Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પર ચીનનું ટ્રિગર:80 કિમી સુધી પહોંચી ગયું, કચ્છ માથે મોટો ખતરો, પાકિસ્તાન સાથે મળીને ભારતને ઘેરવાનો સિક્રેટ પ્લાન

    1 day ago

    તારીખઃ 24 ઓગસ્ટ સમયઃ 11:14 AM ઈસ્લામાબાદનાં રાષ્ટ્રપતિ ભવનમાં શાંત પણ ખતરનાક માહોલ હતો. સિક્રેટ મીટિંગમાં ઘડિયાળના કાંટાની ટિક-ટિકનો અવાજ પણ સંભળાતો હતો. બંધ બારણા પાછળ એક બાજુ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી હતા. બીજી બાજું ચીનની દિગ્ગજ સરકારી કંપની CHECનું ડેલિગેશન હતું. પ્રોજેક્ટર ચાલુ થયું. બે-ચાર સેકન્ડમાં સ્ક્રીન પર ભવિષ્યમાં આકાર લેનાર કેટી બંદરનો એક ફોટો દેખાયો. તરત જ ચીની અધિકારીએ પ્રેઝન્ટેશન આપવાનું શરૂ કર્યું. બંદર પર મસમોટાં જહાજો લંગર નાખશે એવાં સપનાં બતાવ્યાં. પહેલા ફેઝમાં 5 હજાર કરોડનો ખર્ચ કરીશું. 500 મીટરની જેટી બનશે. આંકડા બોલાતા જ બંધ ઓફિસમાં ઉત્તેજતા વ્યાપી ગઇ.જાણે પાકિસ્તાનના દરિયાઇ ભવિષ્યનું પાનું લખાઈ રહ્યું હોય અને ભારત માટે ખતરાની ઘંટડી વાગી રહી હોય. ખિચડી પાકિસ્તાનમાં રંધાઇ રહી હતી, પણ તેનું ટ્રિગર ગુજરાત પર હતું. આવું એટલા માટે કે જે બંદરનાં સપનાં બતાવાઇ રહ્યા હતા ત્યાંથી કચ્છ સરહદ માત્ર 80-90 કિમી દૂર છે. ગુજરાતથી સાવ નજીક આવવાનો ડ્રેગનનો પ્લાન શું છે? શું આ ભારતને ઘેરવાની મુરાદ છે? ચાલો વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર... ચીનની સરકારી ‘ચાઇના હાર્બર એન્જિનિયરિંગ કંપની’એ કેટી બંદરથી આ જાળ બિછાવી છે. પાકિસ્તાનનું આ કેટી બંદર શું છે પહેલા એ સમજી લઈએ. સંભાવનાઓના ગણગણાટ વચ્ચે ગઈકાલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી ઓફિશિયલ માહિતી અપાતા અફવાઓ પર લાલ લીટી લાગી. અને ગુજરાતની અડોઅડ આવેલા કેટી બંદર પર ચીન અખતરાં કરશે તે સમાચાર સાચા હોવાની મહોર વાગી. આ માહિતી આપણે બધાને જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે ચીન હવે ભારતની પશ્ચિમી સરહદે ઘૂસણખોરી કરવાનું છે. પણ આપણે એક જાણકારી મેળવી લેવી જરૂરી છે કે હજુ સુધી ત્યાં એક ઈંટ પણ મૂકાઈ નથી. આ કાગળ પર બનાવેલો ચીનનો પ્લાન છે. તો સવાલ થાય કે હજુ પાયા પણ નથી નખાયા તો આટલો મોટો હોબાળો કેમ? તો જવાબ છે ચીન અત્યાર સુધી તો ભારતીય દરિયાઈ સરહદથી દૂર હતું પણ હવે તો સાવ નજીક આવીને બેસી ગયું છે. ઉપર જોયેલો નકશો અને પ્લાન ભલે તમને નિર્દોષ લાગે પણ એમાં ચીનની ખતરનાક ચાલ છૂપાયેલી છે. કેટી બંદર પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં છે. આ વિસ્તાર એટલે સર ક્રીકથી એકદમ નજીક. આપણે સૌ જાણીએ છીએ કે આપણે પાકિસ્તાન સાથે સર ક્રીકના વિસ્તાર મામલે ડખો ચાલે છે. ઉપરથી કેટી બંદરની જગ્યા એટલે જ્યાં સિંધુ નદી અરબ સાગરને મળે છે તે જગ્યા. એક સાથે બબ્બે બંદર કેમ? આપણા અંગ્રેજો સાથેના ઈતિહાસથી આપણે સારી રીતે સમજીએ છીએ કે તે જ્યારે ભારત વેપારનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા ત્યારે તેમના મગજમાં કંઈક બીજી જ ખીચડી રંધાઈ હતી અને પછી સદીઓ ભારત પર રાજ કર્યું. ચીન પણ કાગળિયા પર પ્લાન લઈને ખાલીને ખાલી વેપાર કરવા નથી આવ્યું. ભલે આ એક દરખાસ્ત હોય પણ એક સવાલ અહીં બને કે જો ચીન ઓલરેડી પાકિસ્તાનમાં ગ્વાદર બંદર બનાવી ચૂક્યું છે તો આ નવો બંદર બનાવવાનું કારણ શું? કેટી બંદર પર ચીનની ચાલબાઝ નજર હોવાનું કારણ છે EEZ વિસ્તાર. એટલે કે ભારત અને પાકિસ્તાનનું દરિયાઈ અધિકાર ક્ષેત્ર. આપણે બધાએ ગઈકાલના સમાચાર પછી વાંચ્યું હશે કે ચીન કેટી બંદર પર 5 હજાર કરોડનો ખર્ચો કરવાનું છે. પણ અહીં એક વાત બરોબર સમજવા જેવી છે કે આ પાંચ હજાર કરોડ કાંઈ આખા પ્રોજેક્ટનો આંકડો નથી, માત્ર ફેઝ વનનો જ અંદાજિત આંકડો છે. હકિકતમાં જે પ્રોજેક્ટનો આંકડો હશે તે તો 5 હજાર કરોડથી ક્યાંય મોટો હશે. પાકિસ્તાનમાં ચીને કર્યો રૂપિયાનો વરસાદ હકિકતમાં ચીનની કંપની CHECના ચીફ રિફ્રેઝન્ટેટિવ વુ પિંગ અને તેમની ટીમે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પ્લાન બતાવ્યો છે. જેમાં પહેલા ફેઝમાં અંદાજિત કેટલો ખર્ચ થશે તેનો એસ્ટીમેટેડ આંકડો છે 5 હજાર કરોડ. તો અહિંયા એક સવાલ થાય કે આ બધા રૂપિયા ચીન કાઢશે કે પાકિસ્તાન? તો ફાઈનાન્સિંગ મોડલ હજુ હવામાં છે. પૂરા રૂપિયા ચીન કાઢશે કે થોડા રૂપિયા પાકિસ્તાન આપશે તેવું અનુમાન લગાવવું હજુ ઉતાવળું છે. આખો મામલો તો આવનાર સમયમાં જ ખબર પડશે કે કોણ ક્યારે અને કેટલી પૈસાની વ્યવસ્થા કરવાનું છે. આટલું વાંચ્યા પછી તમારા મગજમાં સવાલ થયો હશે કે ભાઈ બધુ હવામાં જ છે તો પેલો કાગળનો પ્લાન લઈને ચીન પાકિસ્તાનમાં કરી શું રહ્યું હતું? તો અહીંથી જ શરૂ થાય છે માટીથી મહાનગર બનવાની ગેમ. આ 500 મીટર ભારત માટે ખતરનાક આખી વાત સમજવા માટે આપણે બે શબ્દો જાણી લઈએ, જેટી અને ડીપ વોટર પોર્ટ. જેટી એટલે જ્યાં નાની હોડીઓ ઉભી રહેતી હોય અને ડીપ વોટર પોર્ટ એટલે ત્યાં મોટા જહાજો ઊભા રહે અને મોટાપાયે વેપાર થાય. તે કાગળ પરના પ્લાન મુજબ હાલ પહેલા ફેઝમાં ખાલી 500 મીટર લાંબો મલ્ટી પર્પઝ ટર્મિનલ બનવાનો છે. આપણને એવું થાય કે બસ? 500 મીટર જ? તો આપણે એ ન ભૂલવું જોઈએ કે ચીન અને પાકિસ્તાનની નજર આટલા નાના એવા ડિસ્ટન્સ પર નથી ટકેલી, તેમની ચાલ તો કંઈક બીજી જ છે. આ પોર્ટ પર ચીન શું-શું બનાવશે? પ્રોજેક્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં અહીં મોટા ટર્મિનલન્સ, મોટું લોજિસ્ટિક્સ હબ અને બીજું પણ ઘણું મહાકાય ઈન્ફાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. ટૂંકમાં આ કંઈ જહાજો લંગારવાની જગ્યા નથી, આ એક ઈન્ડસ્ટ્રિયલ સિટી બનાવવાનો ચીનનો પ્લાન છે. કરાર વાંચીએ તો ખબર પડે છે કે સિંધ સરકારના પીપીપી એટલે કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ પ્લાન મુજબ આ વિસ્તારમાં 4 હજાર એકર જમીન ફાળવવાની વાત છે. ભવિષ્યમાં અહીં કાર્ગો ટર્મિનલ, જહાજો રિપેર કરવાનું મહાકાય શિપયાર્ડ, માછલીઓનું પ્રોસેસિંગ યુનિટ અને LNG/LPG જેવા ગેસના મોટા ટર્મિનલ પણ બની શકે છે. ચકાચક રસ્તા, વીજળી, પાણી અને ગોડાઉન એવામાં આપણને એક સવાલ થાય કે આટલો મોટો પ્લાન લઈને કાલે ચીની એન્જિનિયર આવ્યા તો બંદર બનાવીને જ થોડા જતા રહેશે? તેને ધમધમતું રાખવા માટે પાક્કા રસ્તા, 24 કલાક વજળી, પીવાનું પાણી અને ગોડાઉન તો જોઈએને! આ અંદાજો એટલા માટે કારણ કે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ચીની લોકોને કહ્યું હતું કે રોડ, રસ્તા અને ઈન્ડસ્ટ્રિના જોઈન્ટ ડેવલોપમેન્ટ વિના આ પોર્ટ બનાવવું શક્ય નથી. આટલું જ નહીં હોં! તેણે કહ્યું હતું કે, આનો એવો સીધો મતલબ કાઢી શકાય કે પાકિસ્તાની માછીમારો માટે તો આ સારી વાત છે પણ ભારતના ભૂલથી પાકિસ્તાની દરિયાઈ વિસ્તારમાં પહોંચી જતા માછીમાર ભાઈઓનું શું થશે? આ બહુ મોટો સવાલ છે. ચીનની સ્માર્ટ ચાલ હવે ફરી પાછા આવીએ પેલા સવાલ પર જેની આપણે અગાઉ વાત કરી હતી કે પાકિસ્તાનમાં ચીને આવડું મોટું ગ્વાદર બંદર બનાવ્યું છે તો ચીનને આ બીજા કેટી બંદરની શું જરૂર છે? તો એનો જવાબ હોઈ શકે છે વેપારની સમજદારી અને ધંધાનો વ્યાપ વધારવો. બીજી એક મહત્વની વાત છે જે આપણે એક અંગ્રેજી કહેવતથી સમજીએ. ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઈન વન બાસ્કેટ. એટલે એક જ બાસ્કેટમાં બધા ઈંડા ન રખાય. જો કંઈ થાય તો બધા જ ઈંડા ફૂટી જાય. માટે જો અલગ અલગ બાસ્કેટમાં ઈંડા મૂક્યા હોય તો નુકસાનની શક્યતા ઘટી જાય. વેપાર નહીં પણ સેના ઉભી કરવાનો પ્લાન? માટે બની શકે કે ચીનને કેટી પોર્ટ પર સેના કે હથિયારો પણ મૂકવા હોય. તો કોઈ પણ હોંશિયાર દેશ પોતાનો બધો જે વેપાર, સેના કે હથિયારોનો ભંડોળ એક જગ્યા પર ન મૂકે. જો તે પોર્ટ પર કંઈ થાય તો એકસાથે મોટું નુકસાન થાય, પણ જો ઈંડાવાળો કોન્સેપ્ટ આપણે લાગુ પાડીએ તો બે પોર્ટ બને તો નુકસાનની સંભાવના 100 ટકાથી સીધી અડધી થઈ જાય. આ વાતને પ્રેક્ટિકલ રીતે જોઈએ તો જો ગ્વાદર બંદર પર કોઈ સમસ્યા એવો તે એક બેકઅપ તો હોવો જ જોઈએ. ઉપરથી બીજો ઓપ્શન એટલે કે કેટી બંદર કરાંચી અને પોર્ટ કાસિમથી સાવ નજીક છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે પાકિસ્તાન અગાઉ જ્યાંથી તેનો કોલસો નીકળે છે તે થાર કોલ પ્રોજેક્ટને કેટી બંદર સાથે જોડવાનો અખતરો કરી ચૂક્યું છે. ટૂંકમાં બનવા માટે એવું બની શકે કે ચીન ખાલી ગ્વાદર બંદર પર ડિપેન્ડ રહેવાને બદલે પોતાનો લોજિસ્ટિક્સનો વ્યાપ વધારી રહ્યો હોય. હિંદ મહાસાગરમાં ચીનની અવળચંડાઈ ચીન અત્યારે આખા હિંદ મહાસાગરમાં જે રીતે પોતાનો પગપસેરો કરી રહ્યું છે, તે સ્ટ્રેટેજીને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ એટલે કે મોતીઓની માળા કહેવામાં આવી રહ્યું છે. અહીં એક વસ્તુ ધ્યાને લેવી જરૂરી છે કે આ ચીની ટર્મિનોલોજી નથી પણ ચીનની ચાલને એક્સપર્ટ્સ દ્વારા અપાયેલું એક નામ છે. ચીન જ્યારે બીજાના દેશમાં ડીપ વોટર પોર્ટ બનાવે ત્યારે તની ડિઝાઈન જ એવી હોય છે કે આજે ભલે ત્યાં સામાન ભરેલા કોમર્શિયલ જહાજો આવતા હોય પણ ભવિષ્યમાં જરૂર પડે તો આ ડિઝાઈને લશ્કરી મથકમાં પણ ફરવી શકાય. એટલે બનવા માટે એવું પણ બની શકે કે ગુજરાતના કચ્છના સાવ લગોલગ ચીન સબમરીન અને નેવીના જહાજો પણ લાંગરી શકે અથવા તો ત્યાં ફ્યૂઅલ પણ ભરાવી શકે. ભારત સામે 3 દેશોનો સિક્રેટ સૈન્ય પ્રોજેક્ટ અને હવે સૌથી ખતરનાક વાત કરીએ. આ બધુ એમને એમ નથી થઈ રહ્યું. એક બાજુ ચીન પાકિસ્તાનમાં કેટી બંદરનો પ્રસ્તાવ મુકે છે અને બરોબર એ જ ટાઈમે પાકિસ્તાની નેવીએ એક મોટો સિક્રેટ લશ્કરી પ્રોજેક્ટ માથે લીધું છે. નામ છે અબાબીલ ધ ડિવાઈન સ્ટ્રાઈક. અહીં પાકિસ્તાને સરક્રીકના કાદવિયા વિસ્તારમાં પોતાના સ્પેશિયલ કમાન્ડો, તુર્કીના ખતરનાક ડ્રોન અને કાદવમાં જોરદાર સ્પીડથી ચાલી શકે એવા ચીની હોવરક્રાફ્ટ પણ તહેનાત કર્યા છે. ટૂંકમાં એક બાજુ કોમર્શિયલ પોર્ટ અને બીજી બાજુ લશ્કરી જમાવડો. ત્યારે સવાલ થાય કે શું આ માત્ર સંજોગ જ હશે? ગુજરાતના માછીમારોને પડશે તકલીફ આપણે જાણીએ છીએ કે સર ક્રીક આસપાસનો દરિયો માછલીઓથી છલોછલ ભરેલો છે. દરિયામાં કોઈ કાંટાળી વાડ કે દીવાલ નથી હોતી એટલે આપણા માછીમારો ઘણીવાર માછલી પકડવાની લ્હાયમાં અજાણતા જ સીમા પાર કરી જતા હોય છે. જો કદાચને ભવિષ્યમાં કેટી બંદર તૈયાર થઈ જાય તો ત્યાંના મહાકાય જહાજોનો ટ્રાફિક ભયંકર વધી શકે છે. જેના માટે પાકિસ્તાન નેવી અને કોસ્ટ ગાર્ડનો ડબલ કાફલો ગોઠવી શકે છે. આનાથી આપણા માછીમાર ભાઈઓને તકલીફ થઈ શકે છે. અને જો ચીન પોતાની સેના ત્યાં ઉભી કરી દે તો તેના પરિણામો તો અતિ ભયાનક આવી શકે છે. આપણે જોઈએ જ છીએ કે ચીન અવાર નવાર શ્રીલંકાના હંબનટોટા વિસ્તારમાં પોતાના જાસૂસી જહાજો મોકલીને છમકલાં કરતું જ રહે છે. ટૂંકમાં કેટી બંદર ગુજરાત કે દેશ માટે તાત્કાલિક ખતરો તો બિલકુલ નથી પણ તેને હળવાશથી પણ લઈ શકાય નહીં કારણ કે ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે છે. આ માત્ર એક પોર્ટની ઈંટ મૂકવાની વાત નથી, આ અરબી સમુદ્રમાં શરૂ થઈ રહેલા એક નવા યુગની આહટ છે. અને છેલ્લે… સમુદ્રથી આકાશ બાજુ આવીએ તો ચીન એલએસી એટલે કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ નજીક છ એરબેઝને તડામાર અપગ્રેડ કરી રહ્યું છે. નવા રનવે, હાર્ડન્ડ શેલ્ટર, રડાર, મિસાઈલ અને લોજિસ્ટ્કિક્સ સુવિધાઓથી તેની એર વોર કેપિસિટીમાં ચીન જોરદાર વધારો કરી રહ્યું છે. કારણ છે ભારત સામે, ઝડપી, લાંબા સમયની અને ટકાઉ હવાઈ કાર્યવાહી. જોવાનું રહેશે આ ઘટનાઓ આગળ કેવા પડઘાઓ પાડે છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Not Virat Kohli Or Rohit Sharma, Gautam Gambhir's Treatment Of These 2 Stars Questioned: "Could've Been Better"
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વરસાદે ચિંતા વધારી, રાજકોટના પટેલ યુવકની મોતની છલાંગ, રેખા-આશા અને કાજલનું રહસ્ય ઘેરાયું, વૈભવ સૂર્યવંશીએ બોલિંગમાં તબાહી મચાવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment