Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં શિવસેના-NCPના વોટ હવે ભાજપના:ઠાકરે બ્રધર્સ મુંબઈ સુધી સમેટાયા, શિંદે પાસે માત્ર થાણે; ભાજપ એકમાત્ર 'ઓલ-સ્ટેટ' પાર્ટી

    1 day ago

    મુંબઈ, નવી મુંબઈ, પુણે, નાગપુર, ઠાણે, પિંપરી ચિંચવડ અને નાસિક, મહારાષ્ટ્રની મોટા ભાગની મોટી મહાનગરપાલિકાઓ હવે BJPની છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJP એકતરફી જીતી, પરંતુ આ પરિણામોના અન્ય અર્થ પણ છે. મરાઠી માણસની રાજનીતિ કરનારા ઉદ્ધવ અને રાજ ઠાકરે મુંબઈ સુધી સીમિત રહી ગયા. એકનાથ શિંદે માત્ર થાણે જીતી શક્યા. BJPનો સાથ છોડી કાકા શરદ પવાર સાથે ચૂંટણી લડેલા અજિત પવાર સૌથી મોટા લૂઝર (હારનાર) બની ગયા. કોંગ્રેસ લાતૂર અને ચંદ્રપુર સિવાય દરેક જગ્યાએ હારી ગઈ. હવે માત્ર BJP જ આખા મહારાષ્ટ્રની પાર્ટી છે. પરિણામ દર્શાવે છે કે શિવસેના અને NCPમાં ભંગાણ બાદ વહેંચાયેલા મતો હવે BJP તરફ શિફ્ટ થઈ ચૂક્યા છે. આવું કેવી રીતે થયું, મહાનગરપાલિકા ચૂંટણીનાં પરિણામોના અર્થ શું છે, એ સમજવા માટે અમે BJP નેતાઓ ઉપરાંત મહારાષ્ટ્રની રાજનીતિને સમજતા નિષ્ણાતો સાથે વાત કરી. પહેલો સવાલ: BJPને આટલી મોટી જીત કેવી રીતે મળી? આનો જવાબ મહારાષ્ટ્ર BJPના એક સિનિયર લીડર આપે છે. તેઓ કહે છે: ‘આ જીત ભલે આજે મળી છે, પરંતુ એની તૈયારી 6 વર્ષ પહેલાં શરૂ થઈ ગઈ હતી. 24 ઓક્ટોબર 2019ના રોજ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. BJP 105 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી બની. સહયોગી શિવસેનાને 56 બેઠક મળી.’ ‘BJP દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માગતી હતી, ત્યારે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અડી ગયા. તેમણે મુખ્યમંત્રી બનવા માટે ગઠબંધન તોડી નાખ્યું. પહેલીવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને 28 નવેમ્બરે મુખ્યમંત્રી બની ગયા. ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે શિવસેનાને તોડવાની છે. મહારાષ્ટ્રમાં BJPને પોતાના દમ પર ઊભી થયેલી પાર્ટી બનાવવાની છે. આજે જે પરિણામો આવ્યાં છે એ આ જ પ્લાનનો હિસ્સો હતો.’ આ બાબતે અમે BJPમાં અમારા સોર્સ સાથે વાત કરી. તેઓ જણાવે છે કે અમારો પહેલો ટાર્ગેટ હતો- એકનાથ શિંદે દ્વારા શિવસેનાને તોડીને નબળી કરવી. આ પછી શિંદેને પણ મજબૂત ન થવા દેવા. બીજો ટાર્ગેટ હતો- અજિત પવાર દ્વારા શરદ પવારની NCPને તોડવી અને પછી તૂટેલી પાર્ટીને આમને-સામનેની લડાઈમાં હરાવી દેવી. 6 વર્ષ સુધી પ્લાન પર કામ ચાલતું રહ્યું અને BJPએ પહેલા વિધાનસભા અને હવે મહાનગરપાલિકા ચૂંટણીમાં પોતાની છેલ્લી ચાલ ચાલી દીધી. મહારાષ્ટ્રની બે મોટી પાર્ટી શિવસેના અને NCP એક મર્યાદામાં સીમિત રહી ગઈ. મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાંથી 23 BJPએ જીતી લીધી. આ પ્રથમ વખત છે જ્યારે મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને આટલી મોટી જીત મળી છે. બાળઠાકરેની શિવસેનાના ગઢ મુંબઈ-થાણે, શરદ પવારવાળી NCPના ગઢ પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે, સોલાપુર, કોલ્હાપુર અને કોંગ્રેસના દબદબાવાળું વિદર્ભ, BJPએ ત્રણેય પાર્ટીને ચૂંટણીમાં પસ્ત કરી દીધી. હવે પાર્ટી એવી સ્થિતિમાં છે કે તેને સહયોગીઓની જરૂર ન પડે. બીજો સવાલ: મહાનગરપાલિકા ચૂંટણી પરિણામનો અર્થ શું છે આનો જવાબ નિષ્ણાતોએ આપ્યો છે. આને 8 પોઈન્ટ્સમાં સમજીએ… 1. BJP મહારાષ્ટ્રમાં પોતાના દમ પર ઊભી રહેલી પાર્ટી બની એપ્રિલ-મે 2024માં થયેલી લોકસભા ચૂંટણીમાં BJPને મોટો ફટકો પડ્યો હતો. પાર્ટી સૌથી વધુ 26.4% વોટ મેળવીને પણ માત્ર 9 બેઠક જીતી શકી હતી. કોંગ્રેસ 13 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. વિધાનસભા ચૂંટણીમાં BJPએ વાપસી કરી અને 288માંથી 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની. આ વખતે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા. હવે એવી જ જીત મહાનગરપાલિકા ચૂંટણીઓમાં મળી છે. સિનિયર જર્નલિસ્ટ સંદીપ સોનવલકર કહે છે: ‘BJPએ હવે એક રીતે આખું મહારાષ્ટ્ર જીતી લીધું છે. લોકસભા, વિધાનસભા અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ત્રણેય જગ્યાએ BJPના નેતાઓ સત્તામાં છે, જોકે આ BJPના સહયોગીઓ માટે ખતરાની ઘંટડી છે. એકનાથ શિંદેની શિવસેના થાણે સુધી સીમિત રહી ગઈ છે. અજિત પવારની પાર્ટી NCP આખા રાજ્યમાં એક પણ જગ્યાએ મેયર બનાવી શકે એવી સ્થિતિમાં નથી.’ જ્યારે BJP પોલિટિકલ એક્સપર્ટ રાજેન્દ્ર સાઠે કહે છે: ‘મહાનગરપાલિકાની ચૂંટણીઓ શહેરી વિસ્તારોમાં થાય છે. BJPને પહેલાંથી જ શહેરોની પાર્ટી માનવામાં આવે છે. શહેરોમાં તેનો સપોર્ટ બેઝ રહ્યો છે. ચૂંટણીના એક દિવસ પહેલાં મહિલાઓના ખાતામાં લાડકી બહેન યોજનાના 1500 રૂપિયા મોકલવામાં આવ્યા. આ પણ ચૂંટણીમાં મોટું ફેક્ટર રહ્યું છે.’ 2. એકનાથ શિંદેની શિવસેના માત્ર થાણેમાં સીમિત ડેપ્યુટી CM એકનાથ શિંદે શિવસેનામાં ભંગાણ પહેલાં થાણેના મોટા લીડર માનવામાં આવતા હતા. શિવસેના તોડીને શિંદે BJP સાથે આવી ગયા અને મુખ્યમંત્રી બન્યા. ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટી છીનવી લીધી. મહાનગરપાલિકા ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે તેઓ અત્યારે પણ માત્ર થાણેના નેતા છે. સંદીપ સોનવલકર કહે છે, ‘એકનાથ શિંદે થાણે તો જીત્યા, પરંતુ આસપાસના વસઈ-વિરાર, મીરા-ભાઇંદર, નવી મુંબઈ, કલ્યાણ ડોમ્બિવલીમાં હારી ગયા. તેમણે ધ્યાન રાખવું પડશે કે તેમણે જેટલી તોડફોડ કરી, હવે બધું ખતમ થઈ ચૂક્યું છે. સૌની પોતાની જગ્યા નક્કી થઈ ગઈ છે.’ 3. ઉદ્ધવ ઠાકરે મુંબઈ હાર્યા, પરંતુ શિંદેને હરાવ્યા ઉદ્ધવ ઠાકરે સામે પોતાનો ગઢ મુંબઈ બચાવવાનો પડકાર હતો, પરંતુ તેઓ એને બચાવી શક્યા નહીં. મુંબઈમાં BJP-શિવસેના (શિંદે જૂથ)નું ગઠબંધન જીતી ગયું. 25 વર્ષમાં પહેલીવાર મુંબઈમાં શિવસેનાનો મેયર નહીં હોય. ઉદ્ધવ BJP સામે હારી ગયા, પરંતુ શિંદેને પછાડી દીધા. શિંદે સાઉથ મુંબઈના કોર શિવસેના વોટરમાં ગાબડું પાડી શક્યા નહીં. ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વને બદલે ચૂંટણીમાં મરાઠી અને મુંબઈનો મુદ્દો લઈને આવ્યા. MNS નેતા અને ભાઈ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરી મરાઠી અને બિન-મરાઠીના મુદ્દાને હવા આપી. તેમને વોટ તો મળ્યા, પરંતુ એટલા નહીં કે મેયર ચૂંટી શકે. રાત્રે 11 વાગ્યા સુધી ઉદ્ધવની પાર્ટી 66 બેઠકો પર જીતી ચૂકી હતી અથવા આગળ ચાલી રહી હતી. સંદીપ સોનવલકર કહે છે, ‘શિવસેના (ઉદ્ધવ જૂથ)ની મુંબઈ સિવાય પણ દરેક જગ્યાએ હાર થઈ છે. સાફ થઈ ગયું છે કે એ માત્ર મુંબઈની પાર્ટી રહી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે 25 વર્ષથી ચાલી આવતી મુંબઈમાં સત્તા ગુમાવી બેઠા. જોકે મુંબઈમાં 60થી વધુ બેઠકો જીતીને તેમણે પોતાની પાર્ટીને ખતમ થવાથી બચાવી લીધી. એકનાથ શિંદેને મુંબઈમાં લગભગ 26 બેઠકો મળી છે. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના બીજા નંબરની પાર્ટી રહેશે, શિંદે ત્રીજા નંબર પર આવી ગયા છે.‘ 4. પવાર પોતાનો ગઢ પણ બચાવી શક્યા નહીં BJP સોર્સ જણાવે છે કે શિવસેના તૂટ્યા પછી અજિત પવાર દ્વારા NCPને તોડવામાં આવી. એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે અજિત પવારને કંટ્રોલમાં રાખવામાં આવે. અજિત પવાર કો-ઓપરેટિવના મોટા નેતા રહ્યા છે. તેમની રાજનીતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સહકારી મંડળીઓ સાથે જોડાયેલી રહી છે. નગરપાલિકા ચૂંટણીઓમાં તેમની પાર્ટીનું હારવું એ મોટી માત છે. સંદીપ સોનવલકર કહે છે કે ચૂંટણીના સૌથી મોટા લૂઝર અજિત પવાર જ છે. એનાં ત્રણ સૌથી મોટાં કારણો છે: 1. તેમનો કોઈપણ મેયર બનશે નહિ. 2. અજિત પવારે એવાં નિવેદનો આપ્યા કે BJPના નેતાઓ નારાજ થઈ ગયા. 3. તેમણે કાકા શરદ પવાર સાથે હાથ મિલાવ્યો અને BJPને આ પસંદ ન આવ્યું. જ્યારે રાજેન્દ્ર સાઠે કહે છે, ‘શરદ પવારને પસંદ કરનારા ઘણા લોકો છે, પરંતુ તેમના તમામ સારા સાથીઓ અજિત પવાર સાથે ચાલ્યા ગયા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારને ફટકો પડ્યો હતો. ત્યારથી તેઓ રાજનીતિમાં એક્ટિવ રહ્યા નથી. તેમણે આ ચૂંટણીમાં પણ વધુ મહેનત કરી નથી. તેઓ પોતાની રાજનીતિ કરી ચૂક્યા છે. તેમની તબિયત સાથ આપતી નથી.' 5. ઓવૈસીએ બતાવ્યું- તેઓ મુસ્લિમોના નેતા છે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ નગરપાલિકા ચૂંટણીમાં 95 બેઠક જીતી છે. AIMIMને સંભાજીનગર અને માલેગાંવમાં મોટી સફળતા મળી. આ બેઠકો અત્યારસુધી કોંગ્રેસને મળતી હતી. આનાથી સાબિત થઈ ગયું કે મુસ્લિમ વોટ AIMIM તરફ શિફ્ટ થઈ રહ્યો છે. મુસ્લિમ વસતિ ધરાવતા સંભાજીનગરમાં પાર્ટીને 24 બેઠક મળી છે. મુસ્લિમ મતદારો ઓવૈસીના પક્ષમાં જવાથી કોંગ્રેસને નુકસાન થયું છે. આ સિવાય નાસિક જિલ્લાના માલેગાંવ મહાનગરપાલિકામાં AIMIM 21 બેઠક જીતીને બીજા નંબર પર રહી. અહીં ઈન્ડિયન સેક્યુલર લાર્જેસ્ટ એસેમ્બ્લી ઓફ મહારાષ્ટ્ર (ISLAM) સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. તેણે 84માંથી 35 બેઠકો જીતી છે. શિવસેના (શિંદે જૂથ)ને 18 બેઠકો મળી. સમાજવાદી પાર્ટીને 5 અને કોંગ્રેસને 3 બેઠકો મળી. BJP માત્ર બે બેઠકો જીતી શકી છે. 6. લાતૂર-ચંદ્રપુર સિવાય કોંગ્રેસ આખા મહારાષ્ટ્રમાં લગભગ ખતમ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ વિદર્ભ રીજનમાં BJPને પડકાર આપતી રહી છે, પરંતુ અહીં ચંદ્રપુરને બાદ કરતાં બાકીની તમામ જગ્યાએ કોંગ્રેસ ખરાબ રીતે હારી. કોંગ્રેસને ભિવંડી-નિઝામપુર, કોલ્હાપુર, અમરાવતી અને લાતૂરમાં સરસાઈ મળી. લાતૂરમાં કોંગ્રેસને 70માંથી 43 બેઠક મળી છે. વિદર્ભ સિવાયના બાકીના રીજનમાં કોંગ્રેસે બહુજન વંચિત આઘાડી, NCP અને શિવસેના સાથે ગઠબંધન કર્યું હતું. લાતૂર પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખનો ગઢ ગણાતું હતું. મુંબઈમાં કોંગ્રેસને 24 બેઠક મળી છે. પોલિટિકલ એક્સપર્ટ રાજેન્દ્ર સાઠે કહે છે: ‘મુંબઈમાં કોંગ્રેસ અને શિવસેના સાથે લડ્યા હોત તો BJPને કડી ટક્કર આપી શક્યા હોત. આજે પણ દલિત વોટ કોંગ્રેસને મળે છે. આનાથી શિવસેના અને કોંગ્રેસ બંનેને ફાયદો થઈ શકત.’ 7. રાજ-ઉદ્ધવ ઠાકરે સાથે આવ્યા, પરંતુ ગઠબંધન નિરર્થક 20 વર્ષ પછી રાજ અને ઉદ્ધવ ઠાકરેના સાથે આવવાથી હેડલાઈન્સ તો ઘણી બની, મરાઠી માણસનો મુદ્દો પણ મોટો થયો, પરંતુ વોટ ન મળ્યા. શિવાજી પાર્ક મેદાનમાં રાજ ઠાકરેની સભામાં ભીડ ઊમટી, પરંતુ નાસિકમાં તેઓ પોતાની સત્તા ગુમાવી બેઠા. મુંબઈમાં પણ કંઈ ખાસ કરી શક્યા નહીં. રાજેન્દ્ર સાઠે આ બાબતે કહે છે, ‘રાજ ઠાકરે સારાં ભાષણોથી ભીડ એકઠી કરી લે છે, પરંતુ વોટ લાવી શકતા નથી. જોકે રાજ ઠાકરેની પાર્ટી જો ઉદ્ધવની શિવસેના સાથે ન લડી હોત તો આટલી બેઠકો પણ ન આવત. ઠાકરેબંધુઓ મુંબઈ, ઠાણે, પુણે અને નાસિક સિવાય ક્યાંય ચૂંટણીપ્રચાર માટે પણ ગયા નહોતા.’ 8. દેવેન્દ્ર ફડણવીસ BJPના વિનિંગ મશીન નગરપાલિકા ચૂંટણીમાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે પોતે કમાન સંભાળી હતી. સિનિયર જર્નલિસ્ટ સંદીપ સોનવલકર કહે છે: ‘દેવેન્દ્ર ફડણવીસે સાબિત કરી દીધું છે કે તેઓ દરેક પ્રકારની ચૂંટણી જિતાડી શકે છે. હવે BJP દેવેન્દ્ર ફડણવીસને હટાવવાનું જોખમ ન લઈ શકે. BJPને સંગઠનનો પણ ફાયદો મળ્યો. પાર્ટીએ માત્ર 14 જગ્યા પર ગઠબંધન કર્યું અને 15 જગ્યાએ એકલે હાથે ચૂંટણી લડી. નાગપુરમાં જૂથબંધી જોવા ન મળી. આ જ કારણ છે કે પાર્ટી આટલી મોટી જીત હાંસલ કરી શકી છે.’
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અઠવાડિયામાં 25 કલાક કામની મંજૂરી:ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ IT, હેલ્થકેર જેવાં 118 સર્વિસ સેક્ટરમાં તક; 2034 સુધી વર્ષે 1.19 લાખને વિઝા આપવાનો ટાર્ગેટ
    Next Article
    Editor's View: મોતની જાણ કરતી App:દુનિયાભરમાં ધડાધડ ડાઉનલોડ, દર બીજા દિવસે પૂછે મરી તો નથી ગયા, એકલતાની ડરામણી હકીકત અને ખતરનાક બિઝનેસ મોડલ

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment