Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદિત એન્જિનિયર સુજલ પ્રજાપતિ ફરી ચર્ચામાં:હાઈકોર્ટના ઓર્ડર અને ફાયર NOC છતાં ઉધના ઝોનની 11 દુકાનો સીલ, વૃદ્ધ દંપતીએ કલેક્ટર પાસે 'ઇચ્છામૃત્યુ' માંગ્યું

    11 hours ago

    સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવી ચૂકેલા વિવાદિત કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ ફરી એકવાર ગંભીર વિવાદોના ઘેરાવમાં આવ્યા છે. ભૂતકાળમાં નાસીર નગર ડિમોલિશન પ્રકરણમાં જે અધિકારીનું નામ ખૂબ ઉછળ્યું હતું, તે જ સુજલ પ્રજાપતિ સામે હવે એક વૃદ્ધ દંપતીએ પોતાની દુકાનો પડાવી લેવા માટે 'સોપારી' લીધી હોવાનો સળગતો આક્ષેપ કર્યો છે. ઉધના ઝોનના તંત્ર અને અધિકારીઓની કનડગતથી કંટાળીને આ સિનિયર સિટિઝન દંપતીએ ન્યાય મેળવવાના તમામ દરવાજા બંધ થતાં આખરે સુરત જિલ્લા કલેક્ટર સમક્ષ સજોડે ઇચ્છામૃત્યુ માંગતી અરજી સબમિટ કરી છે, જેનાથી સમગ્ર વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાલિકાના ભ્રષ્ટાચારે જીવવું હરામ કર્યું કલેક્ટર કચેરી ખાતે પોતાની પત્ની સાથે આંસુ ભરેલી આંખે પહોંચેલા 70 વર્ષીય વૃદ્ધ મીડિયા સમક્ષ પોતાની હૃદયદ્રાવક આપવીતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, આજથી 9 વર્ષ પહેલાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં તેમના પરિવારના 9 સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. આ આઘાતમાંથી તેઓ માંડ બહાર આવ્યા ત્યાં પાલિકાના અધિકારીઓએ તેમની આજીવિકા છીનવી લીધી. તેમના જણાવ્યા અનુસાર, ઉધના રણછોડનગર કૈલાશ ચોકડી પાસે આવેલી તેમની 11 દુકાનોને છેલ્લાં સાડા 5 વર્ષથી પાલિકાના તત્કાલીન અધિકારી સુજલ પ્રજાપતિ દ્વારા કોઈ પણ નક્કર કારણ વિના સીલ કરી દેવામાં આવી હતી. હાઈકોર્ટની લડાઈ અને ફાયર NOC છતાં તંત્રની જોહુકમી પીડિત વૃદ્ધે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સાડા 5 વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની લડત બાદ નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ મામલો માત્ર ફાયર સેફ્ટી પૂરતો સીમિત છે. હાઈકોર્ટના આદેશ અનુસાર, દંપતીએ પોતાની નાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવી લીધા અને ફાયર વિભાગ તરફથી સત્તાવાર NOC પણ મેળવી લીધું. આ તમામ પુરાવા લેખિતમાં સુરત મહાનગરપાલિકાને રજૂ કરાયા બાદ ગત 21 જાન્યુઆરી 2026ના રોજ દુકાનોના સીલ ખોલવામાં આવ્યા હતા. પરંતુ, આ ખુશી માત્ર 4 મહિના જ ટકી શકી હતી. નોટિસ વગર જ ફરીથી 11 દુકાનો સીલ હાઈકોર્ટના આદેશોને નેવે મૂકીને ઉધના ઝોનના કાર્યપાલક ઈજનેર ભૈરવ દેસાઈ દ્વારા ગત 30 મે 2026ના રોજ ફરીથી તમામ 11 દુકાનો પર પાલિકાનું સીલ મારી દેવામાં આવ્યું. વૃદ્ધનો આક્ષેપ છે કે આ વખતે પણ પાલિકાએ તેમને કોઈ લેખિત નોટિસ આપી નથી કે સીલ મારવાનું કોઈ કાયદેસરનું કારણ જણાવ્યું નથી. આ અન્યાય સામે જ્યારે તેઓએ અને તેમની પત્ની કલેક્ટર કચેરીના ચોકમાં ચોધાર આંસુએ રડી પડ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. વૃદ્ધાનું આક્રંદ દર્શાવતું હતું કે સરકારી બાબુઓની તાનાશાહી સામાન્ય નાગરિકને કઈ હદ સુધી તોડી નાખે છે. અધિકારીઓએ આજીવિકા છીનવવાનો રચ્યો કારસો વૃદ્ધે ઉધના ઝોનના પૂર્વ અને વર્તમાન અધિકારીઓ સામે ગંભીર કાવતરાના આક્ષેપ કરતા કહ્યું કે, "શેતાનસિંહ અને નરપતસિંહ નામના શખ્સો પાછલા 9 વર્ષથી અમારી પાછળ પડેલા છે. આ લોકો મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સાથે ગાઢ ઓળખાણ ધરાવે છે. તત્કાલીન એન્જિનિયર સુજલ પ્રજાપતિએ આ લોકો પાસેથી મારી દુકાનો સીલ કરવાની સોપારી લીધી હતી." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ શખ્સો તેમની પાસે સીધી રીતે કોઈ પૈસા નથી માંગતા પરંતુ ખોટા કેસો કરીને અને પાલિકાના અધિકારીઓનો દુરુપયોગ કરીને તેમને માનસિક અને આર્થિક રીતે કંગાળ કરી દુકાનો પડાવી લેવા માંગે છે. ભૈરવ દેસાઈ પર ધમકાવવાનો અને કાઢી મૂકવાનો આક્ષેપ આ સિનિયર સિટિઝન દંપતી પોતાની દુકાનો ફરી સીલ થવા અંગે ઉધના ઝોનના વર્તમાન કાર્યપાલક ઈજનેર ભૈરવભાઈ દેસાઈને રજૂઆત કરવા ગયું, ત્યારે અધિકારીએ તેમની વાત સાંભળવાના બદલે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ છે. વૃદ્ધના જણાવ્યા મુજબ, "ભૈરવ દેસાઈ અમારા પર ગરમ થઈ ગયા અને ધમકાવતા કહ્યું કે 'અમારી ઓફિસે બીજી વાર આવતા નહીં, અહીંથી ભાગી જાવ, તમારી દુકાનોના સીલ ક્યારેય ખુલશે નહીં. પહેલાં પેલા લોકો (શેતાનસિંહ) સાથે બેઠક સેટલમેન્ટ કરો'." પીડિતે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કોઈ આર્થિક વ્યવહાર જ નથી, તો પાલિકાના અધિકારી કયા હકથી ખાનગી વ્યક્તિઓ સાથે બેઠક કરવાનું દબાણ લાવી શકે? હવે માત્ર ઇચ્છામૃત્યુનો જ આખરી સહારો વૃદ્ધે ભારે હૈયે જણાવ્યું કે, સાડા 5 વર્ષ સુધી દુકાનો સીલ રહી હોવા છતાં તેમણે પાલિકાનો એક પણ રૂપિયો ટેક્સ બાકી રાખ્યો નથી. નિયમિત રીતે તમામ સરકારી કરવેરા ચૂકવવા છતાં અને હાઈકોર્ટ તરફથી રાહત મળ્યા છતાં તંત્ર તેમને હેરાન કરી રહ્યું છે. અનેક સરકારી કચેરીઓમાં ધક્કા ખાધા બાદ અને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે દંપતીએ કલેક્ટર સમક્ષ સજોડે ઇચ્છામૃત્યુની પરવાનગી આપતી અરજી સ્વીકારાવી છે. હવે જોવાનું એ રહેશે કે સંવેદનશીલ હોવાનો દાવો કરતું વહીવટી તંત્ર આ લાચાર સિનિયર સિટિઝન દંપતીને ન્યાય અપાવે છે કે પછી વિવાદિત અધિકારીઓની જોહુકમી સામે આંખ આડા કાન કરે છે.
    Click here to Read More
    Previous Article
    'તપાસ સમિતિની આંતરિક વિગતો સાર્વજનિક કરી શકીએ નહીં':ભૂતિયા ડિમોલેશન મામલે સેન્ટ્રલ ઝોન વડા આશિષ નાયકનું મોટું નિવેદન, MLA અરવિંદ રાણાએ HC મેટર કહી ચર્ચા કરવાનો જ ઈનકાર કર્યો
    Next Article
    ચોટીલામાં MRP કરતાં વધુ ભાવ વસૂલતી 5 હોટલો સામે કાર્યવાહી:નાયબ કલેક્ટરની ટીમે રૂ.50 હજારનો દંડ કર્યો, ફરી નિયમભંગ થશે તો હોટલો સીલ કરવાની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment