Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં ફ્રી એન્ટ્રી બંધ, કમાણીનો ધંધો શરૂ:માતાજીની આરાધનાના પૈસા વસૂલશે, બુકમાય શો પર બુકિંગ શરૂ, 23 વર્ષમાં પહેલીવાર ગરીબોના ખિસ્સા ખાલી થશે

    19 hours ago

    અમદાવાદના સુપ્રસિદ્ધ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થતો ભવ્ય વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ આ વર્ષે તદ્દન નવા અંદાજમાં જોવા મળશે. અત્યાર સુધી સામાન્ય જનતા માટે આ આયોજનમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેતો હતો, પરંતુ આ વર્ષથી સરકારી આયોજનમાં પણ વ્યવસાયિક રૂપ જોવા મળી રહ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વખતે પહેલા નોરતા સિવાય બાકીના નોરતામાં મફત પ્રવેશ વ્યવસ્થા સદંતર બંધ કરી દેવામાં આવી છે. ગરબા રમવા કે જોવા આવતા ખેલૈયાઓએ હવે પોકેટ ઢીલું કરીને ઓનલાઇન ટિકિટ કે પાસ ખરીદવા પડશે. આ મામલે ટુરિઝમ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર વિપિન ગર્ગનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, “અત્યારે હું મીટિંગમાં છું, પછી જવાબ આપું.” જોકે, આશરે એક કલાક બાદ ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમણે ફોન રિસીવ કર્યો નહોતો. વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આ વખતે ટિકિટ શા માટે રાખવામાં આવી છે અને તેની પાછળનું કારણ શું છે તે અંગે ટુરિઝમ વિભાગ તરફથી સ્પષ્ટતા મળી શકી નથી. નવી ટિકિટિંગ વ્યવસ્થા મુજબ ગ્રાઉન્ડનું વિભાજન GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પહેલા દિવસે તમામ લોકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિ:શૂલ્ક હશે. જોકે, બીજા નોરતાથી છેલ્લા નોરતા સુધી પ્રવેશ માટે ખેલૈયાઓએ ચાર્જિસ ચૂકવીને બુકમાય શો પરથી પાસ લેવા પડશે. આ નવી ટિકિટિંગ વ્યવસ્થા હેઠળ ગ્રાઉન્ડને બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે. સામાન્ય ખેલૈયાઓ માટેના 'સેલિબ્રેશન ઝોન'માં બીજાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ ₹100 રહેશે જ્યારે ગ્રુપના ભાવ ₹300થી લઈને ₹600 સુધીના રહેશે અને છઠ્ઠા નોરતાથી નવમા નોરતામાં 'સેલિબ્રેશન ઝોન'માં પ્રતિ વ્યક્તિ ₹250 રહેશે તો ગ્રુપના ભાવ ₹750થી લઈને ₹1500 ભાવ રહેશે. આ સિવાય બીજી કેટેગરી એટલે કે સ્ટેજ નજીક અને વિશેષ સુવિધાઓ ધરાવતા 'પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન' માટે બીજાથી લઈને પાંચમા નોરતામાં પ્રતિ વ્યક્તિ ₹200 ચાર્જ રહેશે તો ગ્રુપ બુકિંગમાં ₹600થી લઈને ₹1200 સુધીના રહેશે અને છઠ્ઠા નોરતાથી નવમા નોરતામાં પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોનમાં પ્રતિ વ્યક્તિ ₹500 રહેશે તો ગ્રુપના ભાવ ₹1500થી લઈને ₹3,000 સુધીના રહેશે. વૈશ્વિક મહોત્સવમાં પેઇડ મોડેલનો પ્રવેશ વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે રાજ્યની લોકસંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા આ મહોત્સવનો પાયો નાખવામાં આવ્યો હતો. દેશ-વિદેશના મહેમાનો માટે શરૂ થયેલો આ ઉત્સવ આજે ગુજરાતની ગરિમા સમાન વૈશ્વિક આકર્ષણ બની ચૂક્યો છે. શેરી ગરબીઓથી પાર્ટી પ્લોટ સુધી વિસ્તરેલી સંસ્કૃતિ બાદ હવે GMDC ખાતે પણ પેઇડ ટિકિટિંગ વ્યવસ્થા લાગુ થતાં નિયમિત ગરબા રસિકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. 'દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રીમાં જ ગરબા થવા જોઈએ' ખેલૈયા વિજય રાઠોડે જણાવ્યું હતું કે, GMDCમાં ગરબાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. GMDCમાં જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યાં મોટાભાગે હોસ્ટેલો આવેલી છે. જેથી હોસ્ટેલના વિદ્યાર્થીઓ આનંદની સાથે સાથે ગરબા રમીને માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. જેથી GMDCમાં ફ્રીમાં જ એન્ટ્રી આપવી જોઈએ કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવો ન જોઈએ કારણ કે, સરકાર જ આનું આયોજન કરતી હોય છે તો પછી તે ફ્રીમાં એન્ટ્રી આપી શકતી હોય છે. 'માતાની આરાધના કરવા માટે પણ પાસ લઈને જવું પડે?' વિદ્યાર્થી કમલેશ પરમારે જણાવ્યું હતું કે, GMDC ગ્રાઉન્ડની આસપાસની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગરબા રમવા અને માતાની આરાધના કરવા માટે જતા હોય છે. દર વર્ષે સરકાર દ્વારા ફ્રીમાં આયોજન કરવામાં આવે છે પરંતુ, આ વર્ષે 100થી લઈને 3,000 સુધીનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. કારણ કે ગરબા રમવા જતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય છે અને તે અમદાવાદમાં રહીને મોટો ખર્ચ કરીને અભ્યાસ કરતા હોય છે. તેમાં પણ જો હવે ગરબા રમવા અને માતાની આરાધના કરવા માટે પણ પાસ લઈને જવું પડે તો પછી તેમને વધુ ખર્ચ ભોગવવો પડે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન ફ્રીમાં જ કરવું જોઈએ તેવી અમે ઈચ્છા રાખી રહ્યા છીએ. 'વિદ્યાર્થીઓની વ્યથા સમજી આ ચાર્જ ન વસૂલવો જોઈએ' વિદ્યાર્થી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, GMDC એક એવી જગ્યા છે જ્યાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ગરબા રમવા માટે અને માતાની આરાધના કરવા માટે આવતા હોય છે. સરકારે હવે માતાની આરાધના કરવા માટે પણ પૈસા કમાવાનું નક્કી કરી દીધું છે. અમદાવાદની એકમાત્ર ફ્રીમાં નવરાત્રી થતી હતી ત્યાં પણ હવે ચાર્જ વસૂલવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક અને વિદ્યાર્થીઓની વ્યથા સમજી આ ચાર્જ ન વસૂલવો જોઈએ અને ફ્રીમાં જ એન્ટ્રી આપવી જોઈએ. સવારે 4 વાગ્યા સુધી ગરબાની રમઝટ અને સમયપત્રક સમય સાથે બદલાતા ગરબાના પ્રવાહને ધ્યાનમાં રાખીને આ વર્ષે GMDC ખાતે કાર્યક્રમનો સમય લંબાવવામાં આવ્યો છે, જેથી ખેલૈયાઓ મોડી રાતથી વહેલી સવારે 4 વાગ્યા સુધી ગરબે ઘૂમી શકશે. નિર્ધારિત સમયપત્રક મુજબ સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી પારંપરિક તેમજ અર્વાચીન ગરબાની રમઝટ બોલાવાશે. ત્યારબાદ રાત્રે 12:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી ખેલૈયાઓ દેશી ઢોલના ધબકારે પ્રાચીન શૈલીના પ્રખ્યાત 'મંડલી ગરબા'ની મોજ માણી શકશે. વાઇબ્રન્ટ નવરાત્રીનું વેપારીકરણ કરી પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રિનો જે ઉજવાતો હતો. હવે આ ઉત્સવ માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી ફી લેવામાં આવશે અને પાસ આપવામાં આવશે. ખાનગી પ્લોટ અને ખાનગી પાર્ટી પ્લોટમાં ગરબાનું વેપારીકરણ થઈ રહ્યું છે હવે સરકાર દ્વારા પણ એ જ દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડના પાસ આજે બુક માય શો ઉપર વેચાઇ રહ્યા છે. 100 રૂપિયાથી લઈને 3,000 સુધીના પાસ વેચાઇ રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક તરફ આમ પણ પ્રજા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વિનામૂલ્યે ગરબા ત્યાં પણ હવે તે લોકોને પૈસા ખર્ચવા પડશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જગદંબાની આરાધના કરવા માટે પણ પાસનું દૂષણ લાગી દેવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ નવરાત્રીનું વેપારીકરણ કરી પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર પડવાનો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'સાહેબો મંજૂરી આપવાને બદલે ગોળ-ગોળ ફેરવે છે!':સુરતમાં તંત્રની ઉદાસીનતા સામે શ્રમિકોએ લડી લેવાના મૂડમાં, 1 તારીખે 'માત્ર એક રજા'ની માંગ સામે 20 હજાર કામદારોના ધરણાં
    Next Article
    કડી નજીક ONGCના 6 તેલના કૂવાઓ પર તોડફોડ:અજાણ્યા શખ્સો સામે ₹1.30 લાખના નુકસાનની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment