Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'KBCમાં તમને 25 લાખની લોટરી લાગી છે':સુરતીના 13.51 લાખ પડાવ્યા ને પાકિસ્તાનથી ચાલતા ફ્રોડનો ઘટસ્ફોટ થયો, એક આરોપીનું હેન્ડલર 'અબ્દુલ્લા' સાથે સીધું ચેટ કનેક્શન ખૂલ્યું

    9 hours ago

    સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેનું કનેક્શન સીધું પાકિસ્તાન અને ભારતના આસામ રાજ્ય સાથે જોડાયેલું છે. પાકિસ્તાનથી ઓપરેટ થતા કૌન બનેગા કરોડપતિ (KBC) લોટરી ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બે સાગરીતોને સુરત સાયબર સેલની ટીમે આસામના અંતરિયાળ વિસ્તારમાંથી અત્યંત ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. સુરતથી હજારો કિલોમીટર દૂર આસામના ગોવાહાટીથી 140 કિલોમીટર અંદર આવેલા નાગાંવ (નગાઉટ) ડિસ્ટ્રિક્ટના એક ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે સ્થાનિક વેશભૂષા ધારણ કરી, સતત 7થી 8 દિવસ સુધી બાઇક પર રેકી કરી હતી. આખરે આસામના રૂરલ એરિયાના જુદા જુદા લોકેશન પરથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. કૌભાંડીઓએ સુરતના એક શખસને "KBCમાં 25 લાખની લોટરી લાગી છે" તેવી લાલચ આપીને તેમની પાસેથી કટકે-કટકે ₹13.51 લાખ પડાવી લીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં આ સમગ્ર કૌભાંડ પાકિસ્તાનથી ઓપરેટ થતું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં પકડાયેલા એક આરોપીનું પાકિસ્તાની હેન્ડલર 'અબ્દુલ્લા' સાથે સીધું ચેટ કનેક્શન મળી આવ્યું છે. 'KBCમાં તમને 25 લાખની લોટરી લાગી છે' આ સાયબર ક્રાઇમની વિગત એવી છે કે, સુરતના એક જાગૃત નાગરિક (ફરિયાદી)ને ઠગો દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તમને KBC (કૌન બનેગા કરોડપતિ) તરફથી રૂ. 8,50,000/- તથા રૂ. 25,00,000/- ની રકમની લોટરી લાગી છે. આ સાંભળી ફરિયાદી લાલચમાં આવી ગયા હતા. રૂ. 13.51 લાખની ઓનલાઇન છેતરપિંડી ત્યારબાદ ઠગ ટોળકીએ આ લોટરીની રકમ મેળવવા માટે અલગ અલગ ચાર્જિસ જેવા કે, રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ફી, GST/ટેક્સ ચાર્જ, RBI ક્લિયરન્સ ફી, વીમા ચાર્જ, ફાઇલ ઓપનિંગ ચાર્જ, બેંક એકાઉન્ટ એક્ટિવેશન ફી, લોટરી રિલીઝ ઓર્ડર ચાર્જ, ઇનકમ ટેક્સ ક્લિયરન્સ અને NOC ફીના નામે ફરિયાદી પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટોમાં કુલ રૂ. 13,51,450/- ટ્રાન્સફર કરાવી લીધા હતા. સરકારી વિભાગો અને RBIના નામના બનાવટી લેટરપેડ મોકલ્યા ફરિયાદીને જરાય શંકા ન જાય તે માટે સાયબર ગુનેગારોએ ડિજિટલ ફ્રોડની સાથે સાથે ડોક્યુમેન્ટ બનાવટની પણ હદ વટાવી દીધી હતી. તેઓએ ફરિયાદીને RESERVE BANK OF INDIA (RBI) ના લોગો વાળા બનાવટી ઇલેકટ્રોનીક કુટલેખનવાળા લેટરપેડ મોકલ્યા હતા. આટલું જ નહીં, STATE BANK OF INDIA (SBI) ના નામના બનાવટી ઇલેકટ્રોનીક ચેક તેમજ રૂ. 100 ના સ્ટેમ્પ પેપર ઉપર MINISTRY OF POWER (GOVERNMENT OF INDIA)ના લોગો વાળા બનાવટી ઇલેક્ટ્રોનિક લેટર મોકલી ઓનલાઇન વિશ્વાસ કેળવ્યો હતો. અંતે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નં. 1930 ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પાકિસ્તાની વ્હોટ્સએપ અને આસામનું એકાઉન્ટ ખુલ્યું સુરત સાયબર ક્રાઇમ સેલની ટેકનિકલ ટીમે જ્યારે આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વર્ક આઉટ શરૂ કર્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફરિયાદીને જે મોબાઇલ નંબરો ઉપરથી કોલ અને મેસેજ આવતા હતા, તે મોબાઇલ નંબરોના વ્હોટ્સએપના આઇ.પી. (IP Address) પાકિસ્તાનના હોવાનું ટ્રેસ થયું હતું. બીજી તરફ, ગુનામાં જે બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, તે તમામ બેંક એકાઉન્ટ આસામ રાજ્યના હોવાનું જણાઈ આવ્યું હતું. આથી સ્પષ્ટ થઈ ગયું કે આ આખું રેકેટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું છે અને તેના લોકલ સ્લીપર સેલ આસામમાં બેસીને નાણાકીય વ્યવહારો સંભાળી રહ્યા છે. આ કનેક્શન ખુલતા જ સુરત સાયબર સેલની એક ખાસ ટીમ તાત્કાલિક આસામ રવાના કરવામાં આવી હતી. આસામના નાગાંવ ડિસ્ટ્રિક્ટમાંથી આરોપી ઇજાજુલ હકની ધરપકડ સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે આસામના નાગાંવ જિલ્લાના રૂપાહી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોચગાંવ ગામમાં દરોડા પાડીને પ્રથમ આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આ આરોપીનું નામ ઇજાજુલ હક (પિતાનું નામ જલાલુદ્દીન) છે, જેની ઉંમર 24 વર્ષ છે. તે આસામના નાગાંવ જિલ્લાના કોચગાંવ ગામનો રહેવાસી છે અને મત્સ્ય ઉદ્યોગ (ફિશરીઝ)ના ધંધા સાથે સંકળાયેલો છે. આ આરોપીના નામનો ઉપયોગ કરીને બેંકિંગ સિસ્ટમમાં છેતરપિંડીના નાણાં મેળવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. બીજા આરોપી મુજફ્ફર અલીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા પોલીસે સ્થાનિક સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ જ વિસ્તારમાંથી બીજા આરોપી મુજફ્ફર અલી (પિતાનું નામ સમસુલ હક)ની પણ ધરપકડ કરી છે. 27 વર્ષનો મુજફ્ફર અલી પણ કોચગાંવનો જ વતની છે. ધરપકડ બાદ તેની આકરી પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે, ઇજાજુલ હકે પોતાના નામનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)નું એકાઉન્ટ મુજફ્ફર અલીને ટ્રાન્જેક્શનના 1% કમિશનની લાલચે આપ્યું હતું. ત્યારબાદ મુજફ્ફર અલીએ આ જ એકાઉન્ટ આ કેસના મુખ્ય નાસતા ફરતા આરોપીને 2% કમિશન પર આપી દીધું હતું. બેંકમાં આવતા ફ્રોડના રૂપિયા આ બંને આરોપીઓ ચેક અને એટીએમ કાર્ડથી વિડ્રો કરીને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતા હતા. 28.68 લાખથી વધુનું ફ્રોડ, અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયા આરોપીઓની ધરપકડ બાદ સુરત સાયબર ક્રાઇમ સેલે જ્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) ઉપર આ બેંક એકાઉન્ટની વિગતો ચેક કરી, ત્યારે માલૂમ પડ્યું હતું કે આ માત્ર સુરત પૂરતો સીમિત ગુનો નથી. આ ગેંગ વિરુદ્ધ કુતીયાણા પોલીસ સ્ટેશન (જિ-પોરબંદર, ગુજરાત) ખાતે 1 અને બારૈયાતુ પોલીસ સ્ટેશન (રાંચી, ઝારખંડ) ખાતે 1 મળીને અન્ય કુલ 2 ફરિયાદો પણ એક્ટિવ મળી આવેલ છે. પ્રાથમિક તપાસ અનુસાર, આ એકાઉન્ટ્સના માધ્યમથી દેશભરના જુદા જુદા નાગરિકો સાથે કુલ રૂ. 28,68,472/-ની રકમનું લોટરી ફ્રોડ આચરવામાં આવ્યું હોવાની હકીકત રેકોર્ડ પર સામે આવી છે. પાકિસ્તાની હેન્ડલર 'અબ્દુલ્લા' સાથે સીધું ચેટ કનેક્શન: DCP બિશાખા જૈન આ સમગ્ર સફળ ઓપરેશન અંગે સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપી બિશાખા જૈનએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી ચાલતા કે.બી.સી લોટરી ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને સુરત સાયબર સેલની ટીમ દ્વારા આસામના નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદીને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિનો વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. ટેકનિકલ વર્ક આઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરીને ત્યાં લગભગ 7થી 8 દિવસ સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. પકડાયેલા આરોપી મુઝફ્ફર અલીના ફોનની તપાસ કરતા તેનું સીધું કોન્ટેક્ટ પાકિસ્તાનના રહેવાસી અબ્દુલ્લા સાથે હોવાના ચેટ બોક્સના પુરાવા મળ્યા છે. આ લોકો ભારતીય નાગરિકો પાસેથી છેતરેલા નાણાં એટીએમ મારફતે વિડ્રો કરી, કેશ ડિપોઝીટ મશીન (CDM) દ્વારા અબ્દુલ્લાએ આપેલા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. હાલ આ આખી આંતરરાષ્ટ્રીય ગેંગના પર્દાફાશ માટે આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન:આનંદ સરોવરમાં પાણી લિફ્ટિંગની તૈયારી, અવરોધો દૂર કરાયા
    Next Article
    સુરત જિ.પં. ખેતીવાડી શાખાની મહિલા એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાઈ:સ્ટાફના 46 કર્મચારીઓના બિલ પાસ કરવા ₹60 હજાર માંગ્યા, દીકરા સાથે ₹30 હજાર લેતા ACBએ ઝડપી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment