણ બોલી રહ્યું છે?’ થોડા સમય સુધી તો કોઈ પણ અવાજ ન આવ્યો અને પછી અચાનક યાંત્રિક અવાજ ફરી આવ્યો, ‘હેય, મારું નામ ઍરિના છે. હું એક વર્ચ્યુઅલ આર્ટિફિશિયલ આસિસ્ટન્ટ છું. તારા વાઇટલ સ્કેન પરથી હું અંદાજો લગાવી શકું છું કે તારા હૃદયના ધબકારા 135 bpm છે અને તારા મોઢાના ભાવ પરથી હું કહી શકું છું કે તું ખૂબ જ ડરેલો છે. હું તારી શું મદદ કરી શકું?’ વર્ચ્યુઅલ આર્ટિફિશિયલ આસિસ્ટન્ટ સાંભળતાં જ પેલા યુવકે આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, ‘મ…મ…મારું નામ નીલ છે. હું તો એક પુસ્તક વાંચી રહ્યો હતો અને અચાનક એ પુસ્તકમાંથી સુવર્ણ પ્રકાશ ઉત્સર્જિત થયો અને જાણે કોઈ અદૃશ્ય શક્તિ મને ખેંચી રહી હોય એવું લાગ્યું, એ પછી શું થયું એ મને યાદ નથી.’ થોડા ગભરાયેલા અવાજે નીલે કહ્યું. ‘મને નથી ખબર કે આ બધું શું થઈ રહ્યું છે પણ મારે અહીંથી બહાર નીકળવું છે અને ઘરે જવું છે.’ નીલે ફરી ઉમેર્યું. ‘તું એમ અહીંથી બહાર નહીં જઈ શકે.’ ફરી એ યાંત્રિક અવાજ સંભળાયો. ‘અરે પણ હું છું ક્યાં, આ બધી ઇમારતો જોઈને તો એવું લાગે છે કે હું ઇજિપ્તની મિસ્ર સંસ્કૃતિ જેવી કોઈ જગ્યાએ પહોંચી ગયો છું.’ ‘ઇજિપ્ત જેવી જગ્યાએ નહીં, તું ઇજિપ્તમાં જ છે નીલ.’ ઍરિનાએ જવાબ આપ્યો. ‘પ્લીઝ, આ કોઈ પ્રેન્ક હોય તો સ્ટોપ ઇટ.. મને આવા કોઈ મજાક પસંદ નથી.’ ‘પ્રેન્ક? આવો કોઈ શબ્દ મારા ડેટાબેઝમાં નથી. હાલ, તું મિસ્ર સંસ્કૃતિના ઉન્નત એવા ઇજિપ્તમાં છે.’ થોડું વિચારતા નીલ સમજી ગયો કે આ કોઈ પ્રેન્ક નથી અને પોતે ખરેખર કોઈ અટપટી જગ્યાએ ફસાઈ ગયો છે. અચાનક નીલને કંઈક વિચાર આવતા એણે પૂછ્યું,‘એક મિનિટ, હું ઇજિપ્તમાં છું અને પિરામિડ નિર્માણ થઇ રહ્યું છે અને પ્લેન પત્થર ઉઠાવી રહ્યા છે, આટલી ઉન્નત ટેક્નોલોજી કેવી રીતે શક્ય છે? હું ભવિષ્યના ઇજિપ્તમાં તો ચોક્કસપણે નથી કારણ કે જો આ ભવિષ્યનું ઇજિપ્ત હોય તો પિરામિડ બની ચૂક્યાં હોય નહીં કે તેનું નિર્માણ ચાલુ હોય!’ ‘આ અહીંની સામાન્ય ટેક્નોલોજી છે એમાં આટલું અચંબિત થવાની કોઈ જરૂર નથી. પિરામિડનું નિર્માણ કરતું એ યંત્ર હવાઈ ક્રેન છે અને મારા ડેટાબેઝમાં ભવિષ્યના ઇજિપ્ત વિશે કોઈ માહિતી નથી માટે હું તને આ જાણકારી નહીં આપી શકું.’ ‘હા, એ મને ખબર છે કે તારા ડેટાબેઝમાં એ માહિતી નહીં હોય, એ તો હું મારી પોતાની સાથે વાત કરી રહ્યો હતો. મારે ઘરે જવું છે. હું અહીં નથી રહેવા ઈચ્છતો.’ ‘તું ઘરે નહીં જઈ શકે નીલ, તું અત્યારે મહારાણીના એકાંતવાસની જગ્યાએ છે. અહીં મહારાણી સિવાય કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ નિષેધ છે તો એમની પરવાનગી વગર તું ક્યાંય પણ નહીં જઇ શકે.’ યંત્રવત્ ઍરિનાએ જવાબ આપ્યો. ‘કોણ મહારાણી?’ નીલે કંટાળાજનક સ્વરમાં પૂછ્યું. ‘મહારાણી નેફરતીતી’ ઍરિનાએ ફરી યંત્રવત્ કહ્યું પણ એ સાંભળીને નીલની આંખ ફાટી ગઈ અને એના હોઠ ફફડ્યા. ‘નેફરતીતી…..’ને એની સામે પુસ્તકનું એ પાનું તરવરી ઊઠ્યું. (ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:મેઘાણી 80 વર્ષેય પણ કેમ ભૂલાતાં નથી
    Next Article
    જીવનના હકારની કવિતા:સંગ જ સંજીવની…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment