Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પૈસા હોત તો પ્રાઈવેટમાં લઈ જાત, હવે સિવિલનો જ ભરોસો’:સુરત BRTSની અડફેટે આવેલી 14 વર્ષની ખતીજા 24 કલાકથી બેભાન, ડોક્ટરે કહ્યું- ભાનમાં ન આવે ત્યા સુધી ગંભીર

    1 day ago

    સુરતના ઉધના વિસ્તારમાં સરકારી BRTS બસની ગંભીર બેદરકારીને કારણે સર્જાયેલા ભયાનક અકસ્માતને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, 14 વર્ષની માસૂમ બાળકી ખતીજા બાનો હજુ સુધી હોશમાં આવી નથી. ઉધના મેઈન રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય સત્યનગર BRTS સ્ટેશન પાસે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવેલી કેસરી કલરની બસે માસૂમ બાળકીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ બાળકીનું માથું ફાટી ગયું હતું અને નાક-કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. હાલ આ માસૂમ બાળકી સુરતની સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાહી રહી છે, જ્યારે માનવતા નેવે મૂકીને અકસ્માત સર્જનાર સરકારી બસનો ચાલક ઘટનાસ્થળેથી બસ લઈને નાસી છૂટ્યો હતો. ચાલક નશામાં ધૂત હતો અને બસમાં ફૂલ અવાજે ગીતો વાગતા હતા: માસાનો આક્ષેપ ભોગ બનનાર બાળકી ખતીજા બાનોના ખાલૂ (માસા) રિઝવાન અહમદે આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ગઈકાલે (બુધવાર) બપોરના આશરે એકાદ વાગ્યાના સુમારે ખતીજા પોતાની બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે જ પાછળથી આવતી બીજી BRTS બસે તેને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પાછળ વળીને જોવાની કે બાળકીને હોસ્પિટલ પહોંચાડવાની માનવતા પણ દાખવી નહોતી અને બસ ભગાડી મૂકી હતી. સ્થાનિક લોકોના સહયોગથી બસનો રજીસ્ટ્રેશન નંબર GJ-05-CW-4254 હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગતો મુજબ બાળકીના પિતા ફારુક શરીફ અહેમદ શેખ (ઉંમર 46, ધંધો- મજૂરી પ્લમ્બર, રહે. પ્લોટ નંબર 88, પટેલ નગર, ઉધના, સુરત; મૂળ વતન- ગામ કુરા મુરીદાન, તા. સિરાથુ, જી. કૌશંબી, ઉત્તર પ્રદેશ)ની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધી આગળની તપાસ પ્રો.એ.એસ.આઈ હાર્દિકભાઈ ભાસ્કરભાઈ ને સોંપી છે. લોહીના ખાબોચિયામાં પડેલી બાળકીના આઈ-કાર્ડથી પરિવારને જાણ થઈ અકસ્માત બાદ ઉધના મેઈન રોડ પર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. બસની ટક્કર વાગતા જ 14 વર્ષની ખતીજા રોડ પર પટકાઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. રિઝવાન અહમદે જણાવ્યું કે, અકસ્માત કરીને બસ ચાલક તો ભાગી ગયો હતો, પરંતુ ત્યાં હાજર સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક બાળકીની મદદે દોડી આવ્યા હતા. બાળકી પાસે તેનું આઈ-કાર્ડ હતું, જેમાં તેના પિતાનો મોબાઈલ નંબર લખેલો હતો. સ્થાનિક લોકોએ તે નંબર પર ફોન કરીને પરિવારને અકસ્માત અંગેની જાણ કરી હતી. પરિવાર ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ગંભીર સ્થિતિ જોઈને સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી બાળકીને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી દીધી હતી. ‘જ્યાં સુધી હોશ ન આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં’ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બાળકીને દાખલ કરવામાં આવી છે અને ડોક્ટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે. બાળકીની તબીબી સ્થિતિ અંગે માહિતી આપતા પરિવારે જણાવ્યું કે, ખતીજાના માથાના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ થઈ છે. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કાન અને નાકમાંથી સતત લોહી વહી રહ્યું હતું. હોસ્પિટલના ડોક્ટરોએ તાત્કાલિક સીટી સ્કેન સહિતના જરૂરી પરીક્ષણો કર્યા છે અને હાલ નોર્મલ લાઈફ સપોર્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જોકે, 24 કલાક બાદ પણ બાળકી અચેતન અવસ્થામાં હોવાથી ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યાં સુધી બાળકીને સંપૂર્ણ હોશ ન આવે ત્યાં સુધી તેની સ્થિતિ અંગે કોઈ અંતિમ નિર્ણય કે ટિપ્પણી કરી શકાય નહીં. ‘પૈસા હોત તો પ્રાઈવેટમાં લઈ જાત, હવે સિવિલનો જ ભરોસો’ આ અકસ્માતે એક મધ્યમ વર્ગના પરિવારની આર્થિક લાચારી અને વેદનાને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે. ખતીજાના પિતા ફારુક શરીફ પ્લમ્બિંગનું મજૂરી કામ કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું કે, "આજે અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છીએ. જો અમારી આર્થિક સ્થિતિ સારી હોત તો અમે અમારી દીકરીની સારવાર કોઈ મોટી ખાનગી કોર્પોરેટ હોસ્પિટલમાં કરાવીને તેનો જીવ બચાવવા માટે આકાશ-પાતાળ એક કરી દેત. પરંતુ મજબૂરીના કારણે અમારે સરકારી સિવિલ હોસ્પિટલના ભરોસે બેસવું પડ્યું છે." પરિવાર અત્યારે માત્ર એક જ આશા રાખીને બેઠો છે કે તેમની માસૂમ દીકરી ગમે તેમ કરીને વહેલી તકે સાજી થઈ જાય. જાહેર રસ્તાઓ પર મોત બનીને દોડતી સરકારી બસો સામે ક્યારે થશે કડક કાર્યવાહી? સુરત શહેરમાં બી.આર.ટી.એસ. અને સિટી બસો દ્વારા અવારનવાર સર્જાતા અકસ્માતોએ સ્થાનિક નાગરિકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઉભા કર્યા છે. પીડિત પરિવારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવા ભયાનક અકસ્માતો રોજબરોજ બને છે, જેમાં નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવે છે અથવા કાયમી વિકલાંગ બને છે. પોલીસ માત્ર નામ પૂરતી ડાયરીમાં વિગતો નોંધીને જતી રહે છે, પરંતુ બસ ઓપરેટરો કે ડ્રાઈવરો સામે કોઈ કડક અને દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી થતી નથી. ડ્રાઈવરો દ્વારા નશો કરીને અને મુસાફરોના જીવ જોખમમાં મૂકીને ફૂલ સ્પીડે બસો હંકારવાની પ્રવૃત્તિ પર વહેલી તકે રોક લગાવવી જોઈએ જેથી અન્ય કોઈ પરિવારની દીકરીએ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાવાનો વારો ન આવે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના વકીલોએ બે જજોની કોર્ટનો કર્યો બહિષ્કાર:બાર એસોસિયેશનના ખાસ જનરલ બોર્ડમાં વકીલો સાથે ગેરવર્તન કરતા જજોનો બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો
    Next Article
    સ્કૂલવેન ચાલકનો પુત્ર CA બન્યો:મોહમ્મદ અમાને વડોદરામાં ચોથો ક્રમ મેળવ્યો, પ્રથમ ક્રમ મેળવનાર લક્ષ્મણે કહ્યું- 'સોશિયલ મીડિયાથી દૂર રહ્યો તો પરિણામ મળ્યું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment