Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મોતની જાણ કરતી App:દુનિયાભરમાં ધડાધડ ડાઉનલોડ, દર બીજા દિવસે પૂછે મરી તો નથી ગયા, એકલતાની ડરામણી હકીકત અને ખતરનાક બિઝનેસ મોડલ

    2 days ago

    જાપાન અને ચીનમાં લોકો અને વૃદ્ધો મોટા ભાગે એકલવાયું જીવન જીવે છે. ત્યાં એક શબ્દ છે, જેનું નામ છે કોડોકુશી. મતલબ કે એકલતામાં તેમનું મૃત્યુ થઈ જાય તોપણ તેમના પરિવારોને અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ખબર નથી પડતી કે તેમના ઘરના વ્યક્તિનું મોત થઈ ગયું છે… કલ્પના કરો કે અમદાવાદના પ્રહલાદનગર કે સેટેલાઈટ વિસ્તારના કોઈ આલીશાન ફ્લેટમાં એક વૃદ્ધ દંપતી રહે છે. તેમનો દીકરો અમેરિકામાં રહે છે. રવિવારની સવાર છે, પણ ડોરબેલ વાગતી નથી. પાડોશીને ખબર નથી કે બાજુના ઘરમાં શું ચાલે છે. અચાનક દીકરાના મોબાઈલમાં એક નોટિફિકેશન આવે છે, તમારા પિતાએ છેલ્લા 48 કલાકમાં એપમાં લોગ-ઈન કર્યું નથી. મહેરબાની કરીને તેમનો સંપર્ક કરો. ઉદાહરણ અમદાવાદનું છે, પણ વાસ્તવિકતા 2026માં ચીનમાં જે ચાલી રહ્યું છે એની છે. દુનિયાને કોરોના વાઇરસ ભેટ આપનાર ચીન હવે દુનિયાને એક નવી એપ આપી રહી છે, જેનું નામ છે આર યુ ડેડ એપ. આ એક એપ્લિકેશન નથી, પણ 21મી સદીની સૌથી મોટી એકલતા એટલે કે લોન્લીનેસની વૈશ્વિક વાસ્તવિકતા છે. ચીને એકલતાને વેચીને પણ બિઝનેસ મોડલ ઊભું કરી દીધું છે. માટે આપણે જાણવું જરૂરી બની જાય છે કે શું છે આ એપ? કેમ ચીન અને દુનિયામાં આર યુ ડેડ એપનો ટ્રેન્ડ વધી રહ્યો છે? આજે જાણીએ ડિજિટલ મોક્ષની માયાજાળની અને બદલાતી માણસની જિંદગીને નમસ્કાર... સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે દુનિયાના કોઈપણ ખૂણા સાથે તો કનેક્ટ થયા પણ માણસાઈથી ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ, જેનો જીવતો જાગતો પુરાવો છે ચીનની આર યુ ડેડ અથવા તો ડેમુમુ એપ. ચીનના ઝેંગઝોઉ શહેરમાંથી નીકળેલી આ એપ આજે વિશ્વભરમાં ટોપ એપ બની ગઈ છે. એનો એક જ ઉદ્દેશ છે. જો તમે મરી ગયા હો તો તમારા સંબંધીઓને જાણ કરવી. સાંભળવામાં અજીબ લાગશે, પણ આ જ તેનું કામ છે. આ એપમાં એક મોટું લીલા કલરનું બટન આવે છે, જેના પર 24થી 48 કલાકમાં ક્લિક કરવાનું હોય છે, જેથી તમારા આસપાસના લોકોને ખબર પડે કે તમે સેફ છો. જો સતત બે દિવસ સુધી ક્લિક ન કરો તો લોકોને મેસેજ જાય છે કે તમે લોગ-ઈન નથી કર્યું, માટે કંઈક ગરબડ છે. 13,000માં બનેલી એપનું કરોડોમાં વેલ્યુએશન આ એપની શરૂઆત થાય છે મે 2025માં. ચીનની મૂનસ્કેપ ટેક્નોલોજી નામની કંપની, જેમાં ત્રણ જેન-ઝી યુવાનોએ 1 હજાર યુઆન એટલે કે લગભગ 13 હજાર ભારતીય રૂપિયામાં એપ બનાવી નાખી. શરૂઆતમાં એપનું નામ સિલેમે રાખવામાં આવ્યું હતું, જેનો આપણી ભાષામાં અર્થ થાય છે શું તમે મરી ગયા છો? નામ ચીની ફેમસ ફૂડ એપ ઈલેમેથી રાખવામાં આવ્યું, જેનો મતલબ થાય છે શું તમે ભૂખ્યા છો? એપને એટલી લોકપ્રિયતા મળી કે કંપનીનું વેલ્યુએશન હાલ 10 મિલિયન યુઆન એટલે કે ભારતીય રૂપિયા મુજબ 13.3 કરોડ થઈ ગયું છે. માનવ જીવની કિંમત હવે માત્ર એક ડિજિટલ બટન જો તમે આ એપમાં બટન નથી દબાવતા તો તમારા સર્કલના લોકો કે સંબંધીઓ સમજી લેશે કે કાં તો તમે બેભાન છો અથવા કાં તો તમે મૃત્યુ પામ્યા છો. તમારા સર્કલના લોકોને ઈ-મેલ મારફત આ મેસેજ જાય છે. ટૂંકમાં, આપણે એવા જમાનામાં આવી ગયા છીએ, જેમાં માણસના જીવની કિંમત એક ડિજિટલ બટન બની ગયું છે. દુનિયાભરમાં એકાએક એપ વાઇરલ માત્ર ચીનમાં જ નહીં, પણ અમેરિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયામાં પણ એપ ટ્રેન્ડમાં છે. એવું એટલા માટે, કારણ કે એક તો તેનું નામ અને બીજું એકલા રહેવાની સંસ્કૃતિ. ત્રીજું, એપની ડિઝાઈન એકદમ સિમ્પલ છે. ચીન-ભારતની સંસ્કૃતિમાં તફાવત આપણા ભારતીય દર્શનશાસ્ત્રમાં મોક્ષ એટલે કે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિની વાત છે. આપણે ત્યાં શેરી અને બારીની સંસ્કૃતિ છે. કોઈના ઘરે ચૂલો ન સળગે તોપણ પાડોશીને ખબર પડી જાય છે. આપણી સંસ્કૃતિ સંયુક્ત છે અને ચીનમાં વધતી જનસંખ્યાના કારણે સરકારે નિર્ણય લીધો અને એક જ બાળકના કારણે ચીનની સંસ્કૃતિ એકલવાઇ થઈ ગઈ. આપણી સંસ્કૃતિ પણ ધીમે ધીમે આ જ મોડમાં જઈ રહી છે. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણે જે રીતે વેસ્ટર્ન કલ્ચર તરફ વધી રહ્યા છીએ એના લીધે એવું લાગે છે કે ભવિષ્યમાં એવો સમય આવશે કે આપણે પણ એકલા પડી જશું. જે સમયગાળો અત્યારે ચીનમાં ચાલી રહ્યો છે. એના જ કારણે માત્ર મહિનાના 1 ડોલરના ખર્ચે એપ એક બટન દબાવીને બિઝનેસ કરી રહી છે. ચીનમાં કોઈ એકલો રહેતો માણસ મરી જાય તો અઠવાડિયા પછી ખબર પડે છે. ચીનમાં આ એપની જરૂર કેમ પડી? સામાજિક કારણઃ ચીનમાં એક કોન્સેપ્ટ છે... 9-9-6. એટલે કે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અઠવાડિયાના 6 દિવસ કામ કરો. ભારતમાં પણ વધતા આધુનિકીકરણે આવી પરિસ્થિતિ લાવી દીધી છે. પૈસાની દોડમાં લોકો પાસે જીવવાનો પણ સમય નથી, ખબર કાઢવાની તો વાત જ દૂર રહી. મનોવૈજ્ઞાનિક કારણઃ એક થિયરી છે, જેનું નામ છે ટેરર મેનેજમેન્ટ થિયરી. તેનું કહેવું છે કે માણસને સૌથી વધુ ડર મૃત્યુનો છે. આ એપ એ ડરનું મોનિટાઈઝેશન કરે છે. માટે લોકો મહિને એક ડોલર આપીને મેન્ટલ પીસ અને સેફ્ટી ખરીદી રહ્યા છે. લોન્લીનેસ ઈકોનોમીઃ ચીનમાં અત્યારે 12.5 કરોડ ઘર એવાં છે, જેમાં એક જ વ્યક્તિ રહે છે. 2030 સુધીમાં આ આંકડો 20 કરોડને પાર થઈ જશે, જે ચીનના કુલ ઘરોના 30 ટકા હશે. 2010માં ચીનમાં એક ઘરમાં ત્રણ લોકો રહેતા હતા. ઝડપી શહેરીકરણ, માઈગ્રેશન અને લગ્ન ન કરવા અથવા લગ્ન મોડેથી કરવાના કારણે 2020માં ચીનમાં પરિવારનું કદ 2 થઈ ગયું છે. મતલબ એક ઘરમાં 2 જ લોકો રહે છે. લગ્ન ન કરવાના ટ્રેન્ડનો સતત વધતો વ્યાપ 2013થી 2023 વચ્ચે ચીનમાં લગ્ન કરનારા લોકોની સંખ્યા 75 ટકા ઘટી ગઈ છે. ટૂંકમાં 100માંથી 25 લોકો જ લગ્ન કરે છે. 2024માં પણ ચીનમાં લગ્ન ન કરવાની સંખ્યા વધારે જોવા મળી છે. માટે એકાંત જીવન જીવતા લોકો એક વિશાળ માર્કેટ છે, જેને આર યુ ડેટ એપના લોકો લોન્લીનેસ ઈકોનોમી ગણી રહ્યા છે. સિક્કાની બીજી બાજુ પણ ઘણા લોકોનું કહેવું છે કે આવી એપ વૃદ્ધોની સુરક્ષા માટે સારી વાત છે, જોકે એમાં કંઈ પ્રશ્ન નથી... પણ થોડું ઊંડું ઊતરીને જોઈએ તો અમુક લોકો આવી એપના કારણે વર્ચ્યુઅલ કિડનેપિંગ પણ થઈ શકે. જો કોઈ હેકરને ખબર પડે કે તમે તમારા ફોનને 48 કલાકથી નથી અડ્યો તો તમારા પરિવાર પાસે ફોન કરીને ખંડણી પણ માગી શકે, માટે આ સુરક્ષા પણ છે અને સ્લીપર સેલ પણ... આપણે ત્યાં એપલ સિવાય આ એપ પ્રતિબંધિત છે, કારણ છે ડેટા સોવર્નિટી. તમને યાદ હોય તો ગલવાન ઘાટીમાં સંઘર્ષ બાદ 2020માં ભારતે ટિકટોક, વીચેટ અને પબજી સહિત 50થી વધુ ચીની એપ પર બેન મૂક્યો હતો, જોકે ભલે આ એપ ચીની છે, પણ એપના જણાવ્યા મુજબ એ કોઈ વ્યક્તિનો પર્સનલ ડેટા કે લોકેશન નથી માગતી. ડેમુમુ એપ ઈ-મેલ અને ઈમર્જન્સી કોન્ટેક્ટ જેવી વિગતો જ યુઝર પાસેથી લે છે. કંપનીના કહ્યા મુજબ ડેટા પણ એન્ક્રિપ્ટેડ છે અને થર્ડ પાર્ટી એપને ડેટા વેચવામાં પણ નથી આપતા. સામેની બાજુ આપણે જોઈએ તો ચીનમાં નેશનલ ઈન્ટેલિજન્સ લો મુજબ ચીની સરકાર ચીનની કોઈપણ કંપનીને તેનો ડેટા સરકાર સાથે શેર કરવા માટે મજબૂર કરી શકે છે. સિલ્વર બજારનો વધી શકે ટ્રેન્ડ એક સવાલ થાય કે આ એપ અને બજારને શું લેવા-દેવા? તો જવાબ મળે છે કે આ એપનું ટ્રેન્ડિંગ હોવું જ દર્શાવે છે કે એપ બજારમાં કેટલી સફળ છે. આ એપ જીવંત સબૂત છે કે સિલ્વર ઈકોનોમી એટલે કે વૃદ્ધો માટેની પ્રોડક્ટમાં ભવિષ્યમાં રોકાણ વધી શકે છે. ટેક્નોલોજી નહીં, પાડોશીનો સાથ જરૂરી ભલે આ એપ ભારતમાં એન્ડ્રોઈડમાં નથી ચાલી રહી, પણ કોન્સેપ્ટ તો હજુ પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવાં શહેરોમાં લાગુ થાય છે. આજની તારીખે પણ ગુજરાતમાં ઘણા વૃદ્ધો સંતાનો વિદેશ કે શહેર કમાવવા ગયા હોવાના કારણે એકલા રહે છે, જોકે આપણું જોઈન્ટ ફેમિલીનું કલ્ચર હજુ સાવ સંસ્કૃતિમાંથી ગયું નથી એ નોંધવું રહ્યું. આવી એપ્સના કારણે ભારતમાં પણ બની શકે કે ભવિષ્યમાં વૃદ્ધો માટેના ગેજેટ્સ કે બિલ્ડર વૃદ્ધો માટેનાં અલગ ઘર બનાવવા પાછળ મકાનો બનાવી શકે. અને છેલ્લે... આપણા વડવાઓ કહેતા હતા કે પહેલો સગો એ પાડોશી. વધતા શહેરીકરણ અને ગામડાંમાંથી થતા માઈગ્રેશનના કારણે આજે ભારતમાં પણ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે આપણે આપણા પાડોશીના ઘરનો દરવાજો ખખડાવવામાં પણ દસવાર વિચારીએ છીએ. સાચો મોક્ષ એ નથી કે તમે મરો પછી કોઈને ખબર પડે સાચો મોક્ષ તો એ છે કે તમે જીવતા હોવ અને ત્યારે તમારો હાથ પકડવાવાળું કોઈ હોય. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રમાં શિવસેના-NCPના વોટ હવે ભાજપના:ઠાકરે બ્રધર્સ મુંબઈ સુધી સમેટાયા, શિંદે પાસે માત્ર થાણે; ભાજપ એકમાત્ર 'ઓલ-સ્ટેટ' પાર્ટી
    Next Article
    અમદાવાદમાં ત્રીજા માળે દોડશે બુલેટ ટ્રેન:પેસેન્જર્સને હવામાં ઊડતા હોય એવો અહેસાસ થશે, નીચે ટનલ-વચ્ચે રેલ અને પતંગની થીમ, કાલુપુર સ્ટેશનનો તમે ના જોયેલો ડ્રોન વીડિયો

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment