Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PI પતિની બીજી પત્ની સાથે સ્વીટીનો આમનો-સામનો થતાં થયો ઝઘડો:લક્ઝુરિયસ કારમાં નાખીને લાશ સગેવગે કરી, પાર્કિંગની એક ભૂલે ભાંડો ફોડ્યો

    2 days ago

    ‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’ના ગઇકાલના એપિસોડમાં આપણે જોયું કે 2021ના જૂન મહિનામાં વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અજય દેસાઈની પત્ની સ્વીટી અચાનક ગાયબ થઈ ગઈ. સ્વીટીના ભાઈ જયદીપે FIR નોંધાવી. સતત 45 દિવસ સુધી પોલીસે ચારેકોર શોધખોળ કરી, છતાં સ્વીટીનો ક્યાંય પત્તો ન લાગ્યો. આખરે પ્રેશર વધતાં આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ)ને સોંપાઈ. આ બંને એજન્સીએ નવેસરથી શરૂ કરેલા ઇન્વેસ્ટિગેશનમાં એક શોકિંગ ટ્વિસ્ટ આવ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને કરજણથી 77 કિલોમીટર દૂર દહેજના અટાલી ગામની એક અવાવરું હોટેલના પાછળના ભાગેથી માનવ હાડકાં, દાંત અને કેટલાંક દાગીના મળી આવ્યાં. FSL રિપોર્ટમાં ખૂલ્યું કે આ હાડકાં સ્વીટી પટેલના હતા! હવે એ સ્પષ્ટ હતું કે સ્વીટીની હત્યા થઇ છે, પણ સવાલ એ હતો કે સ્વીટીની હત્યા કરી કોણે? અને શા માટે? જવાબ માટે વાંચો આગળ… જ્યારે આવી કોઇ ઘટના બને ત્યારે પોલીસ સૌથી પહેલાં મૃતકનાં પરિવારજનોની તપાસ કરે. આ કેસમાં પણ ક્રાઇમ બ્રાન્ચને સૌથી પહેલી શંકા તો સ્વીટીના પતિ અજય દેસાઈ પર ગઈ, પરંતુ તે PI હતા એટલે તેના પર સીધો હાથ નાખી શકાય તેમ નહોતો. એટલે ક્રાઇમ બ્રાન્ચે બીજી દિશામાં તપાસ શરૂ કરી. ક્રાઇમ બ્રાન્ચે સ્વીટી પટેલ જ્યાં રહેતી હતી તે કરજણની પ્રયોશા સોસાયટીના બંગલામાં અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી. એ પછી જ્યાંથી સ્વીટીનાં હાડકાં મળી આવેલાં તેની નજીકના કરજણ ટોલ નાકાનાં CCTV ચેક કર્યાં. અઠવાડિયાંઓનાં રેકોર્ડિંગ તપાસ્યા બાદ આખરે પોલીસને પહેલો ક્લુ મળ્યો. એક વીડિયોમાં PI અજય દેસાઈની કાર દેખાઈ. આનાથી ક્રાઇમ બ્રાન્ચની આશંકાને મજબૂત આધાર મળ્યો. હવે અજય દેસાઈનો કૉલર ઝાલવા માટે કોઈની શેહશરમ રાખવાની જરૂર નહોતી. પોલીસે કરજણની પ્રયોશા સોસાયટીનાં CCTV ફૂટેજ તપાસ્યાં, જેમાં સ્વીટી ગાયબ થઈ તે રાત્રે જ અજય દેસાઈ પોતાની કાર રિવર્સમાં લઇને બંગલાની અંદર લાવતા હોય તેવું ફૂટેજ મળ્યું. જ્યારે આસપાસમાંથી માહિતી મળી કે અજય દેસાઈ તો કાયમ પોતાની કાર બંગલાની બહાર જ પાર્ક કરતા હતા. તો અચાનક અડધી રાત્રે તેમને પોતાની કાર રિવર્સમાં બંગલાની અંદર લેવાની શી જરૂર પડી? આ વાત શંકાસ્પદ હતી. પ્લસ, જ્યાંથી સ્વીટીના હાડકાં મળ્યાં તે વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરના ડેટાની પણ પોલીસે તપાસ કરી. ત્યાં પણ અજય દેસાઇના મોબાઇલનું લોકેશન મળી આવ્યું. લગભગ અઢી કલાક સુધી અજય દેસાઈ ભરૂચના અટાલી ગામે રોકાયા હતા. તેમના કૉલ રેકોર્ડ્સે ચાડી ફૂંકી કે 4 જૂને રાત્રે બાર વાગ્યા પછી તેમણે કરજણની એક હોટેલના માલિકને ફોન કર્યો હતો. આ હોટેલ માલિક બીજું કોઇ નહીં પણ કોંગ્રેસનો તત્કાલીન અગ્રણી કિરીટસિંહ જાડેજા હતો. PI દેસાઇ અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે તે કિરીટસિંહ જાડેજાના સંપર્કમાં આવ્યો હતો. અજયને પકડતાં પહેલાં પોલીસે કિરીટસિંહને ઉઠાવ્યો. તેની પૂછપરછમાં આખું ખૂની કારસ્તાન બહાર આવ્યું. કિરીટસિંહે પોલીસને કંઇક આવું થથરી ઊઠીએ એવું બયાન આપ્યુંઃ ‘‘સાહેબ, આજથી લગભગ અઢી મહિના પહેલાં અજય દેસાઈએ મને કહેલું કે મારી બહેને અમને ક્યાંયના રહેવા દીધા નથી. એણે લગ્ન પહેલાં જ એક વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે અને એ પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. હવે અમારા કુટુંબની આબરૂ બચાવવા એની હત્યા કર્યા સિવાય છૂટકો નથી.’’ ‘‘મારી સામે એક ભાઈ પોતાની સગી બહેનની હત્યા કરવાની વાત કરી રહ્યો હતો. હું ડરી ગયો. મેં ચોખ્ખી ના પાડી કે આ કામમાં હું તારો સાથ નહીં આપું. તો એણે દોસ્તીના સમ આપ્યા. ઉપરથી એણે કહ્યું કે હું ખુદ પોલીસ ઑફિસર છું. એક મર્ડર રફેદફે કરવું એ અમારા માટે રોજનું કામ છે. નછૂટકે મારે હા પાડવી પડી.’’ અજય અને કિરીટસિંહ માનતા હતા કે ખુદ પોલીસ જ ક્રાઇમ કરે તો તેની ગંધ બહાર ન આવે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસે આ ખૌફનાક સત્ય દુનિયાની સામે લાવીને મૂકી દીધું. પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું ત્યાં સુધી કિરીટસિંહ જેને અજયની બહેન માનતો હતો, તે એક્ચ્યુઅલી તેની પત્ની સ્વીટી હતી. હવે અજય દેસાઈ સામે સજ્જડ પુરાવા અને એક સાક્ષી પણ હતો. ક્રાઇમ બ્રાન્ચે અજય દેસાઈની પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરીને તેની લાશ બાળવાના ગુનામાં ધરપકડ કરી. એક પોલીસ અધિકારી જ્યારે અપરાધી બને ત્યારે શું થાય તે હવે સમજવા જેવું છે. હત્યા કેસના આરોપીના ઇન્ટરોગેશન શી રીતે થાય તેની બધી જ આંટીઘૂંટીઓથી અજય દેસાઈ વાકેફ હતો. પહેલાં તો એણે નિર્દોષ હોવાનું અને પોતાને કશી જ ખબર ન હોવાનું રટણ કર્યે રાખ્યું. પછી ક્રાઇમ બ્રાન્ચે મળેલા પુરાવા તેની સામે મૂક્યા. હવે અજય ચારેબાજુથી ઘેરાઈ ગયો હતો. એની પાસે સ્વીટીની હત્યાની કબૂલાત કર્યા સિવાય છૂટકો નહોતો. ક્રાઇમ બ્રાન્ચે કેસ સજ્જડ બનાવવા માટે અજય દેસાઈનો પોલિગ્રાફ ટેસ્ટ (લાઈ ડિટેક્શન ટેસ્ટ) અને SDS ટેસ્ટ (સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ ટેસ્ટ - ગુનાની માહિતી છૂપાવતી વખતે થતો માનસિક તણાવ માપવા માટેનો ટેસ્ટ) પણ કરાવ્યા. હવે સવાલ એ હતો કે અજય અને સ્વીટી વચ્ચે એવું તે શું થયું કે અજયે તેની હત્યા કરવી પડી? તેના જવાબ અજય દેસાઈના સ્ટેટમેન્ટમાં હતા. અજય દેસાઈનું કબૂલાતનામુંઃ ‘‘મેં અને સ્વીટીએ 2016માં લગ્ન કર્યાં હતાં, પણ એ લગ્ન મારા પરિવારની જાણ બહાર ગાંધીનગર પાસેના રૂપાલ ગામે આવેલા વરદાયિની માતાના મંદિરમાં કરેલાં ગાંધર્વ વિવાહ હતાં. એટલે એક તો તે લગ્નની કોઈ કાનૂની માન્યતા નહોતી. બીજું, પરિવારની નજરમાં તો હું કુંવારો જ હતો. પરિવારે જ્યારે લગ્ન માટે મારા પર દબાણ કર્યું ત્યારે હું કહી ન શક્યો કે મેં જ્ઞાતિ બહારની એક યુવતી સાથે લગ્ન કરી લીધાં છે. આખરે અમારા સમાજની જ એક યુવતી સંજના (બદલેલું નામ) સાથે 2017માં મેં બીજાં લગ્ન કર્યાં.’’ ‘‘આ વાતની સ્વીટીને ખબર પડી એટલે અમારી વચ્ચે ઝઘડા શરૂ થયા. એણે સંજના સાથે છૂટાછેડા લેવા અને સમાજની દૃષ્ટિએ પોતાને પત્નીનો દરજ્જો અપાવવા માટે મારા પર પ્રેશર કરવા માંડ્યું. આ ઝઘડાઓ છતાં અમારી વચ્ચે એકવખત શારીરિક સંબંધ બંધાયો અને સ્વીટી પ્રેગ્નન્ટ થઈ. છેક પાંચ મહિના સુધી એણે આ વાત મારાથી છુપાવી રાખી. બાળક પેદા કરીને એ મારા પર પ્રેશર વધારવા માગતી હતી. એટલે મને સ્વીટી પર સખત ગુસ્સો હતો.’’ *** સ્વીટીની હત્યા પાછળનું કારણ યુવાન, ડિવોર્સી અને અત્યંત દેખાવડી સ્વીટી પટેલ સાથે માત્ર મજા કરવા માટે અજય દેસાઈએ તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યાં. પરંતુ પરિવારના પ્રેશરમાં બીજાં લગ્ન કરીને એની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. એકસાથે બે-બે પત્નીને સાચવવી તે અજય માટે ગજા બહારની વાત હતી. એક દિવસ અજયની હાજરીમાં સ્વીટી અને સંજનાનો ભેટો થઇ ગયો. ટાઇમ આપવા બાબતે ત્રણેય વચ્ચે મોટો ઝઘડો થયો. આગળ જતાં આ ઝઘડો જ સ્વીટીની હત્યાનું કારણ બનવાનો હતો. સમાજની સાક્ષીએ સંજના સાથે લગ્ન કર્યાં હોવાથી અજય તેને કંઇ કરી શકે તેમ નહોતો. એટલે તેણે સ્વીટીની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો. *** જેને પર્ફેક્ટ મર્ડર માનતો તે પર્ફેક્ટ નહોતું 4 જૂન, 2021 રાતના સમયે સ્વીટી અને અજય વચ્ચે સંજના સાથેના લગ્ન મામલે ઝઘડો થયો. જોકે આના પછી થાકીહારીને સ્વીટી સૂઇ ગઇ. ત્યારે અજયને લાગ્યું કે આ જ સમય મારા પ્લાનને અંજામ આપવા માટે યોગ્ય છે. રાત્રે 12:30 વાગ્યાની આસપાસ તેણે સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી નાખી. બંનેનો પુત્ર વંશ (બદલેલું નામ) પણ સ્વીટીની બાજુમાં જ સૂતો હતો. સ્વીટીને પતાવી દીધા બાદ અજયે તેની લાશને બ્લેન્કેટમાં વીંટાળીને બેડરૂમમાં મૂકી દીધી. અજય પોતાની કાળા કલરની જીપ કંપાસ કાર બંગલાની બહાર પાર્ક કરતો હતો. સ્વીટીની હત્યા કર્યાની રાતે તેણે કારને રિવર્સ કરીને બંગલામાં અંદર લીધી હતી. બીજા દિવસે એટલે કે 5મી જૂને સવારે 10:45 વાગ્યાની આસપાસ સ્વીટીની લાશને ગાડીમાં મૂકી દીધી. પછી સાળા જયદીપને ફોન કરીને સ્વીટી ગુમ થઇ હોવાની સ્ટોરી ઉપજાવી કાઢી. જેથી જયદીપ અને તેની પત્ની પ્રયોશા સોસાયટી આવ્યાં હતાં. અજયે તેમને વંશને સાચવવાનું કહીને સ્વીટીને શોધવાના બહાને પોતાની ગાડી લઇને જતો રહ્યો. શૉકિંગ વાત એ હતી કે સ્વીટીનાં ભાઈ-ભાભી ઘરે આવ્યાં ત્યારે સ્વીટીની લાશ તેમના જ ઘરની બહાર પાર્ક થયેલી કારમાં પડી હતી! બપોરે ચારેક વાગ્યાની આસપાસ તે કરજણથી આમોદ-વાગરા-દહેજ હાઇવે પર થઇને ભરૂચ પાસેના અટાલી ગામે કિરીટસિંહની 3 માળની અવાવરું હોટેલ પર આવ્યો. ત્યાં કિરીટસિંહની મદદથી પૂઠ્ઠાં, લાકડાં અને ઘાસ નાખીને સ્વીટીની લાશને સળગાવી દીધી. પોતે પોલીસમાં છે, ગુનેગારો અને પોલીસની મોડસ ઓપરેન્ડી જાણે છે અને પોતે પર્ફેક્ટ મર્ડર કર્યું છે તેવા કેફમાં રાચતો અજય પટેલ CCTV ભૂલી ગયો. એને લાઇટ ન થઈ કે ટોલ નાકા પરનાં CCTVમાં પોતે કેદ થઈ ગયો હતો અને પોતાની સોસાયટીના રહેવાસીઓને પણ ચાર આંખો હોય છે! અજય દેસાઈની કબૂલાતથી સ્વીટીની હત્યા અને તેની પાછળનું કારણ સ્પષ્ટ થઇ ગયું હતું. કરજણની કોર્ટમાં આ કેસ દાખલ થયો અને ક્રાઇમ બ્રાન્ચે 1,290 પાનાંની ચાર્જશીટ દાખલ કરી. 100થી વધુ સાક્ષીઓનાં નિવેદનો, ફોરેન્સિક પુરાવા, CCTV ફૂટેજ, કોલ ડિટેલ્સ સહિતના પુરાવા સાથેનો એકદમ વોટરટાઇટ કેસ રજૂ કર્યો. પાંચ વર્ષ બાદ 14 ઓગસ્ટ, 2026ના રોજ એટલે કે દસ દિવસ પહેલાં કોર્ટે અજય દેસાઇને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે કિરીટસિંહને સહ આરોપી ગણી 5 વર્ષની જેલની સજા કરી છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે અજય દેસાઇ પોલીસ અધિકારી હોવા છતાં બંધ ઘરમાં પોતાની પત્નીની હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. આમ 2021માં સ્વીટી પટેલની હત્યાથી શરૂ થયેલો આ કેસ 2026માં પૂરો થયો. પહેલાં પ્રેમ પછી લગ્ન અને છેવટે નફરત સુધી પહોંચેલા આ કેસમાં કાયદાની રક્ષા કરનાર પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દા પર બેઠેલો અજય જ ગુનેગાર નીકળ્યો. સ્વીટીને પૂર્વ પતિ હેતસથી થયેલો દીકરો હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. સ્વીટી રોજ તેની સાથે ફોન પર વાત કરતી હતી અને તેને મળવા ઓસ્ટ્રેલિયા પણ જવાની હતી. જોકે કોઇ કારણોસર તેણે ઓસ્ટ્રેલિયા જવાનું ટાળ્યું. જો તે ઓસ્ટ્રેલિયા ગઇ હોત તો કદાચ આજે જીવતી હોત! આ પણ વાંચો બહેનની લાશ બહાર કારમાં પડી હતી, બંગલામાં ભાઇ અજાણ હતો, બે દીકરાને તરછોડી સ્વીટી પોલીસ અધિકારીના પ્રેમમાં પાગલ થઇ, પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    ભારતે વાહક-6 મલ્ટી-ડ્રોન મધરશિપ સિસ્ટમ તૈયાર કરી:GPS વિના હુમલો કરશે; સર્ચ-ડિટેક્ટથી ડિસ્ટ્રોય સુધી સેનાને મદદ કરશે
    Next Article
    VUF અરવલ્લી ટીમે રક્ષાબંધનની ઉજવણી કરી:SP, DYSP અને જિલ્લા પંચાયત કર્મચારીઓને રાખડી બાંધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment