Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાકડીના 88 ફટકા ને છૂંદાયેલું શરીર:ઓપરેશન સ્પેશિયાલિસ્ટે આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલ્યા?

    1 week ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે લોલિયા ગામના પૂર્વ સરપંચ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક 6 લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટના વિજયભાઇના બહેન પ્રવીણાબેન અને ભાણીયા બિપિન સોલંકીની આંખો સામે ઘટી હતી. હુમલા બાદ વિજયભાઇને તાત્કાલીક સારવાર માટે તો લઇ જવાયા પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. પૂર્વ સરપંચની થયેલી હત્યાએ આખા પંથકમાં ઉહાપોહ મચાવી દીધો હતો. જેના કારણે કેસની તપાસ બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપાઇ હતી. હવે આગળ વાંચો.... પૂર્વ સરપંચની હત્યાથી ભારે આક્રોશ હતો. લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેથી પોલીસ પર કોઇપણ ભોગે આરોપીઓને પકડવાનું દબાણ વધ્યું હતું. હવે પોલીસ માટે આ કેસ માત્ર એક હત્યાનો નહોતો પરંતુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. જ્યારે પણ કોઇ ગુનો બને છે ત્યારે પોલીસની પ્રાથમિકતા ઘટનાસ્થળેથી જે પણ પુરાવા મળે તેને એકઠા કરવાની હોય છે. કેમ કે આ પુરાવા જ મહત્વના સાબિત થતાં હોય છે. આ કેસમાં પણ પોલીસે આ જ પ્રકારની કામગીરી કરી. પોલીસે કોર્ડન કરેલા ઘટનાસ્થળે FSLની ટીમને બોલાવી. જે જગ્યાએ લાશ પડી હતી ત્યાં ચપ્પલ વેરવિખેર હાલતમાં હતા. જમીન પર લોહીના ખાબોચિયાં જામી ગયા હતા. પોલીસે લોહીવાળી માટી અને સાદી માટીના નમૂના પણ લેવડાવ્યા. આ માત્ર નમૂના નહોતા પણ એવા પુરાવા હતા જે આવનારા સમયમાં આરોપીઓને જેલમાં સળિયા પાછળ ધકેલવામાં મહત્વની ભૂમિકા ભજવવાના હતા. વિજયભાઇની લાશનું પોસ્ટ મોર્ટમ કરવા માટે પણ ખાસ ડૉક્ટર્સની એક પેનલ બનાવાઇ હતી. ડૉક્ટર્સે કરેલા પોસ્ટ મોર્ટમનો જે રિપોર્ટ આવવાનો હતો તે જોઇને ભલભલાને આંચકો લાગવાનો હતો કેમ કે વિજયભાઇને 1-2 નહીં પણ 88 જગ્યા પર ગંભીર ઇજા પહોંચી હોવાનો તેમાં ઉલ્લેખ હતો. આ આંકડો જ દર્શાવતો હતો કે હુમલાખોરોમાં કેટલી નફરત ભરેલી હશે. તેમને માથાથી માંડીને હાથ-પગ પર આડેધડ લાકડીઓના એવા ફટકાં મારવામાં આવ્યાં હતા કે તેમનું એક પણ અંગ આ હુમલા પછી સાજું નહોતું રહ્યું. લોખંડની ટોપીવાળી લાકડીઓથી શરીરની અંદરના ભાગમાં પણ એટલી ઇજા પહોંચી હતી કે ત્યાંનો ભાગ પણ ફાટી ગયો હતો. પીએમ રિપોર્ટ પરથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે વિજયભાઇનું મોત અતિશય વહેલા લોહી અને આઘાતના કારણે થયું છે. જે રીતે હુમલો થયો તે જોતાં પોલીસને આશંકા હતી કે આ કોઇ આકસ્મિક ઝઘડા બાદનો હુમલો નથી પણ પ્રોપર પ્લાનિંગ કરીને હત્યા કરવાના ઇરાદે થયેલો હુમલો છે. પીએમ રિપોર્ટ આવી ગયો હતો પણ જેણે હુમલો કર્યો તે 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. રઘુભાઇ, ભીમાભાઇ, કાળુભાઇ, મફાભાઇ ઉર્ફે દાનુભાઇ, કુલદીપ ઉર્ફે લાલાભાઇ અને જીજ્ઞેશભાઇ નામના આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. આ તમામ આરોપીઓ ગામ છોડીને ભાગી ગયા હતા એટલે તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની જાળ બિછાવી દીધી હતી, અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા પણ આરોપીઓનો કોઇ પત્તો મળતો નહોતો. આમને આમ એક દિવસ વિતી ગયો પણ 3 જુલાઇની તારીખ પોલીસ માટે આશાનું કિરણ લઇને આવવાની હતી. ત્રીજી તારીખે પોલીસે ઘટનાના મુખ્ય આરોપી રઘુની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ એક પછી એક બીજા આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવી ગયા. એટલું જ નહીં તપાસ દરમિયાન પોલીસે આરોપીઓએ વાપરેલી લાકડીઓ અને ઘટના સમયે જે કપડાં પહેર્યાં હતા તેને પણ એકઠાં કરીને વધુ તપાસ માટે FSLમાં મોકલી આપ્યાં હતાં. હવે વિજયભાઇની હત્યાના કારણ પરથી પડદો ઊંચકાવાનો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી. પહેલાં તો બધાએ એવો જ ડોળ કર્યો કે પોતે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે આ કેસમાં સંડોવાઇ રહ્યાં છે પરંતુ પોલીસે થોડી સખ્તાઇ વર્તી એટલે આરોપીઓના ચહેરા પરનું નૂર ઊડી ગયું. થોડીવારમાં તો તેમણે પોલીસ સમક્ષ બે હાથ જોડીને કબૂલાત કરવાની શરૂઆત કરી દીધી. 'સાહેબ… અમે વિજયભાઇના વધી રહેલાં વર્ચસ્વથી નારાજ હતા. આ વાત અમને જરા પણ હજમ થાય તેવી નહોતી અને એટલા જ માટે અમે તેનું કાસળ કાઢવાનું નક્કી કરીને આખો પ્લાન ઘડી નાંખ્યો હતો. આ માટે અમે લાકડીઓ વડે તેના પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું.' આરોપીઓની આ કબૂલાતથી વિજયભાઇની હત્યાનું કારણ તો સામે આવી ગયું પણ હજુ વધુ એક ઘટસ્ફોટ થવાનો હતો. વિજયભાઇ જ્યારે સરપંચ હતા ત્યારે રઘુભાઇ ડેપ્યુટી સરપંચ હતા. આ સમયથી જ બન્ને વચ્ચે દુશ્મનીના બીજ વવાયા હતા. આ કેસ ધોળકા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરિયાદી પ્રવીણાબેન તરફથી સરકારી વકીલ જે.સી.પટેલે ધારદાર રજૂઆતો કરી હતી. આ કેસમાં એક સમયે એવો પણ વળાંક આવ્યો કે જે સાક્ષીઓ હતા તેમણે પણ પોતાનો જવાબ ફેરવી નાંખ્યો હતો પણ વિજયભાઇના બેન પ્રવિણા અને ભાણિયા બિપિને ઘટના સમયે જે ખૂની ખેલ જોયો હતો તેના પર અડગ રહ્યાં હતા. તેમની જુબાનીએ કેસનો પાયો મજબૂત કર્યો હતો. બીજીતરફ ઘાયલ થયેલા ઘનશ્યામભાઇએ પણ હુમલાખોરોની ઓળખ કરી હતી. મેડિકલ રિપોર્ટ અને FSL રિપોર્ટે પણ સાક્ષીઓની જુબાનીને સમર્થન આપ્યું હતું. બચાવ પક્ષે પણ ખૂબ લાંબી દલીલો કરી હતી કે આરોપીઓ નિર્દોષ છે. ઘટનામાં તેમનો કોઇ રોલ નથી. જૂની અદાવતના કારણે ફસાવાઇ રહ્યાં છે. કોર્ટે પીએમ રિપોર્ટ, FSL રિપોર્ટ અને સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખીને બચાવ પક્ષની દલીલો ફગાવી દીધી હતી. આ કાનૂની કાર્યવાહી દરમિયાન કેસના મુખ્ય આરોપી રઘુભાઇનું બીમારીના કારણે અવસાન થયું હતું. જ્યારે બાકીના પાંચેય આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. વર્ષો વીતતા ગયા પણ વિજયભાઇનો પરિવાર ન્યાયની આશા છોડવા તૈયાર નહોતો. આખરે 13 વર્ષ બાદ એટલે કે 17 માર્ચ, 2026 ના રોજ તે ઐતિહાસિક દિવસ આવ્યો જ્યારે કોર્ટે પોતાનો આખરી ફેંસલો સંભળાવ્યો અને તમામ આરોપીઓને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. ચુકાદો આપતાં ન્યાયાધીશ એન.જી દવેએ અવલોકન કર્યું કે સાક્ષીઓની સંખ્યા કરતાં પુરાવાની ગુણવત્તા મહત્વની છે. દોષિતોએ કાયદાને હાથમાં લઇને જે નિર્મમતા દાખવી છે તે માફીને માત્ર નથી. કોર્ટે મૃતક વિજયભાઇની માતાને 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. પૂર્વ સરપંચની હત્યાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી, વાંચો પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો આક્ષેપ:સુરતમાં AAPના ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના; પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
    Next Article
    બાબાસાહેબ આંબેડકર જયંતિ સુરેન્દ્રનગર-વઢવાણમાં ઉજવાઈ:શહેરીજનોએ ઉત્સાહભેર પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment