Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ખાડી પૂર, હર્ષ સંઘવીની મોડીરાત્રે હાઈલેવલ બેઠક:9,100 પરિવારનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ, 800થી વધુને રૂ.6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની ચૂકવણી

    16 hours ago

    સુરત શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજીને પૂર રાહત અંગે મોટી જાહેરાતો કરી હતી. આ બેઠકમાં સરકારનો મુખ્ય ભાર પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેશડોલ ચૂકવણી પર રહ્યો છે. અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને ₹6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને શુક્રવાર મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચીને રોકડ સહાય આપી દેવા માટે વહીવટી તંત્રની જુદી જુદી ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. કોઈપણ સોસાયટી વંચિત ન રહે તે માટે કલેક્ટર તંત્ર સજ્જ નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યા છે કે પૂરની થપાટ ખમનારો એક પણ નાગરિક સરકારી સહાયથી વંચિત રહેવો જોઈએ નહીં. આ હેતુથી સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી થયેલા સર્વે ઉપરાંત, જો હજુ પણ કોઈ સોસાયટી કે વિસ્તાર રહી ગયો હોય તો ત્યાં તાત્કાલિક ટીમ મોકલવાની સૂચના અપાઈ છે. કોઈપણ રહી ગયેલી સોસાયટી કે નાગરિક કલેક્ટર કચેરી ખાતે ઊભા કરાયેલા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને પોતાના વિસ્તારની માહિતી આપી શકે છે, જેથી વહીવટી ટીમ તુરંત ત્યાં પહોંચીને સર્વેની કામગીરી પૂર્ણ કરશે. લોકોને રોજબરોજના જીવનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વૈકલ્પિક સહાય ડે-એન્ડ-નાઇટ કામગીરી કરીને ચૂકવવામાં આવી રહી છે. કોમર્શિયલ વિસ્તારો માટે વિશેષ સર્વે અને આગામી પોલિસી સ્થાનિક રહેવાસીઓની સાથે સુરતના વેપારી વર્ગને થયેલા મોટા નુકસાન અંગે પણ સરકારે ગંભીરતા દાખવી છે. પૂરના કારણે જેમની દુકાનો કે વ્યાપારી એકમો ધોવાઈ ગયા છે તેમના માટે સુરત શહેરના 58 જેટલા મુખ્ય વાણિજ્યિક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે શુક્રવાર સાંજ સુધી સતત ચાલુ રાખવામાં આવ્યો છે અને જેમ-જેમ નવી માહિતી મળી રહી છે તેમ ડેટા અપડેટ કરાઈ રહ્યો છે. કોમર્શિયલ સેક્ટરમાં થયેલા નુકસાનના આધારે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ પોલિસી જાહેર કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેપારીઓને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે આ આખું સર્વે કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પોલિસીનો અમલ તાત્કાલિક થાય તે માટેની વહીવટી તૈયારીઓ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. વેપારીઓના ઇન્સ્યોરન્સ ક્લેમ માટે આરટીઓ અને લીડ બેન્કર મેદાને જે વેપારીઓ પાસે પોતાના સ્ટોક કે દુકાનનો ઇન્સ્યોરન્સ (વીમો) ઉપલબ્ધ છે, તેમને કંપનીઓ તરફથી કોઈ હેરાનગતિ ન થાય અને ક્લેમની રકમ ઝડપથી પાસ થાય તે માટે સરકારે ખાસ નવતર પ્રયોગ કર્યો છે. આ સમગ્ર વીમા પ્રક્રિયાના સંકલન માટે સુરત આરટીઓ (RTO) અને લીડ બેન્કરને ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેપારીઓ દ્વારા કરવામાં આવતી વીમા અરજીઓનો ઝડપી નિકાલ થાય તે માટે વહીવટી તંત્ર સીધું કંપનીઓ સાથે સંપર્કમાં રહેશે. આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે એક વિશેષ ઓનલાઈન ડેશબોર્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ક્લેમ પ્રોસેસનું મોનિટરિંગ કલેક્ટરની અધ્યક્ષતામાં દર 15 દિવસે યોજાનારી બેઠકોમાં કરવામાં આવશે. સુરતને સ્વચ્છ બનાવવા 4500 સ્વચ્છતા દૂતોનું મહાઅભિયાન પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ભગીરથ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં સુરતના સ્થાનિક સફાઈ કર્મચારીઓ ઉપરાંત પાડોશી શહેર વડોદરા મહાનગરપાલિકા અને આસપાસની મોટી ઇન્ડસ્ટ્રીઝ તરફથી 1000થી વધુ વધારાના સ્વચ્છતા કામદારોની ટીમ સુરત આવી પહોંચી છે. હાલમાં કુલ 4500 જેટલા સ્વચ્છતા દૂતો દિવસ-રાત એક કરીને શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક સોસાયટીઓના રસ્તાઓ સાફ કરી રહ્યા છે. આ ટીમો દ્વારા કચરાના નિકાલ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે જેથી પૂર બાદની સ્થિતિને સત્વરે સામાન્ય બનાવી શકાય. ડોર-ટુ-ડોર હેલ્થ સર્વેક્ષણ અને ડ્રેનેજ-વીજળીની સમીક્ષા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા એ સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. મનપાની આરોગ્ય ટીમો દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર હેલ્થ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની દરરોજ સાંજે 7:00 વાગ્યે કલેક્ટર અને મનપા કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. આ ઉપરાંત, શહેરમાં ડ્રેનેજ લાઈનોની સફાઈ માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીને ઇન્ચાર્જ બનાવી વિશેષ ટીમ તૈનાત કરાઈ છે. વીજ પુરવઠા અંગે ડીજીવીસીએલ (DGVCCL) અને ટોરેન્ટ પાવર સાથે સમીક્ષા કરાઈ છે. મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃ સ્થાપિત કરી દેવાઈ છે, પરંતુ હજુ પણ જે 6 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે ત્યાં સુરક્ષાના ભાગરૂપે પાણીનો સંપૂર્ણ નિકાલ થયા બાદ જ વીજ પુરવઠો ચાલુ કરવાનો કડક આદેશ અપાયો છે. બેઝમેન્ટમાંથી પાણી ઉલેચવા 50થી વધુ હાઈ-કેપેસિટી પંપ કાર્યરત સુરતના અનેક રહેણાંક કોમ્પ્લેક્સ અને કોમર્શિયલ સેન્ટરોના બેઝમેન્ટ કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં હજુ પણ પૂરના પાણી ભરાયેલા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા વધારાના 50થી વધુ હાઈ-કેપેસિટી ડીવોટરિંગ પંપ કામે લગાડવામાં આવ્યા છે. ભલે તે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મનપા તમામ જગ્યાએથી પાણી બહાર કાઢવાની કામગીરી મફત કરી આપશે. આ જળ નિકાલની પ્રક્રિયા પર દેખરેખ રાખવા અને પંપોની વ્યવસ્થા કરવા માટે GIDC, GPCC અને DICના ઉચ્ચ અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, જેઓ વિવિધ ઉદ્યોગો પાસેથી મોટા પંપ મેળવીને મનપાની ટીમોને પૂરા પાડી રહ્યા છે. વહીવટી તંત્રના આ સામૂહિક પ્રયાસોથી આગામી 24થી 48 કલાકમાં સુરતની સ્થિતિ સંપૂર્ણ પૂર્વવત થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સિંહ-વાઘ સાથે હવે જિરાફ-ઝીબ્રા પણ જોઈ શકાશે:આજવા ખાતે બનશે હાઇટેક ‘વાઇલ્ડલાઇફ સફારી પાર્ક’, વાર્ષિક 100 કરોડની કમાણી અને 4500 નવી નોકરીનું લક્ષ્ય
    Next Article
    કારંજ પોલીસે તિરંગા યાત્રાનું આયોજન કર્યું:ભદ્રકાળી મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment