Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના યુવકે CA બનવા બિલાના શરબતની લારી લગાવી:ફાઈનલની ફી ભરવા બેલ રસ વેચવા નીકળ્યો, પિતાને ફ્રુટ વેચવામાં મદદની સાથે CA ઇન્ટરમીડિએટ પાસ કર્યું

    5 days ago

    કહેવાય છે કે સપના જોવાની કોઈ કિંમત નથી હોતી, પણ તેને પૂરા કરવા માટે ક્યારેક આકરી કિંમત ચૂકવવી પડે છે. સુરતના પાંડેસરામાં રહેતા 21 વર્ષના કૌશિક મિશ્રાની વાત કંઈક આવી જ છે. જેણે ગરીબી સામે હથિયાર હેઠા મૂકવાને બદલે રસ્તા પર બિલાનું શરબત વેચીને પોતાનું CA બનવાનું સપનું જીવંત રાખ્યું છે. જાન્યુઆરી 2026માં CA ઇન્ટરમીડિએટ પાસ કરનાર આ યુવાન આજે CA ફાઈનલની ફી ભરવા માટે ધોમધખતા તાપમાં પરસેવો પાડી રહ્યો છે. સરકારી શાળાનો પાયો અને ધોરણ 12માં 83% મેળવ્યા કૌશિકનો પરિવાર છેલ્લા 35 વર્ષથી સુરતમાં સ્થાયી થયો છે. અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા આ પરિવારના સંતાન કૌશિકે પોતાનો પ્રાથમિક અભ્યાસ (ધોરણ 1થી 8) મ્યુનિસિપલ પ્રેમનાથ પ્રાથમિક શાળા નંબર 265 માંથી પૂર્ણ કર્યો હતો. ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં ભણતા આ બાળકની આંખોમાં કંઈક મોટું કરવાની તમન્ના પહેલેથી જ હતી. ત્યારબાદ તેણે ભટારની વિદ્યાભારતી શાળામાં ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ કર્યો. પિતાની લારી પર મદદ કરવા છતાં તેણે ધોરણ 12માં 83% મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ફ્રુટની લારી પરથી CA બનવાનો માર્ગ કેવી રીતે મળ્યો? કૌશિકના પિતા સુરતના રસ્તાઓ પર ફ્રુટ વેચીને 5 સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવે છે. કૌશિક પણ નવરાશના સમયે પિતાને મદદ કરવા લારી પર જતો હતો. એક દિવસ લારી પર ફ્રુટ લેવા આવેલા માનવ અને કમલ નામના બે CA વિદ્યાર્થીઓની નજર કૌશિક પર પડી. તેની વાત કરવાની રીત અને ભણતર પ્રત્યેની રુચિ જોઈને તેમણે કૌશિકને CA કોર્સ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જ કૌશિકને રવિ છાવછરીયા સર સાથે મુલાકાત કરાવી આપી, જે કૌશિકના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. રવિ સર દ્વારા તેની ઘણી મદદ કરવામાં આવી અને તેને સીએ કોર્ષ કરવા માટે મદદ કરવામાં આવી. લાઇબ્રેરીમાં 12 કલાકની તપસ્યા અને સેલ્ફ સ્ટડી CAનો અભ્યાસ મોંઘો અને અઘરો ગણાય છે, પણ કૌશિક માટે તે એક પડકાર હતો. તે જણાવે છે કે, "હું સવારે 7:45 વાગ્યે અટલ બિહારી વાજપેયી લાઇબ્રેરી પહોંચી જતો, કારણ કે 8 વાગ્યે તે ખુલે ત્યારે મારે શાંતિથી ભણી શકાય તેવી જગ્યા જોઈતી હતી. રાત્રે 8 વાગ્યા સુધી ત્યાં બેસીને રવિ સરના ઓનલાઇન લેક્ચર્સ જોતો. જો કોઈ ટોપિક ન સમજાય તો હું ગૂગલ પર સર્ચ કરીને પોતે જ શીખી લેતો." રાત્રે ઘરે જઈને માત્ર થોડો નાસ્તો કરી ફરી રાત્રે 12 વાગ્યા સુધી તે પુસ્તકોમાં ડૂબેલો રહેતો હતો. જાન્યુઆરીમાં CA ઇન્ટરમીડિએટ પાસ કરી ઇતિહાસ રચ્યો કૌશિકની મહેનત રંગ લાવી અને તેણે જાન્યુઆરી 2026માં CA ઇન્ટરમીડિએટની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી લીધી. એક રૂમ-રસોડાના નાના મકાનમાં રહીને, જ્યાં પિતા ફ્રુટ વેચતા હોય, ત્યાંથી કોઈ છોકરો CA ના બીજા પડાવ સુધી પહોંચે તે આખા વિસ્તાર માટે ગર્વની વાત હતી. પરંતુ, આ સફળતા પછી તેની સામે એક મોટો પહાડ ઊભો હતો – તે હતો CA ફાઈનલના ક્લાસની ફીનો ખર્ચ. ફી માટે શરૂ કરી 'બેલ રસ'ની લારી CA ઇન્ટરમીડિએટ પાસ કર્યા પછી હવે કૌશિક સામે CA ફાઈનલના મોંઘા ક્લાસની ફીનો પ્રશ્ન ઊભો થયો હતો. પિતાની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ લાખોની ફી ભરી શકે. કૌશિકે હાર માનવાને બદલે વિચાર્યું કે તે પોતે કંઈક કરશે. તેણે સિટી લાઈટ વિસ્તારમાં 1 અઠવાડિયા પહેલા બિલાના શરબતની લારી શરૂ કરી. કૌશિક કહે છે, "કોઈપણ કામ નાનું નથી હોતું. આ શરબત વેચીને જે પણ આવક થશે, તેનો ઉપયોગ હું મારા ફાઈનલના ક્લાસ માટે કરીશ." સવારે 7થી રાતના 10 સુધીનો નિત્યક્રમ આજે કૌશિકનો દિવસ સવારે 7 વાગ્યે શરૂ થાય છે. તે ઘરેથી શરબત બનાવવા માટેની સામગ્રી તૈયાર કરીને લારી પર પહોંચે છે. આખો દિવસ આકરી ગરમીમાં ઊભા રહીને તે લોકોને ઠંડક આપતું શરબત પીવડાવે છે અને સાંજે 7થી 10 વાગ્યાના સમયગાળામાં ઘરે પરત ફરે છે. આટલી શારીરિક મહેનત પછી પણ તેના ચહેરા પર ક્યારેય થાક જોવા મળતો નથી, કારણ કે તેની નજર સામે CA ની ડિગ્રી છે. "મારું સપનું CA બનીને દેશની સેવા કરવાનું છે" કૌશિક માટે CA માત્ર એક ડિગ્રી નથી, પણ ગરીબીમાંથી બહાર આવવાનો રસ્તો છે. તે કહે છે, "મને ખબર છે કે મધ્યમ વર્ગના છોકરાઓ માટે ભણવું કેટલું અઘરું છે. હું CA બનીને માત્ર પૈસા કમાવવા નથી માંગતો, પણ દેશની આર્થિક વ્યવસ્થામાં યોગદાન આપવા માંગું છું. મારે એવા બાળકોને મદદ કરવી છે જેઓ પ્રતિભાશાળી છે પણ પૈસાના અભાવે ભણી શકતા નથી." સુરતવાસીઓ માટે પ્રેરણાનું ઝરણું કૌશિકની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. લોકો તેની મહેનત અને હિંમતને દાદ આપી રહ્યા છે. જે યુવાનો નાની મુશ્કેલીમાં નાસીપાસ થઈ જાય છે, તેમના માટે કૌશિક એક જીવતું-જાગતું ઉદાહરણ છે. તે સાબિત કરે છે કે જો તમારા ઇરાદા મજબૂત હોય, તો રસ્તા પર શરબત વેચતા-વેચતા પણ આકાશને આંબી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 32 વર્ષીય યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ:પુત્રની હાલત જોઈ માતાએ પણ ઝેર ગટગટાવ્યું, કાપડ વેપારી બાકી નીકળતા 3 કરોડ નાણા ન ચુકવતા તેની સામે જ પગલું ભર્યું
    Next Article
    વાપી મનપા ચૂંટણી:1.13 લાખથી વધુ મતદારો આખરી મતદાર યાદી જાહેર, 13 વોર્ડમાં 122 બૂથ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment