Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાયન સફારી પાર્કનો વધારાનો 8 કરોડનો ખર્ચ નામંજૂર:મનપાનાં અધિકારીઓને 10,000 મીટર જગ્યા કેમ ધ્યાન બહાર રહી? 'હર ઘર તિરંગા'નો 9 લાખનો ખર્ચ પરત

    7 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹30 કરોડના વિકાસ કામો સાથે સંકળાયેલી 24 જેટલી મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કડક વલણ અપનાવીને 2 દરખાસ્તો સંપૂર્ણપણે નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે 8 દરખાસ્તો પુનઃ સમીક્ષા માટે પરત મોકલાઈ હતી અને ₹10 કરોડના વિવિધ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. ખાસ કરીને લાયન સફારી પાર્કના ક્ષેત્રફળમાં અધિકારીઓની બેદરકારીથી થયેલા 10,000 ચોરસ મીટરના વધારાને લઈને ₹7.94 કરોડના વધારાના ખર્ચની દરખાસ્ત ફગાવી દેવાઈ હતી. આ ઉપરાંત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ લાકડી ખરીદીના ₹9 લાખના ખર્ચની દરખાસ્ત પણ અટકાવી દેવાઈ હતી અને ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયાને કમિશનર હવાલે કરવાનો નિર્ણય લેવાયો હતો. વહીવટી ફેરબદલ કે જૂથવાદ? ઇન્ચાર્જ સેક્રેટરીને કમિશનર હવાલે કરાતાં ચર્ચા મનપાની સત્તા પર ભાજપના નવા પદાધિકારીઓ આવ્યા બાદ વહીવટી તંત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અગાઉ પૂર્વ શાસકો દ્વારા સેક્રેટરી હરેશ રૂપારેલીયા સામે પગલાં ભરીને તેમને કમિશનર હવાલે કરાયા હતા, તેવી જ રીતે હવે વર્તમાન શાસકોએ ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયાને કમિશનર હવાલે કરી દેતાં મનપા વર્તુળોમાં આંતરિક ખેંચતાણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ આક્ષેપોનું ખંડન કરતાં જણાવ્યું હતું કે, આ સંપૂર્ણપણે નિયમિત વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે અને તેની પાછળ કોઈ રાજકીય હેતુ કે જૂથબંધી નથી. લાયન સફારી પાર્કની જમીનમાં 10 હજાર મીટરનો ગોટાળો લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ જ્યારે પ્રાથમિક તબક્કે મંજૂર કરવામાં આવ્યો ત્યારે તે માત્ર 20,000 ચોરસ મીટર જમીન પર નિર્માણ પામવાનો હતો પરંતુ, અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે સ્થળ પર જમીનનું ક્ષેત્રફળ વધીને 30,000 ચોરસ મીટર થઈ ગયું હતું અને વધારાના ક્ષેત્રફળ માટે ₹7.94 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવાની નવી દરખાસ્ત મૂકાઈ હતી. વધારાની 10,000 ચોરસ મીટર જગ્યા સંબંધિત એન્જિનિયરો અને અધિકારીઓના ધ્યાન બહાર કેમ રહી, ટેન્ડર કમિટીમાં આ અંગે કેમ સ્પષ્ટતા ન થઈ અને આ ચૂક માટે કયા અધિકારી જવાબદાર છે તેવા આકરા સવાલો સાથે ચેરમેને ખુલાસો ન આવે ત્યાં સુધી સફારી પાર્કનું તમામ કામકાજ સ્થગિત રાખવાનો આદેશ આપ્યો છે. હાઉસકીપિંગ અને જિમ્નેશિયમ સંચાલનની દરખાસ્તો નામંજૂર બેઠક દરમિયાન રેસકોર્સ સંકુલ હસ્તકના રમતગમતના મેદાનો અને સ્નાનાગાર ખાતે હાઉસકીપિંગ કામગીરી માટેના ₹18.97 લાખના દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટની દરખાસ્ત પણ ફગાવી દેવામાં આવી હતી. આ દરખાસ્તમાં સફાઈ કામદારોની ચોક્કસ સંખ્યા સહિતની વિગતો દર્શાવવામાં ન આવી હોવાથી પૂરતી વિગતો સાથે નવેસરથી દરખાસ્ત મૂકવા જણાવાયું હતું. આ ઉપરાંત કાલાવડ રોડ અને પેડક રોડ પર આવેલા મહાપાલિકાના જિમ્નેશિયમનું સંચાલન ₹6.50 લાખની આવક સામે સોંપવાની દરખાસ્ત પણ રદ કરવામાં આવી હતી અને મનપાની આવક વધારવા માટે આ રકમ ₹8 લાખ નિર્ધારિત કરીને રીટેન્ડરિંગ કરવાનો સ્પષ્ટ આદેશ કરાયો હતો. સ્ટ્રીટલાઇટ અને બગીચાઓની જાળવણી સહિત 8 મહત્વની દરખાસ્તો પરત કરાઈ કમિટી દ્વારા અન્ય 8 દરખાસ્તો સંબંધિત શાખાઓને પરત મોકલવામાં આવી હતી, જેમાં સ્ટ્રીટલાઈટ પોલિસીમાં ફેરફાર કરીને કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી કામ કરવાની જોગવાઈ, વેસ્ટ ઝોનમાં વિવિધ સ્થળોએ પે એન્ડ યુઝ શૌચાલયો અને આંગણવાડી નિર્માણ, રેસકોર્સ રીંગરોડની બંને તરફ પાર્ટ-ટાઇમ કામદારો મારફતે સફાઈ, લાઇબ્રેરીઓ અને વિદ્યાર્થી વાંચનાલયોમાં હાઉસકીપિંગ, તેમજ મનપાની વિવિધ ઈમારતોમાં એસી અને વોટર કુલરના સર્વિસિંગ કોન્ટ્રાક્ટની દરખાસ્તો સામેલ છે. જોકે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના બગીચાઓ, સિનિયર સિટીઝન પાર્ક અને બાલ ક્રીડાંગણની જાળવણી-નિભાવણીની દરખાસ્તો મંજૂર કરીને આખરી મંજૂરી માટે અલગથી પ્રક્રિયા હાથ ધરવા સૂચના અપાઈ હતી. 'હર ઘર તિરંગા' અંતર્ગત લાકડી ખરીદીના ₹9 લાખના ખર્ચ સામે સવાલો સ્વતંત્રતા પર્વ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા ધ્વજ માટે ખરીદવામાં આવેલી ₹9 લાખની લાકડીઓના ખર્ચ અંગે પણ શંકાઓ ઊભી થઈ હતી. આ ખરીદી માટે બહાર પાડવામાં આવેલા શોર્ટ ટેન્ડર બાદ સત્તાવાર કરાર થયા હતા કે નહીં, અને ખરીદીની નિર્ધારિત સરકારી પ્રક્રિયાનું પાલન થયું હતું કે નહીં તેની સંપૂર્ણ પારદર્શક વિગતો રજૂ કરવાનો આદેશ આપી સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્ત અટકાવીને સંબંધિત વિભાગને પરત મોકલી આપી હતી. કાચા માલના વપરાશની વિગતો અને સલાહકાર સમિતિની રચના અંગે નવી દરખાસ્તો મંજૂર આ બેઠકમાં મેયર ડૉ. નેહલ શુક્લ અને ચેરમેન પરેશ પીપળીયા દ્વારા પારદર્શિતા વધારવા માટે બે વિશેષ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. મેયરની દરખાસ્ત મુજબ હવેથી મનપાના કોઈપણ પ્રોજેક્ટને મંજૂરી આપતી વખતે તેમાં વપરાનારા લોખંડ, સિમેન્ટ સહિતના તમામ કાચા માલની સચોટ વિગતો અને ગુણવત્તાના માપદંડો જાહેર કરવા ફરજિયાત બનશે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પહેલ હેઠળ પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને આયોજન પર નજર રાખવા માટે અધિકારીઓ, નગરસેવકો અને શહેરના પ્રતિષ્ઠિત નિષ્ણાતોની એક સ્ટેન્ડિંગ કમિટી સલાહકાર સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પત્નીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ:ભરૂચમાં પત્નીની હત્યાના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, આરોપીને રૂ.10 હજારનો દંડ પણ ફટકારાયો
    Next Article
    પારડીની વલ્લભ આશ્રમની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ:6ઠ્ઠા દિવસે આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ, મેસમાંથી સેમ્પલ લેવાયા; 64 બાળકોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવો થયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment