Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પિતૃદોષ છે, ઘરમાં પૈસા નહીં ટકે’, અંધશ્રદ્ધાનો LIVE ડેમો:કાઠીયાવાડી પરિવારોને જ ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, સુરતમાં તાંત્રિક વિધિના બહાને ત્રણ પરિવારોનું સોનુ પડાવ્યું

    21 hours ago

    સુરત શહેરમાં માસૂમ લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી, પિતૃદોષ નિવારણ અને બીમારી દૂર કરવાના બહાને સોનાના ઘરેણાં પડાવી લેતી એક શાતિર ગેંગનો લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આ ગુના આચરનારા રાજકોટના બે રીઢા ગુનેગારોને સોનાની ઓગાળેલી લગડીઓ અને રોકડ રકમ સાથે રાજકોટથી ઝડપી પાડ્યા છે. આ ટોળકીની ધરપકડ સાથે લસકાણા પોલીસ સ્ટેશનનો એક અને ઉત્રાણ પોલીસ સ્ટેશનના બે મળી કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. રામાપીરના મંડળના નામે લોકોને જાળમાં ફસાવતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગના સાગરીતો કાળુનાથ લખુનાથ નકુમ (ઉં.વ. 37, ધંધો- ડ્રાઇવિંગ, રહે. મામાવાડી સ્લમ ક્વાર્ટર્સ પાસે, આનંદપર નવાગામ, રાજકોટ) અને દેવાયત કાનજીભાઇ નાથબાવા (રાઠોડ)(ઉં.વ. 36, ધંધો- મજૂરી, રહે. મોવૈયાના ઢોરા, જામનગર મેઇન રોડ, પડધરી, જી. રાજકોટ) રાજકોટથી એસટી બસ મારફતે સુરત આવતા હતા. સુરતમાં ખાસ કરીને કાઠિયાવાડી પરિવારો વસવાટ કરતા હોય એવા વિસ્તારો ટાર્ગેટ કરવામાં આવતા. અહીં ઘરડા પુરુષો કે મહિલાઓ એકલા હોય ત્યારે આરોપીઓ 'રામાપીરના મંડળે જમવા આવજો' તેમ કહી પરિચય કેળવતા હતા. ત્યારબાદ વાતો-વાતોમાં 'તમારા ઘરમાં ભારે પિતૃદોષ છે, એટલે જ બધા બીમાર રહે છે અને ઘરમાં પૈસા ટકતા નથી' તેમ કહી ડર પેદા કરતા હતા. દાગીના ઓગાળીને લગડીઓ બનાવી દીધી ભોગ બનનાર વ્યક્તિઓ ડરી જતાં આરોપીઓ વિધિ કરવાનું નાટક કરતા અને ગ્લાસ, કંકુ, ચોખા તથા પાણી મંગાવતા હતા. વિધિના બહાને ઘરના સોનાના દાગીના મંગાવી, નજર ચૂકવીને ઘરેણાં લઈ રફુચક્કર થઈ જતા હતા. પકડાયેલા આરોપીઓએ લસકાણા અને ઉત્રાણ વિસ્તારમાંથી છેતરપિંડી કરી મેળવેલા સોનાના દાગીના ઓળખાઈ ન જાય તે માટે તેને ઓગાળીને સોનાની નાની-નાની લગડીઓ બનાવી દીધી હતી, જે પોલીસે કબજે કરી છે. પિતૃદોષ અને વિધિના નામે છેતરપિંડી આચરતી ટોળકીની મોડસ ઓપરેન્ડી અંધશ્રદ્ધાનો ભોગ બનેલો પહેલો પરિવાર પોલીસ ફરિયાદ અનુસાર, લસકાણા સ્થિત બજરંગ રો હાઉસ વિભાગ-1માં રહેતા હેતલબેન ડોંડાના પતિ વિજયભાઈ છેલ્લા બે મહિનાથી કેન્સરની ગંભીર બીમારીથી પીડિત છે. ગત તા. 15/05/2026ના રોજ સવારે હેતલબેનના સસરા બટુકભાઈની પાન-મસાલાની દુકાને બે અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર આવ્યા હતા. તેઓએ વાતો-વાતોમાં "તમારા ઘરે મોટું દવાખાનું આવેલું છે" તેમ કહી ડર પેદા કર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને પોતાને રામાપીરના મોટા ભક્ત ગણાવ્યા હતા. ‘ઘરમાં પિતૃદોષ છે, એટલે જ બીમારી રહે છે’ તેમ કહી વિધિ શરૂ કરી ઠગ ટોળકીએ પરિવારને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે, તમારા ઘરમાં પિતૃદોષ છે અને કોઈની વિધિ નડતી હોવાથી ઘરમાં બીમારી રહે છે અને પૈસા ટકતા નથી." જો તમે કહો તો અમે વિધિ કરી આપીએ. પરિવારજનો બીમારીથી કંટાળેલા હોવાથી તેઓ વિધિ કરવા તૈયાર થઈ ગયા હતા. ગઠિયાઓએ વિધિના બહાને સ્ટીલનો ગ્લાસ, કંકુ, ચોખા, પાણી અને સોનાના દાગીના મંગાવ્યા હતા. જેમાં સાસુએ કાનની સોનાની બુટી અને હેતલબેને હાથની સોનાની વીંટી આપી હતી. દાગીના અને રોકડા શર્ટના પોટલામાં બંધાવી મંદિરમાં મુકાવ્યા બંને ઠગોએ પરિવારના સભ્યોના માથા પર સોનાના દાગીના ભરેલો ગ્લાસ ફેરવી તેને મંદિર પાસે મુકાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય દીકરાઓ પર ઘાત હોવાનું કહી વિધિના નામે ₹5,100 રોકડા મંગાવ્યા હતા. આ પછી ગઠિયાઓએ એક જૂનો કાળો શર્ટ મંગાવી, તેમાં ₹1 લાખની કિંમતની 10 ગ્રામ સોનાની બુટી, ₹50 હજારની કિંમતની 5 ગ્રામની સોનાની વીંટી અને ₹5,100 રોકડા મૂકીને પોટલું બાંધી મંદિરની અંદર મૂકી રાખ્યું હતું. ભોગ બનનાર પરિવારને જાપ કરવા બેસાડી ગઠિયા રફુચક્કર થઈ ગયા વિધિના અંતે અજાણ્યા ઈસમોએ પરિવારના સભ્યોને મંદિરમાં માતાજીના જાપ કરવા બેસાડી દીધા હતા અને પોતે તક જોઈને ઘરમાંથી કાળા શર્ટનું પોટલું (જેમાં દાગીના અને રોકડા હતા) લઈને છૂમંતર થઈ ગયા હતા. થોડીવાર પછી પરિવારને છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ સગા-સંબંધીઓને જાણ કરી હતી. પતિ કેન્સર પીડિત હોવાથી અને તેમની સારવાર ચાલતી હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. આખરે 28 જૂનના રોજ લસકાણા પોલીસ મથકમાં અજાણ્યા ઠગો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અંધશ્રદ્ધાનો ભોગ બનેલો બીજો પરિવાર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેલંજા ઉમરા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે ગૌવર્ધન બંગ્લોઝ (ઘર નં. 63) માં રહેતા અને હીરાકામ કરતા 23 વર્ષીય દર્શિત સંજયભાઈ ગરસોંદીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 16 જૂન 2026 ના રોજ સવારે 10થી 11 વાગ્યાના સુમારે દર્શિત અને તેના પિતા કામ અર્થે બહાર ગયા હતા. તે સમયે ઘરે તેના દાદા કેશુભાઈ, દાદી હેમીબેન અને નાનો ભાઈ કાવ્ય હાજર હતા. આ દરમિયાન એક મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા અને પીવાનું પાણી માંગ્યું હતું. કાવ્ય પાણી લેવા ગયો ત્યારે આ બંને ઇસમો સીધા ઘરમાં ઘૂસી ગયા હતા અને ખાટલા પર બેસી ગયા હતા. ત્યારબાદ એક ગઠિયાએ વાતોના વડાં કરતા જણાવ્યું કે, તમારા ઘરમાં પિતૃદોષ છે, જેના કારણે ઘરમાં પૈસા ટકતા નથી. જો તમે કહો તો હું તેની વિધિ કરી આપું. ભોળા વૃદ્ધ દંપતીએ આ વાતો સાચી માની લેતા ગઠિયાઓએ વિધિના નામે ખેલ શરૂ કર્યો હતો. ખીસામાંથી ચોખા કાઢ્યા અને વિધિના નામે 70 હજારના દાગીના ખંખેરી લીધા ઠગે પોતાના ખીસામાંથી ચોખાના દાણા કાઢીને વિધિ કરવા માટે હેમીબેને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી માંગી હતી. હેમીબેને કાનમાંથી એક બુટ્ટી કાઢી આપતા જ બીજા ઠગે કબાટમાં મુકેલી બીજી બુટ્ટી પણ મંગાવી લીધી હતી. આશરે 7 ગ્રામ વજનની આ બંને સોનાની બુટ્ટીઓ (જેની અંદાજિત કિંમત ₹70,000 છે) ગઠિયાએ હાથમાં રાખીને વિધિ કરવાનો ઢોંગ કર્યો હતો અને નજર ચૂકવીને પોતાના શર્ટના ખીસામાં સરકાવી દીધી હતી. તેટલાથી પણ સંતોષ ન થતા, બાકીની વિધિના નામે વધુ ₹2,000 રોકડા પણ પડાવી લીધા હતા. ‘અમે બહાર વિધિ કરીને આવીએ છીએ’ તેમ કહી બાઇક પર ભાગી છૂટ્યા રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા બાદ બંને ઠગોએ પરિવારને કહ્યું કે, તમે ત્રણેય અત્યારે ઘરમાં જ બેસો, અમે ઘરની બહાર બાકીની વિધિ કરીને થોડીવારમાં પરત આવીએ છીએ. પરિવારજનો ઘરમાં જ બેસી રહ્યા અને લાંબા સમય સુધી ગઠિયાઓ પરત ન ફરતા તેઓને શંકા ગઈ હતી. આશરે એક કલાક બાદ ઘરની બહાર આવીને તપાસ કરતા બંને ગઠિયા પોતાની મોટરસાયકલ લઈને ફરાર થઈ ચૂક્યા હોવાનું માલૂમ પડ્યું હતું. ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા ઘટના બાદ ભોગ બનનાર પરિવારે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ ગઠિયાઓનો કોઈ પત્તો મળ્યો ન હતો. અંતે પરિવાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ગઈકાલે તારીખ 29 જૂન 2026 ના રોજ દર્શિત ગરસોંદીયાએ ઉત્રાણ પોલીસ સ્ટેશન પહોંચીને અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અંધશ્રદ્ધાનો ભોગ બનેલો ત્રીજો પરિવાર મળતી માહિતી મુજબ, વેલંજા ઉમરા રંગોલી રોડ પર આવેલી વૃંદાવનધામ સોસાયટી (ઘર નં. 201) માં રહેતા અને ઘરકામ કરતા ભાવીકાબેન ભાલાળા (ઉ.વ. 25) એ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 11 મે 2026 ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ ભાવીકાબેન, તેમના સાસુ કંચનબેન, સસરા ગોરધનભાઈ અને માનસિક બીમારીથી પીડિત જેઠ તુલસીભાઈ જમીને આરામ કરી રહ્યા હતા. તે સમયે એક મોટરસાયકલ પર આશરે 30 થી 35 વર્ષ અને 40 થી 45 વર્ષના બે અજાણ્યા ઇસમો સોસાયટીમાં મકાન જોવા માટે આવ્યા હોવાનું કહીને ગોરધનભાઈને મળ્યા હતા. ગોરધનભાઈ બંનેને ઘર બતાવવા માટે હોલમાં લઈ આવ્યા હતા. ‘તમારા ઘરમાં પિતૃદોષ છે...’ કહી વિધિના નામે દાગીના મંગાવ્યા પરિવારે જ્યારે તેઓને પાણી આપ્યું ત્યારે બંનેમાંથી એક શખ્સે ગોરધનભાઈને ડરાવતા કહ્યું કે, તમારા ઘરમાં ભારે પિતૃદોષ છે, જેના કારણે ઘરમાં સતત બિમારી રહે છે અને પૈસા પણ ટકતા નથી. આ સાંભળી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ઠગે આગળ કહ્યું કે, જો તમે કહો તો હું આ દોષ નિવારણની વિધિ કરી આપું. પરિવાર તેની વાતોમાં આવી જતાં હા પાડી હતી. ત્યારબાદ ગઠિયાઓએ તાંબાનો ગ્લાસ, કંકુ, ચોખા, પાણી અને ઘરના કબાટમાંથી સોનાની ચેઇન-પેન્ડલ તેમજ સોનાની ત્રણ વીંટીઓ મંગાવી ગ્લાસમાં મુકાવી દીધી હતી. સાસુ-વહુના માથા પર ગ્લાસ ફેરવી મંદિર પાસે બેસાડ્યા, પછી ખેલ કર્યો બંને ઠગોએ પરિવારના તમામ સભ્યોને નીચે બેસાડીને તેમના માથા પર દાગીના ભરેલો ગ્લાસ ફેરવ્યો હતો અને તે ગ્લાસ ઘરના મંદિરમાં મુકાવી દીધો હતો. ત્યારબાદ વિધિના બહાને ભાવીકાબેન અને તેમના સસરા ગોરધનભાઈને બેડરૂમમાં લઈ જઈને એક કલાક સુધી ઊભા રાખી મૂક્યા હતા. થોડીવાર પછી હોલમાં લાવીને મંદિરમાંથી ગ્લાસ લીધો હતો અને તેમાંથી પાણી આપતા તમામે પીધું હતું. ગઠિયાઓએ ગ્લાસમાંથી સોનાનો ચેઇન અને એક વીંટી પરત આપી દીધી હતી, પરંતુ ₹60 હજારની કિંમતની આશરે 6 ગ્રામ વજન ધરાવતી અન્ય બે સોનાની વીંટીઓ ગ્લાસમાં જ રહેવા દીધી હતી. રોડના બમ્પ પર ગ્લાસ અડાડવાનું કહી ગઠિયાઓ પલાયન ત્યારબાદ વધુ વિધિ કરવાના બહાને બંને શખ્સો ગોરધનભાઈને પોતાની બાઈક પર બેસાડીને બહાર લઈ ગયા હતા. રસ્તામાં બાઈક ઊભી રાખી ગોરધનભાઈને રોડની સાઈડમાં વિરૂદ્ધ દિશામાં ઊભા રાખી દીધા હતા અને હાથમાં ગ્લાસ આપીને કહ્યું કે, આ ગ્લાસને રોડના બમ્પ પર ચાર વખત ટચ (અડાડી) કરાવો. ગોરધનભાઈ જેવું ઠગોના કહ્યા મુજબ કરવા ગયા, તે જ તકનો લાભ ઉઠાવીને બંને શખ્સો પોતાની બાઈક ભગાડીને નાસી છૂટ્યા હતા. ગોરધનભાઈએ ગ્લાસમાં જોતાં જ હોશ ઉડી ગયા હતા કારણ કે અંદર સોનાની બંને વીંટીઓ ગાયબ હતી. ઘરના સભ્યો આ આઘાતમાંથી બહાર આવ્યા બાદ ફરિયાદ કરી બનાવ અંગે ભાવીકાબેને વકીલાતનો વ્યવસાય કરતા તેમના પતિ રાકેશભાઈને જાણ કરી હતી. ઘરના સભ્યો આ આઘાતમાંથી બહાર આવ્યા બાદ આખરે તારીખ 14 મે ના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી. ઉત્રાણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ડોડીયાએ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઉકેલેલા ગુના અને કબજે કરેલો મુદ્દામાલ લસકાણા પોલીસ સ્ટેશનનો ગુનો: આરોપીઓએ ફરિયાદીના ઘરેથી 15 ગ્રામના સોનાના ઘરેણાં (કિંમત રૂ. 1,50,000-) અને રૂ. 5,100/- ની છેતરપિંડી આચરી હતી. પોલીસે ઓગાળેલી 15.080 ગ્રામની સોનાની લગડી અને રોકડા રૂપિયા જપ્ત કર્યા છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ ઓપરેશન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર-1ના જોઈન્ટ પોલીસ કમિશનર બલરામ મીણાની કડક સૂચના બાદ મિલકત સંબંધી ગુના શોધવા ઝોન-1 ડીસીપી આલોક કુમાર અને 'એ' ડિવિઝન એસીપી વી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ લસકાણા પીઆઈ એમ.બી. ઝાલાની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. આ ઓપરેશનમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એન.આર. પટેલ, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ, વિરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહે ટેકનિકલ વર્કઆઉટ દ્વારા આરોપીઓને દબોચી લીધા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પાંચ દિવસીય ફ્રી એક્યુપ્રેશર કેમ્પ શરૂ:બ્રાસ ફાઉન્ડ્રી એસો. અને વિવેકાનંદ સોસાયટી દ્વારા આયોજન કરાયું
    Next Article
    બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ:8 સમિતિઓની રચના, ચેરમેનોની વરણી ટૂંક સમયમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment