Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:પતંગોત્સવની ધર્મકથા छ: ભીષ્મએ નિર્વાણ માટે ઉતરાયણનો દિવસ કેમ પસંદ કર્યો?

    1 day ago

    14મી જાન્યુઆરી, આપણે એ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. એ દિવસ પિતામહ ભીષ્મએ પોતાના દેહત્યાગના દિવસ તરીકે નક્કી કર્યો. આપણું દિવાળીથી દિવાળીનું કેલેન્ડર ચંદ્ર (લ્યુનર) આધારિત છે. એક પૂનમથી બીજી પૂનમ 29.5 દિવસ થાય છે. 354 દિવસમાં 12 પૂર્ણિમા અને સૂર્ય 365.25 દિવસે ફરી પાછો એ જ જગ્યાએ આવે એટલે 11.25 દિવસ-સોલાર અને લ્યુનર કેલેન્ડર વચ્ચે ફેર પડે. આ એકબીજા સાથે સિંકમાં રહે એ માટે અધિક માસ ઉમેરવામાં આવે છે તો અંગ્રેજીમાં દર ચાર વર્ષે 0.25 દિવસને સેટલ કરવા માટે ફેબ્રુઆરીના 29 દિવસ ગણવામાં આવે છે. આપણું ઋતુચક્ર સૂર્યનું કેલેન્ડર ફોલો કરે છે જ્યારે મુહૂર્ત કાઢવા માટે ચંદ્રનો આધાર લેવામાં આવે છે. 27 નક્ષત્ર અને 12 રાશિ સાથે ચંદ્રનો પ્રવાસ ચાલ્યા કરે છે. માગશર મહિનાની શુક્લ પક્ષની અગિયારસ, ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે એટલે એ દિવસે ‘ભગવદ્ ગીતા’ કહેવાઈ એવું માની લઈએ તો આ વખતે 1લી ડિસેમ્બરે ગીતા જયંતી ઉજવવામાં આવી, ત્યાંથી 14 જાન્યુઆરી એટલે એક મહિનો ને 14 દિવસ... આઠમા દિવસે ઈરાવાન (અર્જુન અને ઉલુપીનો પુત્ર)ના મૃત્યુ પછી ભીમે 9 કૌરવ પુત્રનો વધ કર્યો. નવમો દિવસ શરૂ થતા જ અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રોએ રાક્ષસ અલંબુશની સાથે યુદ્ધ કર્યું. એ જ દિવસે વારંવાર સામે આવતા ભીષ્મની સામે અર્જુન લડી શક્યો નહીં ત્યારે કૃષ્ણએ રથનું પૈડું ઉપાડ્યું, ‘રથાંગપાણિ’ થયા અને દસમા દિવસે શિખંડીની સામે ભીષ્મએ દેહત્યાગ કરવાનો નિર્ણય કર્યો. અર્જુને બાણશૈયાનું સર્જન કર્યું અને ભીષ્મની ખબર જોવા ગયેલા કૃષ્ણની સ્તુતિ માટે ભીષ્મએ ‘વિષ્ણુસહસ્ત્રનામ’નું ઉચ્ચારણ કર્યું. બાણશૈયા પર સૂતેલા ભીષ્મએ યુધિષ્ઠિરને જીવન અને રાજનીતિનું જ્ઞાન આપતી વખતે કહ્યું, ધર્મનું પાલન કરજે, ક્રોધનો ત્યાગ કરજે, બ્રહ્મચર્યનું પાલન કરજે, અહિંસા અને સત્યનું પાલન કરજે, સતત શીખતો રહેજે, પુત્રનું સમ્માન કરજે, દાન, સત્સંગ અને ભક્તિ કરજે, અજ્ઞાનનો ત્યાગ કરજે. આ 12 ઉપદેશોમાં એક સમગ્ર સુખી, સન્માનનીય અને સ્વસ્થ જીવનનું રહસ્ય છે. આપણે મૃતદેહનું માથું ઉત્તર તરફ રાખીએ છીએ એટલે સૂર્ય જ્યારે ઉત્તર તરફનો પ્રવાસ શરૂ કરે ત્યારે આપણા શરીરમાં આવેલી ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝની દિશા આપણા બ્રહ્મરંધ્રમાંથી પસાર થઈને પંચમહાભૂતમાં વિલીન થાય છે. માનવામાં આવે છે કે, આ ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ જ્યારે પંચમહાભૂતમાં ભળે છે ત્યારે આત્માની મુક્તિ થાય છે. ભીષ્મ ગંગાપુત્ર હતા. આપણે સૌ ગંગામાં પોતાના પાપ ધોઈએ છીએ-અને વૈજ્ઞાનિક રીતે પૂરવાર થયું છે કે, ગંગાના જળમાં બેક્ટેરિયોફેજ વાયરસ છે, જે બેક્ટેરિયાનો નાશ કરે છે. ગંગાના પાણીમાં ઓક્સિજન શોષવાની અસાધારણ ક્ષમતા અને ઔષધીય તત્વો છે, જે પાણીને બગડવા દેતા નથી. આવા ગંગાપુત્રને કદાચ ‘ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ’ની જાણ હશે એમ માની શકાય. પિતા ઈચ્છિત સ્ત્રી સાથે લગ્ન કરી શકે એ માટે જેણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી, પરંતુ એ જ વ્યક્તિ કર્ણને પરીક્ષામાં ભાગ લેવા ના દે, કૌરવોને ખોટું કરતા અટકાવી ન શકે, ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ કે દુર્યોધનની દ્યુતસભાને રોકી ન શકે એમના પરસ્પર વિરોધી વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યાંક ભીષ્મ ખૂબ મહાન લાગે છે તો ક્યાંક એ હસ્તિનાપુરના સિંહાસનના રક્ષક બનતાં બનતાં પોતાની વિવેકબુદ્ધિ ખોઈ બેઠા હોય એવી લાગણી થાય છે. વડીલો જ્યારે સત્ય કહેતાં અચકાય અને પોતાના પછીની પેઢીને સાચી દિશા બતાવવાને બદલે પ્રેમ, મોહ કે લાગણીને કારણે એમની ખોટી વાતમાં પણ મૌન રહે ત્યારે પરિવાર વિખરાઈ જાય છે. અંતે, જે નવી પેઢીને ખુશ રાખવા માટે વડીલો ચૂપ રહ્યા કે એમની તમામ ઈચ્છાઓ પૂરી કરી એ નવી પેઢી બરબાદ થઈ જતી જોવા મળે છે. ભીષ્મનું પાત્ર આપણને શીખવે છે કે, ગંગાના પુત્ર હોવા છતાં, યુવાવયે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી શકવાનું મનોબળ હોવા છતાં ઘરના વડીલ તરીકે જો સાચો અને યોગ્ય નિર્ણય લઈને, પછીની પેઢીઓને જરૂર પડે શિક્ષા ન કરી શકે તો સમગ્ર પરિવારનો નાશ થાય છે. મહાભારતના યુદ્ધના પ્રારંભે ભીષ્મ કહે છે, ‘અર્થસ્યદાસો અહં.’ આ વાક્યનો અર્થ, અર્થનો એટલે કે પૈસાનો, સગવડનો, સિંહાસનનો દાસ? ના, પોતે જે બોલ્યા-એ શબ્દ-એ શબ્દના અર્થ સાથે સંકળાયેલી પોતાની જવાબદારીનો દાસ! હસ્તિનાપુરના સિંહાસનના રક્ષક તરીકેની જવાબદારી સ્વીકાર્યા પછી સિંહાસન પર બેઠેલી વ્યક્તિના નિર્ણયને સ્વીકારવો એ કદાચ, ‘અર્થસ્ય દાસ’ની મજબૂરી હશે? આપણે બધા જ ક્યાંકને ક્યાંક પોતે જ બોલેલા શબ્દોના ગુલામ બની જઈએ છીએ. એક તરફ ભીષ્મ છે, જે પોતાની પ્રતિજ્ઞાને પત્થર પર લખેલા શબ્દોની જેમ જડતાથી વળગી રહે છે ને બીજી તરફ કૃષ્ણ છે જેમણે ‘ન્યાસ્તિ શસ્ત્ર’ અને ‘અયુધ્યમાન્’ની પ્રતિજ્ઞા કર્યા પછી પણ જ્યારે અર્જુનને નબળો પડતો જોયો ત્યારે રથના પૈડાને શસ્ત્ર બનાવીને ભીષ્મ તરફ ધસી ગયા. આપણે કરેલી પ્રતિજ્ઞાના શબ્દો જો આપણા જ પગમાં બેડી બની જાય તો આપણે આપણી પોતાની જ જડતાના શિકાર બની જઈએ છીએ. જ્યાં જડતા છે ત્યાં જીવન પાંગરી શકતું નથી... જીવનને પાંગરવા માટે પ્રવાહિતા, બદલાવ અને પ્રવાસની જરૂરિયાત છે. સૂર્ય પોતાની જગ્યાએ સ્થિર છે તેમ છતાં ઉત્તર તરફ પ્રવાસ કરે છે-એ માન્યતા સૂર્યમાં પણ જડતા નથી એ વાતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે. ભલે પૃથ્વીની બદલાતી ગતિને કારણે આપણને સૂર્યના પ્રવાસની અનુભૂતિ થાય, પરંતુ બદલાવ અનિવાર્ય છે-એ વાતની પુષ્ટિ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દર વર્ષે થતી રહે છે. જીવન સતત બદલાતા પરિમાણોને કારણે જ ધબકે છે. જે પોતાના જ શબ્દોના દાસ બની જાય છે-પરિવારના વડીલ તરીકે બદલાતા સમયે પેઢી માનસિકતા અને ટેક્નોલોજી સાથે પોતાનો વ્યવહાર, વિચાર કે વર્તણૂક બદલી શકતા નથી એ સૌ અંતે ભીષ્મની જેમ સામે ઉભેલા શિખંડીની પાછળથી આવતા પોતાના જ પૌત્રના હાથે વીંધાય છે. મહાભારતમાં અર્જુનના બાણ લોખંડના હતા, આજના સમયમાં કદાચ શબ્દોના, અપયશના કે પારિવારિક પ્રતિષ્ઠા અને આર્થિક નુકસાનના બાણ હોઈ શકે, પરંતુ જે વડીલ ભીષ્મની જેમ ‘અર્થના દાસ’ બની જાય છે એમણે અંતે, બાણશૈયા પર સૂવું પડે છે, મૃત્યુની પ્રતીક્ષા કરવી પડે છે... ઉત્તરાયણનો દિવસ માત્ર પતંગ ચગાવવાનો, ઉત્સવ ઉજવવાનો દિવસ નથી. સ્થિર એવો સૂર્ય પણ પ્રવાસ અને પ્રયાણ કરે છે એ સમજીને જડતાને છોડવાનો દિવસ પણ છે.
    Click here to Read More
    Previous Article
    ફેશન:ઉતરાયણ માટે બનો પરફેક્ટ રેડી... કપડાંથી લઈને સનકેર સુધી!
    Next Article
    વુમનોલોજી:પતંગના આકાશમાં બંધાયેલો છે સમાજ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment