Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:કબ્રસ્તાન કે સ્મશાન છેલ્લી વિદાય!

    11 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ એક શહેરથી થોડે દૂર એક નાનકડું ગામ વસેલું હતું. આમ તો રોડ-રસ્તે આ ગામ શહેર સાથે સારી રીતે જોડાયેલું હતું તેમજ શહેરથી એનું અંતર ખાસ વધારે ન હોવાને કારણે બંને વચ્ચેનો સંવાદ હજુ સુધી જળવાઈ રહ્યો હતો. આ ગામમાંથી વધારે સારી તકો તેમજ વ્યાપાર-ધંધા અર્થે કેટલાંક લોકો શહેરમાં જઈ વસ્યાં હતાં, જેને કારણે અરસપરસનો સંપર્ક-સેતુ મજબૂત હતો. આ શહેરમાં જન્મીને મોટા થયેલા, એ ગામનાં મૂળ વતનીઓનાં સંતાનો સ્વાભાવિક રીતે જ પોતાના ગામ વિશે, તેની સંસ્કૃતિ તેમજ ઐતિહાસિક સ્થળો વિશે જાણવા માટે ઉત્સુક હતાં. આવા કેટલાંક યુવાનોનું એક જૂથ પોતાના પૂર્વજોના આ ગામની મુલાકાતે આવ્યું હતું. ગામમાં આવેલાં પુરાણા ચર્ચ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, લાઈબ્રેરી વગેરે સ્થળોની મુલાકાત લેતા અને ગ્રામ્ય વાતાવરણનો આનંદ માણતા આ યુવાનોનું ટોળું ગામની નજીક આવેલા કબ્રસ્તાનમાં પહોંચ્યું. કબ્રસ્તાનની દેખભાળ કરનાર વ્યક્તિ એક વયોવૃદ્ધ માણસ હતો. સફેદ દાઢી અને શ્વેત વાળ ધરાવતા આ વૃદ્ધના ચહેરા પર સમયની થપાટોએ પાડેલી કરચલીઓ એક ગરિમા બક્ષતી હતી. છેલ્લા કેટલાય દાયકાઓથી તેઓ આ કબ્રસ્તાનમાં રખેવાળ અને વ્યવસ્થાપક (કેર ટેકર) તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. યુવાનો કબ્રસ્તાનમાં દાખલ થયા અને કુતૂહલપૂર્વક ત્યાં કબરમાં પોઢેલા તેમના પૂર્વજો વિશે વાંચવા લાગ્યા. આ જોઈને પેલા વયોવૃદ્ધ વ્યક્તિએ ગંભીરતા સાથે કહ્યું, ‘એક સમયે અહીં ચિરનિદ્રામાં પોઢેલા આ તમામ લોકો પોતાની જુદી જુદી પ્રાપ્તિઓ તેમજ ખાસિયતો માટે જાણીતા હતા. કોઈ પોતાની દેહયષ્ટિના સૌંદર્ય માટે, તો કોઈ પોતાના હાથમાં રહેલી વિશાળ સત્તા માટે પ્રખ્યાત હતા. આમાંથી કોઈ ખૂબ પૈસાદાર હતું તો કોઈ સુખ-સવલતોથી ભરેલી આધુનિક જિંદગી જીવતું હતું.’ પેલો શ્વેતકેશી પોતાની વાત આગળ વધારતો રહ્યો અને યુવાનોનું જૂથ મંત્રમુગ્ધ બની તેમને સાંભળી રહ્યું હતું. તેમની વાતોમાં આટલાં વર્ષોના અનુભવનો નિચોડ હતો અને કબ્રસ્તાનમાં રહીને કેળવેલા વૈરાગ્યની ઝલક પણ હતી. તેમણે આગળ કહ્યું, ‘આ બધી વિશિષ્ટ પ્રાપ્તિઓમાંથી આજે કશાની અગત્યતા રહી નથી. તેમને મળેલાં માન-અકરામ, પ્રતિષ્ઠા અને ચળ-અચળ સંપત્તિ બધું જ આ કબ્રસ્તાનના દરવાજાની બહાર રહી જાય છે. દરેક વ્યક્તિ અહીં એકસરખી રીતે જ આવે છે, એકસરખી રીતે જ અંતિમ વિદાય લે છે અને અંતે માટીમાં ભળી જાય છે.’ તેઓ થોડીવાર થોભ્યા અને યુવાનો તરફ જોઈને જાણે પોતાની જાતને પૂછતા હોય તેમ પ્રશ્ન કર્યો, ‘તો પછી તેમની સાથે શું જાય છે?’ તેમણે મંત્રમુગ્ધ થઈ સાંભળી રહેલા યુવાનોના ચહેરા પર નજર કરી. કોઈની આંખમાં જવાબ ન દેખાતા તેમણે પોતે જ ઉત્તર આપ્યો, ‘તમે જેની માલિકી ધરાવો છો તે તમારી સાથે નથી જતું, પણ તમે કઈ રીતે જીવ્યા, બીજા પ્રત્યે કેટલા ઉષ્માભર્યા, દયાળુ અને લાગણીશીલ રહ્યા, તમે જે પ્રેમ વહેંચ્યો અને તમારા કારણે જેટલી જિંદગીઓ બહેતર બની – આ બધું જ તમારી સાથે રહે છે. તમારા ગયા પછી લોકો તમને આ ગુણો માટે જ યાદ કરે છે.’ તેમણે ઉમેર્યું, ‘માત્ર દેખાડો કે શોબાજી નહીં, પણ ખરેખર અર્થસભર જીવન જીવવાનું પસંદ કરો. તમારી પાછળ સંપત્તિ અને સત્તા બધું જ અહીં પડ્યું રહેવાનું છે, માટે તેની ચિંતા કર્યા વગર લોકોની યાદોમાં અંકિત થઈ જાઓ તેવું જીવન જીવો. આ બાબત જ તમને દીર્ઘકાલીન યશ અપાવશે, જે પૈસાથી ખરીદી શકાતો નથી.’ જાણે અતીતમાં નજર ખોડીને વાત કરતા હોય તેમ તેમણે યુવાનોને કહ્યું, ‘તમારી આ ઉંમરે કદાચ હું જે કહું છું તેનો મર્મ નહીં સમજાય, પણ સત્ય આ જ છે. આટલાં વર્ષોના અનુભવે અને અહીં આવતા શબોએ મને આ જ શીખવ્યું છે. માણસ આ દુનિયામાં ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. જો વારસદારો સારા હોય તો સંપત્તિનો સદુપયોગ થાય, બાકી બધું જ નામશેષ થઈ જાય છે અને આવનારી પેઢીઓ તેને યાદ પણ કરતી નથી. તમે ભૌતિક સફળતાઓ ભલે ગમે તેટલી મેળવો, પણ જ્યાં સુધી સંવેદનશીલ બનીને લાગણીઓને પોષશો નહીં, ત્યાં સુધી મનુષ્ય તરીકે તમારું જીવન અર્થવિહીન છે. પશુઓ પણ જીવે જ છે, પણ તેમની પાછળ કોઈ સંવેદના કે યાદગીરી શેષ રહેતી નથી.’ યુવાનોનું ટોળું વાસ્તવિકતાની દુનિયામાં પાછું ફર્યું. તેમને ઘડીભર લાગ્યું કે તેઓ કોઈ બીજી જ દુનિયાની સફરે જઈ આવ્યા છે, જ્યાં આ શ્વેતકેશી જેવા કોઈ ‘ફરિશ્તા’એ તેમને જિંદગીનાં રહસ્યો સમજાવ્યાં છે. આધુનિક ધમધમાટ વચ્ચે જીવતી આજની પેઢી આ વાતોને કેટલી સ્વીકારશે એ તો ખબર નથી, પણ આ મુલાકાતે તેમનામાં એક એવું વિચારબીજ વાવ્યું હતું જે કદાચ ભવિષ્યમાં માનવ સંસ્કૃતિને એક નવી દિશા આપશે. યુવાનો જ્યારે કબ્રસ્તાનમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે પેલો શ્વેતકેશી મનમાં એક સંતોષ સાથે તેમને જઈ રહ્યો હતો કે લાંબા સમયે કોઈ સાંભળનાર મળ્યું અને પોતે પોતાનું કામ સુપેરે પાર પાડ્યું.
    Click here to Read More
    Previous Article
    કળશ ન્યુઝ:સોમનાથની સખાતે લોકબલિદાન
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:ફિલ્મસ્ટાર્સની ઊંઘની આદતો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment