Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CDHO હવે 20 દિવસની રજા પર ઉતરી ગયા, અરજદારો પરેશાન:રાજકોટ જિલ્લામાં એક માસમાં જન્મની 706માંથી 4 અને મરણની 1200માંથી ‘0’ અરજીને મંજૂરી

    23 hours ago

    રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલા કાઢવાની પ્રક્રિયામાં કરવામાં આવેલા નવા ફેરફારને કારણે રાજકોટ જિલ્લાના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ તલાટી-કમ-મંત્રીની મંજૂરીથી જે દાખલા સરળતાથી મળી જતા હતા, તેના માટે હવે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (CDHO)નું એપ્રુવલ ફરજિયાત કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રના આ નવા નિર્ણયના કારણે અનેક અરજદારોને ગામડાં અને તાલુકા લેવલેથી રાજકોટ જિલ્લા પંચાયત સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અંદાજિત 16 હજારથી વધુ અરજીઓ આવી પેન્ડિંગ હોવાનું મનાય છે. રાજકોટ જિલ્લાના 652 ગામની અંદર વિવિધ તલાટીઓ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર નોંધણી તો કરી દેવામાં આવી છે, પરંતુ સીડીએચઓની મંજૂરી ન મળવાને કારણે દાખલા ઇસ્યૂ કરી શકાતા નથી. છેલ્લા એક માસની અંદર સી.આર.એસ. (CRS) પોર્ટલ પર જન્મની 706 પૈકી માત્ર 4 અને મરણની 1200 અરજીઓમાંથી એક પણ (ઝીરો) અરજીને મંજૂરી ન મળતાં અરજદારો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ વહીવટી ઢીલના કારણે લોકોના મહેસૂલ અને સરકારી યોજનાઓ સંબંધિત મહત્ત્વના કામો અટકી પડ્યા છે. કાનૂની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના ગણાતા વારસાઈ હક્ક અને પેઢીનામાની પ્રક્રિયા પણ મરણના દાખલાના અભાવે અદ્ધરતાલ અટકી પડી છે. લોકોનું સ્પષ્ટ માનવું છે કે, તંત્રની આ નવી સુવિધા વાસ્તવમાં ભારે દુવિધા રૂપ બની રહી છે. એક ડોટના કારણે પોર્ટલ સાથે આધાર લિંકઅપ ન થયું ! રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાળીના આધારકાર્ડમાં ડૉક્ટર પછી “ડોટ’ (.) હતો, જ્યારે ઓનલાઈન પોર્ટલમાં આવી કોઈ ડોટની સુવિધા ન હોવાથી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ સામાન્ય એરરના કારણે એક મહિના સુધી તેમનું એકાઉન્ટ લિંકઅપ થઈ શક્યું ન હતું અને અરજદારો પીસાતા રહ્યા હતા નવાઈની વાત એ છે કે, જ્યારે આ ટેક્નિકલ ખામી ઉકેલાઈ ત્યારે પોતે 20 દિવસની લાંબી રજા પર ઉતરી ગયા છે!હાલ આ હોદ્દાનો ચાર્જ RCHO પી.જે. જોશીને સોંપવામાં આવ્યો છે. ઇન્ચાર્જ અધિકારીનું આઈડી-પાસવર્ડ લિંકઅપ થઈ જતાં કામગીરી માંડ પૂર્વવત થઈ છે ખરી, પરંતુ એક મહિના દરમિયાન અરજીઓનો મોટો ભરાવો થઈ ગયો હોવાથી નાગરિકોને હજુ રાહ જોવી પડી રહી છે. પ્રક્રિયા જટિલ બની; દરેક એપ્રુવલ સાથે CDHOના મોબાઈલ પર OTP મેળવવો ફરજિયાત નવી સિસ્ટમ મુજબ વર્ષ 2015 પૂર્વેના જન્મ અને મરણના દાખલા મેળવવા કે અપડેટ કરવા માટે જે-તે અરજદારે ગ્રામપંચાયતમાં અરજી કરવાની રહે છે.સૌ પ્રથમ તલાટી રજિસ્ટરમાં તેની નોંધ કરે છે.ત્યારબાદ વીસીઈ મારફતે તલાટીની આઈડીમાંથી સીઆરએસ પોર્ટલ પર રિકવેસ્ટ જનરેટ કરાય છે.આ એક-એક એન્ટ્રી વેરિફાય કરતી વખતે સીડીએચઓના લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે છે.એ ઓટીપી નાખ્યા બાદ જ નવું પ્રમાણપત્ર ઓનલાઈન જનરેટ થાય છે અને જે-તે તલાટીના ઈ-મેલ એડ્રેસ પર મોકલવામાં આવે છે. આ લાંબી પ્રક્રિયાને કારણે વહીવટી સ્તરે ભારે વિલંબ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી પરિપત્રો કાગળ પૂરતા !:ખાનગી શાળાઓની મનમાનીથી દફ્તરના ભાર નીચે કચડાતું છાત્રોનું બાળપણ
    Next Article
    જિલ્લામાં હજુય 11 રેવન્યુ તલાટીની જગ્યા ખાલી રહી ગઈ:કચ્છમાં 121 નવા રેવન્યુ તલાટીની નિમણૂક બાદ 70ની વહીવટી તાલીમ શરૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment