Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ઓઇલ કાર્ટેલમાં ફાટ:UAEના એક નિર્ણયથી રશિયા સુધી ભૂકંપ, પાકિસ્તાન-સાઉદીને તગડો ઝટકો, OPEC છોડતાં ભારતને લોટરી લાગી શકે

    9 hours ago

    28 એપ્રિલ 2026ની સાંજનો સમય હતો. જ્યાં યુદ્ધ ચાલુ છે તે મિડલ ઈસ્ટના અબુ ધાબીના પાવર કોરિડોરમાં એક એવો નિર્ણય લેવાયો જેણે રિયાધથી રશિયા સુધી ધરતીકંપ લાવી દીધો. 60 વર્ષથી દુનિયાના તેલના ભાવો નક્કી કરનાર OPEC તેલ ક્લબ તૂટી ગયું છે... કારણ કે UAEએ સાથ છોડી દીધો છે. ટૂંકમાં એક ક્લબના સૌથી અમીર વ્યક્તિએ ક્લબને ટાટા-બાયબાય કહી દીધું છે. આ કોઈ દેશની એક્ઝિટ નથી, આ તેલના કૂવાઓ પર વર્ચસ્વ જમાવવાનું મહાભારત છે. સીધી વાત એ છે કે, UAE પાસે હવે અખૂટ તેલ છે અને તે હવે કોઈના કંટ્રોલમાં રહેવા માંગતું નથી. એક બાજુ સાઉદી અરેબિયા તેલના ભાવ આસમાને રાખવા માંગે છે, તો બીજી બાજુ UAE હવે બજારમાં તેલની નદીઓ વહાવીને અબજોની કમાણી કરવાના પ્લાન ઘડી રહ્યું છે. તેલના ઈતિહાસમાં આપણે 1973ના સંકટને યાદ રાખીએ છીએ, 1990ના ગલ્ફ વોરને યાદ રાખીએ છીએ અને 2020ના લોકડાઉનને યાદ રાખીએ છીએ. પણ હવે 2026નું વર્ષ એ બાબતે યાદ રાખવામાં આવશે કે જ્યારે એક નાનકડા પણ ખૂબ જ શક્તિશાળી દેશે દુનિયાના સૌથી મોટા તેલ કાર્ટેલને અરીસો બતાવ્યો અને કહ્યું કે, "હવે સમય બદલાઈ ગયો છે." પણ ખાડી દેશોના આ ઈગોના યુદ્ધમાં આપણા રસોડા અને ગાડીના પેટ્રોલ-ડીઝલના રૂપિયા વધશે કે ઘટશે શું? સાવ સાદી રીતે સમજીએ તેલ જગતના સત્તાના સંઘર્ષ પાછળનો અસલી ખેલ. નમસ્કાર… જે રીતે બ્રિટને યુરોપિયન યુનિયન છોડીને પોતાની આઝાદી મેળવી હતી, તે જ રીતે UAEનું આ સ્ટેપ ગ્લોબલ એનર્જીનું એક રીતે બ્રેક્ઝિટ જ છે. પણ ખાલી નામ બદલાઈને થઈ ગયું છે UAExit. પણ આ આખી વાત સમજવા માટે પહેલા આપણે ઓપેક અને ઓપેક પ્લસ શું છે તે સમજવું પડશે અને સૌથી મોટું એ કે ઓપેકનું રાજકારણ કેવી રીતે કામ કરે છે તે સમજવું પડશે. ઓપેક અને ઓપેક પ્લસ: તેલના ખેલનું મેદાન ઓપેક એ 13 ઓઈલ પ્રોડ્યુસિંગ દેશોનું ઓર્ગેનાઈઝેશન છે, જેની લીડરશીપ સાઉદી અરેબિયા કરે છે. ઓપેકનો બનાવવા પાછળનું મેઈન કારણ હતું કે કેટલું તેલ કાઢવું અને તેની કિંમતો શું રહેશે તે નક્કી કરવું. જ્યારે આ ઓપેકમાં જૂથમાં રશિયા સહિતના બીજા 10 બિન-ઓપેક દેશો જોડાયા, ત્યારે તે ઓપેક પ્લસ બને છે. આ ઓર્ગેનાઈઝશેન એક કાર્ટેલ તરીકે કામ કરે છે, જે દરેક દેશ માટે પ્રોડક્શન લિમિટને નક્કી કરે છે. જો બજારમાં ભાવ વધારવા હોય, તો બધા સભ્યોએ તેલનું પ્રોડક્શન ઘટાડવું પડે છે. OPECનું રાજકારણ અને UAEનું અમેરિકા બાજુ ઝુકાવ ઓપેકનું રાજકારણ હંમેશા સાઉદી અરેબિયાના પોતાના ફાયદા આસપાસ ફરે છે. સાઉદી ઈચ્છે છે કે તેલના ભાવ ઊંચા રહે જેથી તે તેના ભવ્ય પ્રોજેક્ટ્સ પૂરા કરી શકે, જ્યારે UAE તેની વધેલી પ્રોડક્શન કેપેસિટીનો ઉપયોગ કરીને વધુ તેલ વેચવા માંગે છે. UAEનું ઓપેક છોડવું એ તેને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની અત્યંત નજીક લઈ જશે. ટ્રમ્પ હંમેશા ઓપેકને ગ્લોબલ તેલિયા લૂંટારા ગણાવી તેનો વાંધો ઉઠાવતા રહ્યા છે. ઓપેકમાંથી બહાર નીકળીને UAE હવે: આમ, UAE હવે આર્થિક અને લશ્કરી એમ બંને મોરચે સાઉદી-પાકિસ્તાન ગ્રુપને બદલે અમેરિકા-ભારત સાથે નવું સ્ટ્રેટેજીક ઓર્ગેનાઈઝેશન બનાવી રહ્યું છે. જો કે હાલના ઈરાન યુદ્ધમાં પાકિસ્તાને ઈરાનની નિંદા નથી કરી જેથી અબુધાબીની પાકિસ્તાન પ્રત્યે નારાજગી વધી છે. ઉપરથી યુએઈએ પાકિસ્તાનને જે 3.5 અરબ ડોલર આપ્યા હતા તેની ઉઘરાણી પણ કરી લીધી છે. આજે નિર્ણય, પાયા 5 વર્ષ પહેલા નખાયા UAE 1967થી તેલના ક્લબ ઓપેકનું મેમ્બર છે. ઓપેક અને ઓપેક પ્લસના નિયમો તેને આકાશ આંબતા અને વધુ કમાવતા રોકી રહી હતી. જેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. પણ ઈન્ટ્રેસ્ટિંગ વાત અહીં એ છે કે જાહેરાત ભલે ગઈકાલે થઈ પણ તેના પાયા તો પાંચ વર્ષ પહેલા જ નખાઈ ગયા હતા. ઓપેક દેશો UAEને ગાંઠતા નહોતા? અત્યારે જાહેરાત એટલા માટે કરી છે કારણ કે પહેલા તો તે ઓપેકનો સૌથી રૂપિયાવાળો દેશ હોવા છતા જૂનિયર પાર્ટનર બનીને રહી ગયો હતો. ઉપરથી તેના જ પાડોશમાં એટલે કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝનું જલડમરું ડબલ બ્લોકેજના કારણે બંધ પડ્યું છે. આ બધું ભેગું થયું અને UAEએ અલગ થવાનો નિર્ણય લેવા મજબૂર કર્યું. આ છે 150 અબજ ડોલરનો જુગાર યુએઈના આ એગ્રેસિવ એટિટ્યૂડ પાછળનું સૌથી મોટું મોટિવેશન અબુ ધાબીની નેશનલ ઓઈલ કંપની ADNOCની મહત્વાકાંક્ષા છે. UAEએ તેની તેલ પ્રોડક્શન કેપેસિટી વધારવા માટે 150 અબજ ડોલરનું જે જંગી રોકાણ કર્યું છે, તે હવે વળતર માંગી રહ્યું છે. ટાર્ગટ ને લિમિટઃ બેઉ બળિયા બાથે વળગ્યાં ADNOCએ 2027 સુધીમાં દરરોજ 50 લાખ બેરલ તેલ કાઠવાનો ટાર્ગેટ રાખ્યો છે. જોકે, ઓપેક પ્લસ ઓર્ગેનાઈઝેશના ક્વોટા પ્રમાણે UAEને ખાલી 29 લાખ બેરલ સુધી લિમિટ આપવામાં આવી છે. એક અંદાજ મુજબ, આ ક્વોટા લિમિટને કારણે UAE દર વર્ષે અંદાજે 30 થી 35 અબજ ડોલરની કમાણી ગુમાવી નુકસાન ભોગવી રહ્યું છે. કોઈપણ દેશ જેની ઈકોનોમી અત્યારે AI અને રિન્યુએબલ એનર્જી બાજુ વળી રહી હોય, તે આટલું મોટું નુકસાન લાંબો ટાઈમ સહન ન જ કરી શકે. છેલ્લે,UAEના ઉર્જા મંત્રી સુહેલ અલ મઝરુઈએ કહી દીધું કે, "આ રાષ્ટ્રીય હિતમાં લેવાયેલું ઓટોનોમસ પગલું છે. અમને કોઈ ઓપેક કે ઓપેક પ્લસ દેશો સાથે વાંધો નથી." જે તેણે નથી કીધું તે અહીં બીટવીન ધ લાઈન્સ સમજ પડે છે કે UAE પોતાના તેલના કૂવાઓની ચાવી સાઉદી, ઈરાન કે રશિયાના હાથમાં નથી રાખવા માગતું. ઓપેકના અંદરની મહાભારતની રામાયણ 2026નું આ વર્ષ જીઓપોલિટિકલ લેવલે એકદમ ઉથલપાથલવાળું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધે પૂરા મિડલ ઈસ્ટને ઝપેટામાં લીધું છે. ઉપરથી માર્ચમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જેના કારણે ગ્લોબલ ઓઈલ સપ્લાય પર લાલ લીટો લાગી ગયો. આ ઘટનાઓએ જ UAEની આંખો ખોલી દીધી છે. કારણ કે યુદ્ધના કારણે જ્યારે UAEના તેલના કૂવાઓ અને જહાજોના રસ્તાઓ પર તકલીફ આવી તો બાકીના ઓપેક દેશોએ કાં તો માત્ર નિવેદનો આપીને સંતોષ માન્યો અથવા તો હાથ ઉંચા કરી લીધા હતાં. આ વાતના લીધે UAEને પેટમાં દુઃખ્યું! જેના કારણે UAEની વિદેશ નીતિના સલાહકાર અનવર ગરગાશે કહ્યું હતું કે, "GCCનો પ્રતિસાદ ઈતિહાસમાં સૌથી નબળો રહ્યો છે." તે દર્શાવે છે કે તેલ ક્લબ ઓપેક સંગઠન અંદરથી તૂટી ચૂક્યું છે. જ્યારે સુરક્ષાની જવાબદારી UAEએ પોતે જ ઉઠાવવાની હોય, ત્યારે તેલના ભાવ નક્કી કરવાનો હક બીજાને આપવો? UAEને આ ન તો ગમ્યું અને ન તો હજમ થયું. પણ મિડલ ઈસ્ટમાં ગમે તે થાય આપણે શું? જો અહીં જ આપણે થાપ ખાઈએ છીએ કારણ કે આ વાત સીધી આપણા ખિસ્સા સાથે જોડાયેલી છે. UAE-ઓપેકના છૂટાછેડા ને ભારતમાં દિવાળી UAEનું ઓપેકથી અલગ થવું એ ભારત માટે કોઈ લોટરીથી ઓછું નથી. કેમ? આ ચાર પોઈન્ટ્સમાં સમજો: 1) તેલ સસ્તું તો મોંઘવારી ઓછી: આપણા દેશમાં જેટલું તેલ વપરાય છે તેમાંથી 80 ટકા તેલ તો આપણે બીજા દેશો પાસેથી ખરીદવું પડે છે. જેમાં આપણે સૌથી વધુ તેલ ખરીદીએ છીએ તેવા દેશોમાં UAE ત્રીજા નંબરે છે. અત્યાર સુધી ઓપેકના કડક નિયમોના કારણે UAE ઈચ્છવા છતાં સસ્તું તેલ નહોતું આપી શકતું. પણ હવે તો તે આઝાદ છે. તો જો UAE 10 ડોલર પણ તેલ સસ્તું કરે તો ભારતને વર્ષે 1 લાખ કરોડ રૂપિયાની બચત થાય. 2) ડોલરની રામાયણ જ ખતમઃ અત્યાર સુધી તેલ ખરીદવા માટે આપણે ડોલરની જરૂર પડતી. જો કે હજુ પણ પડે જ છે એ વાત અલગ છે પણ હવે ભારત અને UAE વચ્ચે સીધો સોદો પોતાની કરન્સીમાં થશે. આપણે આપણા રૂપિયા આપીને તેલ ખરીદી શકીશું. આનાથી આપણો ફોરેઈન કરન્સી રિઝર્વ બચશે અને રૂપિયો ડોલર સામે મજબૂત થશે. 3) મુસીબત માટે તેલનો સંગ્રહ: આપણા દેશમાં તેલની જરૂરિયાતને પૂરી પાડવા માટે આપણે બીજા દેશો પાસેથી તેલ ખરીદીને તેને જમીનની અંદર મોટા ટાંકાઓમાં સ્ટોર કરીએ છીએ. અંગ્રેજીમાં તેને સ્ટ્રેટેઝીક રિસર્વ કહેવાય છે જે ઈમરજન્સીમાં કામ લાગે છે. જો UAE પાસેથી આપણને સસ્તું તેલ મળવા લાગે તો આપણે વધુને વધુ તેલ મોટા ટાંકાઓમાં સંઘરી શકીશું. 4) સીધો ફાયદો: પહેલા UAE પાસેથી તેલ ખરીદતી વચ્ચે ઓપેક સંગઠન આવતું હતું, પણ હવે કોઈ સંગઠન આડું નહીં આવે, એટલે ભારત અને UAE વચ્ચેના સંબંધો વેપારથી આગળ વધીને ઘર જેવા બનશે. ટૂંકમાં કહીએ તો... તેલના માર્કેટમાં લાગેલી આ આગ ભારત માટે મોંઘવારી ઘટાડવાનો સારો અવસર બનીને આવી છે. પણ શું UAE માટે આ તેલ વેચવાની છેલ્લી તક છે? કારણ કે દુનિયા 2050 સુધીમાં કાર્બનના નેટ-ઝીરો ટારગેટ તરફ દોડી રહ્યું છે. ત્યારે UAEનું નેતૃત્વ એ બાબતે સ્પષ્ટ છે કે આવનાર 20-25 વર્ષ જ તેલથી રૂપિયા કમાવવાનો ગોલ્ડન સમય છે. જો અત્યારે તેલ જમીનમાં રાખવામાં આવશે, તો ભવિષ્યમાં તે નકામું બની જશે અને કિંમત પણ કોડીના ભાવ જેવી થઈ જશે. પ્રાઈઝ વર્સિસ વોલ્યુમની માથાકૂટ UAE હવે માત્ર તેલ વેચીને નથી જીવતું. જો તે 100 રૂપિયા કમાય છે, તો તેમાંથી 75 રૂપિયા ટુરિઝમ, ધંધો અને ટેકનોલોજી જેવા સેક્ટર્સમાંથી આવે છે. તેલની કમાણી તો હવે માત્ર 25 રૂપિયા જ રહી ગઈ છે! સાઉદી અરેબિયા હજુ પણ તેના વિઝન 2030 માટે 100 ડોલર પ્રતિ બેરલના ભાવ પર નિર્ભર છે, જ્યારે યુએઈ 70 થી 80 ડોલરના સસ્તા ભાવે પણ વધુ તેલ વેચીને પોતાની નવી ઈકોનોમી માટે રૂપિયા ભેગા કરી શકે છે. આ જ પ્રાઈઝ વર્સિસ વોલ્યુમની માથાકૂટે UAEને ઓપેક અને ઓપેક પ્લસના ગ્રુપમાંથી બહાર થવા મજબૂર કર્યું છે. ઓપેકમાં રશિયાની વધતી તાકાત મોટો ખતરો? ઓપેક પ્લસના ઓર્ગેનાઈઝેશનમાં રશિયાનો પ્રભાવ UAE માટે ચિંતાનો વિષય બન્યો હતો. રશિયા અને ઈરાન વચ્ચેના વધતા સંબંધો UAEની સિક્યોરિટી માટે જોખમી હતાં. મોસ્કો સાથે મળીને તેલના પ્રોડક્શનમાં કાપ મૂકવાની નીતિ રશિયાને આર્થિક રીતે મદદ કરી રહી હતી, પણ UAE માટે તે પોતાનું માર્કેટ શેર ગુમાવવા જેવી હતી. UAE હવે અમેરિકા, ઈઝરાયેલ અને ભારત જેવા દેશો સાથે સીધા સંબંધો ઈચ્છે છે, જેમાં ઓપેકનું રાજકારણ આખલાની જેમ રસ્તા પર આડું ઉભું હતું. તેલના ભાવ અને ડોલરની ડોમિનેન્સ એપ્રિલ 2026માં તેલના ભાવ અને ડોલર વચ્ચેનો સંબંધ ગૂંચવાયો છે. સામાન્ય રીતે ડોલર મજબૂત થાય તો તેલ સસ્તું થાય, પણ અત્યારે બંને એકસાથે વધી રહ્યા છે. જેના કારણે બજાર અત્યારે માત્ર સપ્લાય-ડિમાન્ડ પર નહીં, પણ ફિયર ફેક્ટરની ગટ ફિલિંગ પર ચાલી રહ્યું છે. UAE જાણે છે કે જો તે અત્યારે બજારમાં વધુ તેલ ઠાલવશે, તો તે ભલે ભાવમાં થોડો ઘટાડો કરે, પણ તેનાથી UAEની પોતાની કમાણીમાં વધારો આવશે અને દેશમાં મોંઘવારીના દબાણને ઘટાડવામાં મદદ મળશે. તેલિયું યુદ્ધ ને ભાવ તળીયે? સાઉદી અરેબિયા અને UAE વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી બરોબર નહોતા ચાલી રહ્યા. એક સમયે મોટા ભાઈની ભૂમિકા ભજવતું સાઉદી અરેબિયા હવે UAEની વધતી જતી ઈકોનોમિક અને ડિપ્લોમેટિક તાકાતથી ટેન્શનમાં છે. ઓપેકમાં સાઉદીનું વર્ચસ્વ તોડવું એ UAEની એક સોગઠાબાજી છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એટલે કે MBS તેમના વિઝન 2030 પ્રોજેક્ટ્સ માટે ક્રુડ ઓઈલના ભાવ 90 થી 100 ડોલર પ્રતિ બેરલની વચ્ચે રાખવા માંગે છે. તેનાથી બીજી બાજુ, UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ એટલે કે MBZનું માનવું છે કે ભવિષ્ય તેલનું નથી પણ ટેકનોલોજીનું છે. એટલે, UAE 70-80 ડોલરના ભાવે પણ વધુ તેલ વેચીને નફો મેળવવા માંગે છે. આ ઈકોનોમિક દુશ્મનાવટ હવે ખુલ્લા પ્રાઈઝ વોરમાં ફેરવાઈ શકે છે. જો સાઉદી અરેબિયા પોતાનો માર્કેટ શેર બચાવવા માટે તેલનું પ્રોડક્શન વધારશે, તો 1980 અને 2014માં તેલના ભાવ તળિયે બેસી ગયા હતા તેવા હાલ ફરી થઈ શકે છે. વેપારી ટ્રમ્પની ઓપેક લેસ દુનિયાની કલ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે UAEનું આ પગલું એક મોટી ડિપ્લોમેટિક જીત છે. ટ્રમ્પ હંમેશા અમેરિકા ફર્સ્ટ અને ડ્રિલ, બેબી, ડ્રિલની નીતિમાં માને છે. તેઓ ઓપેકને એક ગેરકાયદેસર કાર્ટેલ માને છે જે અમેરિકન કસ્ટમરને લૂંટે છે. ટ્રમ્પ માટે UAEનું બહાર નીકળવું ઓપેકના પતનનો પાયો હોઈ શકે છે. કારણ કે ઓપેકના બીજા દેશો પણ જો આ જ રસ્તે ચાલશે તો તેલના ભાવનો કન્ટ્રોલ મિડલ ઈસ્ટ દેશો પાસે નહીં પણ અમેરિકા પાસે આવી શકે તેમ છે. જો આવું ખરેખર થઈ જાય તો અમેરિકન તેલ કંપનીઓને દુનિયામાં ખુલ્લા સાંઢની જેમ હરિફાઈમાં મેદાને ઉતરી જશે. અને ટ્રમ્પ આને પોતાની વિદેશનીતિની જીત ગણાવતા જરા પણ નહીં અચકાય. ટૂંકમાં UAEમાં તેલનું પ્રોડક્શન વધશે, બીજી બાજુ અમેરિકાની મોંઘવારી ઘટશે અને ત્રીજી બાજુ ટ્રમ્પની પોપ્યુલારિટી વધશે. હોર્મુઝનું જલડમરું અને યુદ્ધનું જોખમ અહીં એક મહત્વનું પાસું એ છે કે UAE પાસે તેલનું પ્રોડક્શન વધારવાની કેપેસિટી તો છે, પણ શું તે તેલ બજાર સુધી પહોંચી શકશે? ઈરાન સાથેના આ યુદ્ધે હોર્મુઝના જલડમરુંને જોખમમાં મૂક્યું છે. દુનિયાનું 20% તેલ આ સાંકડા દરિયાઈ માર્ગેથી નીકળે છે. UAEએ આ માટે ફુજૈરાહ પાઈપલાઈન તૈયાર કરી છે જે હોર્મુઝની સામુદ્રધુનીને બાયપાસ કરીને સીધું અરબ સાગરમાં તેલ પહોંચાડી શકે છે. આ પાઈપલાઈન જ હવે UAE માટે લાઈફલાઈન બનશે. ઓપેક છોડવાનો નિર્ણય એ પણ સંકેત આપે છે કે UAE હવે ઈરાન સામેના સંઘર્ષમાં પોતાનો અલગ રસ્તો પસંદ કરી રહ્યું છે અને સાઉદીની લીડરશીપમાં જે દબાણો થાય છે કે નીતિ નિયમો બને છે તેમાં જોડાવા નથી માગતું. તેલના ભાવોમાં પ્રાઈસ વોર થશે? ગ્લોબલ ઓઈલ માર્કેટ અત્યારે એક એવા વળાંક પર છે જ્યાં કોઈ પણ આગાહી કરવી મુશ્કેલ છે, પણ ડેટા એનાલિસિસ તો બીજા જ કંઈક સંકેતો આપે છે. UAE અને સાઉદી અરેબિયા માટે તેલ કાઢવાનો ખર્ચો એક બેરલે બેરલ 10 ડોલરથી ઓછો છે. તેની સામે અમેરિકન શેલ ઓઈલ માટે આ ખર્ચો 40 થી 45 ડોલર છે. જો યુએઈ અને સાઉદી વચ્ચે પ્રાઈસ વોર શરૂ થાય અને ભાવ 40 ડોલરની નીચે જાય, તો અમેરિકા અને રશિયાની ઘણી કંપનીઓનું દેવાળિયું ફૂંકાઈ શકે છે. ભારત અને ચીન જેવા મોટા ગ્રાહકો હવે ઓપેકને બદલે ચોક્કસ દેશો સાથે લાંબા ગાળાના કરારો કરશે. આનાથી તેલ બજારનું લોકશાહીકરણ થશે અને કાર્ટેલનો પાવર ઘટશે. રૂપી-દિરહામ અને એનર્જી કોરિડોર ભારત માત્ર સસ્તા તેલથી સંતોષ માની શકે તેમ નથી. પ્રધાનમંત્રી મોદીએ IMEC એટલે કે ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોરની પ્લાનિંગ કરી છે તેમાં યુએઈ એક મુખ્ય સ્તંભ છે. યુએઈનું ઓપેકમાંથી બહાર નીકળવું આ કોરિડોરને વધુ મજબૂત બનાવશે. ભારત હવે યુએઈમાં પોતાની તેલ કંપનીઓના રોકાણ વધારી શકે છે. અબુ ધાબીના તેલ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓનો હિસ્સો વધશે તો તે માત્ર વેપાર નહીં પણ એનર્જી સિક્યોરિટીની ગેરંટી બનશે. આ સિવાય, ભારતના પશ્ચિમ કિનારે બની રહેલી વિશાળ રિફાઈનરીઓમાં યુએઈનું રોકાણ ભારતને તેલના એક્સપોર્ટર તરીકે પણ ઉભું કરી શકે છે. શું આ ડોલરનો દમ ઘટનાવું શરૂ? હવે આ આખા મુદ્દાને પેટ્રો ડોલર સાથે જોડીને પણ સમજીએ. 1970ના દાયકામાં જ્યારે અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે પેટ્રો-ડોલર ડીલ થઈ હતી, ત્યારે ગ્લોબલ ઓઈલ માર્કેટ પર ડોલરનું એકહથ્થુ શાસન સ્થપાયું હતું. પણ 2026માં યુએઈનું ઓપેક છોડવું એ આ વ્યવસ્થા પર સૌથી મોટો હથોડો છે. યુએઈ હવે ફ્રી થઈને પોતાનું તેલ ભારતીય રૂપિયામાં, ચાઈનીઝ યુઆનમાં, ક્રિપ્ટો કરન્સીમાં કે પછી ડિજિટલ કરન્સીમાં વેચી શકશે. ઓપેકને ડોલરનું ડોમિનન્સ બનાવી રાખવાનું છે પણ હવે યુએઈ તેની સાથે નથી એટલે તે ગમે તે કરન્સીમાં તેલ વેચી શકે છે. એક રીતે બની શકે કે ડિડોલરાઈઝેશનની નવી લહેર પણ જામે. જે આપણા માટે સારી વાત છે કારણ કે ભારત હવે પોતાની કરન્સીમાં તેલ ખરીદીને ફોરેન રિઝર્વને બનાવી રાખશે. જો ખરેખર આવું થાય તો દુનિયાની માર્કેટમાં ડોલરની માગ ઘટશે આનાથી અમેરિકાના ફેડરલ રિઝર્વ માટે વ્યાજ દરો અને મોંઘવારીને કન્ટ્રોલ કરવી પણ મુશ્કીલ બની શકે છે. જો કે યુએઈ અમેરિકા બાજુ નમેલું છે એટલે આ નોબત નહીં આવે. તેલના આશરે ન રહેવા યુએઈનો પ્લાન યુએઈ માત્ર તેલ વેચીને સંતોષ માનવા માંગતું નથી; તે ભવિષ્યના એનર્જી હબ તરીકે પોતાની ઓળખ બનાવવા માંગે છે. ઓપેકમાંથી બહાર નીકળવું એ યુએઈની ગ્રીન એનર્જી સ્ટ્રેટેજીનો એક ભાગ પણ હોઈ શકે છે. કારણ કે યુએઈ અત્યારે દુનિયાના સૌથી મોટા સોલર પાર્કસ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રૂપિયા નાખી રહ્યું છે. પહેલા ઓપેકના કન્ટ્રોલના કારણે યુએઈની ઈકોનોમીને ફટકો પડતો હતો પણ હવે તેલમાંથી થતી કમાણીનો ઉપયોગ તે ક્લીન એનર્જીમાં પણ કરી શકે છે જેથી તેલ પર તેમની ડિપેન્ડેન્સી ઘટે. ભારત અને યુએઈ વચ્ચે પણ ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં ડીલ્સ થઈ છે. ટૂંકમાં યુએઈ પોતાની ધરતી પર સૂર્યપ્રકાશથી હાઈડ્રોજન બનાવશે અને બીજા દેશોને વેચશે. આ ગણિત તેલના કૂવાઓ કરતા વધુ ચાલી શકે તેવી સંભાવનાઓ છે. અને છેલ્લે… હવે યુદ્ધમાં ઝોંકાયેલા ઈઝરાયલની પણ વાત કરી લઈએ. અહીં ચોંકાવનારી વાત એ છે કે પોતાના જ નેતા નેતન્યાહુ સામે બેનેટ અને લેપિડે સત્તા પડાવી લેવા બળવો કરી દીધો તેવા સમાચાર છે. શું કટ્ટરપંથી બેનેટ અને ઉદારવાદી લેપિડનું આ જોડાણ દેશહિત માટે છે કે માત્ર રાજકીય અસ્તિત્વ બચાવવાની મજબૂરી? ઇઝરાયેલની સેનાના પૂર્વ મહાનાયક ગાદી આઇઝનકોટનો વધતો પ્રભાવ શું એટલો મોટો છે કે બે વિરોધી વિચારધારાઓએ ફરી એક થવું પડ્યું? શું માત્ર નેતન્યાહુને હટાવવાના એજન્ડા પર બનેલી સરકાર ઇઝરાયેલને સ્ટેબિલિટી આપી શકશે કે પછી ઇતિહાસ ફરી પોતાની જાતને દોહરાવશે? યુદ્ધના સમયે આ એક એવો વિષય છે જેના ઊંડી ચર્ચા કરવી જરૂરી છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    IPLમાં MI vs SRH:સૂર્યકુમાર યાદવની વધુ એક નિષ્ફળતા, માત્ર 5 રને આઉટ થયો; રેયાન રિકલ્ટને ફિફ્ટી ફટકારી
    Next Article
    ગાંધીનગરના જાહેર પરિવહનમાં ઈ-ક્રાંતિ:પ્રધાનમંત્રી ઈ-બસ સેવાના પ્રારંભે શહેરીજનોને 14 દિવસ ફ્રીમાં મુસાફરીની ભેટ, લઘુત્તમ ભાડું 5 અને મહત્તમ 30 રુપિયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment