Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIDC-2 માં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ::જૂનાગઢ GIDC માં પ્લાસ્ટિકના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભભૂકી આગ; ઉદ્યોગકારોની સુરક્ષા માટે GIDC માં અલાયદા ફાયર સ્ટેશનની માગ તેજ થઈ.

    2 days ago

    ​જૂનાગઢ શહેરના GIDC-2 વિસ્તારમાં આજે વહેલી સવારે એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇલ્યાઝભાઈના માલિકીના પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી કામગીરી શરૂ કરતા એક મોટી હોનારત ટળી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ​ઘટનાની જાણ થતા જ જૂનાગઢ કોર્પોરેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીના માર્ગદર્શન હેઠળ 10 થી 15 ફાયર જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા અંદાજે 52,000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો અને હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. અત્યારે ફાયર ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ​આ ઘટનાના સાક્ષી અને પાડોશી કારખાના 'ગુરુ ઓટો પ્રાઈવેટ લિમિટેડ' ના માલિક રહીમ બદરૂદ્દીનભાઈ બરડાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "આગ એટલી ભયાનક હતી કે જો થોડું પણ મોડું થયું હોત તો આજુબાજુના અન્ય કારખાનાઓ પણ તેની લપેટમાં આવી ગયા હોત. એક ઉદ્યોગકાર વર્ષોની મહેનત અને બેંક લોન લઈને પોતાનું એકમ ઊભું કરે છે, પરંતુ આગ જેવી એક ઘટના તેને આર્થિક રીતે પાયમાલ કરી દે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે કારખાનાઓમાં રાત્રિના સમયે શ્રમિકો સૂતા હોય છે, જો આગ વધુ પ્રસરે તો માલ-સામાનની સાથે નિર્દોષ લોકોના જીવ જવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. ​આ ઘટનાને પગલે GIDC ના ઉદ્યોગકારોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોની માગ છે કે GIDC વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અહીં સ્થાનિક સ્તરે જ એક ફાયર સ્ટેશન હોવું અત્યંત અનિવાર્ય છે. હાલમાં ફાયર બ્રિગેડને છેક ગિનાર દરવાજા પાસેથી ટ્રાફિક વચ્ચે આવવું પડે છે, જેમાં કિંમતી સમયનો વેડફાટ થાય છે. જો GIDC માં જ અલાયદું ફાયર સ્ટેશન હોય તો આગની ઘટનામાં ત્વરિત પ્રતિસાદ આપી મોટા નુકસાનને રોકી શકાય છે. ​ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીએ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાની આસપાસ કોલ મળતા જ ટીમ રવાના થઈ ગઈ હતી અને સફળતાપૂર્વક આગને કાબૂમાં લીધી છે. જોકે, ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ફાયર સેફ્ટીના સાધનો અને કાયમી ફાયર સ્ટેશનની માગ ફરી એકવાર પ્રબળ બની છે. ઉદ્યોગકારોએ સરકાર અને GIDC પ્રશાસનને વિનંતી કરી છે કે તેઓ પૂરેપૂરો ટેક્સ ભરે છે, ત્યારે તેમની અને શ્રમિકોની સુરક્ષા માટે આ સુવિધા વહેલી તકે પૂરી પાડવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં બે અલગ-અલગ આત્મહત્યાના બનાવો:પતિ-પત્નીના ઝઘડા અને બીમારીથી કંટાળી બે લોકોએ જીવન ટૂંકાવ્યું
    Next Article
    LCB પોલીસે 1.39 કરોડનો દારૂ ઝડપ્યો:જામનગર હાઈવે પર ટ્રકમાંથી 29,243 બોટલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment