Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ઘુમાની પોશ સોસાયટીમાં દીપડાની એન્ટ્રી, CCTV:DCFએ કહ્યું- મારેલો મરઘો મળ્યો, ડરશો નહીં મનુષ્ય કુદરતી ખોરાક નથી, આસપાસમાં સ્કેનિંગ ચાલું; ડરનો માહોલ

    2 दिन पहले

    ગ્રામ્ય વિસ્તાર બાદ હવે અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમામાં પણ દીપડાએ દેખા દીધી છે. ગઇકાલે(19 જુલાઈ) મોડી રાત્રે શરણદીપ સોસાયટીના એક બંગ્લોઝમાં કોટ કૂદીને દીપડો ઘૂસ્યો હતો. બાદમાં સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા. દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં દીપડાના પંજા હોવા અંગેની કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણથી ચાર જગ્યાએ દીપડાના પંજાના નિશાન મળતા દીપડો હોવાનું સ્પષ્ટ થયું છે. ગાડી લઈને જતી યુવતીએ દીપડો જોયો મળતી માહિતી મુજબ શહેરના છેવાડાના વિસ્તાર ઘુમા ગામથી શેલા તરફ જવાના રોડ ઉપર આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે 1:50 વાગ્યા બાદ દીપડો દેખાયો હતો. સોસાયટીનો કોટ કૂદી દીપડો સોસાયટીમાં આવ્યો હતો. એક યુવતી ગાડી લઈને ત્યાંથી પસાર થતી હતી તેણે પણ આ દીપડાને ત્યાંથી જતા જોયો હતો. સોસાયટીમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે. દીપડાને પાંજરે પૂરવા ટીમ કામે લાગી સ્થાનિકોએ આ મામલે મેયર હિતેશ બારોટને જાણ કરી હતી, જેથી તેઓ સવારે શરણદીપ સોસાયટીમાં પહોંચી ગયા હતા. તેમની સાથે વનવિભાગ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. હાલમાં દીપડાને પાંજરે પૂરવા માટે ટીમ કામે લાગી છે. ફોન પર દીપડો હોવાની જાણ કરી: મનોજભાઈ પહેલીવાર દીપડાને લાઇવ જોનાર દીકરીના પિતા મનોજભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે 1:05 વાગ્યે કાલે વર્લ્ડ કપની મેચ હતી તો બહારથી ચિપ્સ અને પાન વગેરે લેવા માટે એમને દીકરી અને દીકરાને મોકલ્યા હતા. અમે ઘરે જ હતા, તો તેમણે રાત્રે 1:20 વાગ્યે અમને ફોન કર્યો કે ભાઈ અમે બહાર એક દીપડો જોયો છે. પહેલા જ્યારે તેમણે કહ્યું, તો મેં કીધું કે એવું તો હોઈ જ ના શકે, તમે પહેલા પૂરી ખાતરી કરો. તેમણે કહ્યું કે ના, અમે બહાર જોયો છે, તમે પ્લીઝ ઊઠો અને બધાને જાણ કરો. ‘દીકરીએ કહ્યું કે મેં ટપકાંવાળો એક દીપડો જોયો’ જ્યારે તેમણે આ વાત જણાવી, તેના પછી મેં સોસાયટીનું જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં મેસેજ નાખી દીધો. સોસાયટી ગ્રુપમાંથી ચેરમેન ગૌરાંગભાઈનો ફોન આવ્યો, તેઓ બોલ્યા કે 'મનોજજી, જો આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ (વન વિભાગ)ને કોલ કરવો હોય, તો આપણી પાસે પહેલા પૂરી માહિતી હોવી જોઈએ કે ભાઈ આ વાત સાચી છે કે નહીં. તો મેં તેમને જણાવી દીધું અને મારી દીકરી સાથે તેમનો સંપર્ક કરાવ્યો એટલે કે ફોન કરાવ્યો, તો તેણે કહ્યું કે 'હા, મેં ટપકાંવાળો એક દીપડો જોયો હતો, આ જે આપણો મેઈન ગેટ અને મંદિર છે તેની વચ્ચે. અને ત્યાં નીલગાય પણ હતી અને ત્રણ-ચાર કૂતરા પણ હતા. ‘દીપડાના પગના નિશાન જોયા’ તેમણે ગાડી 15 મીટર આગળ જઈને રોકી હતી. તેઓ મંદિરથી ગેટ તરફ આવી રહ્યા હતા. તો 15 મીટરના અંતરે જ્યારે તેમણે ગાડી રોકી, ત્યારે તે ડિવાઈડરની ઉપર બેસી ગયો. પછી ડિવાઈડર પર બેઠા પછી તે કદાચ ઝાડીઓની અંદર થઈને આ દીવાલ કૂદીને અહીં આવી ગયો હશે. જ્યારે અમે સોસાયટીને જાણ કરી, પછી અમે બધા લોકો રાત્રે બહાર નીકળ્યા. સોસાયટીના બધા લોકો પોતપોતાની લેનમાં આંટા મારી રહ્યા હતા. રાત્રે 2 વાગ્યે અમે સોસાયટીના CCTV છે તેમાં ચેક કર્યું, તો ત્યાં ઓલરેડી દીપડાના પગના નિશાન દેખાયા અને તે ક્લબ હાઉસ પરથી છલાંગ મારીને નીચે આવી રહ્યો હતો. ‘ડરનો માહોલ છે’ તેના પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા પણ આવ્યા અને સવારે મેયર પણ આવ્યા હતા. તેમણે બધાએ આશ્વાસન આપ્યું કે તમને પૂરો સપોર્ટ મળશે. પરંતુ બધા લોકો આખી રાત ડરેલા હતા, કારણ કે અમે લોકો તો અહીં રોજ નોર્મલી ચાલવા માટે નીકળીએ છીએ. આ ડરનો માહોલ હતો, પણ ગમે તેમ કરીને અત્યારે બધા સેફ છે. આસપાસના રહેણાંક વિસ્તારમાં સ્કેનિંગ કરાઈ રહ્યું છે: DCF DCF, મીનલ જાનીએ જણાવ્યું કે આશરે એક દીપડાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થતા તે અનુસંધાને એક કલાકમાં વનવિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. અત્યારે વનવિભાગના વેટરનરી ડોક્ટર્સ, પરિક્ષેત્ર વન અધિકારી દસક્રોઈ, પરિક્ષેત્ર વન અધિકારી સાણંદ અને માંડલ તથા તેઓની સમગ્ર ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. આજુબાજુના રહેણાંક વિસ્તારમાં સ્કેનિંગ કરવામાં આવશે અને જો આજુબાજુના રહેણાંક વિસ્તારમાં દીપડો હશે તો તેને પકડીને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે. ‘મનુષ્ય દીપડાનો કુદરતી ખોરાક નથી એટલે ડરશો નહીં’ દીપડાના ફૂટપ્રિન્ટ્સ જોતાં એવું જણાય છે કે એ દૂર જતો રહ્યો હોય, પરંતુ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને એવી વિનંતી છે કે સંધ્યાકાળે ખાસ કરીને તેઓના બાળકોને બહુ અવાવરું જગ્યાએ ના મોકલે અને નજર સામે રાખે અને સોસાયટીના આંગણા સુધી જ સીમિત રાખે. કોઈને ભયમાં રહેવાની જરૂર નથી, કેમ કે મનુષ્ય એ દીપડાનો કુદરતી ખોરાક નથી એટલા માટે આપણે કોઈપણ પ્રકારના ભયમાં રહેવાની જરૂર નથી. પરંતુ જો ક્યાંય દીપડાને તમે સ્પોટ કરો તો તરત જ વનવિભાગની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો. ‘અઠવાડિયા સુધી વનવિભાગ સ્કેનિંગ કરશે’ અત્યારે CCTVનું એનાલિસિસ ચાલી રહ્યું છે. આજુબાજુમાં સોસાયટીની અંદર કુતરા કે એવું કંઈ હોય તો એના ખોરાકમાં મતલબ એ ખોરાકની શોધ માટે એ આવ્યો હોય એવું જણાઈ આવે છે. પરંતુ એ એના કુદરતી રસ્તે ચાલ્યો ગયો હોય તેવું પણ જણાય છે તેમ છતાંય અમારી ટીમ એકાદ અઠવાડિયા સુધી અહીંયા સ્કેનિંગ કરશે અને કોઈ પણ પ્રકારનું રિસ્ક વનવિભાગ લેશે નહીં. ‘મરઘો મારેલો છે, એના માટે જ આવ્યો હોઈ શકે’ અમે અલગ અલગ જગ્યાએ ચારથી પાંચ પાંજરા મૂકીશું અને અમારો સ્ટાફ આસપાસ રહીને મોનિટરિંગ કરશે. મોટેભાગે ખોરાકની શોધમાં જ આ રીતે આવ્યો હોય એવું જણાઈ આવે છે. એક મરઘો મારેલો દેખાય છે તો કદાચ એની માટે જ આવ્યો હોય એવું લાગે છે. અત્યાર સુધીમાં આ પહેલો બનાવ છે કે અમને આ ઘુમા વિસ્તારની આજુબાજુથી દીપડો મળી આવ્યો હોય. ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ દેખાઈ નથી કે દીપડો આજુબાજુમાં દેખાયો હોય એટલે બહારની જગ્યાએથી જ દીપડો આવ્યો હોય એવી શક્યતાઓ વધારે છે. ‘8-9 વર્ષનો દીપડો હોય તેવું લાગે છે’ જે નર દીપડા હોય છે એ સામાન્ય રીતે એક રાતમાં 5 કિમીથી 50 કિમી સુધી ચાલી શકતા હોય છે. એટલે એવું કહી ના શકાય કે આ દીપડો અહીંયા જ સ્થાયી થશે એ મુવ પણ થઈ ગયો હોવો જોઈએ. જે સીસીટીવી ફૂટેજ છે એના ઉપરથી આ 8થી 9 વર્ષનો દીપડો હોય એવું લાગી રહ્યું છે. ઝડપીમાં ઝડપી રેસ્ક્યૂ કરી લઇશું: વન રાજ્યમંત્રી વન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે આજે શેલા-બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડો ફરવાના સમાચાર મળ્યા છે. દીપડાએ કોઈને નુકસાન કર્યું હોવાનો કોઈ સમાચાર નથી. ફોરેસ્ટની ટીમો દીપડાને રેસ્કયુ કરવા કામે લાગી છે. મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ ફોલોઅપ લઈ રહ્યા છે. અગાઉ પણ શહેરી વિસ્તારોમાં દીપડા આવ્યા છે. નદીના કોતરો પણ છે, ત્યાંથી પણ આવી શકે પરંતુ નજીકમાં કોઈ સેન્ચુરી એરિયા નથી. એટલે એના ફુટપ્રિન્ટ જ્યાં જ્યાં હશે ત્યાં ફુટપ્રિન્ટ ચેક કરીને કયા વિસ્તારમાંથી આવે છે તે પણ ચેક કરી તપાસની અંદર એ પણ ચેક કરી લેવામાં આવશે. હાલ માત્ર રેસ્ક્યૂનો વિષય છે એટલે એને ઝડપીમાં ઝડપી રેસ્ક્યૂ આપણે કરી લઇશું. ઘુમા ગામ નજીક દીપડો દેખાયો: મેયર મેયર હિતેશ બારોટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘુમા ગામ નજીક દીપડો દેખાયો છે. રાત્રિના સમયે દીપડો આવી ગયો હતો જે મામલે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી અને વનવિભાગ તેમજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓને જાણ કરી છે. ઘુમા અને આસપાસના વિસ્તારોમાં વનવિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમે અત્યારે દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે. પોશ વિસ્તાર ઘુમામાં દીપડાની અવરજવર સામાન્ય રીતે દીપડો-સિંહ જેવા જંગલી પશુઓ જંગલ વિસ્તારની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળતા હોય છે, પણ આ વખતે પહેલીવાર દીપડો અમદાવાદના પોશ વિસ્તાર ઘુમામાં જોવા મળ્ચો છે, તેમાં પણ તે એક બંગ્લોઝની સોસાયટીમાં ઘૂસી ગયો છે. જ્યાં દીપડો ઘૂસી ગયો તે શરણદીપ સોસાયટીની વાત કરીએ તો તે બોપલ-ઘુમાના VIP રોડ પર આવેલી છે. આ સોસાયટીથી થોડા અંતરે જ ઔડા ઓડિટોરિયમ અને ક્લબ O7 આવેલા છે, સાથે જ VIP રોડ પર પણ ખૂબજ ચહલપહલ જોવા મળે છે. જેથી છેક અહીં સુધી દીપડો ઘૂસી જતા સ્થાનિકો તેમજ તંત્ર માટે ખૂબજ ચિંતા કરાવતી સ્થિતિ છે. વર્ષ 2021માં સનાથલમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યું હતું વર્ષ 2021માં સાણંદના સનાથલ ગામની સીમમાં રાત્રે દીપડો દેખાયો હોવાની વાત વહેતી થતા સનાથલ તેમજ આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ વનવિભાગને પણ દીપડાની ફૂટ પ્રિન્ટ મળી આવતા વનવિભાગનો સ્ટાફ દીપડાને પકડવા કામે લાગ્યો હતો. સનાથલ ગામની સીમમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સંસદ સુધી પહોંચ્યા કોકરોચ પાર્ટીના પ્રદર્શનકારીઓ:પોલીસે ટિયર ગેસ છોડ્યા, લાઠીચાર્જ પણ કર્યો; દીપકેએ અચાનક ઉપવાસ તોડ્યા
    Next Article
    વેરાવળમાં NEET માં 500+ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ સન્માનિત:સમસ્ત મુસ્લિમ સેવા સમાજે શિક્ષણનું મહત્વ સમજાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment