Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલધારી પર સિંહના હુમલાનો LIVE VIDEO:વનરાજે પગને આંટી મારી ડણક મારી, લોહીલુહાણ કર્યો; પાલિતાણામાં વનવિભાગની ટીમ દોડતી થઈ

    12 hours ago

    ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈ સવારે સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ લોહીલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સિંહે પગને આંટી મારીને ડણક મારી વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહને હાથ ફેરવતો પણ દેખાઈ છે. સિંહે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાઈ છે. આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાનો અવાજ સંભળાય છે. ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું કે, હું સવારમાં સાડા દસ વાગ્યે મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો. સિંહ આમ બજારમાં બેઠો હતો, તેથી તે અચાનક મારી ઉપર હુમલો કર્યો. પહેલા મારી પીઠ ઉપર મારીને મને પાડી દીધો અને પછી મારો હાથ તેના મોઢામાં લીધો હતો. લગભગ અડધી કલાક પકડી રાખ્યો હતો. મારો બચાવ કરવા મેં એને આમ ખંજવાળ્યો, એટલે તેણે મારો હાથ ઢીલો મૂક્યો અને મેં હાથ કાઢી લીધો. પછી તે મારી ગાય પાછળ સીધો ત્યાં ગયો. આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે, પશુઓ અને માણસ ઉપર પણ હુમલો કરે છે. બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો પણ તે ભાગીને નીકળી ગયો હતો. 'મારી ભેંસ છોડી તો સીધો મારી સામે સિંહ દોડ્યો' સિંહનો સામનો કરનાર હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, હું સવારમાં દૂધ ભરીને આવ્યો, સાડા આઠથી નવનો ટાઈમ હતો. તે ઘરે બધા બૂમ પાડવા માંડ્યા કે ભાઈ, આપણા વાડમાં સિંહ આવ્યો છે. એટલે હું દોડીને ત્યાં ગયો. મારી ભેંસ હતી એને મેં છોડી તો સીધો મારી સામે સિંહ દોડ્યો, એટલે હું સીધો મારા ભાઈના ઘરે જતો રહ્યો હતો. મારા ભાઈના ઘરે જઈને બારણું બંધ કર્યું. મને ઈજા પહોંચાડત પણ ત્યાં મારી ભેંસ આડી પડી ગઈ. મારી ભેંસ આડી પડી ગઈ એટલે હું ને મારા મમ્મી બન્ને બચી ગયા. ત્યાર બાદ ત્યાંથી સિંહ સીધો ભાગ્યો, એટલે સીધો મારી બાજુમાં કાળુભાઈ બોઘાભાઈ ભરવાડ (પરમાર), એના ઘરે આવ્યોને કાળુભાઈ પર હુમલો કર્યો, એટલે ઘણીવાર સુધી માથે બેઠો રહ્યો. પછી ફોરેસ્ટના બે માણસો આવ્યા પણ કાંઈ પૂછ્યા વિના જ ચાલ્યા ગયા. ગામના માણસોએ કીધું કે ભાઈ, તમારે સિંહ આવ્યો છે આનું કાંઈ કરો, તો એ કાંઈ બોલ્યા નહિ ને સીધા જ નીકળી ગયા. એની કાંઈ જવાબદારી નથી આવતી સાહેબ? 200-300 ગ્રામજનો બધા પહોંચી ગયા હતા પણ હવે એ હટવાનું નામ જ નહોતો લેતો. બધાની સામો થતો હતો. છોડાવવાની કોશિષ બહુ કરી હતી. અત્યારે કાળુ ભાઈને સારવાર માટે ભાવનગર લઈ ગયા છે. પહેલા અહીં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પછી એ લોકોએ કીધું કે ભાઈ આને ભાવનગર લઈ જાવ, લોહીબંધ નહોતું થાતું એટલે એને ભાવનગર લઈ ગયા. કાળુભાઈને ત્રણ-ચાર દીકરી અને એક બાબો છે. પરિવાર સાથે અહીં જ રહે છે. માલધારી પર સિંહનો હુમલો, લોહીલુહાણ કરી નાખ્યો આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર આજે(6 જુલાઈ) સવારે પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ દોડી આવી હતી. ‘સિંહ કાળુભાઈના ઘરમાં અંદર ઘૂસી ગયો હતો’ પાલિતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું હતું કે, તો અમારી ફોરેસ્ટને વિનંતી છે કે સિંહોને અહીંયાથી સુરક્ષિત રીતે જંગલમાં ખસેડી આપો. ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ વિભાગ ધ્યાન દેતું નથી. તો તાત્કાલિક સિંહોને અહીંથી હટાવી લે અને આ ગામ લોકોને સુરક્ષા આપે એવી અમારી માગ છે. ‘દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી’ ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ જણાવ્યું હતું કે, આ બનાવ વિશે વનવિભાગને ફોન કર્યો અને દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી. માણસને પ્રાણી મારી નાખી તો તેને કંઈ સજા નહીં. પણ પ્રાણીને માણસ મારી નાખી તો તેને સજા મળે. છેલ્લા 5 વર્ષથી ગામમાં સાવજ દેખાય છે. સાવજને તેમના હદ વિસ્તારમાં મોકલી આપવાની વિનંતી કરીએ છીએ. વન વિભાગની ટીમ દોડી આવી ​માલધારી પર થયેલા સિંહના હુમલાના પગલે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં દહેશત ફેલાવનાર વન્ય પ્રાણીને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ​આ ઘટના બાદ ગરજીયા ગામ અને આસપાસના માલધારીઓમાં પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની ફ્લેગ માર્ચ:24 કલાકમાં ગુજરાત સહિત 5 રાજ્યમાંથી 190 વોન્ટેડ અને કુખ્યાત આરોપીઓ જેલભેગા; ઝોન 7નું ‘ઓપરેશન ક્લીન સ્વીપ 2.0’
    Next Article
    મોરબી ગોડાઉનમાં 45 કલાકથી આગ ઓલવવાની જહેમત:4 જિલ્લાના 10 ફાયર ફાઈટરો દ્વારા પાણીનો અવિરત મારો છતાં 44.46 કરોડની મગફળીનો જથ્થો સંપૂર્ણ સ્વાહા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment