Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અઠવાડિયામાં 25 કલાક કામની મંજૂરી:ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ IT, હેલ્થકેર જેવાં 118 સર્વિસ સેક્ટરમાં તક; 2034 સુધી વર્ષે 1.19 લાખને વિઝા આપવાનો ટાર્ગેટ

    1 day ago

    અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા… આ માત્ર દેશના જ નામો નથી, પરંતુ ગુજરાતીઓના 'હોટ ફેવરિટ' દેશ છે, જ્યાં ભણીને સ્થાયી થવું એ ઘણા લોકોનું સપનું હોય છે. એ માટે ક્યારેક લોકો જીવનમૂડી ખર્ચીને, લોન લઈને કે પછી જીવ જોખમમાં મૂકીને પણ જવા માટે તત્પર હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, કેનેડા અને બ્રિટન સહિત મોટા ભાગના દેશોમાં વિઝાના નિયમો કડક કરવામાં આવ્યા છે. ત્યારે વિદેશમાં સેટલ થવા માગતા ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓ માટે ન્યૂઝીલેન્ડ બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ પાછળનું મુખ્ય કારણ થોડા દિવસ અગાઉ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને એના પછી નિયમોમાં થનારો ફેરફાર છે. ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં કેવા ફેરફાર થયા છે? આ નવા ફેરફાર ક્યારથી લાગુ થશે? નવા નિયમો આવવાથી ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓને કેવા પ્રકારનો ફાયદો થશે? શું નવા નિયમો આવવાથી ડિપેન્ડન્ટને પણ કોઈ ફાયદો થશે કે કેમ? ન્યૂઝીલેન્ડમાં કેવા કોર્સ કરવાથી નોકરીની તકોમાં વધારો થશે? આવા અનેક પ્રશ્નોને લઈને દિવ્ય ભાસ્કરે એસ્પાયર સ્ક્વેર પ્રા.લિ.ના ડાયરેક્ટર અને WELTT સ્ટુડન્ટ વિઝા એસોસિયેશનના ટ્રસ્ટી મૌલિક રાવલ સાથે વાતચીત કરી હતી. મૌલિક રાવલે દિવ્ય ભાસ્કરને કહ્યું, ન્યૂઝીલેન્ડમાં અત્યારસુધીનો ક્રેઝ સ્ટેબલ રહ્યો હતો. અત્યારસુધી એકદમ સ્ટેડી રીતે ભારતમાંથી ન્યૂઝીલેન્ડ જવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. કોઈપણ દેશમાં જવા માટે વિદ્યાર્થીઓના જવાનો ટ્રેન્ડ કે આકર્ષણ એ દેશની વેલકમિંગ પોલિસી પર નિર્ભર રાખે છે. અત્યારસુધી ન્યૂઝીલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓ માટે 'ઓપન અપ' પોલિસી ઘડી નહોતી. હાલમાં એવી પરિસ્થિતિ છે કે મોટા ભાગના દેશો એન્ટી-ઈમિગ્રન્ટ પોલિસી પર કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા મૌલિક રાવલનું કહેવું છે કે કેનેડામાં 2024 પછી સતત કંઈક ને કંઈક બદલાવ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં આવી ગયા છે કે આપણે ત્યાં જવું જોઈએ કે નહીં? આવી પરિસ્થિતિમાં કેનેડા જવાનો રેશિયો 70 ટકા સુધી ઓછો થઈ ગયો છે. અમેરિકાની વાત કરીએ તો ત્યાં સ્ટુડન્ટ વિઝા માટેની જે નીતિ છે એમાં પણ ઘણા બદલાવ આવી રહ્યા છે, પણ સૌથી મોટી તકલીફ એ છે કે આ બદલાવ એકસાથે નથી આવતા. આપણે એ નથી જાણતા કે ટ્રમ્પ સરકાર કે અમેરિકા ક્યારે વિઝાના નવા નિયમો જાહેર કરશે. આવામાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મૂંઝવણમાં છે. મૌલિક રાવલે કહ્યું, આજે ઘણા દેશો એન્ટી-ઈમિગ્રન્ટ પોલિસી પર કામ કરી રહ્યા છે, એવામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા, જેના પર સત્તાવાર રીતે 22 ડિસેમ્બરે નિર્ણય લેવામાં આવ્યો. ન્યૂઝીલેન્ડ જનારા ગુજરાતીઓની સંખ્યા વધશે આ એગ્રીમેન્ટ હેઠળ ન્યૂઝીલેન્ડ સરકાર ભારત સરકાર સાથે એક સારી ટ્રેડ ડીલ કરવા માગે છે. આ ટ્રેડ ડીલ આગળ જતાં તબક્કાવાર લાગુ કરવામાં આવશે. હાલ આ પોઝિટિવ સાઈન છે કે ન્યૂઝીલેન્ડ સરકાર ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા માગે છે. આવા સંજોગોમાં આવનારા સમયમાં ગુજરાતીઓની ન્યૂઝીલેન્ડ જવાની સંખ્યામાં વધારો થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ સરકાર હાલમાં ફોરેન એજ્યુકેશનમાંથી 4 બિલિયન ડોલરની આસપાસ આવક કરી રહી છે. આ ઇન્કમ ન્યૂઝીલેન્ડની ટોપ 10 ઇન્કમ પૈકીની એક છે. આ જોતાં ન્યૂઝીલેન્ડ સરકાર 2034 સુધીમાં ફોરેન એજ્યુકેશનની ઇન્કમને ડબલ કરવા તરફ ફોકસ કરી રહી છે. તેમણે આ પ્લાન તબક્કાવાર કર્યો છે, એટલે એ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને સામે ઇન્કમના સોર્સ પણ વધતા જશે. હવે વિદ્યાર્થીઓ 25 કલાક કામ કરી શકશે મૌલિક રાવલે કહ્યું, ન્યૂઝીલેન્ડમાં અગાઉ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર 20 કલાક જ કામ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ અઠવાડિયામાં 25 કલાક કામ કરી શકશે. એટલે કે વર્ક વિઝાના રાઈટ્સ વધ્યા છે, જેથી વિદ્યાર્થીઓને એટલા કલાકના વધારાના પૈસા મળશે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે માત્ર પાંચ જ કલાક વધારવામાં આવ્યા છે, પણ જો એને વાર્ષિક રીતે જોવામાં આવે તો એની મોટી ઈમ્પેક્ટ પડશે અને તે વિદ્યાર્થીની આવકમાં મદદરૂપ થશે. ન્યૂઝીલેન્ડ માટે અત્યારસુધી પેપર બેઝ્ડ એપ્લિકેશન કરવી પડતી હતી, એ બંધ કરીને હવે ઓનલાઈન એપ્લિકેશન શરૂ કરી દેવામાં આવી છે. ડિજિટલાઈઝેશનના કારણે સ્ટુડન્ટ તેની એપ્લિકેશનને પણ ટ્રેક કરી શકે છે. આ સાથે જ ફાસ્ટર વિઝા પ્રોસેસિંગના ચાન્સ પણ વધી શકે છે. ન્યૂઝીલેન્ડ વર્ક વિઝાના નવા નિયમો તબક્કાવાર રીતે ઓગસ્ટ સુધીમાં લાગુ કરી શકે છે. મૌલિક રાવલે કહ્યું, પહેલાં જ્યારે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર ભણવા જતા ત્યારે તેમને એટલો ખ્યાલ નહોતો હોતો કે કઈ યુનિવર્સિટીમાં કયો કોર્સ કે કયા લેવલના અભ્યાસ માટે અરજી કરવી જોઈએ. પહેલાં લેવલ બેઝ્ડ સ્ટડી પર વર્ક વિઝા આપવામાં આવતા હતા. કોર્સની પસંદગી પરથી કેટલાં વર્ષની વર્ક પરમિટ મળશે એેનો ખ્યાલ આવશે જેમ કે જો તમે લેવલ 7 બેચલરમાં જાઓ છો તો 3 વર્ષ સુધી વર્ક વિઝા મળતા હતા. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટે 1 વર્ષ હતું અને માસ્ટર્સમાં જાઓ તો 3 વર્ષ સુધીના વિઝા મળતા હતા. આ ફેરફારને ન્યૂઝીલેન્ડ હવે દૂર કરવા માગે છે, સાથે જ તેમણે એક ગ્રીન લિસ્ટ બહાર પાડ્યું હતું. જો તમે એમાં આવો તો જ તમને PSW મળતું હતું. આ પદ્ધતિને હવે હટાવી દેવામાં આવી છે અને સરળ પ્રોસેસ બનાવી રહ્યા છે. આ થવાથી વિદ્યાર્થી પોતાના કોર્સની પસંદગી કરશે, એેના પરથી જ ખબર પડી જશે કે તેને કેટલાં વર્ષની વર્ક પરમિટ મળશે. મૌલિક રાવલે કહ્યું, આ એક મેજર બૂસ્ટ અપ છે, કારણ કે માત્ર ન્યૂઝીલેન્ડ સરકાર જ નહીં, પણ ત્યાંના 77 ટકા લોકો ઇન્ટરનેશનલ મોબિલિટીને સ્વીકારી રહ્યા છે. આવામાં ત્યાં નવી નોકરીની તક વધારે છે, જેથી ન્યૂઝીલેન્ડના PR માટેનો રસ્તો ખૂલવાની તક પણ વધારે રહેશે. વિદ્યાર્થીઓ અહીંથી જ પોતાનું PSW (પોસ્ટ સ્ટડી વર્ક) બુક કરીને જશે, જેથી તે ખર્ચથી લઈને બધું જ પ્લાનિંગ સારી રીતે કરી શકશે. ન્યૂઝીલેન્ડ પહેલીવાર 118 સર્વિસ સેક્ટરમાં વાર્ષિક 5 હજાર ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એન્ટ્રી વિઝા આપશે, જે 3 વર્ષ સુધી ચાલશે. એનાથી IT એન્જિનિયરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન, કન્સ્ટ્રક્શન અને યોગા ઇન્સ્ટ્રક્ટરને ફાયદો મળશે. 118 સર્વિસ સેક્ટર નક્કી કરાયાં તેમણે કહ્યું, આ સમાચાર આપણા માટે ખૂબ જ આવકારદાયક છે, કારણ કે જે 118 સર્વિસ સેક્ટર નક્કી કર્યાં છે એમાં યોગા અને આયુર્વેદિક પણ છે. મોટા ભાગે ભારતીય સંસ્કૃતિનો હિસ્સો કહેવાય એવા કોર્સને તેઓ પ્રમોટ કરી રહ્યા છે. આ સ્કિલ્સ પહેલાં અનટચ હતી. આવો સપોર્ટ પહેલાં કેટલાક દેશોમાં નહોતો, જે ન્યૂઝીલેન્ડ આપવા જઈ રહ્યું છે. આ ભારત માટે ખૂબ જ વેલકમિંગ કહી શકાય. એક તરફ અમેરિકાએ ભારત પર ટેરિફ બાબતે કડક વલણ દાખવ્યું છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ ટેરિફ બાબતે ખૂબ જ સોફ્ટ બન્યું છે. આવા સંજોગોમાં ભારતના એક્સપોર્ટ બિઝનેસને પણ ફાયદો થશે. ખાસ કરીને 'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટને ખૂબ જ સારું બૂસ્ટઅપ મળશે. અમેરિકાના ટેરિફની સામે ભારત માટે બિઝનેસનાં નવાં દ્વાર ખૂલશે. ડિપેન્ડન્ટ વિઝા અંગે હજુ કોઇ સ્પષ્ટતા નહીં નવા નિયમોમાં ડિપેન્ડન્ટને લઈને શું નીતિ હશે એ અંગે પૂછતાં મૌલિક રાવલે કહ્યું, હજી સુધી તો નવા નિયમો અનુસાર ડિપેન્ડન્ટ વિઝામાં ચોખવટ નથી, પણ આવનારા સમયમાં એની સ્પષ્ટતા થઈ જશે. અત્યારસુધી ડિપેન્ડન્ટને અમુક લેવલ પર હોય તો જ વર્ક પરમિટ મળતી હતી. હવે તેઓ સુધારો કરીને દરેક લેવલ પર ડિપેન્ડન્ટ જઈ શકે અને વર્ક કરી શકે એવી નીતિ ઘડી રહ્યા છે. PRના નિયમો અંગે પૂછતાં મૌલિક રાવલે કહ્યું, અત્યારસુધી ન્યૂઝીલેન્ડમાં પોઈન્ટ બેઝ્ડ સિસ્ટમ હતી. હવે પોઈન્ટ સિસ્ટમને ફોલો કરવાની જ છે. આ ઉપરાંત તમારે પર્ટિક્યુલર લેવલ પર હોવું જરૂરી હતું, જે ખૂબ જ હાઈ લેવલ પર હતું. જ્યારે ભવિષ્યમાં તેઓ ભારતીય વ્યક્તિને પણ ત્યાંના સ્થાનિક વ્યક્તિ જેટલું જ વેતન મળે એવું પ્લાનિંગ કરી રહ્યા છે. આવામાં PR માટેના વિકલ્પો પણ વધી જશે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વધી રહેલા લિવિંગ કોસ્ટની સરખામણીએ ન્યૂઝીલેન્ડ અત્યારે વિદ્યાર્થીઓ માટે કેટલું પોસાય એમ છે? એ અંગે પૂછતાં મૌલિક રાવલે કહ્યું, કેનેડામાં 2020-21 પછી જ્યારે બૂસ્ટઅપ થયું ત્યારે લિવિંગ કોસ્ટ ખૂબ જ ઓછી હતી, પણ ધીરે-ધીરે ત્યાં લિવિંગ કોસ્ટ વધવા લાગી, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ. તેની સરખામણીએ હાલાં ન્યૂઝીલેન્ડમાં લિવિંગ કોસ્ટ સ્ટેબલ છે. હીરા ઉદ્યોગને ફાયદાની આશા મૌલિક રાવલે છેલ્લે કહ્યું, ન્યૂઝીલેન્ડે ટેરિફ દૂર કર્યા છે, એનાથી ગુજરાતને પણ ફાયદો થશે, કારણ કે ગુજરાતના મોટા ભાગના બિઝનેસ એક્સપોર્ટમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા હતા, પણ અન્ય દેશોની ટેરિફ નીતિના કારણે તેને મોટી અસર થઈ હતી. આવામાં હવે હીરા ઉદ્યોગથી લઈને અન્ય બિઝનેસમાં ખૂબ જ સારી પ્રગતિ થઈ શકે છે. જો ન્યૂઝીલેન્ડના ટ્રેન્ડ કે ક્રેઝ વિશે ટૂંકમાં સમજવું હોય તો જ્યારે મોટા ભાગના દેશો વિદેશી વિદ્યાર્થીઓને ઓછા બોલાવવાની પોલિસી બનાવી રહ્યા છે, ત્યારે ન્યૂઝીલેન્ડ એનાથી વિપરીત નિર્ણયો લઇ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ જે રીતે પોતાની ફોરેન એજ્યુકેશનની આવક વધારવા માગે છે એે જોતાં હજી તેઓ વધુ સાનુકૂળ નિયમો બનાવશે.
    Click here to Read More
    Previous Article
    આંબાવાડીના ખેડૂતોને તકેદારીના પગલા ભરવા અનુરોધ:માવઠાની આગાહીને પગલે ધરતીપુત્રોને આગોતરી તકેદારી રાખવી: બાગાયત ખાતું
    Next Article
    મહારાષ્ટ્રમાં શિવસેના-NCPના વોટ હવે ભાજપના:ઠાકરે બ્રધર્સ મુંબઈ સુધી સમેટાયા, શિંદે પાસે માત્ર થાણે; ભાજપ એકમાત્ર 'ઓલ-સ્ટેટ' પાર્ટી

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment