Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારી-NEET કૌભાંડ સામે યુથ કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં પેટ્રોલ પંપ ઉપર લોકોને મેલોડી ચોકલેટ અને ઝાલમુરી વહેંચી આક્રોશ ઠાલવ્યો, રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી

    23 hours ago

    રાજકોટમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના આસમાને આંબી રહેલા ભાવો અને તાજેતરમાં પ્રકાશમાં આવેલા NEET પરીક્ષાના પેપર લીક કૌભાંડ સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ગોંડલ રોડ પરના એક પેટ્રોલ પંપમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. તેમજ હાથમાં ઝાલમુરીના પેકેટ, મેલોડી ચોકલેટ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધના બેનરો અને લાઉડસ્પીકર લઈને પહોંચ્યા હતા. પેટ્રોલ પંપે ઇંધણ પુરાવવા આવતા સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને ઝાલમુરી અને મેલોડી ચોકલેટ ખવડાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો. જોકે પોલીસ દ્વારા વિરોધ કરતા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વનોલે આ તકે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતની જનતા આજે દિન-પ્રતિદિન વધી રહેલી અસહ્ય મોંઘવારીથી સંપૂર્ણપણે ત્રાસી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને ગરીબ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. એક તરફ દેશની આમ જનતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તો બીજી તરફ દેશના યુવા ધનના ભવિષ્ય સાથે પણ ઘોર ખીલવાડ થઈ રહ્યો છે. NEET જેવી અત્યંત ગંભીર અને દેશની પ્રતિષ્ઠિત ગણાતી પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે અને ત્યારબાદ પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે. આ કૌભાંડને કારણે દેશના 22 લાખ કરતા પણ વધારે તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે અંધકારમય બની ગયું છે. દેશનો યુવાન આજે બેરોજગાર રખડી રહ્યો છે અને જગતનો તાત ગણાતો ખેડૂત સરકારની નીતિઓથી પરેશાન છે. દેશમાં આટલી ગંભીર સમસ્યાઓ પ્રવર્તી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન ઇટાલીના વડાપ્રધાન મેલોનીને મેલોડી ચોકલેટ ખવડાવવામાં વ્યસ્ત છે. આ ખૂબ શરમજનક બાબત છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશની જનતાને માત્રને માત્ર લોલીપોપ આપવાનું જ કામ કર્યું છે. દેશના નાગરિકો આ આર્થિક બોજ અને શૈક્ષણિક અરાજકતા સામે જાગૃત થાય તે માટે જ આજે યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ પંપ પર લોકોને પ્રતીકાત્મક રૂપે મેલોડી ચોકલેટ અને ઝાલમુરી વહેંચવામાં આવી રહી છે. વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી NEET પરીક્ષાના કૌભાંડ બદલ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી યુથ કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ જ પ્રકારે ચાલુ રહેશે. આ ઉપરાંત જો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવો તાત્કાલિક ધોરણે ઘટાડવામાં નહીં આવે, તો ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં રાજ્ય કક્ષાનું ખૂબ જ મોટું અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે. પેટ્રોલ પંપ પર ચાલી રહેલા આ અનોખા વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરીને સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે વિરોધ પ્રદર્શનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરોએ વિરોધ ચાલુ રાખતા આખરે પોલીસે વિરોધ કરી રહેલા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત તમામની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી મહીસાગરમાં વાતાવરણ પલટાશે:30 મેથી 2 જૂને ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ પડશે, કાળઝાળ ગરમીથી રાહત મળશે
    Next Article
    નશાકારક કફ સિરપના રેકેટનો પર્દાફાશ:SOGએ 119 બોટલો સાથે એકને ઝડપ્યો, પાનના ગલ્લાવાળા સહિત 4 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment