Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા નિકાહ નોકરાણી સાથે, પરિણીતી હોવા છતાં ત્રીજી વાર પરણ્યા:'પાકીઝા' ફૅમ ડિરેક્ટર પત્ની મીના કુમારીને ગુલામની જેમ રાખતો, ફિલ્મ માટે બકરા-મરઘાની બેફામ કતલેઆમ કરી

    19 hours ago

    'આયેગા... આનેવાલા...' (મહલ) 'ઇન્હીં લોગોં ને લે લિયા દુપટ્ટા મેરા... (પાકીઝા) 'એ દિલ એ નાદાન... (રઝિયા સુલતાન) આ ફિલ્મના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. આ ફિલ્મ પણ એટલી જ સારી બનાવવામાં આવી હતી. આ ફિલ્મના ડિરેક્ટર હતા કમાલ અમરોહી. 17 જાન્યુઆરીએ તેમની 108મી જન્મજયંતિ છે. કમાલ અમરોહીએ કરિયરમાં માત્ર ચાર જ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. હિંદી સિનેમામાં તેઓ પોતાના ગુસ્સા ને પર્ફેક્શનને કારણે જાણીતા હતા. 'ફિલ્મી ફેમિલી'માં આજે વાત કરીશું, અમરોહી પરિવાર અંગે વાત કરીશું...ઘરેથી ભાગીને લાહોર કેમ ગયા? બીજી પત્નીની જાણ બહાર એક્ટ્રેસ મીના કુમારી સાથે લગ્ન કર્યા, જ્યારે બીજી ને ત્રીજી પત્ની એકબીજાને પહેલી જ વાર મળી ત્યારે શું થયું? ઝિનત અમાન ને અમરોહી પરિવાર વચ્ચે શું સંબંધો છે? સંજય દત્ત ને તાજદાર વચ્ચે છે કે વેવાઈના સંબંધો. પ્રીટિ ઝિન્ટાને દત્તક દીકરી કોણે માની હતી ને 600 કરોડની સંપત્તિની ઑફર કેમ કરી હતી? મીના કુમારીને હોટલથી લઈ ઘરમાં ભૂંડી રીતે માર મારતા, કમાલ અમોરહીની છેલ્લી ઈચ્છા શું હતી? જમીનદાર પરિવારમાં જન્મ 17 જાન્યુઆરી, 1918માં બ્રિટિશ ઇન્ડિયામાં ઉત્તર પ્રદેશના અમરોહામાં અમીરી હૈદર કમાલનો જન્મ જમીનદાર પરિવારમાં થયો. કમાલે સ્થાનિક સ્કૂલમાં એડમિશન લીધું અને નાનપણથી જ ઉર્દૂમાં શોર્ટ સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી. કમાલને ફિલ્મમાં આવવાની ઘણી ઈચ્છા હતી, પરંતુ પિતા વિરુદ્ધમાં હતા. પરિવાર પાસે પુષ્કળ જમીન હોવાથી પિતાની ઈચ્છા હતી કે કમાલ આ સંપત્તિની દેખરેખ રાખે. અમ્મીને ઓઢણી ચાંદીના સિક્કાથી ભરી દેવાની વાત કરી હતી કમલ અમરોહી શિયા મુસ્લિમ હતા. પાકિસ્તાની રાઇટર્સ જોન એલિયા તથા રઇસ અમરોહવી પિતરાઈ ભાઈઓ થતા. શાયરી ને રાઇટિંગ વારસામાં મળ્યું હતું. નાનપણથી જ એટલા તોફાની કે આખું ગામ માથે લેતા. અમ્મીએ એકવાર ગુસ્સામાં ધમકાવ્યા તો તેમણે વચન આપ્યું કે તેઓ એક દિવસ એટલા સફળ બનશે કે ઓઢણી ચાંદીના સિક્કાથી ભરી દેશે. કમાલ રાઇટર બનવા માગતા હતા, પરંતુ અબ્બુ આ માટે તૈયાર નહોતા. એક દિવસ મોટાભાઈ રઝા હૈદરે કમાલને થપ્પડ મારી તો તેઓ રિસાઈને રૂમમાં બંધ થઈ ગયા. થોડા કલાક બાદ બહેનના સોનાના પાટલા લઈને 16 વર્ષીય કમાલ ઘરેથી ભાગીને લાહોર જતા રહ્યા. લાહોરમાં તેઓ ઉર્દૂ મેગેઝિનમાં શોર્ટ સ્ટોરી લખતા. માત્ર બે જ વર્ષમાં તેમનો પગાર 300 રૂપિયા કરી દેવામાં આવ્યો. 30ના દાયકામાં આ રકમ ઘણી જ વધારે હતી. સારી આવક થતાં જ કમાલે પર્શિયન તથા ઉર્દૂમાં ઓરિએન્ટલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. સાયગલને કારણે મુંબઈ આવ્યા તે સમયે બોલિવૂડ સિંગર કે.એલ. સાયગલ અવાર-નવાર લાહોર આવતા. એક દિવસે તેમણે કમાલનું લખાણ જોયું તો તે ખાસ્સા ઇમ્પ્રેસ થયા. તેઓ કમાલને મુંબઈ લઈને આવી ગયા. મુંબઈમાં કમાલની મુલાકાત ફિલ્મમેકર સોહરાબ મોદી સાથે થઈ. તેઓ પ્રોડક્શન હાઉસ મિનર્વા મૂવીટોનના માલિક હતા. સોહરાબે મુલાકાત દરમિયાન સ્ક્રિપ્ટ સાથે ઑફિસ આવવાની વાત કરી. કમાલ પાસે તે સમયે એક પણ સ્ક્રિપ્ટ નહોતી અને તેઓ ખાલી ડાયરી લઈને ઑફિસ ગયા. સોહરાબે સ્ટોરી અંગે પૂછ્યું તો તેઓ કોરી ડાયરીમાંથી વાંચવા લાગ્યા. સોહરાબને આ સ્ટોરી ઘણી જ પસંદ આવી અને ડાયરી માગી તો તે કોરીકટ જોઈને નવાઈમાં પડી ગયા. અલબત્ત, તેમને કમાલમાં રહેલી ટેલેન્ટ ગમી ગઈ. તેમણે 750 રૂપિયા આપીને કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. ઉર્દૂમાં સ્ક્રિપ્ટ લખતા કમાલ પારસી થિયેટરથી ખાસ્સા ઇમ્પ્રેસ હતા. આ જ કારણે તેમણે ફિલ્મના સેટ પર લાઇટિંગ ને મ્યૂઝિકનો વધુમાં વધુ ઉપયોગ કર્યો. પહેલી ફિલ્મ ડિરેક્ટર તરીકે 'મહલ' હતી આ ફિલ્મ બોલિવૂડની પહેલી હોરર ફિલ્મ હતી. મધુબાલા લીડ એક્ટ્રેસ હતી. લતા મંગેશકરે ગાયેલું ગીત 'આયેગા આયેગા આનાવાલા...' સુપરડુપર હિટ હતું. આ ફિલ્મનું એક ગીત 'મુશ્કિલ હૈ... બહુત મુશ્કિલ હૈ...' ચાર મિનિટનું હતું. કમાલે માત્ર સિંગલ ટેકમાં આ ગીત શૂટ કર્યું. 'મહલ' હિટ જતા જ કમાલે 1953માં કમાલ પિક્ચર્સ પ્રોડક્શનની શરૂઆત કરી. તેમનું બીજું પ્રોડક્શન હાઉસ કમાલિસ્તાન સ્ટૂડિયો હતું. બોલિવૂડમાં સ્ક્રિપ્ટ પણ ઉર્દૂમાં લખનારા કમાલ અમરોહી જેવા ગણ્યાગાંઠ્યા જ લોકો તે સમયે હતા. કરિયર બચાવવા માટે 'પાકીઝા' લખી ફિલ્મ 'દાયરા' ફ્લોપ જતાં કમાલ અમરોહી પોતાની કરિયર અંગે સ્ટ્રેસમાં હતાં. બીજી બાજુ, તેઓ મીના કુમારી માટે એક બેસ્ટ ફિલ્મ બનાવવા માગતા હતા. 1956માં મે-જુલાઈમાં મહાબળેશ્વર જઈને 'પાકીઝા'નો સ્ક્રીપ્લે લખ્યો હતો. ફિલ્મ લખતા સમયે તેઓ દરેક ડાયલોગ મીના કુમારીને સંભળાવતા અને એક્ટ્રેસ તેમાં સુધારો પણ કરાવે. અલગ થતાં જ પાકીઝા અટકી પડી કમાલ-મીના 1964માં અલગ થઈ ગયા. 1954માં 'આઝાદ'ના શૂટિંગ દરમિયાન કમાલે મીનાની સામે' પાકીઝા'ની ઑફર કરી હતી. જોકે, બંનેના અલગ થતાં ફિલ્મ અટકી પડી ફિલ્મ ટલ્લે ચઢી ને કલાકારો બદલાયા 1954માં 'પાકીઝા' બનવાની શરૂઆત થઈ ત્યારે અશોક કુમાર લીડ રોલમાં હતા, પરંતુ 10 વર્ષ બાદ ઉંમર વધી ગઈ તો તેઓ સલીમના રોલ માટે પર્ફેક્ટ નહોતા. ત્યારબાદ રાજ કુમારને લેવામાં આવ્યા. અશોક કુમારને શહાબુદ્દીનનો રોલ આપવામાં આવ્યો. દારૂના નશામાં ચકચૂર રહેતી મીનાની તબિયત નરમ ગરમ રહેતી. ટ્રીટમેન્ટ માટે અવારનવાર શૂટિંગ છોડીને જવું પડતું. આ જ કારણે મીના કુમારીની બૉડી ડબલ સાથે શૂટિંગ કરવામાં આવતું. અંગત જીવન વધારે ચર્ચાસ્પદ... નોકરાણી સાથે પહેલા નિકાહ કમાલ અમરોહીએ પહેલા નિકાહ બોલિવૂડની જાણીતા સિંગર જદનબાઈ (લોકપ્રિય એક્ટ્રેસ નરગીસના માતા)ની નોકારણી સાથે કર્યા હતા. બિલ્કિસ બાનુનું લગ્નના થોડા સમય બાદ જ અવસાન થયું. ત્યારબાદ કમાલે બીજા નિકાહ જમાલ હસનની દીકરી સઇદા જલા જહરા મેહમૂદી સાથે કર્યા. આ લગ્નથી તેમણે ત્રણ સંતાનો, બે દીકરા તાજદાર-શાનદાર તથા દીકરી રૂખ્સાર. પરિણીત હોવા છતાં એક્ટ્રેસના પ્રેમમાં પાગલ 1938માં ડિરેક્ટર કમાલ અમરોહી ફિલ્મ 'જેલર' માટે ચાઇલ્ડ એક્ટરને શોધતા હતા, એ સમયે તેઓ પહેલી જ વાર પાંચ વર્ષીય મીના કુમારીને મળ્યા હતા. ત્યારે કોઈએ સપનેય નહીં વિચાર્યું હોય કે મીના કુમારી ને કમાલ અમરોહી લગ્ન કરશે. ફિલ્મ 'તમાશા'ના શૂટિંગ દરમિયાન અશોક કુમારે જ મીના કુમારી અને કમાલ અમરોહીની ઓળખાણ કરાવી હતી. કમાલે થોડા સમય બાદ મીના કુમારીને ફિલ્મ 'અનારકલી' ઑફર કરી હતી. મીના કુમારીએ 13 માર્ચ, 1951એ ફિલ્મ સાઇન કરી અને બે મહિના બાદ જ 21 મેએ મહાબળેશ્વરથી મુંબઈ આવતા સમયે મીના કુમારીની કારનો ભયંકર અકસ્માત થયો. મીના કુમારીને પુણેની હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. મીના કુમારીને ડાબા હાથે ઈજા થઈ હતી. હૉસ્પિટલમાં કમાલ અમરોહી રોજ મીના કુમારીને મળવા આવતા. આ રીતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. છાનામાના લગ્ન કર્યાં અકસ્માતમાં મીના કુમારીએ ડાબા હાથની ટચલી આંગળી ગુમાવવી પડી હતી, જોકે ફિલ્મમાં મીના કુમારી સાડી ને દુપટ્ટો એ રીતે રાખતી કે ક્યારેય કોઈને આ વાતનો અંદાજો પણ આવ્યો નહીં. 'અનારકલી' ફિલ્મ પછી ક્યારેય બની જ નહીં. કમાલ ને મીના વચ્ચેનો પ્રેમ પૂરબહારમાં ખીલ્યો હતો. મીના કુમારીને પિતા રોજ સવારે નાની બહેન મહલિકા સાથે ફિઝિયોથેરપિસ્ટના ત્યાં મૂકવા આવતા અન દસ વાગ્યે લેવા આવતા. પિતા લગ્ન માટે માનશે નહીં તે વાતનો અંદાજ હોવાથી મીનાએ છાાનામાના લગ્ન કરવાનુ નક્કી કર્યું. બંનેએ સિક્રેટલી 14 ફેબ્રુઆરી, 1952એ નિકાહ કર્યા. આ નિકાહમાં કાજી તથા એક્ટ્રેસની નાની બહેન મહલિકા જ હાજર રહ્યાં હતાં. નિકાહ પૂર્ણ થતાં જ કમાલ ને મીના પોત-પોતાના ઘરે જતાં રહ્યાં. કમાલે જ્યારે મીના સાથે લગ્ન કર્યા ત્યારે તેમની ઉંમર 34 ને મીના માત્ર 19 વર્ષની હતી. આટલું જ નહીં, કમાલને ત્રણ સંતાન ને પત્ની પણ હતાં, જોકે પરિણીત કમાલ એક્ટ્રેસના પ્રેમમાં એ હદે પાગલ હતા કે તેમણે સમાજની કોઈ જ પરવા કરી નહીં. અંતે વાત બહાર આવી જ ગઈ કમાલ ને મીના કુમારીએ પરિવાર ને મીડિયાને આ નિકાહની જાણ ના થાય એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. જોકે નિકાહના થોડો સમય બાદ જ આ વાત લીક થઈ ગઈ હતી. મીના કુમારીના પિતા અલી બક્સે આ વાતનો વિરોધ કર્યો અને દીકરીને ડિવોર્સ લેવાનું કહ્યું. મીના કુમારીએ આ વાત માનવાનો ચોખ્ખી ના પાડી દીધી, પરંતુ અલી બક્સ સતત આ વાતનું રટણ કરે જતા. નિકાહની વાત સામે આવ્યા બાદ પણ મીના કુમારી ને કમાલ બંને અલગ એટલે કે પોત-પોતાના પરિવાર સાથે જ રહેતાં. પિતાની વાત માની પતિની ફિલ્મ નકારી પણ... 1953માં કમાલ અમરોહી ફિલ્મ 'દાયરા' બનાવી રહ્યા હતા. આ ફિલ્મમાં તે મીના કુમારીને લેવા માગતા હતા, પરંતુ અલી બક્સ કોઈ કાળે દીકરીને કમાલ સાથે કામ કરવા દેવા માગતા નહોતા. આથી જ તેમણે મહેબૂબ ખાનની ફિલ્મ 'અમર'માં મીના કુમારી કામ કરશે એવી વાત કરી. એક્ટ્રેસ ફિલ્મમાં કામ કરવા તૈયાર પણ થઈ અને પાંચ દિવસ શૂટિંગ પણ કર્યું, જોકે મહેબૂબ ખાન સાથે વાંધો પડતાં મીના કુમારીએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. બીજા જ દિવસે મીના કુમારીએ પિતાને કમાલ અમરોહીની ફિલ્મ 'દાયરા'માં કામ કરવાની વાત કહી અને તે શૂટિંગ માટે બોમ્બે ટૉકીઝ રવાના થઈ. પિતાની ખુલ્લી ધમકી ને પતિના ઘરે રહેવા ગઈ આ સમયે પિતાએ ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે જો મીના કુમારી પતિ કમાલ અમરોહીની ફિલ્મમાં કામ કરશે તો આ ઘરના દરવાજા હંમેશના માટે બંધ થઈ જશે. મીના કુમારીએ આ વાતને ગણકારી નહીં અને તેણે પતિની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. સાંજ પડ્યા બાદ જ્યારે મીના કુમારી ઘરે પરત ફરી ત્યારે પિતાએ ઘરના દરવાજા ખોલ્યા જ નહીં. હતાશ ને દુઃખી મીના કુમારી સીધી પતિ કમાલ અમરોહીના ઘરે સાયન પહોંચી. મીના કુમારીએ આકરી શરતો માનવી પડતી મીના કુમારી પતિ કમાલના ઘરે તો આવી ગઈ, પરંતુ તેને ખ્યાલ નહોતો કે તેનું જીવન દોજખ બની જવાનું છે. કમાલ અમરોહી રૂઢિચુસ્ત મુસ્લિમ હતા. તેમણે મીના કુમારીને ફિલ્મમાં કામ કરતાં તો રોકી નહીં, પરંતુ અનેક જાતની શરતો ને બંધનમાં એક્ટ્રેસને બાંધી દીધી. કમાલ પત્ની મીનાના પ્રેમમાં વધુ પડતાં જ પઝેસિવ હતા અને આ જ કારણે તેમણે મીનાની દરેક બાબત જાણવા માટે પોતાના આસિસ્ટન્ટ બકર અલીને રાખ્યો હતો. મીના કુમારી કોઈપણ પુરુષને પોતાના મેકઅપ રૂમમાં બોલાવી શકે નહીં, એકલામાં કોઈ જગ્યાએ મીના કુમારી પરપુરુષને મળી શકે નહીં, સાંજે સાડા છ વાગ્યે ઘર પરત ફરવાનું, પોતાની કારમાં જ સેટ પર જવાનું... જેવી શરતો મૂકવામાં આવી હતી. મીના કુમારી આ પ્રકારના જીવનથી કંટાળી ગઈ હતી. ઘણીવાર કમાલ અમરોહી પત્ની મીના કુમારીને માર પણ મારતા. એક્ટ્રેસ સાડી કે પછી ચશ્માંની મદદથી હાથ કે ચહેરા પર વાગેલાં નિશાનને છુપાવતી. એક-એકે રૂપિયાનો હિસાબ રાખતા કમાલ પત્ની મીનાની કમાણીનો એક એક રૂપિયાનો હિસાબ રાખતા. બંને વચ્ચે બે રૂપિયા માટે ઝઘડો થયો હતો. મીનાએ માલિશવાળીનો પગાર 2 રૂપિયા વધારવાનું કહ્યું તો કમાલ ચોખ્ખું કહી દીધું કે માલિશની જરૂર નથી. આ મુદ્દે બંને વચ્ચે એ હદે ઝઘડો વધ્યો કે માલિશવાળીને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પતિના આસિસ્ટન્ટે સેટ પર અપમાનિત કરી 1964માં પાંચ માર્ચે ફિલ્મ 'પિંજર કે પંછી'નું મુહૂર્ત હતું. મીના કુમારીની સાથે આસિસ્ટન્ટ બકર અલી પણ હતો. મીના કુમારી મેકઅપ રૂમમાં એકલી હતી. તેણે પોતાના મિત્ર ને ગીતકાર ગુલઝારને મેકઅપ રૂમમાં બોલાવ્યા. જ્યારે બકર અલીએ જોયું કે મેકઅપ રૂમમાં બંને એકલા છે તો તેણે ગુસ્સામાં આવીને સેટ પર હાજર રહેલા તમામ લોકોની સામે મીના કુમારીના ગાલે જોરદાર તમાચો ચોડી દીધો. મીના કુમારી આ ઘટનાથી આહત થઈ ઊઠી અને તેની આંખમાંથી આંસુઓ સરી પડ્યાં. તેણે એ જ સમયે બકર અલીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તું તારા સાહેબ (કમાલ અમરોહી)ને કહી દેજે કે હવે મીના ક્યારેય તે ઘરમાં પરત ફરશે નહીં. બહેનના ઘરે રહી મીના કુમારી કારમાં સીધી જ નાની બહેન મહલિકાના ઘરે જતી રહી. કમાલને જ્યારે મીનાના નિર્ણયની જાણ થઈ તો તેઓ પત્નીને મનાવવા સાળીના ઘરે આવ્યા, પરંતુ મીના પોતાના નિર્ણયમાં અફર હતી. થોડો સમય ત્યાં રહ્યા બાદ મીના કુમારી મુંબઈની પોશ સોસાયટી ‘જાનકી કુટીર’માં રહેવા જતી રહી. પતિના હાથનો માર સહન કર્યો 'મીના કુમારીઃ ધ ક્લાસિક બાયોગ્રાફી' લખનાર લેખક વિનોદ મહેતાએ દાવો કર્યો છે કે કમાલ અમરોહી પત્ની મીના કુમારીને ભૂંડી રીતે માર મારતા. એ વાત અલગ છે કે કમાલે જીવતે જીવ ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નહોતો, જોકે વિનોદ મહેતાએ બુકમાં દાવો કર્યો હતો કે તેમણે બી-ટાઉનમાં છ અલગ-અલગ સોર્સના માધ્યમથી આ વાત સાચી હોવાનું પુરવાર કર્યું છે, જેમાંથી એક બોલિવૂડ એક્ટ્રેસ નરગિસે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. નરગિસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એકવાર તેઓ શૂટિંગ દરમિયાન ચેન્નઈ હતાં ત્યારે હોટલના રૂમમાંથી કમાલ અમરોહી ગુસ્સામાં આવીને ગાળો ભાંડતા અને મીના કુમારીને મારતા હોય એવા અવાજો આવતા હતા. કમાલે એ હદે મીનાને માર માર્યો હતો કે તેણે બીજા દિવસે શૂટિંગ જ કેન્સલ કરી નાખ્યું હતું. પત્ર લખીને ફિલ્મ 'પાકીઝા'માં કામ કરવા વિનવણી કરતા કમાલ અમરોહીથી અલગ થયા બાદ મીના કુમારી દારૂના નશામાં રહેવા લાગી અને તેણે કમાલની સાથે ફિલ્મ 'પાકીઝા' કરવાની ચોખ્ખી ના પાડી દીધી. મીના કુમારીને 1968માં લિવર સિરોસિસની બીમારી હોવાની જાણ થઈ. સારવાર માટે તે લંડન ને સ્વિટ્ઝર્લેન્ડ એક મહિનો રહી. આ દરમિયાન કમાલ અમરોહી અવારનવાર હૉસ્પિટલમાં પત્ર લખીને એકટ્રેસને ફિલ્મમાં કામ કરવાની વિનવણી કરતા. નરગિસને કારણે 'પાકીઝા'માં કામ કર્યું મીના કુમારી ફિલ્મમાં કામ કરવા તૈયાર નહોતી. નરગિસે મીના કુમારીને 'પાકીઝા'માં કામ કરવા માટે મનાવી અને તે તૈયાર થઈ. 1969માં મીના કુમારી 'પાકીઝા'ના સેટ પર આવી ત્યારે તે કમાલનો હાથ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી હતી. આ ફિલ્મ માટે મીના કુમારીએ ફી તરીકે માત્ર એક રૂપિયો લીધો હતો. કમાલે મીના કુમારીના પાત્ર પર જ ફોકસ કર્યું હતું અને આઉટફિટ પણ જાતે ડિઝાઇન કર્યા હતા. આ ફિલ્મને કમાલ અમરોહીએ અતિભવ્ય બનાવી હતી. એ સમયે 40 લાખના ખર્ચે 18 વર્ષે આ ફિલ્મ પૂરી થઈ હતી. મીના કુમારીના મોતનો ફાયદો 'પાકીઝા'ને મળ્યો આ ફિલ્મનું પ્રીમિયર 3 ફેબ્રુઆરી, 1972ના રોજ મુંબઈના મરાઠા મંદિરમાં યોજવામાં આવ્યું. બધાના આશ્ચર્ય વચ્ચે મીના કુમારીએ ખાસ હાજરી આપી અને પૂર્વ પતિની બાજુની સીટમાં જ બેઠી. ફિલ્મ ચાર ફેબ્રુઆરીએ રિલીઝ થઈ અને તેના એક મહિના બાદ જ મીના કુમારીનું અવસાન લીવર સિરોસીસને કારણે 31 માર્ચે થયું. ફિલ્મ ટૉક ઑફ ધ ટાઉન બની. આ ફિલ્મે એ સમયે છ કરોડની કમાણી કરી હતી. મીના કુમારીના મોત બાદ કમાલ અમરોહીએ કહ્યું હતું કે તે એક સારી એક્ટ્રેસ હતી, પરંતુ સારી પત્ની નહોતી. તે ઘરમાં પણ હિરોઇન જેવું વર્તન કરતી હતી. મીનાનું અવસાન થતાં બીજી પત્ની પાસે પરત ફર્યા મીના કુમારીનું અવસાન થતાં કમાલ અમરોહી બીજી પત્ની મહેમૂદી સાથે રહેવા લાગ્યા. 1982માં મહેમૂદીનું અવસાન થયું. કમાલને એકલાતનો ડર લાગવા લાગ્યો. 1983માં આવેલી ફિલ્મ 'રઝિયા સુલતાન' છેલ્લી ફિલ્મ સાબિત થઈ. તેઓ 'મજમૂન' તથા 'આખિરી મુગલ' બનાવવાના હતા, પરંતુ તેમનું 11 ફેબ્રુઆરી, 1993ના રોજ 75 વર્ષની ઉંમરમાં અવસાન થયું. આ જ કારણે બંને ફિલ્મ ક્યારેય બની જ નહીં. ચોથા લગ્ન અંગે અટકળો કમાલ ઉંમરને કારણે બીમાર રહેવા લાગ્યા. તેઓ અવાર-નવાર હૉસ્પિટલ જતાં. ત્યાં તે પોતાની ડૉક્ટર ઝોહરાને પસંદ કરવા લાગ્યા. ઝોહરા ઉંમરમાં નાની હતી, પરંતુ કમાલે તેની સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચા છે. મીનાની કબરની બાજુમાં દફન થવાની ઈચ્છા 11 ફેબ્રુઆરી, 1993ના રોજ મુંબઈમાં કમાલનું અવસાન થયું. પત્ની મીના કુમારીના અવસાનના 21 વર્ષ બાદ કમાલે આ દુનિયા છોડી. કમાલની અંતિમ ઈચ્છા હતી કે મોત બાદ તેમને મીનાકુમારીની બાજુમાં દફન કરવામાં આવે. તેમને રહમતબાદના ઈરાની કબ્રસ્તાનમાં મીના કુમારીની કબરની બાજુમાં દફન કરવામાં આવ્યા છે. કમાલિસ્તાન સ્ટૂડિયો વેચી નાખ્યો કમલ અમરોહી સ્ટૂડિયો એટલે કે કમાલિસ્તાન સ્ટૂડિયો 1958માં 15 એકરમાં બનાવવામાં આવ્યો હતો. 2019માં આ સ્ટૂડિયો વેચી દેવામાં આવ્યો અને ત્યાં કર્મશિયલ બિલ્ડિંગ બનશે. આ સ્ટૂડિયોમાં 'પાકીઝા', 'રઝિયા સુલતાન', 'એન્થોની', 'કાલિયા', 'ખલનાયક', 'કોયલા', 'દબંગ 2' જેવી ફિલ્મનું શૂટિંગ થયું હતું. કમાલની બીજી ને ત્રીજી પત્ની પહેલી જ વાર મળી ત્યારે શું થયું? દીકરી રૂખ્સારે પિતા ને મીના કુમારીના સંબંધો અંગે વાત કરી હતી. તે જ્યારે 10 વર્ષની હતી ત્યારે સ્કૂલમાં અચાનક જ લોકો તેને વિચિત્ર નજરે જોવા લાગ્યા હતા.પછીથી ખબર પડી કે તેના પિતાએ પરિણીત હોવા છતાં એક્ટ્રેસ મીના કુમારી સાથે લગ્ન કર્યા હતા. આ વાત મેગેઝિનમાં છપાઈ હતી. રૂખ્સાર સ્કૂલેથી ઘરે આવી તો તેની માતા પણ મેગેઝિન જ વાંચતી હતી. ઘરમાં આ મુદ્દે બહુ વાતો થતી નહીં. તેની માતાને મેગેઝિનના માધ્યમથી જ પતિના ત્રીજા લગ્નની જાણ થઈ. આ જ કારણે તે સતત ઉદાસ રહેતી. રૂખ્સારે માતાને આ અંગે વાત કરીને એમ કહ્યું કે જો તેઓ આપણને ભૂલી ગયા છે તો તું કેમ યાદ કરે છે? માતાએ આવું બોલવા બદલ તેને ઠપકો આપ્યો હતો. પિતાને હંમેશાં પત્રો લખતી ઉદાસ માતા સતત દીકરીને પત્રો લખવાની વાત કરતી. રૂખ્સાર પિતાને પત્રો લખતી. રૂખ્સાર પિતાની ત્રીજી પત્ની મીના કુમારીને 'છોટી અમ્મી' કહેતી. કમાલ અમરોહી બીજી પત્ની ને ત્રણ સંતાનોથી અલગ મીના કુમારી સાથે રહેતા. મહેમૂદી ને મીના કુમારીનો આમનો-સામનો થયો નહોતો. એકવાર મહેમૂદી દીકરી સાથે મીના કુમારીના ઘરે ગઈ. આ રીતે બીજી પત્ની ને દીકરી સાથે આવેલા જોઈને કમાલને કંઈક ઝઘડો થશે તેવો ડર લાગ્યો. તેણે પત્નીને સીધું જ એવું કહ્યું કે તે 'પાકીઝા'માં વ્યસ્ત છે તો હાલમાં વધુ સમય આપી શકશે નહીં. મહેમૂદીએ વિશ્વાસ અપાવ્યો કે તે કોઈ ઝઘડો કરવા આવી નથી પણ મીના કુમારીની સર્જરી થઈ હોવાથી માત્ર ખબર કાઢવા આવી છે. આ વાતથી કમાલને હાશકારો થયો ને પછી બંનેને મળાવવાનું નક્કી થયું. મીના કુમારી પોતાના રૂમમાં હતી. મહેમૂદીને જોઈને મીના કુમારીએ સલામ કરી ને નાનકડી રૂખ્સારને કપાળ પર કિસ કરી. બધાએ સાથે મળીને નાસ્તો કર્યો ને પછી મહેમૂદીએ પર્સમાંથી 250 રૂપિયા કાઢીને મીના કુમારીને આપતા કહ્યું કે ઘરના નોકરમાં વહેંચી દેજે. મીના કુમારીએ એવું કહ્યું કે આ ઘર તમારું જ છે તો નોકરો પણ તમારા છે. મીના કુમારીને મહેમૂદીના હાથ પર રહેલી ઘડિયાળ ઘણી જ ગમી ગઈ હોવાથી વખાણ કર્યા હતા. મહેમૂદીએ તરત જ તે ઘડિયાળ કાઢીને મીના કુમારીને આપતા કહ્યું કે 'તુમ પહેનો, મેરે સે છોટી હો...' મીના કુમારીએ કહ્યું, 'યે આપ ક્યા કર રહે હૈં, સબ કુછ તો દે દિયા આપને..' બંનેની આંખોમાં આંસુ હતા. મીના કુમારીને જવાબ આપતા મહેમૂદીએ કહ્યું, 'તુમસે મેરે સરતાજ મહોબ્બત કરતે હૈ મીના ઔર જિસ કો પિયા ચાહે વો હી સુહાગન. તુમ ઉનકી જાન હો ઔર હમારી જાન વો હૈ. જિસ્સે વો પ્યાર કરતે હૈ હમેં ભી કરના ચાહિયે....' ગુસ્સો હંમેશાં નાક પર રહેતો ડિરેક્ટર સ્વાર્થી ને અભિમાની કહ્યા કમાલ ઘણા જ ગુસ્સાવાળા હતા. પર્ફેક્શનને કારણે અનેક લોકો તેમના રોષનો ભોગ બન્યા. 1960માં ફિલ્મ 'દિલ અપના પ્રીત પરાઇ' પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મના ડિરેક્ટર કિશોર સાહુએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં કમાલને સ્વાર્થી ને અભિમાની કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ફિલ્મના ફાઇનલ એડિટિંગથી નાખુશ કમાલ ફિલ્મમાં ફેરફાર કરાવવા માગતા હતા, પરંતુ અન્ય કલાકારો વિરુદ્ધમાં હતા. કમાલની વાત માનવામાં ના આવી તો તેમણે ફિલ્મ રિલીઝ અટકાવી દીધી. મીના કુમારી અને બીજા કલાકારોએ ફિલ્મ રિલીઝ કરવા માટે જિદ કરી તો તેમણે પ્રોડ્યુસરને બદલે આસિસ્ટન્ટ બકર અલીનું નામ લખાવ્યું. ફિલ્મ હિટ ગઈ પછી તેમણે પ્રોડ્યુસરને બદલે પોતાનું નામ લખાવ્યું. મીનાનો પતિ કહ્યો તો ગુસ્સે થયા એક ઇવેન્ટમાં સોહરાબ મોદીએ મુંબઈના ગવર્નરને કમાલની ઓળખાણ મીનાના પતિ તરીકે કરાવી તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે તરત જ કહ્યું કે તે કમાલ અમરોહી છે અને મીના તેમની પત્ની છે. ગુસ્સામાં કમાલ ઇવેન્ટ છોડીને જતા રહ્યા. પર્સ ના ઉઠાવ્યું 1955માં મીના કુમારીને પરિણીતા માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. મીના ને કમાલ સાથે બેઠા હતા. અવૉર્ડ લીધા બાદ મીના સીધી જ પતિ સાથે કારમાં ઘરે જતી રહી. ઘરે ગયા બાદ એક્ટ્રેસને પોતાનું પર્સ યાદ આવ્યું. થોડા સમય બાદ નિમ્મી પર્સ આપવા ઘરે આવી. જ્યારે મીનાએ કમલે આ અંગે પૂછ્યું તો તરત જ જવાબ જો આજે તેઓ પર્સ ઊંચકીને ઘરે લઈ આવ્યા હોત તો કાલે ચંપલ ઉઠાવવા પડત! પર્ફેક્શનન બાદશાહ હતા... 'પાકીઝા' માટે અસલી અત્તર મગાવ્યા 'પાકીઝા' ફિલ્મના અનેક સીન માટે કમાલે ઓરિજિનલ અત્તરનો ઉપયોગ કર્યો હતો. આ જ કારણે ઘણા લોકો મજાક ઉડાવતા કે આનાથી કોઈ ફેર પડતો નથી. કેમેરામાં સુગંધ તો ક્લિક થવાની નથી તો કંઈ પણ વાપરી શકાય. કમાલે જવાબ આપ્યો હતો કે અસલી સુગંધથી કલાકારોના એક્સપ્રેશન નેચરલ આવશે. એક દિવસ તેઓ મુંબઈથી ઉટી કારમાં જતા હતા અને તેમણે આકાશમાં સ્કાયલાઇન જોઈ. ફિલ્મના ગીત 'મૌસમ હૈ આશિકાના' માટે તેઓ આ જ સ્કાયલાઇન ઈચ્છતા હતા. દિવસો સુધી કમાલ આખા યુનિટ સાથે તેઓ રસ્તા પર રોજ સવારે જતા. ફિલ્મનું બજેટ શરૂઆતમાં 40 લાખ હતું. મોટાભાગે ફિલ્મના સેટ પર જ પૈસા ખર્ચ કરવામાં આવ્યા. ફિલ્મના સંગીતકાર ગુલામ મોહમ્મદનું હાર્ટ અટેકથી અવસાન થયું. બાકી રહેલું કામ નૌશાદે પૂરું કર્યું. 1971માં ભારત-પાક યુદ્ધને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. જ્યારે આ ફિલ્મ અમૃતસર દૂરદર્શન પર રિલીઝ થઈ ત્યારે સિગ્નલ લાહોર સુધી જતા હતા અને લાહોરમાં અનેક દુકાનોમાં આ ફિલ્મ ચલાવવામાં આવી હતી. 'રઝિયા સુલતાન'માં પાણીની જેમ પૈસા વહાવ્યા 'રઝિયા સુલતાન' તે સમયની સૌથી મોંઘી ફિલ્મ હતી. ફિલ્મના સેટ, કોસ્ચ્યુમ તથા વૉર સીન પાછળ ચિક્કાર પૈસા ખર્ચ કરવામાં આવ્યા. ફિલ્મમાં શાહી ભોજ માટે કમાલે 45 બકરા, 251 માછલી, 433 મરઘા સાથે દોઢ ટન બિરયાની બનાવી હતી. ફિલ્મના એક સીન માટે ઓસ્ટ્રેલિયાથી પોપટ મગાવ્યો હતો. ફિલ્મના ક્લાયમેક્સના સીન ઇંગ્લેડના રોય ફીલ્ડ્સ ઑફ પાઇનવુડ સ્ટૂડિયોએ કર્યા હતા. આ જ સ્ટૂડિયોમાં 'સ્ટાર વોર્સ' ને 'સુપરમેન' જેવી હોલિવૂડ ફિલ્મના સ્પેશિયલ ઇફેક્ટ્સ સીન તૈયાર થતા કમાલને આ સીનમાં મજા ના આવી ને અંતે તેમણે પોતાના સીન જ રાખ્યા. 10 કરોડમાં બનેલી આ ફિલ્મ બોક્સઑફિસ પર ફ્લોપ રહી. કમાલ અમરોહીના સંતાનોની વાત કરીએ તો, કમાલ અમરોહીનો દીકરો તાજદાર અમરોહી ડિરેક્ટર તથા પ્રોડ્યુસર છે. તે પિતાના વારસાને આગળ વધારવા માગે છે. તાજદાર સાવકી માતા મીના કુમારીને છોટી અમ્મી કહીને બોલાવતા. બંને વચ્ચે સારા સંબંધો હતા. તાજદારે 'પાકીઝા' ફિલ્મ પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તાજદારે 'રઝિયા સુલતાન'માં કામ કર્યું હતું. ડિરેક્ટર તરીકે 'એક નંબર કા ચોર' ડિરેક્ટ કરી ને 'હમ સે હૈ જહાં' પ્રોડ્યુસ કરી હતી. તાજદારને હંમેશાં એક વાતનો અફસોસ છે કે તેના પિતાને બોલિવૂડ તથા સરકારે યોગ્ય માન સન્માન આપ્યું નહીં. આ ઉપરાંત તે એક વાત હંમેશાં કહે છે કે તેના પિતાએ ક્યારેય મીના કુમારીને હેરાન કરી નહોતી અને ડિવોર્સ પણ લીધા નહોતા ને જીવનમાં ક્યારેય માર પણ માર્યો નહોતો. તાજદાર ને નીલોફરને બે દીકરાઓ બિલાલ તથા મશહૂર. સંજય દત્તની ભાણી સાથે લગ્ન કમાલ અમરોહીના પૌત્ર બિલાલ અમરોહીએ સાચી (સંજય દત્તની બહેન નમ્રતા-કુમાર ગૌરવની દીકરી) સાથે નવેમ્બર, 2014માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવાર તથા મિત્રો જ હાજર રહ્યા હતા. બિલાલે ફિલ્મ 'ઓ તેરી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ એ ખાસ સફળ થયો નહીં. ત્યાર બાદ તેણે ફિલ્મ 'એક નંબર કા ચોર' પ્રોડ્યુસ કરી. સાચી તથા બિલાલે સાથે મળીને પ્રોડક્શન કંપની લાઇનહાર્ટ સિનેમા શરૂ કર્યું છે. આ બેનર હેઠળ તેમણે સપ્ટેમ્બર, 2024માં 'કમલ ઔર મીના'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ કમાલ અમરોહી ને મીના કુમારીની લવસ્ટોરી પર આધારિત છે. બીજો પૌત્ર મશહૂર અમરોહી એક્ટર છે અને તેણે હાલમાં જ 'ધુરંધર'માં નવાબ શફીકનો રોલ પ્લે કર્યો હતો. સાવકો દીકરો તાજદાર બન્યો કરોડોની મિલકતનો માલિક મીના કુમારી ને કમાલ અમરોહીએ મુંબઈના બાંદ્રાના પાલી હિલમાં 11 હજાર સ્ક્વેર ફૂટથી વધુ જમીન ખરીદી હતી. તે સમયે આ જમીનની કિંમત પાંચ લાખ હતી. 1966માં આ જમીન કોઝીહોમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને લીઝ પર આપવામાં આવી અને દર મહિને ₹8,835નું ભાડું નક્કી કરીને પાંચ બિલ્ડિંગ બનાવવામાં આવ્યાં. 1990માં કમાલ અમરોહીએ લીઝ એન્ગ્રીમેન્ટ પૂરો કરીને એમ કહ્યું કે ભાડાની રકમ પૂરતી ચૂકવવામાં આવી નથી. 1991માં કમાલે જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો ત્યારે 66 હજાર રૂપિયા બાકી નીકળતા હતા. બે વર્ષ બાદ એટલે કે 1993માં કમાલ અમરોહીનું અવસાન થયું, પરંતુ તેમનાં સંતાનોએ આ લડાઈ ચાલુ રાખી. અંતે, 23 એપ્રિલ, 2025ના રોજ બાંદ્રાની સ્મોલ કૉઝ કોર્ટે તાજદાર અમરોહીના પક્ષમાં ચુકાદો આપ્યો અને છ મહિનાની અંદર જમીન ખાલી કરવાનું કહ્યું. આજે તો આ જમીનના કરોડો રૂપિયા આવે એમ છે. તાજદાર તથા ઝિન્નત અમાન વચ્ચે કનેક્શન તાજદારની પત્ની નીલોફર બોલિવૂડ ડિરેક્ટર મઝહર ખાનની બહેન છે. મઝહર ખાને બોલિવૂડ એક્ટ્રેસ ઝિનત અમાન સાથે લગ્ન કર્યા છે. એ રીતે તાજદારના બંને સંતાનોની મામી ઝિનત અમાન થાય. કમાલ અમરોહીના બીજા દીકરા શાનદારની વાત કરીએ તો, શાનદારે પણ પિતાની જેમ જ ડિરેક્શન તથા પિતાની ફિલ્મમાં કામ કર્યું. શાનદાર તથા તાજદાર વચ્ચે અવાર-નવાર સપંત્તિને કારણે ઝઘડા થતા. શાનદારનું 2011માં ગોવામાં 68 વર્ષની ઉંમરે અવસાન થયું. શાનદાર સાવકી માતા મીના કુમારીએ લખેલી કવિતાઓનું વિમોચન કરવાના હતા. પ્રીટિ ઝિન્ટા સાથેનો વિવાદ ખાસ્સો ચગ્યો હતો શાનદાર તથા પ્રીટિ ઝિન્ટાની પહેલી મુલાકાત મુંબઈમાં ફાઇવ સ્ટાર હોટલમાં થઈ હતી. થોડા સમય બાદ સંપત્તિ અંગે શાનદારનો ઝઘડો બહેન રૂખ્સાર તથા ભાઈ તાજદાર સાથે થયો. શાનદારે બહેન રુખ્સાર તથા ભાણીયા વસીમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. શાનદારની સાથે પ્રીટિ ઝિન્ટા પોલીસ સ્ટેશન પણ ગઈ હતી. થોડા સમય બાદ શાનદારે પોતાની 600 કરોડની સંપત્તિ પ્રીટિને આપવાની જાહેરાત કરી હતી. શાનદારે પ્રીટિને પોતાની દત્તક દીકરી ગણાવી હતી. જોકે, પ્રીટિએ સંપત્તિ લેવાની સ્પષ્ટ ના પાડી હતી. શાનદારના અવસાન બાદ પ્રીટિએ તેમના સંતાનોને 2 કરોડ રૂપિયા પરત આપવાનો કેસ કર્યો હતો. પ્રીટિએ આ પૈસા શાનદારની સારવાર માટે આપ્યા હતા. શાનદારના ભાઈ તાજદારે પ્રીટિ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પ્રીટિએ તેના ભાઈને ભોળવી નાખ્યો હતો અને 2 કરોડની વાત ક્યારે જણાવી જ નહોતી.
    Click here to Read More
    Previous Article
    બે ભાગમાં વહેંચાઈ બાંગ્લાદેશ આર્મી, શું સિવિલ વોર થશે?:હિંસા પાછળ પાકિસ્તાન સમર્થક અધિકારીઓ, સ્ટુડન્ટ લીડર્સે કહ્યું- તખ્તાપલટનું કાવતરું
    Next Article
    ફાઈન રિયલ જરી મેન્યુફેક્ચરર્સ એસો.નો નિર્ણય:સોના-ચાંદીની જેમ રિયલ જરીના ભાવ પણ હવે રોજ જાહેર કરાશે ઉદ્યોગના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવો નિર્ણય લેવાયો

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment