Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ-વિદેશ:ડેટા સેન્ટર: AIની દોડમાં દુનિયા કેટલી મોટી કિંમત ચૂકવશે?

    8 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં ચાલી રહેલી સ્પર્ધાએ વૈશ્વિક અર્થતંત્રનું એક નવું ચિત્ર ઊભું કર્યું છે. અમેરિકા, ચીન અને યુરોપ સહિતના દેશો AI ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવા માટે અબજો ડૉલરનું રોકાણ કરી રહ્યા છે. પરંતુ આ ડિજિટલ ક્રાંતિની પાછળ એક એવી ભૌતિક વ્યવસ્થા ઊભી થઈ રહી છે, જેના વિશે સામાન્ય રીતે બહુ ચર્ચા થતી નથી. આ વ્યવસ્થા એટલે વિશાળ ડેટા સેન્ટરો. આજે દુનિયાના અનેક દેશોમાં ડેટા સેન્ટરોનું નિર્માણ અભૂતપૂર્વ ઝડપે થઈ રહ્યું છે. ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઑનલાઇન વ્યવહારો, વિડીયો સ્ટ્રીમિંગ અને હવે AIની કામગીરી માટે આ કેન્દ્રો અનિવાર્ય બની ગયાં છે. પરંતુ આ સુવિધાઓ ચલાવવા માટે જેટલી વીજળી, પાણી અને જમીનની જરૂર પડે છે તે હવે ગંભીર વૈશ્વિક ચિંતાનો વિષય બની રહી છે. AIના વિકાસને કારણે આ કેન્દ્રોની જરૂરિયાત અનેકગણી વધી છે. સામાન્ય ઇન્ટરનેટ સેવાઓની સરખામણીમાં અદ્યતન AI મૉડલને ચલાવવા માટે ઘણી વધારે કમ્પ્યુટિંગ ક્ષમતાની જરૂર પડે છે. પરિણામે ટેક્નૉલૉજી કંપનીઓ હવે વિશાળ કદનાં હાઇપરસ્કેલ ડેટા સેન્ટરો બનાવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટીના અહેવાલ મુજબ, ગયા વર્ષે ડેટા સેન્ટરોનો વીજળી વપરાશ વિશ્વના માત્ર 10 દેશોના કુલ વીજળી વપરાશ કરતાં ઓછો હતો. પરંતુ આ માંગ ઝડપથી વધી રહી છે. બ્લૂમબર્ગ એનઇએફના અનુમાન મુજબ 2035 સુધીમાં ડેટા સેન્ટરો વિશ્વના સૌથી મોટા વીજળી વપરાશકારોમાંના એક બની શકે છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)ના આંકડા અનુસાર, 2024માં વિશ્વની કુલ વીજળીના લગભગ દોઢ ટકા વીજળી ડેટા સેન્ટરોમાં વપરાતી હતી. 2030 સુધીમાં આ હિસ્સો બમણાથી પણ વધારે થવાની શક્યતા છે. આટલી ઝડપથી વધતી માંગને પહોંચી વળવા સ્થાનિક વીજળી ગ્રીડ પર ભારે દબાણ ઊભું થાય છે. વિશ્વની લગભગ 75 ટકા ડેટા સેન્ટર ક્ષમતા અમેરિકા, ચીન અને પશ્ચિમ યુરોપમાં કેન્દ્રિત છે. ચીનમાં ડેટા સેન્ટરોની વીજળીની જરૂરિયાતનો મોટો હિસ્સો હજુ કોલસા આધારિત વીજ ઉત્પાદનથી પૂરો થાય છે. તેથી AIની સ્પર્ધા સાથે ઊર્જા અને પર્યાવરણનો પ્રશ્ન પણ જોડાઈ રહ્યો છે. ડેટા સેન્ટરોના નિર્માણથી આર્થિક વિકાસ, રોકાણ અને રોજગારીની તકો ઊભી થાય છે. પરંતુ સ્થાનિક રહેવાસીઓ માટે વીજળી બિલમાં વધારો, પાણીની તંગી જેવી કેટલીક ગંભીર અસરો પણ છે. વિશાળ જમીનના ઉપયોગને કારણે પર્યાવરણ પર અસર થાય છે ઉપરાંત ડેટા સેન્ટરોની સરખામણીમાં સીધી રોજગારીની મર્યાદિત તકો છે. આયર્લેન્ડમાં ડેટા સેન્ટરોનો વીજળી વપરાશ દેશનાં તમામ શહેરી ઘરોના સંયુક્ત વપરાશ કરતાં વધી ગયો હતો. પરિણામે સરકારે નવા ડેટા સેન્ટરોના નિર્માણ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી. યુરોપમાં સ્થાનિક વિરોધને કારણે આશરે 42 અબજ ડૉલરના ડેટા સેન્ટર રોકાણો અટકી પડ્યાં છે. આ વૈશ્વિક પરિવર્તનમાં ભારત એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારત પાસે પ્રમાણમાં સસ્તી જમીન, કુશળ માનવશક્તિ અને ટેક્નૉલૉજી ક્ષેત્રનો વિશાળ અનુભવ છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા સાથે ભારત પણ ડેટા સેન્ટર માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે. ભારત સરકારે વિદેશી કંપનીઓને આકર્ષવા માટે ડેટા સેન્ટર ક્ષેત્રે લાંબા ગાળાની કર રાહતો જાહેર કરી છે. ગૂગલે ભારતમાં આશરે 15 અબજ ડૉલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટની જાહેરાત પણ કરી છે. પરંતુ આ વિકાસ સામે પ્રશ્નો પણ ઊભા થયા છે. વિશાખાપટ્ટનમ નજીક ગૂગલના પ્રોજેક્ટ અંગે પાણીની ઉપલબ્ધતા, વીજળીનો વપરાશ અને નજીકના વન્યજીવ અભયારણ્ય પર સંભવિત અસરને લઈને વિરોધ અને કાનૂની પડકારો સામે આવ્યા છે. ભારત સરકારે ડેટા સેન્ટરોના વિસ્તરણ દરમિયાન સામાન્ય વીજળી ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે માટે નવી નીતિ ઘડવાની દિશામાં પણ વિચારણા કરી છે. ભારત માટે ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણ આકર્ષવું જરૂરી છે. AI, ડિજિટલ અર્થતંત્ર, નાણાકીય સેવાઓ, આરોગ્ય, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આ માળખું ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. પરંતુ માત્ર વિદેશી રોકાણ અને વિશાળ ઇમારતોનું નિર્માણ વિકાસનું માપદંડ બની શકે નહીં. ભારતે કેટલીક બાબતોને પ્રાથમિકતા આપવી જોઈએ: જેમ કે ડેટા સેન્ટરો માટે નવીનીકરણીય ઊર્જાનો વધુ ઉપયોગ થાય, પાણીના વપરાશ માટે કડક ધોરણો નક્કી કરવામાં આવે અને પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન અપાય, ડેટા સેન્ટરોને કારણે સ્થાનિક ગ્રાહકોના વીજળી બિલમાં વધારો ન થાય, જમીન સંપાદન અને પર્યાવરણીય મંજૂરીમાં પારદર્શિતા જળવાય તેમજ સ્થાનિક યુવાનોને ટેક્નૉલૉજી અને ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રે તાલીમ અને રોજગારી મળે. AI અને ડેટા સેન્ટરનું ભવિષ્ય નિશ્ચિતપણે વિશાળ છે. પરંતુ આ વિકાસની કિંમત માત્ર ટેક્નૉલૉજી કંપનીઓ કે સરકારોએ જ નહીં, સ્થાનિક સમાજે પણ ચૂકવવી પડે તેવી સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. આપણે એક તરફ AI દ્વારા ઉત્પાદકતા, નવીનતા અને આર્થિક વિકાસ વધારવા માગીએ છીએ, તો બીજી તરફ વીજળી, પાણી અને પર્યાવરણની મર્યાદાઓ પણ સમજવી પડશે. ભારત સામેનો સાચો પડકાર ડેટા સેન્ટરો સ્થાપવાનો નથી, પરંતુ તેમનો વિકાસ એવી રીતે કરવાનો છે કે ડિજિટલ અર્થતંત્ર સમૃદ્ધ બને અને સામાન્ય નાગરિકના જીવન, પર્યાવરણ તથા કુદરતી સંસાધનો પર તેની અસહ્ય કિંમત ન પડે. આગામી દાયકામાં જે દેશો AIની શક્તિ સાથે ઊર્જા અને પર્યાવરણનું સંતુલન જાળવી શકશે, તેઓ જ સાચા અર્થમાં ડિજિટલ યુગના વિજેતા બનશે. }
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:આત્મા શરીરથી કંઇક વિશેષ છે?
    Next Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:જોન્ટી રોડ્સ: વાઈના હુમલા વચ્ચે ગ્રાઉન્ડ ગજવતો સાઉથ આફ્રિકન ચિત્તો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment