Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિર ટ્રસ્ટે 8000 કરોડની જમીન મફતમાં લીધી, 4 કરોડમાં વેચી:નિયમ વિરુદ્ધ સાબરમતીના પટમાં સરવે નંબર પાડ્યો, ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો, રિવરફ્રન્ટના કામ પર પ્રશ્નાર્થ

    13 hours ago

    સાબરમતી નદીના કિનારે બનેલું રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહીં, આખા ગુજરાતની ઓળખ સમાન છે. હવે રિવરફ્રન્ટને છેક ગિફ્ટ સિટી સુધી લંબાવવાના તબક્કાવાર પ્રોજેક્ટ તરીકે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પણ આ પ્રોજેક્ટમાં એક મોટું કૌભાંડ થયું હોવાનું દિવ્ય ભાસ્કરને હાથ લાગેલા દસ્તાવેજોથી માલુમ પડે છે. મુદ્દો છે નદીની સરકારી માલિકીની જમીન પાણીના ભાવે કાગળ પર વેચીને કરોડો રૂપિયા છાપી લેવાનો. કદાચ એવું પણ બની શકે કે ગુજરાતના ઇતિહાસમાં આંકડાની રીતે આ સૌથી મોટું કૌભાંડ હોય. ખુલ્લેઆમ કરવામાં આવેલા આ કૌભાંડમાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવાયા, વાંધોઓની અવગણના થઈ અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને કૌભાંડનું કલંક લગાવી દેવામાં આવ્યું. ગુજરાતમાં સેવા બજાવતા સિનિયર અધિકારીઓથી લઈને એક ટ્રસ્ટ તેમજ કંપનીએ મળીને કેવી રીતે આ આખું કૌભાંડ આચર્યું તેને દસ્તાવેજી પુરાવા સાથે સમજો. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કોટેશ્વર ગામ છે. જ્યાં અત્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે સરકારી દસ્તાવેજ મુજબ હાલમાં જ્યાં કામ ચાલી રહ્યું છે તે જમીન ખાનગી માલિકીની છે. વાસ્તવમાં આ જમીનની માલિક સરકાર જ હતી અને છે, જેના પર સરકારનો મેગા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. હદ તો એ છે કે તેરી ભૂ ચૂપ, મેરી ભી ચૂપનો ઘાટ ઘડાયો હોય એમ હવે સરકારી જમીન પોતાના નામ પર થઈ ગઈ હોવા છત્તા ખાનગી જમીન માલિકે આ મુદ્દે કોઈ વાંધો પણ ઉપાડ્યો નથી. કોટેશ્વર ગામમાં આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર મિની સોમનાથ તરીકે જાણીતું છે. મોદી સ્ટેડિયમ, રિવરફ્રન્ટ, મેટ્રો રેલ અને એરપોર્ટની નિકટતાને કારણે આ સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા રોડ-રસ્તા બની રહ્યા છે. આ વિસ્તારમાં ભવિષ્યમાં વધુ વિકાસ થવાની શક્યતા છે. મોટેરા સ્ટેડિયમ અને મેટ્રો પ્રોજેક્ટને કારણે કોમર્શિયલ પ્રવૃત્તિઓ વધી છે. 2020માં હાંસોલથી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટના બીજા તબક્કાનું કામ શરૂ થયું હતું, પરંતુ 2021માં ભાટ-કોટેશ્વર નજીક આ કામ અટકાવી દઈને કિંમતી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ઘડાયું હતું. ગ્રામજનોએ તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે આ જમીન કોટેશ્વર ટ્રસ્ટને સોંપી દેવાઈ છે. પણ મુદ્દો તો આનાથી પણ વધારે પેચીદો બનતો ગયો. કારણ કે કોટેશ્વર ટ્રસ્ટ તો માત્ર જાણે કોઈક પ્યાદાની જેમ જ કામ કરતું હોય એમ જાણવા મળ્યું, તેની પાછળ સંપૂર્ણ દોરી સંચાર મોટા માથાનો હતો, જેની આ જમીન પર કાળી નજર હોય એમ લાગ્યું અને મજબૂત આયોજન રીતે જમીન પચાવવાનું કામ તબક્કાવાર થતું ગયું. ગામલોકોએ સરકારના અનેક વિભાગોમાં વિવિધ પુરાવાઓ સાથે રજૂઆતો કરી હતી. જેમાં જણાવાયુ છે કે, કોટેશ્વર ટ્રસ્ટને સાબરમતી નદીની કોટેશ્વર-ભાટ નજીક નદીના પટ અને કોતરની રિવરફ્રન્ટ માટેની 12,76,761 ચોરસ મીટર જમીનને મફતમાં પધરાવી દીધી છે. ગામલોકોએ સરકારમાં જે પુરાવાઓ આપ્યા છે તેમાં એક સત્તાવાર પત્ર પણ છે. જેમાં 2018માં કલેક્ટરની ખરીદી સમિતિએ તેની અંદાજિત બજાર કિંમત 8000 કરોડની આસપાસની નક્કી કરી હતી. જો કે ત્યાર પછી તો જમીનની બજાર કિંમતમાં સતત વધારો જ થઈ રહ્યો છે. ભાટ ગામની જમીનને પણ કોટેશ્વરની માપણીમાં દર્શાવી દીધી સરકારી તંત્ર દ્વારા કરાયેલી માપણી મુજબ કોટેશ્વરની જમીનની માપણી 3,81,011 ચોરસ મીટર હતી. જ્યારે 7/12ના ઉતારા મુજબ નવો સરવે નંબર 247 ઉભો કર્યો છે તેમાં જમીનનું ક્ષેત્રફળ 7,45,457 ચોરસ મીટર દર્શાવાયું હતું. પણ માપણી મુજબ 7/12ના ઉતારાનો મેળ પડતો ન હતો. આથી ભાટ ગામની 1,83,569 જમીનને પણ કોટેશ્વરની જમીનની માપણીમાં દર્શાવી દીધી છે. આમ કુલ ક્ષેત્રફળ 7,45,457 ચોરસ મીટર કરી દીધું છે. નદીની જગ્યામાં ખોટો નકશો દોરીને આ કૌભાંડ કરાયું છે. એટલે સ્પષ્ટ થાય છે કે સરકારી રેકર્ડમાં ચેડાં કરવામાં આવ્યા અને નદીની જમીન ટ્રસ્ટ પાસે આવી ગઈ. ત્યાર બાદ આ જમીન ખાનગી લોકોને પધરાવવા માટેનો અસલી ખેલ શરૂ થયો. જેના માટેનું પહેલું સ્ટેપ હતું કોઈપણ ભોગે જમીનને બિનખેતી એટલે કે NA કરાવવી. અગાઉ કલેક્ટરે નકારાત્મક અભિપ્રાય આપીને બિનખેતીની અરજીને કાઢી નાખી હતી બાદમાં બિનખેતી કરી અપાઈ 1864ની ઈનામદારની સનદ મળી ત્યારથી આ સરકારી જમીનનો સાર્વજનિક ઉપયોગ થઈ રહ્યો છે. ઈનામદારે ઓગસ્ટ-2021માં બિનખેતી માટે અરજી કરી હતી. પણ કલેક્ટરે તેને કાઢી નાખી હતી. એટલું જ નહીં નકારાત્મક અભિપ્રાય પણ આપ્યો હતો. ત્યાર બાદ કોટેશ્વર ટ્રસ્ટે ફરીથી 17મી જૂન 2022એ બિનખેતી માટે અરજી કરી હતી. નક્કી થયેલી સ્ક્રીપ્ટ મુજબ, ઉપજાવી કાઢેલા સરવે નંબર 247ની જમીનને બિનખેતી કરવાનો હુકમ કલેક્ટરના આદેશ વિના જ સરકારી રેકર્ડ પર તેની નોંધ પણ પાડી દેવાઈ છે. આમ સત્તા બહારના બોગસ હુકમ કરીને આ જમીનને બિનખેતી કરી દેવામાં આવી. બિનખેતી માટે 1961ની અસરથી અપાઈ, ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના કોટેશ્વર ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આ જમીન બિનખેતી કરવા માટે અરજી કરી હતી. જેમાં ટ્રસ્ટે એવું કહ્યું હતું કે 1961માં જ ટ્રસ્ટ મંડળ દ્વારા ઠરાવ કરીને જમીન બિનખેતી કરાઈ હતી. તેના આધારે હવે બિનખેતી કરવાની માગણી કરાઈ હતી. ખરેખર તો આવું થઈ શકે જ નહીં. આમ છતાં ગાંધીનગર કલેક્ટર કચેરીએ 7મી જુલાઈ, 2022ના રોજ ટ્રસ્ટની અરજીને માગ્ય ગણીને જૂની અસરથી એટલે કે 1961થી બિનખેતીની 1558 નંબરની નોંધ પાડી દીધી હતી. આમ, 60 કે તેનાથી વધુ વર્ષની જૂની અસરથી કોઈ જમીનને બિનખેતી કરી અપાઈ હોય એવી આ ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના છે. પ્રિમિયમે ન લેતા સરકારી તીજોરીને 700 કરોડોનો ફટકો 8 હજાર કરોડની અંદાજિત કિંમતની જમીનને નિયમ વિરુદ્ધ જઈને બિનખેતી તો કરી આપવામાં આવી. એ ઉપરાંત પ્રિમિયમ લેવામાં પણ અધિકારીઓએ દિલદારી દાખવી. જો કોઈ સામાન્ય વ્યક્તિએ પણ જમીન બિનખેતી કરાવવી હોય તો નિયમો મુજબ નક્કી કરેલી પ્રિમિયમની રકમ સરકારમાં ભરવી પડે છે. પરંતુ સરકારી તંત્રને કોટેશ્વર ટ્રસ્ટ પર ન જાણે એવો તો કેવો પ્રેમ ઉભરાયો કે બિનખેતી માટે પ્રિમિયમની કરોડોની રકમ પણ લીધી નથી. જાણકારોના એક અંદાજ મુજબ જો પ્રિમિયમ લેવાયું હોત તો 700 કરોડ રૂપિયાની આવક સરકારને થઈ હોત. મહત્વની વાત એ છે કે સ્થાનિક લોકોએ અવારનવાર લેખિતમાં તમામ પુરાવાઓ આપીને તંત્રને જાણકારી અને ફરિયાદો આપી હતી. પરંતુ તમામ વાંધાઓને નજરઅંદાજ કરીને ખેલ પાડી દેવાયો છે. 8000 કરોડની જમીનનો માત્ર પોણા ચાર કરોડમાં સોદો સરકારે તો કોટેશ્વર ટ્રસ્ટને સાવ મફતમાં 8 હજાર કરોડ રૂપિયાની જમીન આપી દીધી. ત્યાર બાદ આ જમીન ટ્રસ્ટે વેચી મારી. કોટેશ્વર ટ્રસ્ટે આ જમીન અમદાવાદના સીજી રોડ પર આવેલી મનોરમ્યા રિસોર્ટ પ્રા.લિ.ને વેચી છે. જેનો દસ્તાવેજ પણ કરી દેવાયો છે. કોઈને પણ જાણીને આંચકો લાગે એવી વાત તો એ છે કે દસ્તાવેજમાં આ જમીન માત્ર પોણા ચાર કરોડ રૂપિયામાં વેચી હોવાનો ઉલ્લેખ છે અને તે મુજબની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી છે. સવાલ એ ઉભો થાય છે કે કોઈ આવી જમીન સાવ સસ્તા ભાવે વેચે કેમ? વાસ્તવમાં અંદરખાનેથી તો ટ્રસ્ટ અને જેને જમીન વેચાઈ છે એ રિસોર્ટના છેડા એકબીજા સાથે જોડાયેલા છે. આ કહેવાતી કંપનીનું કોઈ અધિકૃત સરનામું પણ બતાવ્યું નથી. વળી, જો 8 હજાર કરોડની કિંમતનો દસ્તાવેજ બનાવવામાં આવે તો કરોડોની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. તેમજ મોટો દસ્તાવેજ બને એટલે ફરીથી અન્ય અધિકારીઓની નજરમાં પણ આવી જાય. આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને જમીનનો ઓછો દસ્તાવેજ બનાવાયો હોય એમ હોઈ શકે. આમ, મોટા ઉદ્યોગપતિઓને ખુશ કરવાના હેતુથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ કરોડોનો ચૂનો લગાડાયો છે. લોકોનો આક્ષેપ હતો કે, આ જમીનને પધરાવવા માટે શક્તિશાળી ગણાતા પૂર્વ સનદી અધિકારીએ પૂરી તાકાત લગાવી હતી. તેઓએ મામલતદાર ઓફિસના કારકૂન સુધી ફોલોઅપ કર્યુ હતું. જમીનની તમામ પ્રક્રિયા વખતે ગામલોકોએ લેખિત-મૌખિકમાં વાંધા દર્શાવ્યા હોવા છતાં તેને ધ્યાનમાં લેવાયા નહોતા. એટલું જ નહીં, ગામલોકોએ આપેલા અનેક સરકારી પુરાવાઓને પણ નજરઅંદાજ કરાયા હતા. ભાજપના જ નેતાઓએ પત્ર લખ્યા ભૂમાફિયાઓના પાપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરમતી રિવરફ્રન્ટનો ડ્રીમ પ્રોજેક્ટ લટકી પડ્યો હતો. બીજા તબક્કાનું કામ શરુ થયા બાદ પણ સાબરમતીના કાંઠે આવેલા મોટેરા, કોટેશ્વર અને ભાટ ગામની સીમમાં નદી કિનારાની કેટલીક જમીનનો કબજો સાબરમતી રિવરફ્રન્ટ ઓથોરિટીને સોંપાતો નહોતો. રિવરફ્રન્ટનું કામ ઝડપથી આગળ વધે એ માટે ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ મુખ્યમંત્રીની માંડીને વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી. આ રજૂઆત કરનારામાં ગાંધીનગર જિલ્લાના તત્કાલીન ભાજપ પ્રમુખ અનિલ પટેલ, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર ભાજપના પૂર્વ પ્રમુખ રુચિર ભટ્ટ, ગાંધીનગર મહાપાલિકાના પૂર્વ કોર્પોરેટર માણેકજી ઠાકોર, તેજલબેન નાયી, સેજલબેન પરમારનો સમાવેશ થાય છે. કેશવકુમાર વર્મા જેવા સિનિયર અધિકારીઓએ પણ અલગ-અલગ વિભાગોને પત્ર લખ્યા હતા રિવરફ્રન્ટ કમિટીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ IAS અધિકારી કેશવકુમાર વર્માએ સરકારને પત્ર લખ્યો હતો. જેમાં એવી શંકા વ્યક્ત કરાઈ હતી કે નદીની સરકારી જમીન ગેરકાયદે રીતે હડપ થઈ શકે છે. તેમજ બીજા તબક્કાની રિવરફ્રન્ટની કામગીરી માટે જમીનનો કબજો સોંપી દો એવી માગણી કરાઈ હતી. આમ છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. અમદાવાદ મહાનગરપાલિકાના તત્કાલિન કમિશનર લોચન શહેરા સહિતના કમિશનરોએ પણ સાબરમતી રિવરફ્રન્ટની જમીનનો કબજો સોંપવા માટે ગાંધીનગરના કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ પણ રિવરફ્રન્ટની આ જમીન સોંપવા માટે પત્રો લખાયા હતા પણ તંત્રએ સરકારી અધિકારીઓની માગણીઓને પણ સાઈડલાઈન કરી દીધી હતી. બીજી બાજુ નદીની આ બિનનંબરી અને સરકારી જમીનને મામલતદાર કક્ષાએ સત્તા નહીં હોવા છતાં નવો રિ-સરવે નંબર આપીને ખાનગી જમીન બનાવી દીધી છે. જમીન નદી-કોતરની હોવાથી સરકાર આ જમીન કોઈને આપી શકે નહીં કોઈપણ નદી-નાળા કે કોતરની જમીન સરકારી માલિકીની કહેવાય. આવી જમીનને સરકાર પણ જાહેરહીત સિવાયના કિસ્સામાં કોઈ અન્ય ખાનગી કંપની-ટ્રસ્ટ કે વ્યક્તિને આપી શકતી નથી. ગામલોકોએ રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, જમીનોની આ ફાઈલ મહેસુલ સચિવ, મુખ્ય સચિવ કે મુખ્યમંત્રી સુધી જવી જોઈતી હતી. પરંતુ આવું કશું થયું નથી. આ કિસ્સામાં સરકારે કોઈ લેખિત આદેશ આપ્યો નહીં હોવા છતાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડના (DILR) ઉચ્ચ અધિકારીઓએ 8 હજાર કરોડની કિંમતની આ જમીનનો ખેલ પાડ્યો છે. રિવરફ્રન્ટની આપી દેવાયેલી આ જમીનનું હાલનું સ્ટેટસ શું છે? રિવરફ્રન્ટની કામગીરી આગળ ધપાવવાનો આદેશ થયા બાદ ભાટ-કોટેશ્વરની જમીનનો કબજો લીધા વગર જ કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેનો અર્થ એવો થયો કે, હાલમાં રિવરફ્રન્ટનું કોટેશ્વર ખાતે જે કામ ચાલી રહ્યું છે તે પૈકીની કેટલીક જમીનની સત્તાવાર માલિકી ખાનગી કંપનીની છે. મનોરમાં રિસોર્ટ હવે પોતાની માલિકીની કહેવાતી જમીન માટે કોર્ટમાં જશે તો શું થશે? કંપનીએ જે જમીનનો દસ્તાવેજ પણ કર્યો છે તે જમીનનો કબજો તેને મળી શકે તેમ નથી. સ્થિતિમાં કંપની કોર્ટનો આશરો લઈ શકે છે. આખરે સમાધાનના ભાગરુપે સરકાર પણ કંપનીને રિવરફ્રન્ટની નદીની જમીનના બદલામાં અન્ય કોઈ જગ્યાએ જમીન આપી શકે છે. જો જમીન ન આપે તો પછી સરકાર કંપનીની જમીન લેવા બદલ કરોડો રૂપિયાનું વળતર પણ ચૂકવી શકે છે. દિવ્ય ભાસ્કરે જ્યારે કોટેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો પક્ષ જાણવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. ભૂતકાળમાં પણ જ્યારે તેમને અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે જવાબ આપવાનું ટાળ્યું હતું. ટૂંકમાં તેઓ આ મામલાને દબાવવા માગતા હોય એમ લાગી રહ્યું છે. આ જ રીતે મનોરમ્યા રિસોર્ટના પ્રતિનિધિનો પણ સંપર્ક થઈ શક્યો નથી.
    Click here to Read More
    Previous Article
    ઠંડીમાં તમારી આંગળીઓ લાલચોળ થઈને દુખે છે?:સામાન્ય સોજો નહીં, ચિલ બ્લેનના છે લક્ષણો; ડૉક્ટર પાસેથી જાણો બચવાના ઉપાય
    Next Article
    એક નિયમ અને સોના જેવી હજારો વીઘા જમીન થઇ નકામી:મોટા-મોટા ઉદ્યોગપતિઓ સામે વિચિત્ર સમસ્યા, 1000 કરોડ રૂપિયા અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment