Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તર...બ...તર:કલમદેવીની કૃપા અને શબ્દનો સાક્ષાત્કાર

    10 hours ago

    હરદ્વાર ગોસ્વામી ફ્રેંચ કવિ આન્દ્રે જીદ કહે છે કે ‘હું મારા સંઘર્ષમય જીવનનો સોદો કોઈ સુખમય પળો સાથે કદી નહીં કરું કેમ કે હું સુખ કરતાં પીડા વધુ પસંદ કરું છું, કારણ કે તે મારા આત્માને જીવંત રાખે છે.’ કચવાટ નથી તો કવિતા નથી અને ગમ નથી તો ગઝલ નથી. કવિહૃદયના હિમાલયમાંથી જ ગઝલગંગોત્રી નીકળતી હોય છે. કવિતા પીડાનું ઊર્ધ્વીકરણ અને ઊર્મિકરણ કરે છે. દુષ્યંતકુમાર કહે છે, ‘હો ગઈ હૈ પીર પર્બત સી પીઘલની ચાહિયે. ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે.’ પોતે પોતાનો વિવેચક બની જાય એ સર્જક ભાગ્યે જ નિષ્ફળ જાય છે અને પોતે પોતાનો પ્રશંસક બની જાય એ સર્જક ભાગ્યે જ સફળ થાય છે. ‘પેન’ લેટિન શબ્દ ‘પિન્ના’ પરથી આવ્યો છે. યુરોપિયન પીંછાથી લખતા હતા. વિશ્વના મોટા ભાગમાં પીંછાની કલમ વર્ષો સુધી ચલણમાં રહી. એટલે જ એમાંથી મોરપિચ્છ જેવી મુલાયમ અને રંગીન દુનિયાનું સર્જન થતું હશે. એરિન ફોર્બ્સ કહે છે, ‘આઇ એમ એ પ્રિઝનર ઓફ માય પેન.’ કલમની કેદમાંથી મુક્ત થવું અઘરું છે. લખવાનો લકવા દરેક સર્જકને હોય છે. પ્રેમરોગ કરતાં પેનરોગ ખતરનાક છે. હા, ક્યારેક ‘મૂડ’ના ઓઠા નીચે ‘નહીં લખવાના’ જામીન મળી જાય છે. પહેલાં ઋષિમુનિઓ ભોજપત્ર પર લખતા હતા. ભોજપત્ર પવિત્ર મનાય છે. ભોજપત્ર પરનું લખાણ વર્ષો સુધી અકબંધ રહ્યું છે. ભોજપત્રથી રાજા ભોજ સુધીની સફરમાં કલમ કલરવ કરતી રહી છે. રાજઘરાનામાં ચર્મપત્રનો ઉપયોગ થતો હતો. દૂર દેશાવર રાજ્યમાં અગત્યના સંદેશાઓ પહોંચાડવાના હોય ત્યારે ફાટી-તૂટી ન જાય એટલે ચર્મપત્રનો ઉપયોગ થતો હતો. ઈ. સ. પૂર્વે 3000 વર્ષ પહેલાંથી લઈ અદ્યપર્યંત હજારો પ્રકારની કલમનો કમાલનો ઈતિહાસ છે. હવેના સમયમાં પેનનું સ્થાન કી-બોર્ડે લઇ લીધું. અખબારમાં અને અન્ય જાહેર માધ્યમોમાં કામ કરતા લોકો તો સીધું કોમ્પ્યૂટર પર જ લખે છે. માર્ક ટ્વેઇન જગતના સૌ પ્રથમ ટેકનોસેવી રાઈટર હતા. એ ટાઈપ રાઈટર પર લખતા હતા. પછી એમને એવું લાગવા માંડ્યું કે ટાઈપ કરતાં કરતાં લખવામાં કોન્શિયસ થઇ જવાય છે અને સર્જનમાં કૃતકતા આવી જાય છે. એમણે ફરી કલમથી લખવાનું શરૂ કર્યું હતું. કવિતાકુમારીના કામણથી ભાગ્યે જ કોઈ બચી શક્યું છે. આપણે હાલરડાં રૂપે સાંભળેલો પહેલો શબ્દ કવિતાનો છે અને મરસિયા રૂપે સાંભળેલો છેલ્લો શબ્દ પણ કવિતાનો છે. કવિતાના કેટકેટલાં કામણગારાં રૂપ આપણી આસપાસ વેરાયેલાં વિખરાયેલાં પડ્યાં છે. સવારમાં ખીલતું પુષ્પ, ખડખડ હસતું બાળક, કોઈ ભીની પળ, ખળખળ વહેતું ઝરણું… પ્રકૃતિ એ જીવંત કવિતા છે. સંસ્કૃતમાં કહ્યું છે તેમ ‘काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्’. કારણ કે સાહિત્યની સંગાથે વીતેલો સમય જીવનની નવી બારી ઉઘાડનારો છે. કવિતામાં જો સ્વાનુભૂતિ ન આવે તો તેની અસરકારકતા ઓછી થઇ જાય છે અથવા તો રહેતી જ નથી. કવિતાની પાંખો હોય તો ક્ષિતિજ તો હાથવેંતમાં. એ ક્ષિતિજ પર બેસીને કવિ શબ્દોના સૂરજ અને ચાંદની ચમત્કૃતિ પામવાનો પ્રયત્ન કરે છે. દિલના દરિયામાં લાગણીની લહેર ઊઠે, પછી તો તળથી તાળવા સુધી શબ્દો જ શબ્દો. શબ્દ જ હોડી, શબ્દ હલેસું, શબ્દ સઢ, શબ્દ જ આરો-ઓવારો. સાવ સાચું કહું તો કવિતા જીવન બદલી નાખે છે. માણસને માણસ તરીકે જોવાનાં યંત્ર અને મંત્ર આપ્યો. શબ્દ માલામાલ કરે અને બેસૂરા આયખાને તાલ આપે. ‘માગ, માગ, માગે તે આપું’ કહીને કલ્પનાદેવીની કૃપા વરસે છે. તથાસ્તુનું તારામંડળ રચાય છે. પછી તો ચાંદનીની ચાદર અને આનંદનું ઓશીકું... સર્જનનો સંતોષ સર્વશ્રેષ્ઠ છે. જેમાં અધધ આનંદનો ઓડકાર છે. માતૃત્વ જેવી જ અનુભૂતિ સાહિત્યસર્જકને થતી હોય છે. પણ આ સર્જનને નવ મહિનાનું બંધન નથી. નવસર્જનના અવતરણમાં નવ વર્ષ પણ થાય અને નવ મિનિટ પણ થાય. સમાજની ઉન્નતિમાં વૈજ્ઞાનિકો જેટલું જ વૈચારિકોનું પણ પ્રદાન છે. એક સંશોધન પાછળ જે ધૈર્ય જોઈએ એટલું જ ધૈર્ય સર્જન માટે જોઈએ. વિશ્વનું સર્જન કરનાર પ્રજાપિતા બ્રહ્માનાં દર્શન તો નથી કર્યા પણ માટલાનું સર્જન કરતા પ્રજાપતિને જોયા છે. માટીને ગૂંદીને મખમલ કરતી કુંભારણ અને એને ચાકડે ચડાવતો કુંભાર પીંછાં જેવા સ્પર્શથી ઘડો સર્જે છે. ઘડામાંથી ધડો લેવો હોય તો કોઈની પ્યાસ બુઝાવવી પડે. માટલું આખા ઉનાળાને ટક્કર આપે છે. જોકે, પાણિયારાં નથી રહ્યાં ત્યાં માટલાંના મોલ કોણ પૂછે! આપણે સાત્વિક શીતળતા સામે કૃતક શીતળતા-રેફ્રિજરેટરનું સ્થાપન કરી દીધું છે. આપણું માટી સાથેનું થોડુંઘણું અનુસંધાન હતું એય તૂટી ગયું. ધોમધખતા ઉનાળામાં ગોળામાંથી પીધેલો એક પ્યાલો સાત જનમની તરસ બુઝાવે છે. મનોજ ખંડેરિયા કહે છે, ‘પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને.’ નરસિંહ મહેતાની રાસલીલા નિહાળતાં નિહાળતાં હાથ બળી જાય છે એ પુરાકલ્પન આ શેરમાં પ્રયોજાયું છે. બંને જૂનાગઢ નિવાસી. મે’તાએ કિરતારનો અને મનોજે કલમનો મહિમા કર્યો છે. એકે ઈશ્વર અને બીજાએ અક્ષરનો અવસર માંડ્યો છે. જોકે, બંનેના જીવનમાં કલમ અને કવિતા અગ્રસ્થાને રહી છે. કૃષ્ણપ્રીતિનું બીજું ઉત્તંગ શિખર મીરાંબાઈ કહે છે, ‘ગુરુ રૈદાસ મિલે મોહી પૂરે, ઘૂર સે કલમ ભીડી’. દુનિયા સામે હામ ભીડવા કલમની કટાર જોઈએ. સર્જકની કલમમાંથી તેજાબી તેજતર્રાર શબ્દ સરે ત્યારે સત્તા પણ પલટાય જાય છે. ઈમરજન્સી વખતે પણ પેનની શાહી પર સરતાજી નહોતી થઈ શકી. અક્ષૌહિણી સેનાનો સામનો થઇ શકે પણ અક્ષરનો સામનો કરવો મુશ્કેલ છે. પેનપુરાણને આલેખવા સમૃદ્રની શાહી પણ ઓછી પડે. જ્યારે સર્જકો કલમથી ભાષાને વહેતી મૂકે ત્યારે એનો રજવાડી રંગ કંઇક ઓર હોય છે. લખચોર્યાસી ફેરા પછી માનવ દેહ મળે છે. આ માનવ અવતારમાં સારાં કર્મો કરો તો બીજા જન્મે સર્જક થવાય છે. ગઝલના પાંચ શેર જાણે પાંચ કવિતા! પંચેન્દ્રિય ઉત્સવ. પંચતત્ત્વની પહેચાન. શબ્દયજ્ઞનું પંચામૃત. પંચનો નિર્ણય. મનને વાગેલો પંચ. અને..... ‘અને’માં ઉમેરાતી ધારણાઓમાં ઘણાં ગોટકડાં ખાધાં. ગુંચવાયો.. પ્રશ્ન સતત મૂંઝવતો રહ્યો ને બન્યો યક્ષપ્રશ્ન! પરંતુ પછી એની અભિવ્યક્તિ ગઝલમાં થતી રહી. ‘અને’નો અર્થ અનેક શબ્દદેહ ધરી અલપ-ઝલપ ઊઘડ્યો. જોકે, સ્પષ્ટ જવાબ મળી જશે તો કદાચ કલમ અટકી જશે. એટલે ગઝલના ગઢમાં, રહસ્યોનાં રજવાડામાં રણઝણતી લાગણીઓ, જિયો જિયો.... ગઝલના રાજમાર્ગ પર લટાર મારતા હું મારી નજીક… વધુ નજીક સર્યો. મને મારો પરિચય થયો. છંદ-સ્પંદ, ગઝલિયત-અસલિયત, રદીફ-કાફિયા, મતલા-મક્તા, કલ્પન-પ્રતીક જાણે પરિવારના સભ્યો થઇ ગયા! ગઝલપ્રવાસ દરમિયાન શૂન્ય-સપ્તક, માર્ગ-મંઝિલ કે પીડા-પર્વ જેવા પડાવોની બાદબાકી થતી રહી. પછી તો હું સાવ હળવોફૂલ... પછી ખબર પડી કે કવિતા એટલે બમણું નહીં પણ બાદબાકી, ભેગું નહીં પણ ભાગાકાર... બુદ્ધિને બારસાખે મૂકી સહજતાને સૂંઘું છું ત્યારે સાચી કવિતા લાધે છે. ઘડીના છઠ્ઠા ભાગના છઠ્ઠા ભાગમાં છઠ્ઠી ઇન્દ્રિય ખૂલી જાય ત્યારે સર્જન થાય છે. સર્જનની ક્ષણે કવિમાં ગંગા વહે છે, ત્યારે તમામ પાપ ધોવાતા લાગે છે. મક્તા સુધી પહોંચતામાં તો કવિ ચારધામની યાત્રાનું પુણ્ય કમાઈ લે છે. આવજો... રિવાજ અલિખિત કાયદો છે, જે ભલભલા શાસકોને ભય પમાડે છે. - વિલિયમ દ’એવેના (અંગ્રેજી નાટ્યકાર-કવિ)
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:એક નહીં કપાયેલા પતંગને પત્ર
    Next Article
    રાગ બિન્દાસ:એક અદૃશ્ય અમીરી: સારા કર્મનું માઈલેજ વધારે મળે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment