Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EDITOR'S VIEW: ઈસ્લામિક બળિયા, બાથે વળગ્યા:અફઘાન-પાક.ના વિનાશક તાંડવમાં 400 લાશો, મોસાદે ઈરાની સિક્યોરિટી ચીફના ચીંથરા ઉડાવ્યા, ધડાકામાં ચીન ધણધણ્યું

    6 days ago

    17 માર્ચ 2026... આ તારીખનો ઈતિહાસ દક્ષિણ એશિયાના નકશા પર શાહીથી નહીં, પણ ઉકળતા લોહી અને માસૂમોની ચીસોથી લખાશે! એકબાજુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે થયેલી પાપલીલામાં મિસાઈલના મારામાં 400 માસૂમના જીવ ગયા છે બીજી બાજુ ઈરાન અને ઈઝરાયલના યુદ્ધે મિડલ ઈસ્ટ અને દુનિયાના પણ પાયા હલાવી દીધા છે. ગઈકાલે ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ઈરાનના સૌથી શક્તિશાળી સિક્યોરિટી ચીફ અલી લારીજાની અને તેમના દીકરાનો ખાત્મો કરી દેવાયો છે. ડ્યુરન્ડ લાઈનથી માંડીને તેહરાનના સત્તાના ગલિયારા સુધી ખેલાઈ રહેલો આ લોહિયાળ ખેલ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઊભી કરી દીધી છે. જે આતંકવાદના સાપને પાકિસ્તાને પાડોશીને ડંખ મારવા દૂધ પાઈને ઉછેર્યા હતા, આજે એ જ અફઘાની આતંકવાદનો નાગ ફેણ ચડાવીને માલિકના ગળે વળગ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એક બાજુ લોટના ખાલી ડબ્બા છે અને બીજી બાજુ અબજોના મિસાઈલ છે. ઓપરેશન ગઝબ-લિલ-હકની આડમાં ખેલાતા આ લોહિયાળ ખેલમાં શું પાકિસ્તાન પોતે જ હોમાઈ જશે? ડ્યુરન્ડ લાઈનથી માંડીને ભારતના બદલાતા સ્ટ્રેટેજિક મિજાજ સુધી... આજે એડિટર્સ વ્યૂમાં જાણીએ ઈઝરાયલ-ઈરાન અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્ધનું એવું સનસનાટીભર્યું એનાલિસિસ જે દુનિયાની ઊંઘ ઉડાવી દેવા કાફી છે. નમસ્કાર... સોમવારની રાત, એટલે કે 16 માર્ચે જ્યારે કાબુલના લોકો શાંતિથી સૂતા હતા, ત્યારે અચાનક આકાશમાં પાકિસ્તાની એરફોર્સના લડાયક વિમાનોનો ઘેરો અવાજ સંભળાયો. કોઈ કંઈ સમજે એ પહેલાં તો કાબુલના પોલીસ ડિસ્ટ્રિક્ટ 9 માં આવેલી ઉમ્મીદ હોસ્પિટલ પર પાકિસ્તાને બોમ્બનો વરસાદ શરૂ કર્યો હતો. કલ્પના કરો, એ હોસ્પિટલ કે જ્યાં 2,000 જેટલા દર્દીઓ નશામુક્તિની સારવાર લઈ રહ્યા હતા, ત્યાં આજે માત્ર લાશોનો ઢગલો છે. 17 માર્ચની આ સવાર સુધીમાં જે આંકડા બહાર આવ્યા છે તે કંપારી છૂટી જાય તેવા છે. અફઘાન તાલિબાનના પ્રવક્તા હમદુલ્લા ફિતરતે ધ્રૂજતા અવાજે પુષ્ટિ કરી છે કે મૃત્યુઆંક 400ને પાર કરી ગયો છે! 250થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલોમાં તરફડી રહ્યા છે. પાક.ના ઓપરેશનથી અફઘાનમાં લાશોના ઢગલા પણ પાકિસ્તાનનું વલણ જુઓ! ઈસ્લામાબાદથી આવતા અહેવાલો મુજબ, તેઓ આને ભ્રામક પ્રચાર ગણાવે છે. પાકિસ્તાન સેનાનું કહેવું છે કે તેમણે કોઈ હોસ્પિટલને નહીં, પણ તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPના આતંકવાદીઓના દારૂગોળાના ભંડારને ઉડાવ્યો છે. તેમણે આ સૈન્ય કાર્યવાહીને ઓપરેશન ગઝબ-લિલ-હકનું નામ આપ્યું છે. ગજબ છે ને? એક બાજુ લાશોના ઢગલા છે અને બીજી બાજુ તેને હકનું યુદ્ધ કહેવામાં આવે છે! 400 મોત: કાબુલની હોસ્પિટલ સ્મશાન બની તમે આંકડા જુઓ તો આઘાત લાગશે. અફઘાનિસ્તાન કહે છે કે 328થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાન કહે છે કે તેમણે 600થી વધુ તાલિબાન અને TTP લડવૈયાઓને ખતમ કર્યા છે. આ યુદ્ધના મેદાનમાં સત્ય ક્યાંક ખોવાઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રના UNAMAના સ્ત્રોતો પણ અત્યાર સુધીમાં 69 નાગરિકોના મોતની પુષ્ટિ કરી ચૂક્યા છે, પણ અસલી આંકડો તો આનાથી અનેકગણો વધારે હોવાની આશંકા છે. પાકિસ્તાનના પોતાના 150થી વધુ સૈનિકો આ અથડામણમાં શહીદ થયા હોવાના દાવા અફઘાનિસ્તાન કરી રહ્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિવાદની આગમાં શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે 1,15,000 લોકો પોતાના ઘરબાર છોડીને વિસ્થાપિત થયા છે. જ્યારે હાલ બંને સરહદ પર ટેન્કો અને સશસ્ત્ર વાહનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તહેરાનના માસ્ટર માઈન્ડનો ખાત્મો પરંતુ યુદ્ધની આ આગ માત્ર કાબુલ કે ઈસ્લામાબાદ પૂરતી સીમિત નથી. મિડલ ઈસ્ટમાં ઈઝરાયલે એક એવો ઘા કર્યો છે જેની કલ્પના ઈરાને ક્યારેય કરી નહોતી. સમાચાર છે કે, ઈરાનના સ્ટ્રેટેજિક માસ્ટરમાઈન્ડ અને સિક્યોરિટી ચીફ અલી લારીજાની જ્યારે એક હાઈ-લેવલ સિક્યોરિટી મીટિંગ પતાવીને સિક્રેટ બંકર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઈઝરાયલી પ્રીસાઈઝ ગાઈડેડ મિસાઈલે તેમના કાફલાને રાખમાં ફેરવી નાખ્યો. આ હુમલામાં લારીજાની અને તેમના દીકરાનું મોત થયું છે. ઈઝરાયલી એજન્સી મોસાદનું આ ઓપરેશન એટલું ક્રિસ્ટલ ક્લિયર અને પ્રિસાઈઝ હતું કે ઈરાનની આખી સિક્યોરિટી સિસ્ટમ જોતી રહી ગઈ. લારીજાનીનું જવું એ ઈરાન માટે સત્તાના પાયા હચમચાવવા બરાબર છે, અને તેના જવાબમાં ઈરાને હવે ઈઝરાયલ પર મિસાઈલ્સનો મારો તેજ કરી દીધો છે. ઈરાન હવે કોના હાથમાં? લારીજાની સહિતની ટોપ લીડરશીપના સફાયા બાદ હવે ઈરાનનો વહીવટ નવા ચહેરાઓના હાથમાં છે. વર્તમાનમાં સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામૈની કમાન્ડ સંભાળી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને પાર્લામેન્ટ સ્પીકર મોહમ્મદ બાઘર ગાલીબાફ યુદ્ધની રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ ઈરાનની સૈન્ય તાકાત મેજર જનરલ અબ્દુલરહીમ મુસાવી અને હુસૈન સલામી જેવા જનરલોના ભરોસે છે. આ સત્તા પરિવર્તન મધ્ય-પૂર્વના સમીકરણો કઈ તરફ લઈ જશે તે જોવું રહ્યું. મિડલ ઈસ્ટમાં લારીજાનીની હત્યા અને અફઘાન-પાક સરહદે હોસ્પિટલ પર બોમ્બમારો - આ બંને ઘટનાઓ બતાવે છે કે વિશ્વ અત્યારે બારૂદના ઢગલા પર બેઠું છે. ખાસ કરીને પાકિસ્તાનની વાત કરીએ તો આ યુદ્ધ કઈ રાતોરાત ફાટી નીકળ્યું નથી ફેબ્રુઆરીથી માર્ચની લોહીલુહાણ સફર આ તો લાંબા સમયથી ઉકળતો જ્વાળામુખી હતો જે માર્ચ 2026માં ફાટ્યો છે. ચાલો, જરા આ લોહિયાળ ઈતિહાસની તારીખો પર નજર કરીએ. યુદ્ધની શરૂઆત ફેબ્રુઆરી 2026થી થઈ હતી, જ્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓએ હાહાકાર મચાવ્યો અને 50થી વધુ પાકિસ્તાની સૈનિકોને મોતના ઘાટ ઉતારી દીધા. પાકિસ્તાને તરત જ આંગળી અફઘાનિસ્તાન તરફ ચીંધી. 22 ફેબ્રુઆરીએ પાકિસ્તાને પહેલીવાર સરહદ ઓળંગીને TTPના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો. વળતા જવાબમાં 26 ફેબ્રુઆરીએ તાલિબાને પાકિસ્તાની ચોકીઓને તોપથી ઉડાવી દીધી. માર્ચના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાની પ્રમુખ આસિફ અલી ઝરદારીએ ગર્જના કરી હતી કે અફઘાને રેડ લાઈન ક્રોસ કરી છે, અને એ રેડ લાઈનનું પરિણામ એટલે 16-17 માર્ચની એ કાળી રાત, જ્યારે કાબુલની હોસ્પિટલ સ્મશાનમાં ફેરવાઈ ગઈ. તાલિબાન માટે પાક. નેતાઓની મીઠાઈ ઝેર બની લોકો પૂછી રહ્યા છે કે, શું આ જ એ અફઘાનિસ્તાન છે જેના માટે પાકિસ્તાને વર્ષો સુધી અમેરિકા સાથે રમત રમી? શું આ જ એ તાલિબાન છે જેના વિજય પર પાકિસ્તાનના નેતાઓએ મીઠાઈઓ વહેંચી હતી? આજે એ જ મીઠાઈ ઝેર બનીને પાકિસ્તાનના ગળામાં ફસાઈ છે. કાબુલની ગલીઓમાં આજે ધુમાડો છે, હોસ્પિટલોમાં આક્રંદ છે અને સરહદ પર બંદૂકોની ગર્જના છે. યાદ કરો એ 15 ઓગસ્ટ 2021નો દિવસ. જ્યારે કાબુલ પર તાલિબાને કબજો કર્યો, ત્યારે પાકિસ્તાની નેતાઓના હરખનો પાર નહોતો. તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાને તો ત્યાં સુધી કહી દીધું હતું કે, "અફઘાનીઓએ માનસિક ગુલામીની સાંકળો તોડી નાખી છે!" એ વખતે ISI ના ચીફ ફેઝ હમીદ કાબુલની હોટલમાં ચાની ચુસ્કી લેતા લેતા દુનિયાને કહેતા હતા કે, "ચિંતા કરશો નહીં, બધું બરાબર થઈ જશે " આજે એ ચા પાકિસ્તાનને એવી કડવી લાગી રહી છે કે એમના મોઢા બગડી ગયા છે. ગુડ-બેડ તાલિબાનની પોલિસી ઉંધેમાથે પડી ખરો ઓહાપો તો ત્યારે મચ્યો જ્યારે પાકિસ્તાનની ગુડ તાલિબાન અને બેડ તાલિબાનવાળી પોલિસી ઉંધી પડી. પાકિસ્તાનને એમ હતું કે અફઘાન તાલિબાન સત્તામાં આવતા જ તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે આતંકી સંગઠન TTPને લગામ કસશે. પણ થયું એનાથી સાવ ઉલટું! તાલિબાને TTPને હથિયારો આપ્યા, આશરો આપ્યો અને પાકિસ્તાન પર હુમલા કરવા માટે છૂટો દોર આપી દીધો. પાકિસ્તાન માટે આ પરિસ્થિતિ ભસ્માસુર જેવી સાબિત થઈ રહી છે. જે શક્તિ એણે પોતે પેદા કરી, એ જ આજે એનો સર્વનાશ કરવા બેઠી છે. ફેબ્રુઆરી 2026 માં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જ્યારે સત્તાવાર રીતે ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી, ત્યારે આખી દુનિયા સમજી ગઈ કે હવે પાણી માથા પરથી જતું રહ્યું છે. પણ અહીં આપણને એક સવાલ થાય કે જે તાલિબાનને પાકિસ્તાને પ્રેમ કર્યો તેણે જ પાકિસ્તાનના પીઠમાં છરો ઘૂંપીને દગો કેમ દીધો? દોસ્તથી દુશ્મન બનવાની જડ છે ડ્યુરન્ડ નામની એક સરહદમાં જેને બ્રિટિશરોએ ત્યારે ખેંચી હતી જ્યારે ભારત સ્વતંત્ર ન હતું. ડ્યુરન્ડ લાઈનઃ તલવારની ધાર જેવી સરહદ 1893માં બ્રિટિશર મોર્ટિમર ડ્યુરન્ડ અને અફઘાન અમીર અબ્દુર રહેમાન ખાન વચ્ચે પેનથી દોરાયેલી એ 2,640 કિલોમીટર લાંબી રેખા આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે તલવારની ધાર બની ગઈ છે. અફઘાનિસ્તાને ક્યારેય આ લાઈનને માન્યતા આપી જ નથી. એમના માટે આ રેખા એટલે પખ્તૂન ભાઈઓના કાળજાના બે ટુકડા! 1947માં જ્યારે પાકિસ્તાન જન્મ્યું, ત્યારે અફઘાનિસ્તાન જ એવો દેશ હતો જેણે પાકિસ્તાનના UN સભ્યપદનો વિરોધ કર્યો હતો. કરોડોનું આંધણ રમકડાની જેમ તૂટ્યું આજે 2026 માં સ્થિતિ એવી છે કે પાકિસ્તાને જે કરોડો ડોલર ખર્ચીને ડ્યુરન્ડ સરહદ પર તારબંધી કરી હતી, એને તાલિબાન લડવૈયાઓ રમકડાની જેમ તોડી રહ્યા છે. આટલું જ નહીં તારબંધી પહેલા પાકિસ્તાને પોતાના દેશમાં વસતા લાખો અફઘાનીઓનો દેશ નિકાલ કર્યો હતો. આવી જાહેરમાં થયેલી ફજેતી અફઘાનિસ્તાન સહન ન કરી શક્યું. તાલિબાન કહે છે કે, "પાકિસ્તાન પખ્તૂનોની જમીન પર કાંટાળા તાર કેવી રીતે લગાવી શકો?" પખ્તૂનિસ્તાન ચળવળની એ ચિનગારી આજે જ્વાળામુખી બનીને ફાટી છે. સરહદની બંને બાજુ વસતા પખ્તૂનો માટે આ જંગ પોતાની ઓળખની લડાઈ બની ગયો છે. એક બાજુ પાકિસ્તાન પોતાની અખંડિતતા બચાવવા મથે છે, તો બીજી બાજુ તાલિબાન ડ્યુરન્ડ લાઈનને ભૂંસી નાખવા આતુર છે. આ બે પાડોશીઓ વચ્ચેનો અવિશ્વાસ એટલો ઊંડો છે કે હવે કોઈ સમજૂતીની વાત કરવી એ પણ હાસ્યાસ્પદ લાગે છે. એક બાજુ મદદની ભીખ, બીજી બાજુ કાબુલ પર બોમ્બ પણ અહીં આપણે એ સમજવું જોઈએ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાને કેવા સમયે એકબીજા પર મિસાઈલ્સનો મારો ચલાવી રહ્યા છે. એક બાજુ પાકિસ્તાન પાસે લોટના ડબ્બામાં તળિયા દેખાય છે તો બીજી બાજુ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અને બાકી પણ બીજા કારણોના લીધે અફઘાનિસ્તાનની જનતા ભૂખમરાની કગાર પર આવીને ઉભું છે. આ લડાઈ એટલે બે દેવાળિયા ઈસ્લામિક દેશોનો અહંકારનો જંગ. પાકિસ્તાન હાલમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની ખૈરાતના ટેકે જીવી રહ્યું છે. એક બાજુ વડાપ્રધાન શહેબાઝ શરીફ દુનિયા પાસે મદદની ઝોળી ફેલાવે છે અને બીજી બાજુ એમના વિમાનો કાબુલ પર બોમ્બ ફેંકે છે. યુદ્ધના ખર્ચને કારણે પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં રાતોરાત જંગી રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. જે સામાન્ય માણસ રોટલી માટે વલખાં મારતો હતો, એના માથે હવે યુદ્ધનો બોજ લાદી દેવાયો છે. ભૂખમરો, પાયમાલી અને દેવાનો ભયાનક આંકડો બંનેની હાલતના તમે આંકડા જુઓ તો તમને આઘાત લાગશે. અફઘાનિસ્તાનની માથાદીઠ આવક માત્ર $417 છે અને 48% વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે. બીજી તરફ પાકિસ્તાનનું દેવું એની GDPના 72% સુધી પહોંચી ગયું છે. બંને પાસે ખાવાના પૈસા નથી, પણ એકબીજાને મારવા માટે દારૂગોળો ભરપૂર છે! આ આર્થિક પાયમાલી દક્ષિણ એશિયાના બે દેશોને દાયકાઓ પાછળ ધકેલી દેશે. ગોરિલા વોરફેરઃ પહાડોમાં છુપાયેલું અજેય મોત હવે વાત કરીએ સૈન્ય તાકાતની... આ લડાઈ ડેવિડ વર્સિઝ ગોલ્યાથ કહાની જેવી છે. પાકિસ્તાન એક પરમાણુ શક્તિ છે, એની પાસે JF-17 અને F-16 જેવા ઘાતક લડાયક વિમાનો છે. એની સામે અફઘાનિસ્તાન પાસે શું છે? કાટ ખાઈ ગયેલા સોવિયેત યુગના ટેન્કો અને અમેરિકાએ ઉતાવળમાં છોડેલા કેટલાક હથિયારો. પણ, અફઘાનિસ્તાન પાસે જે છે એ દુનિયાના કોઈ લશ્કર પાસે નથી... અને એ છે ગેરિલા વોરફેરનો અનુભવ! અખંડ હિંદ સામ્રાજ્ય બનાવવા માટે શિવાજી મહારાજે પણ છૂપાઈને ઘાત લગાવવાની આ પદ્ધતિ આક્રાંતાઓ સામે અજમાવી હતી. જેનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાને રશિયાને ભગાડ્યું, અમેરિકાને ભગાડ્યું અને હવે એ જ જિદ્દ પાકિસ્તાન સામે છે. તાલિબાનના લડવૈયાઓ પર્વતોની કરાડોમાં એવા છુપાયા છે કે પાકિસ્તાની વાયુસેના ગમે તેટલા બોમ્બ નાખે, એમને પૂરી રીતે ખતમ કરવા અશક્ય છે. ઉપરથી તાલિબાને હવે ઓછા ખર્ચાવાળા હુમલાખોર ડ્રોનનો પણ ઉપયોગ શરૂ કર્યો છે, જે પાકિસ્તાની સૈન્ય મથકો માટે નવો માથાનો દુખાવો બન્યો છે. અફઘાનિસ્તાનમાં ભારતનો વધતો દબદબો આ બધાની વચ્ચે ભારતનો બદલાયેલો અંદાજ જુઓ. 2026 સુધીમાં ભારતે જે રીતે અફઘાનિસ્તાનમાં પોતાનો સોફ્ટ પાવર મજબૂત કર્યો છે, એણે પાકિસ્તાનની ઊંઘ ઉડાવી દીધી છે. ભારતે તાલિબાનને સત્તાવાર માન્યતા ભલે ન આપી હોય, પણ કાબુલમાં પોતાનું ટેકનિકલ મિશન ખોલીને અફઘાન લોકોના દિલ જીતી લીધા છે. જ્યારે પાકિસ્તાન સરહદો બંધ હતી, ત્યારે ભારત ચાબહાર પોર્ટ દ્વારા અફઘાનિસ્તાનને ઘઉં અને દવાઓ મોકલી હતી. પાકિસ્તાન આજે એવો બળાપો કાઢે છે કે અફઘાનિસ્તાન હવે ભારતની વસાહત બની ગયું છે. પણ સત્ય તો એ છે કે ભારતે હંમેશા માનવતા અને સત્યનો સાથ આપ્યો છે. તાલિબાનના નેતાઓ હવે ખુલ્લેઆમ કહે છે કે, "અમે પાકિસ્તાન પર નિર્ભર રહેવા માંગતા નથી." આ બદલાતા જીઓપોલિટિક્સમાં પાકિસ્તાન સાવ એકલું પડી ગયું છે. ઈસ્લામિક મોટા ભાઈની મધ્યસ્થી ફેલ કતાર, સાઉદી અરેબિયા અને તુર્કીએ પોતાના ઈસ્લામિક ભાઈ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઘણી કોશિશ કરી પણ બધું એળે ગયું. કેમ? કારણ કે વિશ્વાસ નામની ચીજ હવે આ બે પાડોશીઓ વચ્ચે રહી જ નથી. પાકિસ્તાન કહે છે TTP ને સોંપો, અને તાલિબાન કહે છે ડ્યુરન્ડ લાઈન હટાવો. આ એવો દરિયાઈ વમળ છે જેમાં બંને દેશો ફસાયા છે. હવે તો માત્ર બંદૂકો બોલે છે અને અક્કલ હાર માની ગઈ છે. પાકિસ્તાન આતંકવાદનું નવું કેન્દ્ર જેના કારણે આ યુદ્ધમાં આજે રક્તપાત થઈ રહ્યો છે. તેની પાછળના આંકડા જોશો તો સમજાશે કે આતંકવાદે આ બંને દેશોને કેવી રીતે ભરડામાં લીધા છે. ગ્લોબલ ટેરર ઈન્ડેક્સ 2025ના રિપોર્ટ પર નજર નાખો તો ખબર પડે કે પાકિસ્તાન આજે વિશ્વમાં આતંકવાદથી પ્રભાવિત દેશોમાં બીજા ક્રમે આવી ગયું છે! છેલ્લા એક વર્ષમાં ત્યાં આતંકવાદી હુમલાઓમાં 45%નો તોતિંગ વધારો થયો છે. જે TTP, BLA અને ISKP જેવા સંગઠનોને પાકિસ્તાન પોતાની શતરંજની રમત ના પ્યાદા સમજતું હતું, આજે એ જ પ્યાદાઓએ પાકિસ્તાનની સેનાને ચેક એન્ડ મેટ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન પણ આમાં પાછળ નથી, ત્યાં પણ હુમલા વધ્યા છે. આ આખો પ્રદેશ હવે બારૂદના ઢગલા પર બેઠો છે અને એની ચિનગારી આ યુદ્ધે લગાડી દીધી છે. અને ચીનની ચિંતા વધી... આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓહાપો મચ્યો છે. ચીન જેણે પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોર CPECના નામે અબજો ડોલરનું રોકાણ કર્યું છે, તે આજે ચિંતામાં મૂકાયું છે. ચીનના પ્રોજેક્ટ્સ જોખમમાં છે અને એણે મધ્યસ્થી કરવાના પ્રયાસો કર્યા પણ એમાં એને મોઢાની ખાવી પડી છે. અમેરિકા આ તમાશો દૂર બેસીને જોઈ રહ્યું છે, એણે પાકિસ્તાનને ચેતવણી તો આપી છે પણ સીધી દખલગીરી કરવા માંગતું નથી. મધ્ય એશિયાના દેશો જેવા કે ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન ડરી રહ્યા છે કે આ અસ્થિરતા ક્યાંક એમની સરહદોમાં ન ઘૂસી જાય. આ એક એવું યુદ્ધ છે જેની અસરો સાત સમંદર પાર સુધી પહોંચવાની છે. ખુલ્લા યુદ્ધની નેતાઓની ત્રાડ હવે જરા આ લડાઈના મુખ્ય પાત્રોના શબ્દો સાંભળો, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ત્રાડ પાડીને કહ્યું છે કે, "અમે અફઘાનિસ્તાન સાથે હવે 'ખુલ્લા યુદ્ધ'માં છીએ. જો તેઓ અમારી જમીન પર હુમલો કરશે, તો અમે તેમના શહેરોમાં ઘૂસીને મારીશું." એની સામે તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે જવાબ આપ્યો કે, "પાકિસ્તાન હોસ્પિટલો પર હુમલો કરીને યુદ્ધ અપરાધ કરી રહ્યું છે. અમે અમારી સાર્વભૌમત્વની રક્ષા કરવાનું જાણીએ છીએ અને પાકિસ્તાનને તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે." પ્રમુખ આસિફ અલી ઝરદારીએ તો રેડ લાઈન ક્રોસ થયાની વાત કરીને મંત્રણાના તમામ દરવાજા બંધ કરી દીધા છે. પાકિસ્તાન અંદરથી ખોખલું થશેઃ એક્સપર્ટ્સ દુનિયાના મોટા ગજાના સુરક્ષા નિષ્ણાતો શું કહે છે એ જાણવું પણ જરૂરી છે. ચાથમ હાઉસના સિનિયર રિસર્ચ ફેલો ડો. ચૈતીજી બાજપાઈએ કહ્યું છે કે, "પાકિસ્તાન પાસે ભલે વિમાનો હોય, પણ તાલિબાન એસેમેટ્રિક વોરફેરમાં માહેર છે, જે પાકિસ્તાનને અંદરથી ખોખલું કરી નાખશે." USIPના સિનિયર એડવાઈઝર અને ઈન્ટરનેશનલ અફેર્સની SAISના સિનિયર ફેલો ડેનિયલ માર્કીએ તો ત્યાં સુધી ચેતવણી આપી છે કે, "તાલિબાન માટે TTP એ માત્ર સાથી નથી, પણ એમની વિચારધારાનો ભાગ છે, એટલે પાકિસ્તાન એમને અલગ કરવાની ભૂલ ન કરે." સ્ટિમસન સેન્ટરના સાઉથ એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર અને સિનિયર ફેલો એલિઝાબેથ થ્રેલકેલ્ડ કહે છે કે, "આ તો દાયકાઓની છૂપી દુશ્મનીનું ખુલ્લું સ્વરૂપ છે." આ નિષ્ણાતોની પ્રતિક્રિયાઓને બીટવીન ધ લાઈન્સ સમજીએ તો તેમની વાતોમાં ડર છે, કારણ કે તેઓ જાણે છે કે આ લડાઈનો અંત ભયાનક આવી શકે છે. કરોડોનો ધુમાડો અને માનવતાનું મોત યુદ્ધના મેદાનના તાજા આંકડા જુઓ તો આત્મા કંપી ઉઠશે. અફઘાનિસ્તાનનો દાવો છે કે તેમણે 150થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે, જ્યારે પાકિસ્તાન કહે છે કે તેમણે 641 તાલિબાની લડવૈયાઓને જમીનદોસ્ત કર્યા છે. આ લડાઈમાં 188 જેટલા લશ્કરી વાહનો અને ટેન્કોના લોખંડના ડબ્બા થઈ ગયા છે. વિચાર કરો, એક બાજુ ભૂખમરો છે અને બીજી બાજુ કરોડો રૂપિયાના હથિયારોનો ધુમાડો થઈ રહ્યો છે. જો આ જંગ ખેંચાયો તો આખું ઈસ્લામિક ગલ્ફ રિજન અસ્થિર થઈ શકે છે. અફઘાન અને પાક. એકબીજાના લોહી તરસ્યા અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ દુનિયાને વિનંતી કરી છે કે, "પાકિસ્તાનની દાદાગીરી રોકે." પણ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ તો જાણે લોહી પીવા તરસ્યા હોય તેમ કહે છે કે, "હવે કોઈ મંત્રણા નહીં, માત્ર કાર્યવાહી થશે." પાકિસ્તાન માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે, તો તાલિબાન માટે આ આઝાદી ટકાવી રાખવાનો જંગ છે. આ જંગમાં સેકન્ડરી રિહેબિલિટેશન સર્વિસીસ સેન્ટર જેવી હોસ્પિટલો જ્યારે નિશાન બને, ત્યારે સમજવું કે માનવતા મરી પરવારી છે. અને છેલ્લે... પૂર્વ ડિપ્લોમેટ અને આપણા વિદેશમંત્રી એસ જયશંકરે 2022માં ન્યૂયોર્કમાં થયેલા UNના કાર્યક્રમમાં પાકિસ્તાની પત્રકારના એક પ્રશ્નનો જવાબ આપતી વખતે હિલેરી ક્લિન્ટનને યાદ કર્યા હતા. 2011માં જ્યારે હિલેરી પાકિસ્તાનના ઈસ્લામાબાદ ગયા હતા ત્યારે વિદેશમંત્રી હિના રબ્બાની ખારની સામે ઉભીને આતંકવાદ પર પાડોશી દેશને ટોણો માર્યો હતો. વિદેશમંત્રી જયશંકરે પાકિસ્તાની રિપોર્ટરને ઉઘાડા પાડતા હિલેરી ક્લિન્ટનના શબ્દોને રિપીટ કરતા કહ્યું હતું કે, "તમે તમારા ઘરના પાછળના આંગણામાં સાપ પાળીને એવી અપેક્ષા ન રાખી શકો કે તે માત્ર તમારા પડોશીઓને જ કરડશે. છેવટે, એ તેને જ કરડશે જેણે તેને પાળ્યા છે." 2011માં હિલેરી ક્લિન્ટને જે કહ્યું હતું તે આજે સાચું પડ્યું છે. પાકિસ્તાને જે આતંકવાદનો સાપ ભારત સામે લડવા માટે અફઘાનિસ્તાનમાં પાળ્યો હતો, અંતે તે આજે તેને જ ડસી રહ્યો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ઉશ્કેરાયેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો, VIDEO:પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા; દીકરીને પરત લેવા ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું, ગાડીઓમાં તોડફોડ
    Next Article
    શ્રદ્ધાળુંઓને નશીલું પીણું પીવડાવી લૂંટતી ભાવનગરની ગેંગ, રિકન્સ્ટ્રક્શન:ફૂલડોલ ઉત્સવમાં વૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લૂંટ્યા હતા, ધતુરાના બીજ ઘસીને પીણાંમાં નાખતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment