Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલપતિની ચેમ્બરમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા, પોલીસ દ્વારા NSUIનાં આગેવાનોની અટકાયત

    11 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ શુક્રવારે આ વિવાદે હિંસક વળાંક લીધો હતો. યુનિવર્સિટી કેમ્પસ જાણે રણમેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરતી પ્રક્રિયામાં અન્યાય અને ટેકનિકલ ખામીના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા NSUI અને ત્યાં અગાઉથી હાજર ABVPના કાર્યકરો વચ્ચે કુલપતિ ચેમ્બરમાં જ ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી. આ હોબાળામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જોકે એક તબક્કે પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે કુલપતિએ પોતે જીવ બચાવવા ખૂણામાં ભરાઈ જવું પડ્યું હતું. આ ઝપાઝપીનાં વિડીયો પણ વાયરલ થયા છે. ભરતીમાં અન્યાયના મુદ્દે રજૂઆત અને ઘર્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે જાહેરાત ક્રમાંક RC/09 થી 44/2025 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અંદાજે 146 જેટલા ઉમેદવારો એવા છે જેમણે ફી ભરી દીધી હોવા છતાં ટેકનિકલ જટિલતાને કારણે 'Final Submit' કરવાનું રહી ગયું હતું. યુનિવર્સિટીએ આ ઉમેદવારોને પરીક્ષા માટે અયોગ્ય ઠેરવ્યા હોવાથી NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં કાર્યકરો કુલપતિને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. બીજી તરફ, રાજ્યની યુનિવર્સિટીઓમાં રોસ્ટર રજીસ્ટરની અમલવારીમાં ભંગ થતો હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. NSUIનો દાવો છે કે 21-1-1996 અને 7-2-2019ના પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત જગ્યાઓ ભરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, રજીસ્ટ્રાર અને તેની સમકક્ષ કેડરમાં રોસ્ટર ક્રમ 7 અને 14 પર ST ઉમેદવાર હોવા જોઈએ, પરંતુ ત્યાં ઓપન કેટેગરીના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં રોસ્ટર રજિસ્ટરનું પાલન નહીં કરીને sc/st/obc ઉમેદવારો સાથે કરેલ અન્યાય અને ઓનલાઇન ફોર્મ માં સામાન્ય ભૂલ ના કારણે 146થી વધારે ઉમેદવારો ના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે આજે ગુજરાત NSUI દ્વારા કુલપતિનો વિરોધ કરી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માં આવી હતી. જ્યારે NSUI ના આગેવાનો આ પડતર પ્રશ્નોની રજૂઆત કરવા કુલપતિની ચેમ્બરમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં ABVPના કાર્યકરો પણ હાજર હતા. NSUIનો આરોપ છે કે તેમણે અગાઉથી સમય લીધો હોવા છતાં કુલપતિએ જાણીજોઈને ABVPના કાર્યકરોને બોલાવ્યા હતા અને દોઢ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. આ દરમિયાન બંને જૂથના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જે જોતજોતામાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. મુદ્દાને દબાવા માટે કુલપતિ ના ઈશારે અને ABVPના ગુંડા તત્વો દ્વારા NSUIના કાર્યકર સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. બીજીતરફ ABVPના મતે તેઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ આવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 146 કરતા વધુ વિદ્યાર્થીઓને મેઈલ કરીને જાણ કરવામાં આવી છે કે તેઓ ફાઈનલ સબમિટ કરવાનું ભૂલી ગયા હોવાથી પરીક્ષા માટે પાત્ર નથી. જોકે, વિદ્યાર્થીઓનો દાવો છે કે તેઓએ તમામ વિગતો ભરી છે અને ફી પણ ચૂકવી છે. યુનિવર્સિટીની જટિલ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાથી આ મામલે કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં, નરેન્દ્રસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં સરકારના અનામત નીતિ અને રોસ્ટર ક્રમનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આના કારણે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો નીતિ-નિયમો મુજબ ભરતી કરવામાં નહીં આવે તો NSUI આગામી સમયમાં મુખ્યમંત્રી અને આયોગ સુધી રજૂઆત કરશે. તેમજ આંદોલન પણ ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં કુલપતિ ડરના માર્યા ચેમ્બરના એક ખૂણામાં છુપાઈ ગયેલા જોવા મળે છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં કુલપતિની હાજરીમાં જ તેમની ચેમ્બરમાં આવું ઘર્ષણ થયું હોય તેવી સંભવત: આ પ્રથમ ઘટના છે. હાલ NSUI એ સ્પષ્ટ કર્યું છે કે જો પરીક્ષામાં બાકી રહી ગયેલા 146 ઉમેદવારોને બેસવા દેવામાં નહીં આવે અને રોસ્ટર મુજબ ભરતીની નવી જાહેરાત નહીં અપાય, તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા ચૂંટણી- કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર:ઓડિશાથી 8 ધારાસભ્યોને બેંગલુરુ મોકલ્યા; હરિયાણામાં લંચ પર બોલાવ્યા, કહ્યું- 5 જોડી કપડાં સાથે લઈ લેજો
    Next Article
    પાટણ નગરપાલિકાએ ગેરકાયદે પાણી પ્લાન્ટ સીલ કર્યો:હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર નગરપાલિકાના સદસ્યનો સાગરીત પાણીનો વેપાર કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment