Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ, DRONE VIDEO:6ઠ્ઠા માળે લાગેલી આગ નીચે ફેલાઈ, 17થી વધુ દુકાનો બળીને ખાખ; 1 ફાયરકર્મીને ઈજા

    17 hours ago

    સુરતના સારોલીમાં આવેલી જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે વિકરાળ આગ ફાટી નીકળી હતી. માર્કેટના છઠ્ઠા માળેથી શરૂ થયેલી આગ જોતજોતામાં પાંચમા અને ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે ફાયર વિભાગે તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરી શહેરભરમાંથી ફાયર ફાઈટરોને રવાના કર્યા હતા. રાતે 12 વાગ્યાથી આગ ભભૂકી છે, 8 કલાકે થોડી કાબુમા આવી હતી. જોકે આગ ફરી બેકાબૂ બની અને કંટ્રોલમાં આવેલી આગ અન્ય દુકાનમાં પ્રસરી વિકરાળ બની છે. 10 કલાકથી વધુની મહેનત છતાં આગ પર કાબુ મેળવી શકાયો નથી. એક જગ્યાએ આગ કાબુમાં લેવાય છે તો અન્ય જગ્યાએ ફરી ભભૂકી ઉઠે છે. ટેક્સટાઇલ માર્કેટના છઠ્ઠા માળ પર એક પછી એક દુકાનોમાં આગ પ્રસરી હતી. એક ફાયરકર્મીને ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. ડિવિઝનલ ફાયર ઑફિસર હિતેશ ઠાકોરે કહ્યું કે, છઠ્ઠા ફ્લોરના માળિયામાં સંગ્રહિત સાડીઓનો જથ્થો પેટ્રોકેમિકલ્સ પ્રકારનું મટીરીયલ હોવાથી તે ફ્યુઅલ તરીકે કામ કરી રહ્યું છે, જેના કારણે હીટ, સ્મોક અને ચેઇન રિએક્શનથી એક દુકાનમાંથી બીજી દુકાનમાં હીટ ટ્રાન્સફર થતાં આગ વારંવાર પ્રજ્વલિત થઈ રહી હતી. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને આગ સંપૂર્ણપણે ઓલવવા માટે કૂલિંગ કામગીરી ચાલી રહી છે, જેમાં હજુ થોડો સમય લાગશે. 17 જેટલી દુકાનો બળીને ખાખ થઈ વેપારી અનુપ જલને જણાવ્યું હતું કે, માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાનોની બહાર રાખેલા સિન્થેટિક માલના જથ્થાએ આગ પકડી લેતાં તે ક્ષણભરમાં વિકરાળ બની બંને તરફની દુકાનોમાં પ્રસરી ગઈ હતી. મારી સહિત અન્ય વેપારીઓની અંદાજે 15થી 17 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હોવા છતાં આગળ-પાછળ ઝડપથી ફેલાયેલી આગના કારણે પેક કરાયેલા સેંકડો પાર્સલ અને તૈયાર માલ બળીને રાખ થયા છે. મોડી રાતથી અત્યાર સુધી ભભૂકતી આગ એક ફાયરકર્મીની તબિયત લથડતાં સારવારમાં ખસેડાયો બંધ માર્કેટમાં આગ કયા કારણોસર લાગી ? તહેવારોની સીઝન પૂરજોશમાં ચાલી રહી હોવાથી મોટા પાયે સ્ટોક તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ દુર્ઘટનાએ વેપારીઓની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે. આગની તીવ્રતા, ધુમાડા અને બચાવ કામગીરી દરમિયાન છંટાયેલા પાણીના કારણે માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. માર્કેટના નિયમ મુજબ રાત્રે તમામ દુકાનોના મુખ્ય વીજ કનેક્શન બંધ કરી દેવાતા હોવા છતાં, બંધ માર્કેટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે. ધૂમાડાના ગોટેગોટા વચ્ચે ટર્ન ટેબલ લેડરની મદદ લેવાઈ ફાયર કંટ્રોલ રૂમને રાત્રે 12:12 વાગ્યે શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પ્રારંભિક તબક્કે 5થી 6 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. જોકે, સ્થળ પર પહોંચતાં જ 5મા અને 6ઠ્ઠા માળે આગની જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. 15થી વધુ ફાયર ટેન્ડર અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટે વપરાતી ટર્ન ટેબલ લેડર મારફતે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સવારે 9 વાગ્યે આગને થોડી કાબુમાં લેવાઈ હતી. ત્યારબાદ ફરી આગ ભભૂકવા લાગી છે. માર્કેટમાં આગથી બે ગોડાઉન ખાખ 2500થી 2700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા બે ગોડાઉનનો કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે કેટલોક માલ પાણીના કારણે પલળીને બરબાદ થયો હતો. ઘટનાની જાણ થતાં જ SMC ના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો અને ખુદ મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ આગ પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પેસેજમાં મૂકેલા માલસામાને મુશ્કેલી વધારી, વિઝિબિલિટી શૂન્ય માર્કેટ ચારેય તરફથી બંધ હોવાને કારણે અંદર ધુમાડો ભરાઈ ગયો. સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે માર્કેટના પેસેજમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા કાપડના જથ્થામાં આગ પકડાઈ છે. પેસેજ બ્લોક હોવાથી ફાયર વિભાગના જવાનોને અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સલામતીના ભાગરૂપે અને શોર્ટ સર્કિટથી આગ વધુ ન ભડકે તે માટે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો છે. બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. હતી સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે, 150 જેટલા ફાયર જવાનોએ ઉપલબ્ધ તમામ સાધન-સામગ્રી સાથે સતત પ્રયાસો કરીને આખરે આગને થોડી નિયંત્રણમાં લીધી છે. આ બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. રિન્યુ થયેલી હતી અને પ્રાથમિક તબક્કે ફાયર સિસ્ટમે રિસ્પોન્ડ પણ કર્યું હતું. માર્કેટમાં કાચની બારીઓ હોવા છતાં, ધુમાડાના યોગ્ય નિકાલ માટે નિયમ મુજબ ઓપનેબલ વેન્ટિલેશન અને કોમન પેસેજમાં સરળ એક્સેસ હોવો અત્યંત જરૂરી છે. નાગરિકો અને વેપારીઓની સલામતીને સર્વોપરી રાખીને હાલ પૂરતું આ સમગ્ર બિલ્ડિંગને સદંતર બંધ કરાશે. આ બિલ્ડિંગનું સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ ઓડિટ તેમજ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઓડિટ કરાશે અને ફાયર સેફ્ટી સિસ્ટમ પુનઃ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અને સંબંધિત જરૂરી બાંહેધરી મેળવ્યા પછી જ માર્કેટને ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. 25 ફાયરની ગાડીઓ અને 150 કર્મચારીઓની ટીમની કામગીરી ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું હતું કે, બિલ્ડિંગમાં અંદર સિન્થેટિક મટિરિયલ હોવાના કારણે પ્લાસ્ટિકની જેમ સળગતા ભારે ધુમાડો ફેલાયો હતો અને રાત્રિના સમયે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં શરૂઆતમાં અંદર પ્રવેશવું અશક્ય બની ગયું હતું. આથી ફાયર ટીમે સૌપ્રથમ હાઈડ્રોલિક પ્લેટફોર્મ વડે બહારથી પાણીનો મારો ચલાવ્યો અને ત્યારબાદ જવાનોએ બ્રીથિંગ એપેરેટસ સેટ, ફાયર સૂટ તેમજ લાઈટ માસ્ટ સાથે અંદર પ્રવેશી કામગીરી હાથ ધરી. આ કામગીરીમાં 25 ફાયરની ગાડીઓ, ટર્નટેબલ લેડર અને અંદાજે 150 કર્મચારીઓ તથા અધિકારીઓ જોડાયા હતા. 'તંત્ર પર નિર્ભર રહેવાને બદલે વેપારીઓએ જાગૃત થવું પડશે' ફોસ્ટા (FOSTTA)ના ચેરમેન કૈલાશ હાકીમે જણાવ્યું હતું કે તંત્ર અને ફાયર વિભાગની મહેનતમાં કોઈ ખામી નથી, પરંતુ ટેક્નોલોજીના આ યુગમાં આગ ઓલવવા માટે માત્ર પાણી છાંટવા સિવાય અન્ય આધુનિક ટેકનોલોજીકલ ઉપાયો પણ શોધવા જોઈએ. તંત્ર પર નિર્ભર રહેવાને બદલે વેપારીઓ અને માર્કેટ એસોસિએશનોએ પણ સ્વયં જાગૃત થવું પડશે. માર્કેટોમાં ફાયર પ્રિવેન્શનના નિયમોનું કડક પાલન થવું અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી હોનારતો ટાળી શકાય. તહેવારો ટાણે મોટું આર્થિક નુકસાન દિવાળી અને આગામી લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને બંને વેપારીઓએ મોટા પાયે કાપડનો નવો સ્ટોક જમા કર્યો હતો, જે આ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો છે. સીઝનના મુખ્ય સમયે જ આ દુર્ઘટના સર્જાતા વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને સમગ્ર સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. આ ઘટના બાદ કાપડ બજારના વેપારીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે કાર્યવાહી:બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ ફટકારી
    Next Article
    ભાવનગરમાં જન્માષ્ટમી મેળામાં નકલી PSI ઝડપાયો:ગાંધીનગર S.I.T.ના PSIનું બનાવટી કાર્ડ મળ્યું ; ઘોઘારોડ પોલીસે ભુંભલીના શખ્સ સામે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment