Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝીરો સેલરી લઈને સૌથી અમીર પાર્ટી સંભાળશે નીતિન નબીન:એકાઉન્ટમાં 10,000 કરોડ, 772 જિલ્લામાં પ્રોપર્ટી-ઓફિસ, ખર્ચ માટે FD સિસ્ટમ

    1 day ago

    આશરે 18 કરોડ સભ્યો, દેશના દરેક જિલ્લામાં પોતાની ઓફિસ, મજબૂત જમીની કેડર, 20 રાજ્યમાં સરકારો, આ બાબતો BJPને દેશની સૌથી મોટી પાર્ટી બનાવે છે. બિહારની બાંકીપુર બેઠકથી ધારાસભ્ય નીતિન નબીન આજે એટલે કે 20 જાન્યુઆરીએ BJPની જવાબદારી સંપૂર્ણ રીતે સંભાળી લેશે. 14 ડિસેમ્બર 2025ના રોજ કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવેલા નીતિન નબીન BJPના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. નીતિન નબીનને નવી જવાબદારીના બદલામાં સેલરી (પગાર) નહીં મળે, પરંતુ તેઓ જે પાર્ટીને સંભાળવા જઈ રહ્યા છે એની કમાણી, ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સભ્યોની બાબતમાં કોંગ્રેસ જેવી પાર્ટીઓથી માઈલો આગળ છે. BJPએ ન માત્ર દરેક જિલ્લામાં ઓફિસ બનાવી છે, પરંતુ ખર્ચ કાઢવા માટે એફડી (FD) સિસ્ટમ પણ તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ લીડર અજય માકને ડિસેમ્બર 2025માં રાજ્યસભામાં કહ્યું હતું કે BJPના એકાઉન્ટમાં 10,107 કરોડ રૂપિયા છે. આ રકમ કોંગ્રેસ કરતાં 75 ગણી વધારે છે. ઓફિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 772 જિલ્લામાં પોતાની જમીન 2014 પહેલાં જિલ્લાઓમાં BJPની આશરે 200 કાયમી ઓફિસ હતી. પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો, તો તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે પાર્ટીની કમાન વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ પાસે હતી. ચૂંટણી જીત્યા બાદ તેમણે દરેક જિલ્લામાં પાર્ટીની ઓફિસ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો. હવે BJP પાસે દેશના 772 જિલ્લામાં ઓફિસ અથવા ઓફિસ માટે રજિસ્ટર્ડ જમીનો છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં અન્ય 70 ઓફિસો માટે જમીન અથવા બિલ્ડિંગ ખરીદવાની પ્રોસેસ પૂરી થઈ જશે. દરેક જિલ્લામાં BJPની ઓછામાં ઓછી એક ઓફિસ તૈયાર થઈ ચૂકી છે. દૈનિક ભાસ્કરની ટીમે દિલ્હીમાં BJPની ડિસ્ટ્રિક્ટ ઓફિસોમાં પહોંચીને જોયું કે આને કેવી રીતે બનાવવામાં આવી છે, શું સુવિધાઓ છે અને કેટલી ક્ષમતા છે. પહેલી ઓફિસ: સાઉથ દિલ્હી અમે સાઉથ દિલ્હીની ઓફિસ પહોંચ્યા. આમાં અંદર ઘૂસતાં જ પહેલા લાંબો-પહોળો હોલ દેખાય છે. અહીં અમને ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ રાજકુમાર ચૌટાલા મળ્યા. તેઓ જણાવે છે, ‘આ હોલમાં 200થી 250 લોકો બેસી શકે છે. આની પાછળ પેન્ટ્રી એરિયા છે. અહીં એકસાથે 100 લોકો જમી શકે છે.’ રાજકુમારે અમને સીડીઓથી ઉપર ચઢવા માટે કહ્યું. ઉપર જિલ્લા અધ્યક્ષ, જિલ્લા ઉપાધ્યક્ષ અને જિલ્લા મંત્રીની કેબિન બનેલી છે. એક જગ્યાએ ઊભા રહીને બોલ્યા, ‘જુઓ… આ લાઈબ્રેરીની જગ્યા છે. અત્યારે પુસ્તકો ઓછાં છે, પણ આને સારી રીતે બનાવીશું.’ અહીં જ એક કોન્ફરન્સ હોલ છે, જેમાં 20-25 લોકો બેસી શકે છે. રાજકુમાર એક સ્ટોર રૂમ જેવો દેખાતાં રૂમમાં લઈ ગયા. ત્યાં 5 ખુરસી રાખેલી હતી. તેઓ કહે છે, ‘ચૂંટણી દરમિયાન અહીં સોશિયલ મીડિયાનું કામ થાય છે. તમે આને ઇલેક્શન વોર રૂમ જેવું કહી શકો છો, પરંતુ અસલી વોર રૂમ બેઝમેન્ટમાં છે.’ રાજકુમાર અમને બેઝમેન્ટમાં લઈ ગયા. અહીં આશરે 100 લોકોના બેસવાની વ્યવસ્થા છે. ખુરસીઓ લાગેલી છે અને એની સામે લેપટોપ અથવા ડેસ્કટોપ માટે પ્લેટફોર્મ બનેલું છે. રાજકુમાર જણાવે છે, ‘લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં અહીં 100 લોકો સોશિયલ મીડિયાની કમાન સંભાળી રહ્યા હતા.’ ત્યારબાદ રાજકુમાર અમને સેકન્ડ ફ્લોર પર લઈ ગયા. અહીં 2 ગેસ્ટ રૂમ બનેલા છે. તેઓ કહે છે, ‘ચૂંટણી દરમિયાન બીજા રાજ્યોમાંથી 5 લોકો આવ્યા હતા. તેઓ અહીં જ રોકાયા હતા. રૂમની સામે કિચન છે.’ રાજકુમાર ચૌટાલા કહે છે, ‘3 વર્ષ પહેલાં અમારી પાસે પોતાની ઓફિસ નહોતી. કાર્યકર્તાઓના ઘરે કાર્યક્રમ કરતા હતા. હવે ઘર તો ઘર જેવા જ હશે. ત્યાં કેટલા લોકો આવશે. કાર્યકર્તાઓની એકબીજા સાથે બનતી પણ નથી. હવે આ ઓફિસ છે. આમાં કોઈની મનમાની ચાલતી નથી. આ પાર્ટીની પ્રોપર્ટી છે.’ જગ્યા: મહરૌલી, સાઉથ દિલ્હી મહરૌલીમાં બનેલી BJP ઓફિસનું ઉદ્ઘાટન 7 જુલાઈ 2025ના રોજ થયું હતું. અહીં મળેલા જિલ્લા અધ્યક્ષ રણવીર તંવરે જણાવ્યું હતું કે ઓફિસ 470 ગજ જમીન પર બનેલી છે. ત્યાં જ BJPના પ્રદેશ કોષાધ્યક્ષ સતીશ ગર્ગ જણાવે છે, ‘દિલ્હીમાં 14 નવી ડિસ્ટ્રિક્ટ ઓફિસનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. પાર્ટીએ દરેક લોકસભા બેઠક પર બે ડિસ્ટ્રિક્ટ ઓફિસ બનાવી છે.’ BJPના ડિસ્ટ્રિક્ટ ઓફિસ કન્સ્ટ્રક્શન એન્ડ મેનેજમેન્ટમાં અમારા સોર્સ જણાવે છે, અમે દરેક જિલ્લામાં ઓફિસ બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ પહેલાં 200 ઓફિસ એવી હતી, જેની જમીન અને બિલ્ડિંગની માલિક પાર્ટી હતી. આ ઓફિસોને પણ નવા નકશા મુજબ બનાવવામાં આવી. જ્યાં જમીન ઓછી હતી એનું એક્સટેન્શન કર્યું, જ્યાં રેનોવેશનની જરૂર હતી, તેને રેનોવેટ કરી છે. 562 દફતરો માટે જમીન ખરીદી, 386 નવાં અને 44 ફરીથી બનાવ્યાં, 170 રેનોવેટ 2014 પહેલાં જિલ્લાઓમાં BJPની આશરે 200 કાયમી ઓફિસ હતી. પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો, તો તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્તર પર ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. સોર્સ જણાવે છે, ‘પોતાની ઓફિસ બનાવવાનો આઈડિયા ગૃહમંત્રી અમિત શાહનો હતો. તેમણે 2014માં ચૂંટણી જીત્યા બાદથી જ દરેક જિલ્લામાં સંગઠનને મજબૂત કરવાનું અભિયાન શરૂ કરી દીધું હતું.’ ‘પાર્ટી લાંબા સમયથી સત્તામાં નહોતી. જિલ્લાઓમાં પાર્ટી પ્રોગ્રામ, બેઠક કે પછી કોઈના રોકાવા માટે સ્કૂલ કે સામુદાયિક ભવન લેવું પડતું હતું, તેથી પ્લાન બન્યો કે 2025 સુધી તમામ જિલ્લાઓમાં કાયમી ઓફિસ બનાવવામાં આવશે. ભાડાના બિલ્ડિંગ કે પછી કોઈ કાર્યકર્તાના ઘરથી એક પણ ઓફિસ નહીં ચાલે.’ ‘આ પ્લાનિંગમાં એક બીજો ભાગ જોડવામાં આવ્યો. ઓફિસોની બાબતમાં પાર્ટી ન માત્ર દરેક જિલ્લામાં આત્મનિર્ભર બનશે, પરંતુ આર્થિક રીતે પણ દરેક જિલ્લાને આત્મનિર્ભર બનાવવામાં આવશે. આ માટે 2017માં ડિસ્ટ્રિક્ટ ઓફિસ કન્સ્ટ્રક્શન એન્ડ મેનેજમેન્ટ કમિટી બનાવવામાં આવી.’ 2018માં દિલ્હીના 6 એ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર BJPની આલીશાન ઓફિસ તૈયાર થયા બાદ જિલ્લાઓમાં ઓફિસોનું કામ શરૂ થયું. ડિસ્ટ્રિક્ટ ઓફિસ કન્સ્ટ્રક્શન એન્ડ મેનેજમેન્ટ કમિટીમાં સામેલ સોર્સના જણાવ્યા મુજબ, 2018થી લઈને અત્યારસુધી 562 ડિસ્ટ્રિક્ટ ઓફિસ માટે રાષ્ટ્રીય અધ્યક્ષના હોદ્દાના નામે જમીનોની રજિસ્ટ્રી થઈ ચૂકી છે. આમાંથી 386 નવી ઓફિસ તૈયાર થઈ ચૂકી છે. આશરે 200 ઓફિસ પહેલાંથી હતી. આ દરમિયાન 170 ઓફિસનું રેનોવેશન કરાવવામાં આવ્યું. 44થી વધુ જૂની ઓફિસોને તોડીને તેમને નવા નકશા મુજબ બનાવવામાં આવી. 75 ઓફિસોનું કામ ચાલી રહ્યું છે. સોર્સ મુજબ જિલ્લાઓમાં ઓફિસ બનાવવા માટે 1.5 કરોડ થી 2.5 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું. પ્રદેશ સ્તરની ઓફિસ માટે 3 થી 5 કરોડ રૂપિયાનું બજેટ નક્કી છે. સોર્સ જણાવે છે- આગામી 4 વર્ષમાં 4 રાજ્ય ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના દરેક જિલ્લામાં BJPની ડિસ્ટ્રિક્ટ ઓફિસ બનવાની છે. અત્યારે આ રાજ્યોમાં ઓફિસ ઘણી ઓછી છે. જે છે એમાં પણ મોટા ભાગની ભાડાનાં બિલ્ડિંગમાં ચાલી રહી છે. ઓફિસનો ખર્ચ 60 હજાર મહિને, એક કરોડની એફડીની પ્રપોઝલ સોર્સ જણાવે છે, ‘પાર્ટી સંગઠન માટે ન માત્ર કાયમી બિલ્ડિંગ બનાવી રહી છે, પરંતુ એને બજેટની બાબતમાં પણ આત્મનિર્ભર બનાવવાનું પ્લાનિંગ કરી ચૂકી છે, જોકે અત્યારસુધી 5-6% ઓફિસો જ મહિનાના રૂટિન ખર્ચ માટે કાયમી આવકનો પ્લાન લાગુ કરી શકી છે. બાકીની તમામ આના પર કામ કરી રહી છે.’ ‘દરેક ઓફિસનું મહિનાનું બજેટ 60 હજાર રૂપિયા નક્કી થયું છે. કાયમી આવક માટે એફડી કરવાના સૂચન પર પાર્ટી કામ કરી રહી છે. ડિસ્ટ્રિક્ટ ઓફિસ ચલાવવા માટે ઓછામાં ઓછી એક કરોડની એફડીનો પ્રસ્તાવ છે, જેથી મહિનાનું આશરે 60 હજાર રૂપિયા વ્યાજ આવવા લાગે. આ એફડી જિલ્લા યુનિટના નામે હોય છે.’ એફડી માટે પૈસા ક્યાંથી આવે છે? જિલ્લા સ્તરના એક પદાધિકારી જણાવે છે, ‘એફડી માટે જિલ્લાના વેપારીઓ પાસેથી મળેલા ડોનેશનનો ઉપયોગ થાય છે. આના પર દર મહિને જે વ્યાજ મળશે એ ડિસ્ટ્રિક્ટ ઓફિસનું હશે. આ રકમ મહિનાના રૂટિન ખર્ચમાં વપરાશે. વેપારીઓનો ઉપયોગ ઓફિસમાં કોઈ કાર્યક્રમ સ્પોન્સર કરવા માટે પણ થાય છે. ઘણીવાર નાના વેપારીઓ ડોનેશન તરીકે વીજળીનું બિલ અથવા ઓફિસને આધુનિક બનાવવા માટે સામાન આપે છે.’ ‘પાર્ટી દરેક જિલ્લાના મોટા વેપારીઓને પાર્ટી સાથે જોડવા માટે અભિયાન ચલાવે છે. તેમને અથવા તેમના નજીકના લોકોને પાર્ટીમાં પદ પણ આપવામાં આવ્યા. BJPની સદસ્યતા લેવાની ફી 100 રૂપિયા છે. આનાથી મળેલી રકમનો ઉપયોગ પણ પાર્ટીના ખજાનામાં થાય છે.’ ઓફિસમાં 4-5 કર્મચારી સેલરી પર, પદાધિકારીઓને વેતન નહીં એક દફતરમાં એક અધ્યક્ષ, 1થી 3 ઉપાધ્યક્ષ અને 4થી 5 મહામંત્રી હોય છે. મહામંત્રીઓની સંખ્યા ઓછી-વધારે હોઈ શકે છે. રાજ્ય અથવા જિલ્લા ફંડ આપતી ઓફિસમાં પોતાના એક પદાધિકારી રાખવા માગે છે. મહામંત્રીના મોટા ભાગના પદ રાજ્ય અને જિલ્લા સ્તરના વેપારીઓ અથવા તેમના નજીકના લોકો પાસે છે. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓને સેલરી મળતી નથી. એવું માત્ર જિલ્લાઓમાં જ નથી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ સેલરી મળતી નથી. તેમના આવવા-જવા માટે ગાડી, પ્લેન કે ટ્રેનનો ખર્ચ અને રોકાવાની વ્યવસ્થા પાર્ટી કરે છે. રાષ્ટ્રીય અધ્યક્ષને સાંસદની જેમ ઘર આપવામાં આવે છે. પ્રદેશ અધ્યક્ષને પણ ઘર પાર્ટી આપે છે. જિલ્લા અધ્યક્ષને ઘર મળતું નથી. પૈસા: BJP સૌથી ધનિક પાર્ટી, એકાઉન્ટમાં 10 હજાર કરોડ BJP દેશની સૌથી ધનિક પોલિટિકલ પાર્ટી છે. 2014માં કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદથી પાર્ટીની કમાણી સતત વધી છે. કોંગ્રેસના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અજય માકને 11 ડિસેમ્બર, 2025ના રોજ રાજ્યસભામાં કહ્યું હતું કે BJP પાસે કોંગ્રેસની સરખામણીએ 75 ગણી વધારે રકમ છે. માકને કહ્યું હતું કે 2004 પછી 20 વર્ષમાં BJPની બેંક અમાઉન્ટ 87 કરોડ રૂપિયાથી વધીને 10,107 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસની અમાઉન્ટ 38 કરોડ રૂપિયાથી વધીને માત્ર 134 કરોડ રૂપિયા જ થઈ. ચૂંટણીપંચને આપેલી જાણકારી મુજબ, BJP પાસે 31 માર્ચ, 2024 સુધી 7,113 કરોડ રૂપિયા હતા. ત્યાં જ કોંગ્રેસ પાસે 857 કરોડ રૂપિયા હતા. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR મુજબ, 2023-24માં BJPએ 4,340 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી. આ રકમ દેશની તમામ 6 નેશનલ પાર્ટીની કમાણીના 74% છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલાં BJPએ 2013-14માં 674 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી. સંગઠન: 2 કરોડ સક્રિય સભ્યો, 18 કરોડ પ્રાથમિક સભ્યો BJPનો દાવો છે કે તે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે. તેના 18 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે. આ સંખ્યા રશિયા, જાપાન અને બ્રિટનની વસતિ કરતાં વધારે છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા જેપી નડ્ડાએ સપ્ટેમ્બર, 2025માં જાહેરાત કરી હતી કે BJP દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી બની ગઈ છે. તેના 14 કરોડ પ્રાથમિક સભ્યો છે. આમાં બે કરોડ સક્રિય સભ્યો છે. પાર્ટી સોર્સ જણાવે છે કે હવે પ્રાથમિક સભ્યોની સંખ્યા 18 કરોડને પાર કરી ગઈ છે. BJPની સરખામણીએ કોંગ્રેસની સ્થિતિ જમીન-બિલ્ડિંગનો રેકોર્ડ નથી, પદાધિકારીઓને કહ્યું, જાણીને માહિતી આપો 8-9 મે 2025ના રોજ કોંગ્રેસે ગુજરાતમાં મિટિંગ કરી હતી. સોર્સ જણાવે છે, ‘બેઠકનો હેતુ જમીન પર નબળા પડી રહેલા સંગઠનને ફરીથી ઊભું કરવાનો હતો. મિટિંગમાં હાઈકમાન્ડે જિલ્લાઓમાં પકડ બનાવવાનો પ્લાન જણાવ્યો. તેમણે જિલ્લા અધિકારીઓની નિમણૂક કરવા અને તેમને વધુ તાકાત આપવાની જાહેરાત કરી. હાઈકમાન્ડે કડકાઈથી કહ્યું હતું કે પ્રદેશ અને જિલ્લાઓમાં બંધ અથવા નિષ્ક્રિય ઓફિસોનું લિસ્ટ તૈયાર કરો. જિલ્લાઓમાં પાર્ટીનાં બિલ્ડિંગ અને જમીનને પણ ચિહ્નિત કરો.’ ખરેખર પાર્ટીની ખાલી પડેલી જમીન અથવા ઘણાં વર્ષોથી બંધ ઓફિસો પર કબજાના સમાચાર હાઈકમાન્ડ સુધી પહોંચી રહ્યા હતા. પશ્ચિમ બંગાળના હુબલીમાં કોંગ્રેસની 11,979 સ્ક્વેર ફૂટ જમીન પર JDUની ઓફિસ ચાલી રહી હતી, જોકે JDUએ દાવો કર્યો કે જમીનનો ટેક્સ અમે ભરીએ છીએ. કોંગ્રેસે જણાવ્યું હતું કે તેની પાસે 1956માં જમીન ખરીદવાના કાગળો છે. ઉત્તરાખંડના રાનીખેતમાં કોંગ્રેસ ઓફિસ પર કબજાનો મામલો પણ આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ધારાસભ્યએ ST બસ ચલાવી, VIDEO:રાજકોટ-ગાંધીનગર વચ્ચે આજથી AC સીટર બસનો પ્રારંભ, સમય અને ટિકિટની સંપૂર્ણ માહિતી
    Next Article
    ‘મારા લીધે પત્ની અને માએ મજૂરીએ જવું પડે છે’:દારૂને લીધે બરબાદ થયેલા સાબરમતી જેલના બે કેદી સાથે વાત, ‘બનવું હતું CA ને બની ગયો હત્યારો’

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment