Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:થયેલો પતિ તો ઠીક પણ, થનારો પતિ પણ સલામત છે?

    1 week ago

    ધ્રુવ બોરિસાગર બ્રિટનમાં એક પતિદેવ લૂંટાયાના સમાચાર વાંચ્યા ‘ટેક્સ બચાવવા માટે પત્નીનાં નામે 933 કરોડ ટ્રાન્સફર કર્યા અને વરસ પછી છૂટાછેડા થયા તો પત્નીએ કહી દીધું કે ‘હવે આ રૂપિયા મારા’ ઉછીના રૂપિયા સાથે તમે તમારા શ્વાસ પણ સામેવાળાના હાથમાં આપતા હો છો, કારણ કે સામેવાળો હાથ અધ્ધર કરે છે, તો તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જાય છે!’ હજુ તો કળ વળે એ પહેલાં બીજા સમાચાર વાંચ્યાં ‘છૂટાછેડા લીધેલા અથવા છૂટાછેડા માટે અરજી કરનાર 1258 કેસનો સરવે કરતાં 42% પુરુષોએ છૂટાછેડાના ખર્ચ માટે લોન લેવી પડી’ એવું નથી લાગતું કે પતિ, બળદ અને ગધેડાએ આ ધરતી પર મજૂરી કરાવવા માટે જ જન્મ લીધો હોય! અરે, થયેલો પતિ તો ઠીક પણ, થનારો પતિ પણ સલામત છે? વાંચો, ‘ઘોડી પર વરરાજા બેઠાંભેગી ઘોડી ભડકી અને દોડીને વરરાજા સાથે કૂવામાં ખાબકી!’ વરરાજાના રેસ્ક્યુમાં વાર લાગે એમ હોવાથી ચોઘડિયું વીતી ન જાય એટલે વરરાજાને પોંખવા માટે સાસુને કૂવામાં ઉતારવાની ચર્ચા પણ થઈ હતી! આ સમાચાર વાંચીને તો તમે પણ કહેશો કે ‘પતિ ક્યાંય નથી સલામત મધુવનમાં!’ – ‘કરવા ચોથ (જેમને કડવા અનુભવ થયા હોય એ લોકો આને ‘કડવા ચોથ’ કહે છે!) ઉત્તર ભારતનાં રાજ્યોમાં કે જ્યાં આ પર્વ ધામધૂમથી ઊજવાય છે ત્યાંના પતિનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે અને પત્નીનું સરેરાશ આયુષ્ય 72 વર્ષ છે! (જેના પરથી સાબિત થાય છે કે ‘કરવા ચોથ’ પતિને ફળતી નથી!) ગુજ્જુ પતિદેવો પોતાની સલામતી માટે શું ધ્યાન રાખે છે ? એમના જ શબ્દોમાં...... મયંક: પોતાની સલામતીના ભાગ રૂપે ભાણામાં આવેલી રસોઈનાં વખાણ કરવા મારા માટે ફરજિયાત છે! ટોણા ખાવાને બદલે ચૂપચાપ જેવી અને ક્યારેક જેટલી બની હોય એટલી રસોઈ ખાઈ લેવામાં જ પતિરાજોની ભલાઈ છે! ગોપાલ: પત્ની પિયર ગઈ હોય તો હું સહેજ સ્વતંત્રતાના વહેમ રહેતો નથી કારણે, પિયર જતાં જતાં પડોશીને ‘તમારા ભાઈનું ધ્યાન રાખજો’ એવું કહીને એ ‘She She Camera’ ગોઠવીને જ ગઈ હોય છે! પડોશીને પણ ‘શેનું’ ધ્યાન રાખવાનું છે એનો ખ્યાલ હોવાથી ‘She She Camera’ નાં એંગલ એ રીતે ગોઠવે છે! પંકજ: સંસારમાં ઊભી થનારી અણધારી પરિસ્થિતિ માટે કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપત્તિ વ્યવસ્થાપન) શોધાયું નથી! છતાં, સલામતી ખાતર ઓફિસેથી ઘરે જતાં પત્નીને મોબાઇલ કરીને એના અવાજના રણકા ઉપરથી મૂડનો થોડો તાગ મેળવીને ઘરે જઈને મારો રાગ છેડું છું! પરેશ: પોશાકમાં મારી પાસે ગણીને ચાર વિકલ્પ હોય એમાં એક પહેર્યું હોય, એક ધોવામાં હોય, બાકીના બેમાંથી પસંદગી કરવામાં મૂંઝવણ ન હોય છતાં, મારી સલામતી માટે અને એને સારું લાગે એ માટે હું એને કાયમ પૂછું ‘આમાંથી કઈ જોડી પહેરું?’ ભરત: મહાભારત યુગમાં દ્રૌપદીનાં થયેલા ચીરહરણનો બદલો આજની સ્ત્રીઓ પુરુષો સામે લેતી હોય એમ પુરુષોના જીન્સ, ટીશર્ટ, શર્ટ, કોટ, પેન્ટ, શૂઝ – આપણા બધા પહેરેવેશ એ લોકોએ પહેરવાનું શરૂ કરી દીધું છતાં ‘હું કેવી લાગુ છું?’ એમ જ્યારે પણ એ પૂછે ત્યારે સલામતી ખાતર ભારે વિશ્વાસ સાથે ‘Looking gorgeous’ ગોખી રાખેલું બોલી નાખું ! (સ્પેલિંગ તો પૂછવાની નથી એટલે ચિંતા નહીં!) રમેશ: સુપ્રીમ કોર્ટે તો આપેલા ચુકાદા પ્રમાણે પત્નીને આપેલા (સોરી, જાતે લીધેલાં) રૂપિયાનો હિસાબ માગો એ ક્રૂરતા નથી; પણ, મારા ઘરની સુપ્રીમ કોર્ટ આને ક્રૂરતા ગણે છે એટલે મારી સલામતી ખાતર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ હું અનાદર કરું છું ! ખરીદેલી વસ્તુઓ જોતાં થયેલા ખર્ચ વિશે હરફ સુધ્ધાં ન નીકળી જાય એનું ધ્યાન રાખું છું! સુધીર: ઘરે લક્ષ્મીની પધરામણી પછી પણ કમાવા તો જવું જ પડે છે, પરંતુ કમાઈને આવેલા રૂપિયામાં જો રૂ. 500ની નોટો હોય તો સલામતી ખાતર એના છૂટા લેવા પણ હું જ જાઉં છું! ભાવિન: સાસરા પક્ષનું કોઈપણ આવ્યું હોય તો સલામતી ખાતર હું સતત પત્નીના ચહેરાના હાવભાવ ભારે અહોભાવથી જોયા કરતો હોઉં છું કે ક્યાંક મારાથી બફાઈ ન જાય! સસરાની હાજરીમાં દોરડા પર ચાલતી વખતે રાખવા પડતા સંતુલન કરતાં પણ વધુ સંતુલન દરેક પતિને પોતાના વાણી વર્તનમાં રાખવું પડે છે! માનસિક સલામતી અને સ્વસ્થતાને કેળવવા પતિઓએ ‘સુખ દુઃખ મનમાં ન આણીએ’ ભજન દિવસમાં ત્રણ વાર વાંચી લેવું કોઈ હાજર ન હોય તો ગાઈ પણ શકાય કે જેમાં સંસાર માંડ્યા પછી નળ રાજાથી માંડીને શંકર ભગવાન સુધીનાની લગ્ન કર્યાં પછીની હાલતનું વર્ણન કર્યું છે, જે વાંચીને દરેક પતિને શાતા વળશે! આઈસ ક્યૂબ: પતિના બે જ પ્રકાર હોય છે – કાં એ ‘નસીબનો બળિયો’ હોય અને કાં એ ‘નસીબનો બળ્યો’ હોય!
    Click here to Read More
    Previous Article
    સફર:લક્સર: ઈજિપ્તનું ચાર હજાર વર્ષ જૂનું પાટનગર
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:મુક્તકો : તૃણની અણી પર ઝાકળનાં બિંદુ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment