Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    H-1ના નિયમોના કારણે ગુજરાતીઓની હાલત કફોડી થઇ:કોઇના લગ્ન અટક્યાં તો કોઇનો પરિવાર ફસાયો, એક્સપર્ટે કહ્યું- 2 વર્ષ અમેરિકાની બહાર ન નીકળતા

    1 day ago

    ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાને 20 જાન્યુઆરીએ એક વર્ષ થશે. તેમણે આવતાંની સાથે જ ઇમિગ્રન્ટસ માટે નિયમો કડક કરવાનું શરૂ કરી દીધું હતું. અમેરિકા ફર્સ્ટની નીતિના કારણે વર્ષોથી અમેરિકામાં રહીને ત્યાંની ઇકોનોમીને મજબૂત કરતાં લોકોને પણ તકલીફ પડી રહી છે. જેનો વધુ એક નમૂનો ડિસેમ્બર મહિનામાં આવ્યો છે. અમેરિકામાં કોઇ બોગસ વ્યક્તિઓ ઘૂસી ન જાય એ માટે ટ્રમ્પે સ્ટુડન્ટ અને વિઝિટર વિઝા માટે સોશિયલ મીડિયા ચેક કરવાનું ફરજિયાત કર્યું હતું. તેમણે 15 ડિસેમ્બરથી આ નિયમ H1B અને H4 કેટેગરીના વિઝાધારકો માટે પણ લાગુ કર્યો છે. જેના લીધે વતન આવેલા ઘણા ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે તે અમેરિકા પાછા જઇ શકશે કે નહીં તેની દુવિધામાં છે. આમાં ગુજરાતીઓ પણ સામેલ છે. કેટલાય લોકો એવા છે જે ઇન્ડિયા આવી ગયા બાદ તેમની ઉપર લટકતી તલવાર છે. કેટલાકના લગ્ન અટક્યા છે તો કેટલાકના ફરીથી અમેરિકા જઇ શકે તેમ નથી. દિવ્ય ભાસ્કરે ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર અને ભાવિન ઠાકર પાસેથી આ નવા નિયમોના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઇ છે તેની માહિતી મેળવી હતી. નવા નિયમોના કારણે કેવી સ્થિતિ સર્જાઇ? જો કોઇ H1 વિઝાધારક ભારત આવે અને તેમને વિઝા રિન્યૂ કરાવવાના હોય પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવાના નવા નિયમના કારણે સ્ટેમ્પિંગની ડેટ કેન્સલ થઇ જાય છે. સ્ટેમ્પ ન હોવાથી તે પાછા અમેરિકા નથી જઇ શકતા. જો તેની કંપની 4-6 મહિના વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપે તો જ H1 વિઝા રહે, નહીંતર નોકરી જતી રહે. જો નોકરી જતી રહે તો સરકારને જાણ કરવી પડે. 90 દિવસમાં નવી નોકરી ન મળે તો H1નું સ્ટેટ્સ જતું રહે છે. એક કન્સલ્ટન્ટે નામ ન આપવાની શરતે સોશિયલ મીડિયા વેટિંગ સાથે જોડાયેલા બે લોકોના કિસ્સા કહ્યા. જે આ પ્રમાણે છે. કિસ્સો-1 એક પરિવારના મોભી રાજ શાહ (નામ બદલેલું છે) અમેરિકામાં H1 વિઝા પર હતા. એમના પત્ની તથા બે પુત્રો ત્યાં જ છે. રાજ શાહ ઇન્ડિયા આવ્યા છે. અહીં એમની વિઝાની ડેટ કેન્સલ થઇ છે. તેમને નવી ડેટ જૂન, 2026માં આપી છે. જેથી રાજે પોતાની કંપનીમાં જાણ કરી અને વર્ક ફ્રોમ હોમ માટે મંજૂરી માંગી. કંપનીએ તેમને કહ્યું કે અમે 6 મહિના સુધી તમને વર્ક ફ્રોમ હોમ ન આપી શકીએ. જો રાજને વર્ક ફ્રોમ હોમ ન મળે તો તેમનું H1 સ્ટેટસ તો જાય જ પરંતુ તેમના પત્નીને પણ ભારત પાછું આવવું પડે કેમ કે તેમનું સ્ટેટસ પણ જતું રહે. પરિવારનો એક દીકરો ભારતથી તેમની સાથે ગયો છે જ્યારે બીજા દીકરાનો જન્મ અમેરિકામાં જ થયો છે. જેથી સ્થિતિ એ થઇ છે કે નાનો છોકરો જ USAમાં રહી શકે છે બાકીના ત્રણને પાછું ભારત આવવું પડી શકે છે. કિસ્સો-2 નિસર્ગ અને નિહારિકા (નામ બદલેલું છે) અમેરિકામાં આવેલી સારી કંપનીમાં કામ કરતાં હતા. બન્નેનો લગભગ 1 લાખ ડોલરનો પગાર હતો. તેમના લગ્ન જાન્યુઆરી મહિનામાં થવાના હતા. બન્નેનું H1 જાન્યુઆરી 2024માં જ પિક થઇ ગયું હતું. એમાં પાસપોર્ટમાં સ્ટેમ્પ ન હોય. 15 ડિસેમ્બરે બન્નેની બાયોમેટ્રિક માટે અને 22 ડિસેમ્બરે સ્ટેમ્પિંગ માટે ઇન્ટરવ્યૂની તારીખ હતી. લગ્નની તૈયારી માટે નિહારિકા 7 ડિસેમ્બરે જ ભારત આવી ગઇ હતી. નિસર્ગ 12મી ડિસેમ્બરે આવવાનો હતો. 9મી ડિસેમ્બરે બન્નેને એવો ઇમેલ આવ્યો કે તમારી વિઝાની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવી છે. તમને જૂન 2026ની ડેટ મળે છે. આના કારણે એવું થયું છે કે નિહારિકા હવે અમેરિકા પાછી નહીં જઇ શકે અને જો નિસર્ગ ભારત આવે તો તે પણ પાછો ન જઇ શકે. જેથી નિસર્ગે પોતાની ટિકિટ તો કેન્સલ કરાવવી જ પડી સાથોસાથ તેમના લગ્ન પણ કેન્સલ કરવા પડ્યા. જો નિહારિકાને તેની કંપની વર્ક ફ્રોમ હોમની મંજૂરી નહીં આપે તો તેનું H1 સ્ટેટસ જતું રહેશે. ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર કહે છે કે, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝામાં પહેલેથી સોશિયલ મીડિયા વેટિંગ છે. હવે H1માં પણ ફરજિયાત થઇ ગયું છે. H1 વિઝાની પ્રોસેસ સમજાવતા તેઓ કહે છે કે, USAમાં F1 સ્ટુડન્ટ વિઝા પર જાઓ. OPT કરો છો, એ પણ સ્ટુડન્ટ વિઝા જ કહેવાય. એ પછી H1માં સિલેક્શન થતાં કામ કરો છો. USAમાં 10-20 વર્ષ રહો છો. અમેરિકામાં ઇન્ડિયન એમ્બેસીમાં પાસપોર્ટ રિન્યૂ થઇ જાય. જે-તે દેશની અમેરિકન એમ્બેસીમાં જ એપોઇન્ટમેન્ટ લેવી પડે 'USAની બહાર જઇને ફરી આવવું હોય તો તમારા પાસપોર્ટમાં વિઝાને અનુરૂપ સ્ટેમ્પ ફરજિયાત જોઇએ. એ માટે તમારે તમારા દેશની જ USA એમ્બેસીમાં એપોઇન્ટમેન્ટ લેવી પડે. ઉદાહરણ તરીકે કોઇ ભારતીય વ્યક્તિ જેની પાસે 2 કે 10 વર્ષથી H1 વિઝા છે. એનું ગ્રીન કાર્ડ નથી આવ્યું. તેને ઇન્ડિયા આવીને પાછા જવું હોય તો H1નો સ્ટેમ્પ એમના પાસપોર્ટમાં જોઇએ.' મોટાભાગના લોકો ડિસેમ્બરની રજા મળે ત્યારે પ્લાન કરે છે 'ડિસેમ્બરમાં જનરલી USAમાં 2-4 વીકની રજા મળે ત્યારે બધા પ્લાન કરીને ઇન્ડિયા આવે છે. જેના વિઝા એક્સપાયર થાય એ લોકો વિઝાની એપોઇન્ટમેન્ટ ડેટ લે છે.' નવા નિયમના કારણે H1 વિઝાવાળા અંદાજે 70 હજાર ભારતીયોને અસર થઇ છે. એકસાથે એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ ગઇ પાર્થેશ ઠક્કરે જણાવ્યું કે, આ વખતે 15 ડિસેમ્બરથી સોશિયલ મીડિયાનો નિયમ લાગુ થયો. USAમાં રહેતા હોય એટલે ઇન્ડિયા આવવા માટે મહિનાઓ પહેલા પ્લાન થતાં હોય. માર્ચમાં ડિસેમ્બરની ટિકિટ લઇ લેતા હોય છે અને વિઝાની એપોઇન્ટમેન્ટ પણ બૂક કરી દેતા હોય છે. એમ કહેવાય છે કે એવરેજ 70 હજાર જેટલા ઇન્ડિયન્સ H1 વિઝા પર હતા. તેમણે મુંબઇ, દિલ્હી, કોલકાતા એમ અલગ અલગ જગ્યાએ એપોઇન્ટમેન્ટ લીધી હતી. 'એ બધાની એપોઇન્ટમેન્ટ એકસાથે કેન્સલ થઇ ગઇ. બધાને USA એમ્બેસીએ ઇમેલ કર્યો છે કે અત્યારે અમારી પાસે સોશિયલ મીડિયા વેટિંગ કરવાનો સમય નથી. તમને નવી ડેટ આપીએ છીએ. ઘણા બધાને 4-6 મહિના પછીની ડેટ આવી છે.' અમેરિકા બહાર ન જવાની ચેતવણી અમેરિકા બહાર ન જવાની ચેતવણી આપતા તેઓ કહે છે કે, અમેરિકાના ઘણા લોયર એવી સલાહ આપી રહ્યા છે કે જેમણે USAમાં એન્ટ્રી કરવા માટે વિઝા જરૂરી છે તેમણે હાલ પૂરતું USAની બહાર ટ્રાવેલ કરવાનું ટાળવું જોઇએ. અમે પણ કહીએ છીએ કે આવતા બે વર્ષ USAની બહાર ન જશો. કોઈપણ સરપ્રાઇઝ આવી શકે છે. ઇમિગ્રેશન એક્સપર્ટ ભાવિન ઠાકરે કહ્યું કે, કોઇપણ વ્યક્તિ વિઝા રિન્યૂ કે સ્ટેમ્પિંગ માટે આવતા હોય એમણે નવેમ્બર, ડિસેમ્બર કે જાન્યુઆરીની તારીખો લીધેલી હતી. એ કોન્સ્યૂલેટમાં જવાના હતા અને ઇન્ટરવ્યૂ આપીને સ્ટેમ્પિંગ કરાવવાના હતા. એના બદલે ઘણા બધા એપ્લિકન્ટને એવો મેલ આવ્યો છે કે અત્યારે અમારું સોશિયલ મીડિયા એસેસમેન્ટ ચાલે છે માટે અમે આ પ્રોસેસ માટે 6 મહિના લઇશું. તમને જૂન અથવા જુલાઇની તારીખ મળશે. આ દરમિયાન તમે અમેરિકા નહીં જઇ શકો. ઇન્ડિયામાં રહેવું પડશે. ભારતીયો પર સૌથી વધુ અસર નવા નિયમોના કારણે સૌથી વધુ અસર ભારતીયોને જ થશે તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે,જે ઇન્ડિયામાં છે એમના એમ્પ્લોયર એમને ઇન્ડિયામાંથી કામ કરવા માટે મંજૂરી નહીં આપે. બધા જ કામ એવા નથી હોતા કે જેમાં વર્ક ફ્રોમ હોમ કરી શકાય. એ સ્થિતિમાં એમ્પ્લોયર રાહ ન જુએ કે છ મહિના પછી કોઇ આવે તો એને સ્વીકારે. આ સ્થિતિ કદાચ H1 હોલ્ડરે ફેસ કરવાની આવશે. અલ્ટિમેટલી એ ઇન્ડિયા છોડીને ત્યાં જઇ નહીં શકે.બહારથી USAમાં જતાં લોકોમાં પહેલા નંબરે ઇન્ડિયા અને પછી ચીન આવે છે. જેથી આ સ્થિતિમાં સૌથી વધારે મુશ્કેલી ભારતીયોને જ થવાની છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના પૂર્વ સાંસદે કોંગ્રેસના ગેનીબેનને શું આશિર્વાદ આપ્યા?:બચુભાઈ ખાબડે સ્ટેજ પર બખેડો કર્યો, સ્પીચ આપવા અધિરા બન્યા, જુઓ VIDEO
    Next Article
    આંખના પલકારામાં પસાર થશે બુલેટ ટ્રેન:અમદાવાદનું કાલુપુર ગુજરાતનું સૌથી ધમધમતું સ્ટેશન હશે, પ્લેટફોર્મની ડિઝાઇનનો ફર્સ્ટ લૂક જુઓ, શનિવારે સવારે 6 વાગ્યાથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment