Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેતુ:મજા આવી ગઈ!

    1 week ago

    લતા જગદીશ હિરાણી લો,સાંભળો એટલે કે વાંચો એક સરસ વાત. આ વિશ્વમાં બધાંને ખુશ રહેવું ગમે. બધાંને સુખ મેળવવું ગમે. બધાંને, લોકો પોતાને ઓળખે, માન આપે એવું ગમે. શું કોઈને સવારના પહોરમાં ઊઠીને એવો વિચાર આવે કે ‘આજે તો દુખી થવું છે!’ ના, એવું ન જ થાય. હા, કોઈ આગલા દિવસનું દુખ ખંખેરી ન શકે અને એ ચોંટેલું જ રહે એ વાત જુદી છે. બાકી ઈચ્છા તો ન જ થાય એ સાચું. તમને થશે કે આજે આ ‘સેતુ’ની ગાડી ક્યાં જઈ રહી છે? તો એવું છે મિત્રો કે અગાઉ તમે વાંચેલી વાર્તાઓના પાત્રો પણ આજુબાજુના સંસારમાં ક્યાંક જીવતા જ હોય છે! આજે એવી જ કૈંક વાત. તો આ સરસ વાત એટલે એક એવા માણસની વાત કરીશ કે જેને દુખી કરવો મુશ્કેલ! નામ એનું સુરેશભાઈ અને કહીશું એમને સુભાઇ! હા, તમારે એવા ભાઈ કે બહેનને આસપાસમાંથી શોધવાના છે, મળશે તો ખરા. તો વાત આ સુભાઈની. વર્ષોથી દેખાવમાં લગભગ એવા ને એવા. અમુક ઉંમર થઈ જાય પછી શરીરમાં કેટલોક ફેર પડે! વળી શરીરની ફરતે આનંદનો વીંટો એવો વીંટાયેલો હોય કે ઉંમર બિચારી આંટા મારે. હમણાં મને મળ્યા ત્યારે કહે, ‘વાસણ સાફ કરી લઉં પછી ચમકતી તપેલી જોવાની એટલી મજા આવે!’ - લો બોલો, એક પુરુષને વાસણ સાફ કરવાની મજા આવે? ને વળી ચમકતી તપેલી જોઈને આનંદ થાય? વળી એ વટથી જાહેર પણ કરવાનું! છે ને નવાઈની વાત. અલબત્ત એ પહેલેથી વાસણ સાફ કરતાં એવું ના માનશો હો! મોટી કંપનીમાં જનરલ મેનેજર હતા. ઘરમાં ત્રણ-ચાર નોકરચાકર હરેફરે. પૂરી સાહ્યબી. પરણીને અમેરિકા ગયેલી દીકરીને મમ્મી-પપ્પાની બહુ જ જરૂર પડી. કારણ એકદમ જેન્યુઇન હતું. એટલે સુભાઈ સપત્નીક પહોંચ્યા અમેરિકા! શરૂઆતમાં જરા અઘરું પડ્યું પણ પ્રોબ્લેમ્સનું પડીકું વાળી પનામામાં વહાવી દે એવી સૂઝ કુદરતે આ માણસને આપેલી અને પોતે એને સમજીને બરાબર વિકસિત કરેલી. દીકરીને રાહત આપવા પતિ-પત્નીએ ઘરના કામો વહેંચી લીધા. સુભાઈએ સ્વીકાર્યું વાસણ સાફ કરવાનું, ચા બનાવવાનું અને બહારના કામો કરી આપવાનું. પછી શરૂ થયો, આ નવી પરિસ્થિતિમાં ખુશ રહેવાનો ઉદ્યમ! શોધતાં આવડે એને સાવરણીમાંથીયે સુખ મળે એટલે કે ખુશી મળે. મિત્રો, આ ‘આવડે’ શબ્દ મહત્ત્વનો. એ કળા શીખવા જેવી ખરી! ‘જમવામાં શું ભાવશે સુભાઈ? કંઈ તીખું, તળેલું ન ફાવતું હોય તો કહેજો.’ ‘તમારી અનુકૂળતા પ્રમાણે કંઈ પણ! બાકી ઘરમાં મને આ સવાલ પૂછે તો હું કહું છું, લાડુ, વાલ, શાક, દાળ, ભાત, ને લટકામાં બીજું જે દેવું હોય એ! બાકી જુઓ, આપણને ચટાકેદાર ખાવાનો શોખ. ભારત આવ્યો છું તો ખાવાની બહુ મજા કરી છે, સાંભળો,’ કહીને એમણે રેસ્ટોરન્ટના અને એની વાનગીઓના નામોનું લિસ્ટ કહ્યું. સુભાઈને સુગર, પ્રેશર કશું જ નહીં! નવ નિરાંત... 83 વર્ષે પણ એમની યાદશક્તિ ટકાટક અને જીભના ચટાકા ચકાચક! જમવાનું ચટાકેદાર અને ભાવતું, પણ માપમાં જ. સંયમ પૂરેપૂરો. મારા આગ્રહ કરવાથી બોલ્યા, ‘અમે આનાથી ત્રણગણા મોટા કેટલા લાડવા ખાઈ જતા, ખબર છે?’ એમ કહીને એમણે એક જ નાનકડો લાડુ ખાધો. મારે ત્યાં આવ્યા હતા તે જ દિવસે એમના બેય હિયરીંગ એડ્સ બગડી ગયેલા. બેય કાન લગભગ બંધ. અને બૂમો પાડીને કેટલું બોલાય! મેં કહ્યું, ‘આજે તમે વક્તા અને અમે શ્રોતા!’ એ ખુશ થઈ ગયા. ‘આમેય મને કોઈ ભાષણ આપવા બોલાવતું નથી તો આજે હવે પૂરો લાભ લઇશ.’ લગભગ બે કલાક એમની વાતો ચાલી... વાતો કરતાં હસવાનું રેલાની જેમ ચાલ્યા કરે. હસી-હસાવી ખાવાનું બધું જતાં પહેલાં જ પચાવી લીધું. એમની વાત શરૂ ક્યાંથી થઈ જાણો છો? ‘મેં મને ‘MTP’ની ડિગ્રી આપી છે. તમને ક્યાંથી ખબર હોય કે MTP એટલે શું? તો બોલો કહી દઉં. માસ્ટર ઓફ ટાઈમ પાસ!’ અને પછી ચાલી એમની મજા! સુડોકુ કરતાં વધારે અઘરી રમત એમણે એમના દોસ્તોને રમતાં કરી દીધા છે. ત્રણ-ચાર દોસ્તોનું ગ્રૂપ બનાવીને નવરાશમાં કેટલીયે રમતો રમતા હોય. શબ્દરમત એમનો એક પ્રિય શોખ. મને કહે, ‘સિંગલ અક્ષરના બનેલા બે એવા શબ્દો કહો કે જેને ઉલટાવતા-સુલટાવતા બે નવા શબ્દો બને!’ વળી અર્થ બાબતે એમાં બીજી પેટા શરતો પણ હતી. અંતે જવાબ એમણે જ આપ્યો, ‘સો’ ‘ના’! 83 વર્ષે એમનામાં છલકાતા જીવનરસથી કોઈપણ અચંબિત થઈ જાય. જીવનની કોઈ એક ક્ષણે એમને આત્મજ્ઞાન થયું કે ‘હીરા જનમ અમોલ થા, કોડી બદલે જાય!’ અને આ પછી એમણે ‘જીવવાનું’ શરૂ કર્યું. જોકે એમનો રસ્તો જુદો હતો. જેમાં કથા-સત્સંગ, ભજન-કીર્તન એવું ન આવે….. બસ જીવવાનું એટલે જીવવાનું. ‘મોજમાં રહેવાનું!’ અને આ મોજ એકદમ સહજ અને નિર્દોષ! ઈશ્વરને આનંદ બહુ વહાલો છે. એણે જન્મથી જ દરેક માનવીમાં રોપેલો છે પણ મોટાભાગનાં લોકો બાળપણ પછી એ ખોઈ નાખે છે. ઈશ્વર જ્યાં એને સચવાયેલો જુએ ત્યાં ખુશ જ થાય ને! આવા માણસને ભજન-કિર્તનની શી જરૂર? એમણે નવરાશમાં બ્લોગિંગ ચાલુ કરેલું અને પૂરા દિલથી એમાં પરોવાયેલા. મારા જેવા અનેક શિખાઉ બ્લોગરને એમણે મદદ કરેલી. પોતે શરૂ કરેલો ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ બ્લોગ પૂરી નિષ્ઠાથી નિભાવ્યો. એમની વાતો સાંભળીએ તો એક બાળક એમનામાં કેટલું જીવે છે, ઉછળે છે, કૂદે છે એ સમજાય. એમ જ કેટલી સમજણ એમણે પોતાનાંમાં ઉછેરી છે, પરોવી છે એય સમજાય. જીવન છે ભાઈ, અને એય માણસ છે એટલે ઊંચનીચ તો આવ્યા જ કરે. એમાં સહજતા કેમ જાળવવી, એની પૂરી આવડત. ખાસ તો પ્રત્યેક ક્ષણે ખુશ રહેવાનું. બહુ અઘરું છે દોસ્તો, અને એમને પૂછો તો સાવ સહેલું પણ છે! મોટાભાગે 80 પછીના લોકો કરમાઈ ગયેલા, થાકી ગયેલા, ઢળી પડેલા જોવા મળે. ઈશ્વર પણ એમના માટે વિચારતો હશે કે હવે એમને મુક્તિ આપી દઈએ. જ્યારે આ સુભાઈ જેવા લોકોનો આનંદ ઈશ્વર પણ ટગરટગર જોયા કરે! અને ઈચ્છે કે અનેક માણસોને એનો ચેપ લાગે! એટલે તો આ વયે પણ એમના સ્વસ્થ શરીરમાં એકપણ રોગ માટે નો એન્ટ્રી! જમ્યા પછી રજા લેતી વખતે સુભાઈ હસતાં હસતાં બોલ્યા, ‘તમે લાડુ ખાવાનો આગ્રહ કર્યો હતો ને! તો લો, મને બે પેક કરી આપો!’ યે બાત, સુભાઈ!
    Click here to Read More
    Previous Article
    જોબન છલકે:નવા વર્ષની શરૂઆત
    Next Article
    રસથાળ:શિયાળામાં ખાવા જેવા શક્તિવર્ધક પાક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment