Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં ગુજરાતીઓનું ઐતિહાસિક મહાસંમેલન:FOGAUSAના યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શનમાં 4 હજારથી વધુ લોકો એકઠા થયા; સંસ્કૃતિ, યુવા શક્તિ અને એકતાનો ભવ્ય ઉત્સવ ઉજવાયો

    13 hours ago

    અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન બનેલું FOGAUSA (ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિયેશન્સ ઓફ USA)નું બીજું યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2026 પૂર્ણ થયું છે. 22થી 25 મે દરમિયાન ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં ભવ્ય સફળતા સાથે આ કન્વેન્શન યોજાયું હતું. આ ચાર દિવસીય મહાસંમેલનમાં અમેરિકાના 81થી વધુ શહેરો અને 100થી વધુ ગુજરાતી સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 4 હજારથી વધુ ગુજરાતીઓએ ભાગ લીધો હતો. કન્વેન્શનનું આયોજન ગુજરાતી સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ફ્લોરિડાની વિવિધ ગુજરાતી સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગુજરાતી સંસ્કૃતિ, વારસા, ઉદ્યોગસાહસિકતા, યુવા સશક્તિકરણ અને સામાજિક એકતાના રંગોથી છલકાયો હતો. નાયબ મુખ્યમંત્રીની હાકલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી સંબોધન કર્યું હતું અને આખા વર્ષ દરમિયાન અમુકવાર NRIનું આવું સંમેલન બોલાવવાની હાકલ કરી હતી. જ્ઞાનવત્સલ સ્વામીનું હૃદયસ્પર્શી પ્રવચન કાર્યક્રમ દરમિયાન બી.એ.પી.એસ.ના જ્ઞાનવત્સલ સ્વામીના પ્રેરણાદાયી અને આધ્યાત્મિક સંબોધને ઉપસ્થિતોના હૃદયને સ્પર્શ્યા હતા. આ ઉપરાંત મુખ્ય પ્રાયોજક ભરતભાઇ પટેલ (SAASOA), ગગજીભાઇ પટેલ (સરદારધામ) અને નટુભાઇ પટેલે પણ એકતા, સેવા અને સામાજિક નેતૃત્વ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. વિવિધ કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા ચાર દિવસ દરમિયાન બિઝનેસ નેટવર્કિંગ, ગુજ્જુ કેપિટલ ટેન્ક, ટ્રેડ શો એન્ડ વેન્ડર એક્સ્પો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા, સંગીત અને મનોરંજન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ચેસ,આર્ટસ, લીડરશિપ સેશન, મહિલા સશક્તિકરણ કાર્યક્રમો, વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક સેશન્સ, મેટ્રિમોનિયલ નેટવર્કિંગ, શૈક્ષણિક સેમિનાર તેમજ ગોલ્ફ ટૂર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની 12 ફૂટ ઊંચી પ્રતિમા વિશેષ આકર્ષણનું કેન્દ્ર કન્વેન્શનનું સૌથી મોટું આકર્ષણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 12 ફૂટ ઊંચી પ્રતિમા રહી હતી. ખાસ કરીને અમેરિકામાં જન્મેલા ગુજરાતી બાળકો માટે આ પ્રતિમા પ્રેરણાનું કેન્દ્ર બની હતી. ભારતના એકીકરણમાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા વિશે નવી પેઢીને માહિતગાર કરવાનો પણ આ પ્રયાસ હતો. ગુજ્જુ કેપિટલ ટેન્કને જોરદાર પ્રતિસાદ સફળ ઉદ્યોગ સાહસિકો સુભાષ પટેલ, ચિંટુભાઇ પટેલ, ભરત પટેલ અને ડેની ગાયકવાડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ગુજ્જુ કેપિટલ ટેન્ક બિઝનેસ ફોરમને વિશેષ પ્રતિસાદ મળ્યો હતો. બિઝનેસ સમિટ દરમિયાન દિલીપ બારોટ, હેમલ દોશી અને હર્ષલ ત્રિવેદી સહિતના સફળ ઉદ્યોગ સાહસિકોએ યુવા બિઝનેસમેનને માર્ગદર્શન આપ્યું હતું. આ સેશનનું સંચાલન યુવા વકીલ કિશન પટેલે કર્યું હતું. બાળકો અને પરિવારો માટે પણ વિશેષ આયોજન બાળકો માટે ગુજરાતી ભાષણ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપમ ચોક્સી અને શીતલ પરીખના સંકલન હેઠળ આ કાર્યક્રમોને વિશેષ સફળતા મળી હતી. ડૉ. હિમાંશુ પંડ્યા અને દિગેશ ચોક્સી દ્વારા આરોગ્ય અને શિક્ષણ વિષયક સેમિનાર યોજાયા હતા. જ્યારે મહેશ મોઢાના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. પ્રખ્યાત પત્રકાર, લેખક અને સંશોધક રમેશ તન્નાએ પણ સરદાર પટેલના જીવન અને યોગદાન અંગે ઓછી જાણીતી ઐતિહાસિક માહિતી રજૂ કરી હતી. જેને ઉપસ્થિત લોકોએ ભારે રસથી સાંભળી હતી. 4 હજાર મહેમાનો માટે ગુજરાતી ભોજનની વ્યવસ્થા ખાસિયત રેસ્ટોરન્ટના અશોકભાઇ, ભાનુબેન અને જિગ્નેશભાઇ પટેલે 4 હજારથી વધુ મહેમાનો માટે ઉત્તમ ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરી હતી. તેમની લાગણી અને કાર્યક્ષમતાની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી. એક અવાજ, એક પરિવારનો સંદેશ FOGAUSAના સ્થાપક ડૉ. વસુદેવ પટેલ, પકાજી પટેલ, પી.વી. પટેલ, ચિરાગ દવે, દિવ્યેશ ત્રિપાઠી, આત્મન રાવલ અને ડૉ. ભરત બરાઇએ જણાવ્યું હતું કે આ માત્ર એક કાર્યક્રમ નહોતો પરંતુ અમેરિકામાં વસતા ગુજરાતીઓની એકતા, સંસ્કૃતિ અને શક્તિની ભવ્ય ઉજવણી હતી. તેમણે કહ્યું કે હજારો ગુજરાતીઓને એક પરિવારની જેમ એકસાથે જોવાનો અનુભવ અત્યંત પ્રેરણાદાયક અને ભાવનાત્મક રહ્યો હતો. આ ઐતિહાસિક સફળતા માટે તમામ સ્વયંસેવકો, સંસ્થાઓ, પ્રાયોજકો, દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. 2021થી FOGAUSAનું મિશન કાર્યરત 2021માં સ્થાપિત FOGAUSA અમેરિકામાં ગુજરાતી સંસ્કૃતિ, સામાજિક સહકાર, નેટવર્કિંગ, સમાજસેવા અને એકતાને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત છે. સંસ્થાનું મુખ્ય સૂત્ર 'One United Voice of Gujaratis' એટલે કે 'ગુજરાતીઓનો એક સંયુક્ત અવાજ' છે. આ ભવ્ય મહાસંમેલને ફરી એકવાર સાબિત કર્યું કે દુનિયાના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિ, ઓળખ અને એકતાને જાળવી રાખવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટઃ ઈરાનને ₹29 લાખ કરોડ રિકન્સ્ટ્રક્શન ફંડ મળશે:અમેરિકન કંપનીઓ રોકાણ કરશે; ટ્રમ્પે કહ્યું- પરમાણુ કાર્યક્રમ પર સહમતિ, ઈરાને ફગાવી
    Next Article
    વેપારીની હત્યા મામલે આરોપી રિમાન્ડ પર:કેટરિંગ વ્યવસાયી બાબુસિંહ ચૌહાણની હત્યા કરનાર આરોપી હીરેન ઠક્કરના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 5 મુદ્દા પર પોલીસ કરશે પૂછપરછ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment