Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:મુક્તકો : તૃણની અણી પર ઝાકળનાં બિંદુ

    1 week ago

    યુગ બદલાયા એમ માનવ જીવનમાં સમયનો સંદર્ભ પણ બદલાયો. આજથી પાંચ હજાર વર્ષ પહેલાંના માણસને દિવસના ચોવીસ કલાક મળતા હતા અને આજના મનુષ્યને પણ ચોવીસ કલાક જ મળે છે. તેમ છતાં આટલો સમય પણ ઓછો પડે છે. પ્રાચીન કાળમાં લોકો મહાકાવ્યો સાંભળતા. મધ્યકાળમાં પ્રેમાનંદના આખ્યાનો રાતોની રાતો જન-મનોરંજન કરતાં. એક સમયે મહાનવલો વંચાતી. સમય જતાં લઘુનવલ, ટૂંકી વાર્તા અને લઘુકથા એમ વધુને વધુ લાઘવ ભર્યાં સ્વરૂપો વિકસતાં ગયાં. વાંચન દ્વારા આનંદ મળે છે પણ, એમાં ધીરજ, એકાગ્રતા અને સહદયતા જોઈએ. આજે નાની નાની ‘રીલ્સ’ Instant pleasure (સદ્ય સુખ) આપે છે. ડોપામાઇન તરત રિલીઝ થાય છે. મગજને પણ કેળવવું પડે છે. સદ્ય મળતા સુખને કારણે કોઈ મહા વૃતાંતો વાળા સાહિત્ય પાસે કેવી રીતે જાય! કવિતામાં પણ એક સમયનાં કથાકાવ્યો કે સૉનેટને મુકાબલે ગઝલ તરફ લોકો વધુ વળ્યાં છે, એનું કારણ પણ આજની યુગચેતના જ છે. ગઝલનો દરેક શે’ર સ્વતંત્ર છે. શે’ર રજૂ થાય કે વાંચીએ ત્યારે તરત આનંદ આપે છે. જપાન જેવા દેશમાં તો સદીઓથી લાઘવનો મહિમા થયો છે. હાઇકુ-હાઈન્કા-તાન્કા જેવાં સ્વરૂપ ત્યાં લોકપ્રિય છે. આપણે ત્યાં પણ મહાકાવ્યો કે આખ્યાન કાવ્યોની લગોલગ બે હજાર વર્ષોથી સંસ્કૃત-પ્રાકૃતમાં મુક્તકો રચાતાં. આપણી ભાષાના ભાષાવિજ્ઞાની અને સંસ્કૃત-પ્રાકૃતના વિદ્વાન હરિવલ્લ્ભ ભાયાણી (1917-2000)એ ‘મુક્તક માધુરી’(1986) નામે સંગ્રહમાં અઢીસોથીય વધુ મુક્તકોના અનુવાદ આપ્યા છે. હરિવલ્લભ ભાયાણી મુક્તકનું સ્વરૂપ સમજાવતા લખે છે: ‘જે લઘુ કાવ્ય એકશ્લોકી હોય, જેને આગળ પાછળ પાઠસંદર્ભની અપેક્ષા ન હોય અને એમ જે પોતાના પગ પર ઊભું હોય તેને કાવ્યશાસ્ત્રમાં મુક્તક કહ્યું છે.’ મુક્તક એટલે ગાગરમાં સાગર. ‘તૃણ-અણી પર ઝાકળબિંદુ મરકત-સોયે મોતી વીંધ્યું’. ‘મુક્તક માધુરી’માં અથર્વવેદથી માંડી અભિજ્ઞાનશાકુંતલ, અમરુશતક, કાવ્યમીમાંસા, કુમારસંભવ, રામાયણ, ભાગવતપુરાણ, શિશુપાલવધ એમ કુલ ત્રેતાલીસ કૃતિઓમાંથી મુક્તકો લીધાં છે. એમાં ઋતુઓનાં વર્ણનો છે, અનુરાગની મધુરતા અને વિરહની વેદના છે. વસંત વર્ણનનાં મુક્તકોમાં શીતળ પવન, કોયલના ટહુકા, ભમરાઓનું ગુંજન, આમ્રમંજરીઓની સુગંધ, કેસૂડાનો છાક અને માનિની મુગ્ધતા મનોહર રીતે રજૂ થયા છે. જુઓ ‘બેત્રણ કોકિલટહુકા આમ્રમંજરી ચારપાંચ ને ભ્રમરે ગુંજત પાંચસાત કિંશુકનાં ફૂલ- ક્યાંક કોક મદવિકળ માનિની રિસગળઁતે હૈયે હાલકડોલ’ ગ્રીષ્મનું ઋતુમાં સદ્યસ્નાતા યુવતીનાં કોમલ અંગો અને પ્રકૃતિ વર્ણનના સાયુજ્યે રસિક બન્યું છે. સદ્યસ્નાત ચંદને રસેલ ભીનાં ગાત્ર અને વક્ષપે વિપુલ ધર્યાં અધખીલ્યાં મલ્લિકામુકુલ- એવી મૃગનયની એ જવ દેતી પરિસ્વંગ, તવ ગ્રીષ્મઝાળે બાળ્યોજાળ્યો હળુહળુ વળી પાછો પાંગરે અનંગ. જેન-ઝીને આ ભાષા અઘરી લાગી શકે પણ જો થોડો સમય આપી; હાથમાંના મોબાઈલમાંથી ગૂગલગુરુને શબ્દોના અર્થ કે AIને એનો સાર પૂછી લે; તો આ વર્ણનની પાછળ રહેલી રસિકતા અને ભાવને આસ્વાદી વાહ બોલ્યા વગર નહીં રહી શકે. ‘પ્રોષિતભર્તૃકા’ મુક્તક વાંચીને તો આહ અને વાહ એમ બંને ભાવ એક સાથે જન્મે છે. પ્રોષિતભર્તૃકા એટલે જેનો પતિ પરદેશ જઈ વસેલો હોય તેવી સ્ત્રી. ‘જે ક્ષણે આશ્લેષ છૂટે, એ જ ક્ષણેથી એ પ્રવાસી, હુંય પ્રોષિતભર્તૃકા’ પતિ કે પ્રિયતમ પોતાનાથી દૂર દેશાવર જાય ત્યારે જ આ સ્ત્રી વિરહિણી નથી બનતી; અહીં તો જે ક્ષણે એ પતિના આલિંગનથી દૂર થાય છે; એ ક્ષણે જ પ્રોષિતભર્તૃકા બની જાય છે. સંવેદનની તીવ્રતા, રજૂઆતમાં લાઘવ છે. ભારતીય પ્રજા કેવી તો રસિક અને સમાજ મુક્ત હૃદયનો હતોનું વિસ્મય થયા વગર રહેતું નથી. હરિવલ્લભ ભાયાણી મુક્તકના વિચારગર્ભ અને સુરેખ અનુવાદ દ્વારા પ્રાચીન ભારતના સાહિત્યિક ખજાનાને આપણી સામે ખોલી દે છે.
    Click here to Read More
    Previous Article
    મરક મરક:થયેલો પતિ તો ઠીક પણ, થનારો પતિ પણ સલામત છે?
    Next Article
    સમયાંતર:મેઘાણી 80 વર્ષેય પણ કેમ ભૂલાતાં નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment