Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કળશ ન્યુઝ:સોમનાથની સખાતે લોકબલિદાન

    10 hours ago

    હેમાંગ મહિપતરામ રાવલ સોમનાથ માત્ર એક મંદિર નથી; તે સનાતન સંસ્કૃતિની અડગ આસ્થા, સામૂહિક ચેતના અને બલિદાનની જીવંત ગાથા છે. ગઝનવીના આક્રમણને લઈને આજ સુધી અનેક લેખો અને ઇતિહાસગ્રંથો લખાયા છે, જેમાં ભૌગોલિક માર્ગ, આર્થિક લાલસા, રાજકીય પરિસ્થિતિ અને મંદિરના વૈભવની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ અભિગમ ઇતિહાસને વ્યાપક રીતે સમજવા માટે જરૂરી છે, પરંતુ સોમનાથની ઘટના માત્ર રાજકીય કે આર્થિક પરિપ્રેક્ષ્ય સુધી સીમિત રહી નથી. તે સમયના સમાજના વિવિધ વર્ગોએ જે સંયુક્ત પ્રતિરોધ અને બલિદાન આપ્યું, તે આ ઘટનાનું સૌથી ગહન અને માનવીય પાસું છે. પ્રભાસ ક્ષેત્રના ઇતિહાસ અંગેનાં અનેક પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનો દર્શાવે છે કે ગઝનવીના આક્રમણ સમયે સોમનાથ મંદિરનું રક્ષણ માત્ર રાજાશાહી સૈન્ય દ્વારા થયું નહોતું. હજારો નિઃશસ્ત્ર ધાર્મિક સેવકો, ખાસ કરીને બ્રાહ્મણોએ, શિવાલયની પરિક્રમા કરીને માનવ સાંકળ રચી હતી. શંભુપ્રસાદ દેસાઈનું ‘પ્રભાસ અને સોમનાથ’, કાન્તિલાલ મહેતાનું ‘સોમનાથ: ઇતિહાસ અને પુરાણ’ તથા એલિયટ અને ડોસનની History of India as Told by Its Own Historians જેવા ગ્રંથોમાં આ ઉલ્લેખ સ્પષ્ટ રીતે મળે છે કે શસ્ત્રવિહોણા હોવા છતાં તેમણે મંદિરની રક્ષા માટે પ્રાણાર્પણ કર્યું હતું. લોકવૃત્તાંતો અને ઐતિહાસિક નોંધોમાં આ સંહાર પછી શહીદ થયેલા હજારો બ્રાહ્મણોની જનોઈઓના ઢગલાનો ઉલ્લેખ મળે છે. આ ઘટના માત્ર કથા નથી, પરંતુ સમકાલીન સમાજની ઊંડી ધાર્મિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ગઝનવીના આક્રમણ પછીના સમયમાં પણ સોમનાથ માટેનો ક્ષત્રિય પ્રતિરોધ અને સંકલ્પ અવિરત રહ્યો હતો. આ પરંપરાગત પ્રતિરોધના પ્રતીક તરીકે સૌરાષ્ટ્રના રાજવંશીય અને લોકઇતિહાસમાં લાઠીના રાજકુમાર હમીરજી ગોહિલનું નામ વિશેષ ગૌરવથી સ્મરાય છે. જેમ્સ ટોડના Annals and Antiquities of Rajasthan, નર્મદાશંકર દવે તથા સૌરાષ્ટ્રના લોકઇતિહાસકારોના લેખનમાં ઉલ્લેખ મળે છે કે હમીરજી ગોહિલ સોમનાથની રક્ષા અને સ્વાભિમાન માટે કેસરિયા કરવા આગળ વધ્યા હતા. ઐતિહાસિક રીતે તેમનો સમય ગઝનવીના આક્રમણ પછીનો હોવા છતાં, લોકપરંપરામાં તેઓ સોમનાથ માટે પેઢી દર પ્રતિરોધ અને બલિદાનના પ્રતીક તરીકે સ્થિર થયા છે. આજે પણ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે આવેલો તેમનો પાળિયો માત્ર સ્મારક નથી, પરંતુ આ દીર્ઘ સંઘર્ષની જીવંત ઐતિહાસિક સાક્ષી છે. સોમનાથના આ પ્રતિરોધમાં લોકશક્તિ અને વનવાસી સમાજનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. વેગડાજી ભીલ અને તેમના સાથીઓએ ગેરિલા યુદ્ધપદ્ધતિ દ્વારા આક્રમણકારો સામે જે પ્રતિરોધ ઊભો કર્યો, તે સૌરાષ્ટ્રનાં લોકસાહિત્ય, ભજનો અને લોકવાર્તાઓમાં આજે પણ જીવંત છે. હમીર અને વેગડાની જોડીને લોકપરંપરામાં ‘સોમનાથની સખાતે’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓળખ એ વાત સ્પષ્ટ કરે છે કે મંદિરનું રક્ષણ માત્ર રાજાશાહી કે ધાર્મિક વર્ગ સુધી સીમિત નહોતું, પરંતુ તેમાં જનસામાન્ય અને વનવાસી સમાજ પણ સમાન રીતે જોડાયેલો હતો. આ તમામ ઘટનાઓ અને સંદર્ભો સ્પષ્ટ કરે છે કે સોમનાથ પરનું આક્રમણ માત્ર મંદિર વિનાશની ઘટના નહોતી. તે સમયના સમાજના વિવિધ વર્ગો બ્રાહ્મણ, ક્ષત્રિય, વનવાસી અને સામાન્ય જનતાએ અલગ અલગ સમયગાળામાં પણ એક જ સંકલ્પ સાથે આપેલા પ્રતિરોધ અને બલિદાનની આ ગાથા છે. સોમનાથની સખાતે થયેલું લોકબલિદાન માત્ર ભૂતકાળની યાદ નથી, પરંતુ સંસ્કૃતિ, એકતા અને આત્મસમર્પણની એવી શાશ્વત પ્રેરણા છે, જે ઇતિહાસને વધુ ન્યાયપૂર્ણ અને સર્વગ્રાહી રીતે સમજવાની દિશા આપે છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:એ ક્યાં ઊભી હશે?
    Next Article
    આંતરમનના આટાપાટા:કબ્રસ્તાન કે સ્મશાન છેલ્લી વિદાય!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment