Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મારા લીધે પત્ની અને માએ મજૂરીએ જવું પડે છે’:દારૂને લીધે બરબાદ થયેલા સાબરમતી જેલના બે કેદી સાથે વાત, ‘બનવું હતું CA ને બની ગયો હત્યારો’

    1 day ago

    ગઈકાલે દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’માં ઘાયલ પ્રેમી વિશ્વાસ સાથે વાત કર્યા બાદ આજે આપણે વાત કરીશું શકીલ અને સુમિત સાથે. શકીલ અને સુમિત બંને મર્ડરના જ ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. બંનેની કહાની અલગ, બંનેના કેસ અલગ, જેલમાં બંનેનાં લોકેશન અલગ, પરંતુ બંને કેદી એક કડીથી જોડાયેલા છે, જે છે દારૂ! ‘દારૂ’ ફક્ત પીનારની નહીં, પરંતુ બીજાની પણ જિંદગી બરબાદ કરે છે, એ વાત અહીં પુરવાર થાય છે. દારૂડિયાઓના કારણે આ બંને કેદી (જે પોતે દારૂ પીતા પણ નહોતા) હાલમાં સાબરમતી જેલની દીવાલો વચ્ચે કેદ છે. *** બડા ચક્કર, છોટા ચક્કર, અંડા સેલ એ વળી શું? ‘બંદીવાન’ના ગઇકાલના એપિસોડમાં આપણે જાણ્યું કે અમદાવાદની સાબરમતી જેલમાં ત્રણ અલગ વિભાગ આવેલા છે. આજે એ જેલની અંદરની વ્યવસ્થા સમજીશું. નવી જેલ, જેમાં કોર્ટમાંથી સજા મેળવી ચૂકેલા પાકા કામના કેદીઓ રહે છે. એમાં ટોટલ ચાર વિભાગ; બડા ચક્કર, છોટા ચક્કર, બસ્સો ખોલી અને અંડા સેલ. દરેક વિભાગનું જેવું નામ એવું જ કામ. બડા ચક્કરમાં, એક મોટું સર્કલ. એમાં વચ્ચે ખાલી મેદાન જેવું અને સૂર્યનાં કિરણો નીકળે એ રીતે સર્કલની બારે દિશામાં એક એક લંબચોરસ બેરેક. દરેક બેરેક એટલી મોટી કે એમાં 50 કેદીઓ આરામથી રહી શકે. એે ઓરડીમાં એક બાજુની દીવાલને અડકીને લાઇનસર 25 ગાદલાં, વચ્ચે ચાલવાની જગ્યા ને એની એક્ઝેક્ટ સામે 25 ગાદલાં. દરેક કેદીનાં ગાદલાના ઓશીકા પાસે જ તેમનો સામાન, તેમની જમાપૂંજી કે તેમની આજીવિકા, જે ગણો એ એટલી જ જગ્યા! 200 બેરેક હતાં, તો નામ પડી ગયું ‘બસ્સો ખોલી’ આ જ રીતે છોટા ચક્કરમાં થોડી ઓછાં બેરેક, પણ પેટર્ન સેમ. છોટા ચક્કર, બડા ચક્કર સેમ, પણ હવેના બે વિભાગ થોડા ડેન્જર! ત્રીજો વિભાગ બસ્સો ખોલી, બસ્સો ખોલીમાં પણ જેવું નામ એવું કામ. 200 બેરેક હોવાના કારણે એનું નામ ‘બસ્સો ખોલી’ પડી ગયું. બસ્સો ખોલીમાં ફક્ત એવા જ કેદીઓને રાખવામાં આવ્યા છે, જેઓ ખૂબ જ ખૂનખાર છે અથવા તો અતિશય ગંભીર ગુનો કરીને જેલમાં આવ્યા છે. આતંકી હુમલાના આરોપીઓ કે સમાચારોમાં ચમકતા ગેંગસ્ટર અહીં કેદ હોય. સૌથી છેલ્લો વિભાગ ‘અંડા સેલ’. અંડા સેલમાં સાવ ઓછાં બેરેક, પણ બેરેકનો આકાર ઇંડા જેવો એટલે નામ પડી ગયું ‘અંડા સેલ’. સાબરમતીની સૌથી હાઇ સિક્યોરિટીવાળું બેરેક, જેમાં નામચીન કેદીઓનો વિસામો. હવે આજના કેદી સાથે મુલાકાત કરીએ. આજે એક નહીં, બે કેદીઓને મળીશું. *** બનવું હતું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બની ગયો ‘બંદીવાન’ ‘બંદીવાન’ સિરીઝના બીજા એપિસોડમાં આજે પહેલા વાત કરીશું અમદાવાદના ‘શકીલ’ સાથે. અમદાવાદના રામોલનો શકીલ 27 વર્ષની ઉંમરથી જેલમાં સજા ભોગવી રહ્યો છે અને આજીવન કેદની સજા કાપતાં કાપતાં હાલ 36 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યો છે. દેખાવે એકદમ ડિસન્ટ અને વેલ ડ્રેસ્ડ. કદ-કાઠીએ સિંગલ બોડી, વેલ ટ્રિમ્ડ દાઢી અને એકદમ ક્લીન બોલી. જેલમાં આવ્યા પહેલાં શકીલ એકાઉન્ટન્ટની જોબ કરતો, પણ થોડીવાર વાતચીત કરી એટલે તેની બોલીના કારણે મારે અચાનકથી વચ્ચે વાત કાપીને પૂછવું પડ્યું કે તમે ભણ્યા છો શું? જવાબ હતો, CA! યસ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ! શકીલ કહે છે, ‘એકાઉન્ટન્સી મારો શોખ હતો એટલે 12 કોમર્સ પછી બી.કોમ. કર્યું. 91.7% સાથે ગ્રેજ્યુએશન પૂરું કરી સુરેન્દ્રનગરમાં નોકરી કરતાં કરતાં સાથે CAનું ભણતર ચાલુ હતું, જે દરમિયાનન અમદાવાદ ઘરે આવવાનું થયું અને આ ગુનો થઈ ગયો. CAમાં હાજરી કમ્પલસરી હોય છે, પણ જેલમાં આવ્યા પછી હાજરી ન પૂરી શક્યો એટલે CA અધૂરું છોડવું પડ્યું.’ બીજા એક દારૂડિયાની દારૂની લતે શકીલની જિંદગી બરબાદ કરી નાખી. વેલ, શકીલ અત્યારે જેલમાં પણ કૂપન (જેલની ચલણી નોટ)ના વિભાગમાં કામ કરે છે. ચલો, આપણે શકીલ સાથે વાત ચાલુ કરીએ. ‘માણસ બહુ સારો, પણ તેને દારૂની લત’ જે દિવસે ક્રાઇમ બન્યો ત્યારે શું થયું હતું? શકીલે વાતની શરૂઆત કરી, ‘આજથી 8-9 વર્ષ પહેલાંની વાત છે. સુરેન્દ્રનગર જોબમાંથી રજા લઈ હું અહીં રામોલમાં મારા ઘરે આવ્યો હતો. અમારી જ નાતનો મારો એક ફેમિલી ફ્રેન્ડ. બંનેના ઘરે ઘર જેવા સંબંધ. માણસ બહુ સારો પણ તેને દારૂની લત, પૂરો દારૂડિયો. રોજ દારૂ પી જાય એટલે કોઇની પણ સાથે કારણ વિના ઝઘડે રાખે. અમારી સાથે તો રોજ ઝઘડા કરતો, પણ અમારો મિત્ર એટલે અમે ઓળખીએ કે આ દારૂની લતના કારણે છે. નશો ઊતરશે પછી એ બહુ સારો માણસ છે. અમારી આખી સોસાયટીના લોકોએ મળીને પણ તેને ઘણી વાર સમજાવ્યો, પણ તેનામાં રતીભરનોય ફરક નહીં. પથ્થર પર પાણી રેડવા જેવું હતું, પણ એમાં એક દિવસ…’ ‘દીવાલ સાથે એનું માથું અથડાયું અને…’ શકીલે વાત ચાલુ રાખી, ‘હું બહાર હતો ને એ દિવસે તેનું વર્તન થોડું વધારે બગડી ગયું. એ દિવસે તેણે લિમિટ ક્રોસ કરી ને મારા પરિવાર પર તૂટી પડ્યો. રોજે અમારી સાથે ઝઘડતો હતો, ત્યાં સુધી બરોબર હતું, પણ એ દિવસે તો બહાર નીકળી મારા પરિવાર સાથે ગંદી ગાળાગાળી અને મારામારી ચાલુ કરી દીધી. ઘરમાં મહિલા છે કે પુરુષ, એ જોયા વિના જ ગાળાગાળી અને હાથાપાઈ કરવા માંડ્યો હતો. ત્યાં હું પહોંચી ગયો. એ પછી તો બે મિનિટમાં માહોલ શાંત થઈ ગયો, પણ… શોકમય શાંત! એ બે મિનિટ મારા નહીં, કોઈના પણ કંટ્રોલ બહારની હતી.’ ‘હું વચ્ચે પડ્યો, તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, શાંત થવા સમજાવ્યો. ફેમિલીને એની પાસેથી છોડાવવાની ટ્રાય કરી, તેણે ગાળાગાળી ચાલુ રાખી. મને ગાળો આપી. મેં તોપણ એ બધું ભૂલી સમજાવવાનું ચાલુ રાખ્યું, પણ તેણે જોરથી હાથ ફેરવી મને દૂર ધકેલી દીધો. હું થોડો દૂર જઈ નીચે પડ્યો, હું ફરી ઊભો થયો, ફરી સમજાવવાની ટ્રાય કરી, એ સમજવા તૈયાર જ નહોતો, મેં તેને જોરથી ખેંચીને મારા ફેમિલીથી દૂર કર્યો ને બસ… દીવાલ સાથે તેનું માથું અથડાયું ને હેમરેજ થઈ ગયું!’ ‘મારા પરિવાર પર આવ્યું એટલે મારાથી સહન ન થયું’ એ ટાઈમે મગજમાં શું ચાલતું હતું? શકીલ કહે, ‘કશું જ નહીં. એ ટાઈમે મારા મગજમાં કોઈ જ ગુસ્સો કે કોઈ આક્રોશ પણ નહોતો, હું ખાલી ડિફેન્સમાં હતો. હું મારા ફેમિલીને બચાવવામાં લાગ્યો હતો. એ રોજે શેરીનાં બાળકોને મારતો. રિસ્કી ડ્રાઇવિંગ કરતો તોપણ તેનો પરિવાર એને એક શબ્દ નહોતો બોલતો, પણ એ દિવસે મારા પરિવાર પર આવ્યું એટલે મારાથી સહન ન થયું. આવું થઈ જશે, એ તો ક્યારેય વિચાર્યું પણ નહોતું. પછી તો મારા પર કેસ થયો અને હાઇકોર્ટે મને આજીવન કેદની સજા ફટકારી. છેલ્લાં 8 વર્ષથી જેલમાં સજા ભોગવું છું.’ *** ‘દુનિયાનાં મેણા-ટોણાથી ત્રાસીને પત્નીએ આપઘાત કરી લીધો’ તમારા ઘરે શું પરિસ્થિતિ છે? કોણ કોણ છે? શકીલ કહે, ‘અત્યારે તો ઘરે મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી અને મારો દીકરો છે, બંને બહેનોનાં લગ્ન થઈ ગયાં છે.’ અમને વાઈફનું નામ ન સંભળાયું એટલે ફરી પૂછ્યું, વાઈફ? શકીલ કહે, ‘આત્મહત્યા! મારા જેલમાં આવ્યા પછીના એક મહિનામાં જ તેણે સુસાઇડ કરી લીધું. મીડિયા અને બધાના મેણા એનાથી સહન ન થયા ને છેલ્લે અમને બધાને છોડીને આ દુનિયામાંથી જ જતી રહી.’ અત્યારે તમારું બાળક કોણ સાચવે છે? શકીલ કહે, ‘અત્યારે તો અમારું ઘર ને મારું બાળક બંને મારો ભાઈ જ સાચવે છે. ભાઈ ઈલે. એન્જિનિયર છે. આટલું થયું તોપણ ભાઈ મને એમ જ કહે છે કે તું ચિંતા ન કરતો, ઘર માટે હું બેઠો છું, એ હું સાચવી લઇશ. તું ખાલી શાંતિથી વર્તાવ કરીને બહાર નીકળવાનું વિચાર.’ ‘મમ્મી-પપ્પા આજે પણ રડ્યાં કરે છે, દીકરાએ મારા વિના નાનપણ કાઢ્યું’ એ લોકો પર શું વીતી રહી છે? શકીલ ઝીણી આંખો કરી ધીરેથી માથું નકારમાં હલાવી કહે, ‘ઘરની વ્યથા મારાથી નથી બોલાય એમ. આટલાં વર્ષોએ પણ દર અઠવાડિયે મારું આખું ફેમિલી અહીં મને મળવા આવે છે. ભાઈ તો મને હજુ થોડી હિંમત આપે છે, પણ મમ્મી-પપ્પા તો કશું બોલી જ નથી શકતાં. તેમનાં આંસુઓ જ મારી સાથે વાતો કરે છે. આઠ વર્ષેય એ રડ્યા સિવાય એક શબ્દ નથી બોલી શકતાં.’ ‘બાળક?’ અમે પૂછ્યું; ‘ઘરે ક્યારે આવશો?’ શકીલ બોલ્યો; ‘બીજું?’ ‘પ્લીઝ ન પૂછો એના વિશે!’ રૂમમાં શાંત માહોલ થઈ ગયો, હું અને શકીલ બંને મૌન, મારી આંખો શકીલ સામે અને શકીલની નીચે. થોડીવાર ચૂપ રહી દુ:ખી ચહેરાથી લાચાર અવાજે શકીલ બોલ્યો, ‘મારા બાળકે મારા વિના નાનપણ કાઢ્યું છે! ફેમિલી ફંક્શન, તહેવારો, ઑકેશન બધી જગ્યાએ મારા વિના જવું પડે છે.’ ‘જેલમાં મને ઘરની જ ચિંતાનાં સપનાં આવે છે’ જેલમાં કોઈ સપનાં આવે છે? રડવું આવે છે? શકીલ કહે, ‘ઓલવેઝ! ક્યારે રડવું નથી આવતું એ પૂછો! એમાં પણ તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે તો વધારે રડવું આવે છે, પણ સમાજે ઘણો સપોર્ટ કર્યો છે. આજ સુધી કોઈએ મારા પર આંગળી નાથી ચીંધી. કારણકે લોકો તેને પણ ઓળખતા હતા અને મને પણ. એટલે આજે પણ લોકો એ જ કહે છે કે વાંક તેનો જ હતો, પણ તમારી સાથે આ નહોતું થવું જોઈતું. અત્યારે મારા ઘરે પણ ઘણી તકલીફો હશે, મારા વિના ઘણી મુશ્કેલી પડતી હશે, પણ એ લોકો મને ક્યારેય નથી કહેતા. આજેય મને ઘરની ચિંતાનાં સપનાં આવે છે.’ ‘હું હજુ લાઇફથી હાર્યો નથી’ જે થયું એ વાતનો પસ્તાવો છે? શકીલ કડવા સ્મિત સાથે કહે, ‘મેં જાણીજોઇને કોઈ ક્રાઇમ કર્યો જ નહોતો, પણ હા આવું થઈ જશે એ તો ક્યારેય વિચાર્યું પણ નહોતું, પરંતુ હું હજુ લાઈફથી હાર્યો નથી. હજુ પણ મારા મગજમાં એ જ છે કે અહીંથી બહાર કેમ નીકળવું. મારા લીગલ પ્રયાસો ચાલુ જ છે. મને આશા છે કે હું જલદી જ બહાર નીકળીશ.’ ‘શાંતિ રાખો, ગુસ્સામાં ક્યારે શું થઇ જાય તેની ખબર નથી રહેતી’ બહાર નીકળશો ત્યારે સમાજ સ્વીકારી લેશે? શકીલ કહે, ‘કોની પાસે સમય છે? સમાજ પાસે એવો કોઈ ટાઈમ નથી કે દરેકનો ભૂતકાળ સમજવા બેસે અને જે લોકો મને ઓળખે છે તેમને મારે કશું સમજાવવાની જરૂર નથી. એ લોકોને ખ્યાલ છે કે આ બધું અજાણતા થઈ ગયેલું છે. અહીંથી બહાર નીકળી ફરી એકાઉન્ટન્ટની જોબ કરીશ, નહિતર બિઝનેસ કરીશ, પણ લોકોને ખાસ કહીશ કે બને ત્યાં સુધી શાંતિ રાખો, ગુસ્સો ન કરો, ગુસ્સામાં ક્યારે શું થઈ જાય ખબર નથી રહેતી.’ એક ક્ષણનો ગુસ્સો અને જીવનભરનો સન્નાટો એક ઉજ્જ્વળ ભવિષ્ય ધરાવતા આશાસ્પદ યુવાનનું ભવિષ્ય થોડી ક્ષણોના ગુસ્સાને કારણે ભસ્મીભૂત થઇ જાય, તેનો પરિવાર બરબાદ થઇ જાય, તેવી થરથરાવી દેતી શકીલની કહાની રિમાઈન્ડર છે કે, એક ક્ષણનો ગુસ્સો શું કરાવી શકે છે. સમય-સંજોગો અને શકીલની કિસ્મતે એને આજીવન સાબરમતી જેલની દીવાલો વચ્ચે કેદ કરી નાખ્યો. પોતાની વાત પૂરી કરી શકીલ ટેબલ પરથી ઊભો થયો, નીચું જોઈ પોચા પગે રૂમની બહાર નીકળ્યો ને સુમિતે પોતાની સ્ટોરી સાથે રૂમમાં પગ મૂક્યો. *** દારૂનો નશો બીજાની જિંદગી પણ બરબાદ કરી શકે છે સુમિતનું પણ એવું જ. ડ્રાઇવિંગનું કામ કરતા સુમિતને પણ સમય સંજોગોએ જેલમાં પહોંચાડી દીધો. દારૂ ઢીંચ્યો બીજા કોઈએ અને સજા મળી સુમિતને. એકદમ ગરીબડો ચહેરો. શ્યામ વર્ણ, ગાલ પર ઝીણા ઝીણા ખાડા, થોડી વધી ગયેલી દાઢી ને મીડિયમ બાંધો! સુમિત અંદર આવી સામેના ટેબલ પર બેઠો અને અમે વાતચીતનો દોર શરૂ કર્યો. ગાંધીનગરમાં કલોલ પાસેના આમજા ગામે સુમિતનું ઠેકાણું. ઘરે પપ્પા નહિ એટલે ફક્ત 8 ધોરણ સુધી જ ભણ્યો ને પછી ડ્રાઇવિંગનું કામ કરી ઘર ચલાવવાનું શરૂ કરી દીધું. ઉંમર થતાં લગ્ન થયા. જે બાદ એક દીકરી અને બે દીકરા જન્મ્યાં. દીકરી આજે 13 વર્ષની ને દીકરાઓ અનુક્રમે 10 વર્ષ-12 વર્ષના થઇ ગયાં છે. બધું બરોબર ચાલતું હતું ત્યાં એક આઘાતજનક ઘટનાએ એના આખા પરિવારને વિખેરી નાખ્યો. વેઇટ, સુમિત પાસેથી જ સાંભળીએ કે એ દિવસે શું થયું હતું. ‘મારી ગાડીના આગળના પૈડા નીચે કોઈ આવીને સૂઈ ગયેલું’ નવેમ્બર 2017 સમયઃ સાંજના 6:30 વાગ્યાનો સુમિત કહે, ‘એ દિવસે હું ગાડીનો ફેરો મારવા ગયો હતો. ત્યાં પહોંચી ગાડી ખાલી કરી એટલી વારમાં મારી ગાડીના આગલા ટાયર પાસે એક વ્યક્તિ સૂઈ ગઈ. પાછા આવીને મેં જેવી ગાડી શરૂ કરી ત્યાં ફ્રન્ટ હેડલાઇટ ઑન થતાં જ મારું ધ્યાન પડ્યું કે અહીં તો આગળ કોઈ સૂતું છે. હું તો ડરી ગયો કે જો ભૂલથી ગાડી થોડી પણ આગળ ચાલી ગઈ હોત તો આનો જીવ જતો રહેત. ગુસ્સામાં નીચે ઊતર્યો ને નીચે ઊતરી પેલાને બે લાફા ઝીંકી દીધા. એ દારૂડિયો હતો ને પૂરેપૂરો પીધેલો હતો, એટલે લાફો મારી ભગાડ્યો તો ઘરે પણ જતો રહ્યો. મેં પણ ગાડી ચાલુ કરી ને હું પણ ઘરે જવા નીકળ્યો.’ ‘ઘરે પહોંચી મારાં ત્રણેય બાળકો સાથે રમ્યો. પછી અમે છ જણાએ સાથે જમ્યાં ને પછી સૂઈ ગયાં. ત્યાં બીજા દિવસે મને ગામવાળાએ કહ્યું કે તમે કાલે તેને લાફો માર્યો હતો ને એ આજે ઊલટીઓ કરે છે. હવે એક-બે લાફામાં શેની ઊલટી થાય? તોપણ હું તેના ઘરે ગયો અને પૂછ્યું કે કશું થાય છે? દવાખાને જવું છે? તો તેણે ના પાડી કે, ‘ના ના, બધું બરોબર છે. ખાલી ઊલટીઓ જ થઈ હતી.’ ‘મને ખબર પડી કે પેલો દારૂડિયો તો મરી ગયો છે’ રાત્રે 2 વાગ્યે ‘પરંતુ એના પછીના દિવસે અડધી રાત્રે પોલીસ અમારા ઘરે પહોંચી. ઘરનો દરવાજો ખખડાવ્યો ને મને કહ્યું કે ‘એક સહી કરવા અત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે.’ એમ કહી પોલીસ સ્ટેશન લઈ ગયા. થોડી વાર બેસાડી મને તો લોકઅપમાં નાખી દીધો. મારી સાથે શું થયું? મેં શું કર્યું? મને કોઈ જ ખબર નહોતી. નહીં મને કે નહીં મારા પરિવારને. સવારે જ્યારે કોર્ટમાં લઈ ગયા ત્યારે મને ખબર પડી કે આગળના દિવસે પેલો મરી ગયો છે.’ ‘ડાઇંગ ડિક્લેરેશનમાં મારું નામ લીધું અને…’ હેં? કેવી રીતે? સુમિત કહે, ‘એ દિવસે રાત્રે તેને ઊલટીઓ ચાલુ થઈ ગઈ હતી. 108માં હોસ્પિટલ લઈ ગયા હતા. દવાખાને રાત્રે બે વાગ્યે તેણે જીવ ગુમાવી દીધો હતો. ડોક્ટરે કહ્યું કે એની ડાબી પાંસળીમાં ક્રેક હતું, જેમાં આલ્કોહોલ મિક્સ થઈ જતાં મોત થયું છે. જતાં જતાં એ બે વ્યક્તિઓનાં નામ લખાવતો ગયો કે એ લોકોએ મને માર્યો હતો. હવે એ સ્ટેટમેન્ટના કારણે પોલીસ મને લઈ ગઈ અને કોર્ટે જેલની સજા ફટકારી. એ પછી હાઇકોર્ટમાં કેસ ચાલ્યો ને દોઢ મહિના જામીન મળ્યા. એ પછી હું જામીન પર હતો ત્યારે પાંચ વર્ષ સુધી કેસ ચાલ્યો ને અંતે કોર્ટે મને IPS 304 (હત્યાના ઈરાદા વિના થયેલા દોષિત હત્યા : હત્યાનો ઇરાદો ન હોય પણ જાણ હોય કે આનાથી મોત થઈ શકે છે) હેઠળ સાત વર્ષની સજા ફટકારી.’ ‘સતત એ જ વિચાર ચાલે છે કે ક્યારે જેલમાંથી છૂટીશ’ કેટલાં વર્ષથી અહી સાબરમતી જેલમાં છો? સુમિત કહે, ‘30 વર્ષની ઉંમરે જેલ થઈ હતી. અત્યારે 34 વર્ષનો થયો છું. હજુ ત્રણ વર્ષ અહીં વિતાવવાનાં છે. સતત મનમાં એ જ ચાલ્યે રાખે છે કે ક્યારે અહીંથી છૂટીશ. મારાં મમ્મી-પપ્પા પણ મજૂરી કરતાં અને હું પણ મજૂરી જ કરું છું. એટલે બીજું કશું તો આવડતું નથી. અહીં જેલમાં ક્લાર્ક ઓફિસમાં પ્યૂનનું કામ કરું છું. તેમને કાગળ લેવા-મૂકવાનું અને બીજું જે કંઈપણ ચીંધે એ કરવાનું. એમાં રોજના 110 રૂપિયા મળે છે. રવિવારે રજા હોય એટલે મહિને 2500 રૂપિયા જેવી કમાણી થાય, એમાંથી બે હજાર જેટલા વપરાઈ જાય અને બાકીના 500 જેવા બચે છે.’ ‘એ દિવસે ગુસ્સો કંટ્રોલ કરીને તેને લાફો ન માર્યો હોત તો…’ મતલબ કે ઘરે તમે એકલા જ કમાણી કરતા હતા, તો ગામડે એ લોકો પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે? સુમિતની આખો મૂરઝાઈ ગઈ, ‘ઘરે હું એકલો જ પરિવારનું ગુજરાન ચલાવતો, પણ મારા અહીં આવ્યા પછી મમ્મી અને મારી પત્નીએ ઘર ચલાવવા મજૂરીએ જવું પડે છે. એ બધું જોઈને બહુ દુ:ખ થાય છે કે, જો ત્યારે ગુસ્સા પર કંટ્રોલ કરી એને લાફો ન માર્યો હોત તો આજે આવા દિવસો ન આવત. મમ્મી-પત્નીએ મજૂરીએ ન જવું પડત ને હું સારી રીતે ઘર સાચવી લેત.’ ‘જેલમાં આવીને ગુસ્સો કંટ્રોલ કરતાં શીખ્યો’ ‘અહીં આવીને હું બીજું બધું શીખતાં શીખ્યો, સૌથી પહેલાં ગુસ્સા પર કાબૂ કરતાં શીખ્યો છું. સાત વર્ષની સજા ભોગવવી પડી છે. એનો ગુનો માત્ર એટલો જ કે મેં એ દારૂડિયાને લાફો માર્યો. આના કરતાં તો ગાડી લઈને નીકળી ગયો હોત તો વધારે સારું હતું. પણ સાંજે કોઈ ગાડી નીચે સૂઈ જાય તો કેમ કંટ્રોલ કરવો? બસ, એટલો કંટ્રોલ કરી લીધો હોત તો આજે આ દિવસ ન જોવો પડ્યો હોત.’ ‘મને છોડાવવા મમ્મી-પત્ની મજૂરી કરે છે’ મમ્મી-બાળકો અત્યારે મળવા આવે છે? સુમિતની આંખોમાં આંસુ દેખાયા, ‘હા, દર 15 દિવસે મળવા આવે છે. એ બંને મજૂરી કરી મારાં ત્રણેય છોકરાંઓનેય ભણાવે છે અને મારો કેસ પણ લડે છે, પરંતુ જામીન કરાવવા પૈસા જોઈએ, એ પૈસા કેમ ભેગા કરવા? શરૂઆતમાં તો જેટલા હતા એ બધા પૈસા ભેગા કરી મારો કેસ લડ્યા ને જામીન માટે અરજીઓ કરી, પણ ન થયું. હવે પૈસા નથી. મજૂરીમાંથી જેટલા આવે એમાંથી ઘર માંડ ચાલે છે અને બાળકોના ભણતરનું પૂરું પડે છે. એમાં મારો કેસ તો કેમ લડે? એટલે હું ના જ પાડુ છું. હું જ્યાં સુધી ઘરે હતો ને ત્યાં સુધી મમ્મી-પત્નીને કામ કરવા ઘરની બહાર ક્યારેય નથી નીકળવા દીધાં. એના બદલે આજે એ લોકોની મજૂરીનું સાંભળી ખુદ પર ધિક્કાર થાય છે.’ ‘એક મિનિટના ગુસ્સાએ મને સાત વર્ષની સજા અપાવી’ સમાજના લોકો કે ગામવાળા કશું કહે છે? સુમિત કહે, ‘ના ના, બધા એવું જ કહે છે કે, છોકરો બહુ સીધો હતો. એ દારૂડિયાએ નામ આપી બિચારાને ફસાવી લીધો. મારી આટલી ઉંમર સુધી મારે કોઈ સાથે ક્યારેય ઝઘડો નથી થયો. બધા સાથે સારી એવી મિત્રતા જ છે, પણ આ એક મિનિટના ગુસ્સાએ મને 7 વર્ષની સજા અપાવી. અત્યારે ઘરની યાદ આવે ત્યારે અફસોસ થાય છે. આખો દિવસ ઘરની યાદ આવે છે ને રાત્રે સપનાં આવે તો પણ ઘર અને પરિવાર દેખાય છે. જો ભૂતકાળમાં પાછું જવા મળે તો ક્યારેય એક ક્ષણમાત્ર પણ ગુસ્સો ન કરું. અને બધાને પણ એ જ કહીશ કે, સમયનો સદુપયોગ કરી લેજો, સમય જતો રહેશે તો પરિવાર રઝળી પડશે. અને ખાસ, બે મિનિટનું મૌન તમારી જિંદગી બદલી શકે છે, એટલે ગુસ્સો કરતાં પહેલાં 10 વાર વિચારો.’ સાબરમતી જેલમાં આવા કેટલા કેદીઓ હશે કે, જે સમય-સંજોગનો શિકાર બની જેલની સજા ભોગવતા હશે? એમાંય ખાસ કરી સુમિત જેવા કેટલા હશે? કે જેમના પરિવાર પાસે નથી ઘર ચલાવવાના પૈસા કે નથી કોર્ટમાં કેસ લડવાના પૈસા. જેમની પાસે નસીબનું ઠીકરું ભગવાન પર ફોડી પરિસ્થિતિ સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી. ભીની આંખોએ સુમિત ટેબલ પરથી ઊભો થયો, ટોપી માથે ચડાવી ને બે હાથ જોડી નીચું માથું કરી દરવાજા બહાર નીકળી ગયો. ફરી બીજા કેદીએ બીજી કહાની સાથે રૂમમાં પ્રવેશ કર્યો. (નોંધઃ આ સ્ટોરીમાં કેદીઓ વિશે જે પણ વાત કહેવામાં આવી છે, એ કેદીઓએ તેમના મુખેથી સ્ટોરી લખનારને કહેલી છે. કેદીઓની ગુપ્તતા જાળવવાના હેતુથી દરેક કેદીનાં નામ બદલાવેલાં છે.) બંદીવાન - એપિસોડ 1 : ગર્લફ્રેન્ડે ચિટિંગ કરી તો રોડ વચ્ચે પતાવી દીધી:સાબરમતી જેલમાં જન્મટીપના કેદીની વ્યથા, ‘કાશ, મેં એ પ્રેમ કર્યો જ ન હોત’
    Click here to Read More
    Previous Article
    ઝીરો સેલરી લઈને સૌથી અમીર પાર્ટી સંભાળશે નીતિન નબીન:એકાઉન્ટમાં 10,000 કરોડ, 772 જિલ્લામાં પ્રોપર્ટી-ઓફિસ, ખર્ચ માટે FD સિસ્ટમ
    Next Article
    'ટ્રમ્પની નવી નીતિથી ગુજરાતીઓને મોટો ફટકો પડશે':વિઝાની તારીખ મેળવવા માટે પણ ફાંફાં, એક્સપર્ટે કહ્યું, વિદ્યાર્થીઓ અમેરિકા સિવાયનો બેકઅપ પ્લાન તૈયાર રાખે

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment