Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકન ભૂરિયાને ખાખીમાં દ્વારકાધીશનો સાક્ષાત્કાર થયો!:પર્સ ખોવાતા હરે કૃષ્ણ હરે કૃષ્ણનો જાપ કરવા લાગ્યો, લાખ્ખોની મેદની વચ્ચે 60 મિનિટમાં કેવી રીતે પાછું મળ્યું?

    22 hours ago

    આજથી બરાબર 2 દિવસ પહેલાં દ્વારકામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી હતી. અહીં લાખ્ખો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક જોવા માટે ઉમટ્યાં હતા. આવી જ કંઇક આશા સાથે સાત સમુદ્ર પાર અમેરિકાથી એક યુવાન ગુજરાતના છેવાડે આવેલાં દ્વારકાધીશના દર્શન માટે પહોંચે છે. જે ઉત્સાહ સાથે તે દ્વારકા નગરીમાં પહોંચ્યો હતો તેનો ઉત્સાહ થોડાક જ કલાકોમાં ચિંતામાં ફેરવાઇ ગયો. કારણ કે તેના ડોક્યુમેન્ટથી લઇને મોબાઇલ અને કિંમતી સામાન ભરેલું પર્સ ક્યાંક ગુમ થઇ ગયું. હાંફળો ફાફળો બનેલો આ યુવક મુંઝાઇ ગયો કે ડોક્યુમેન્ટ વગર પોતાના દેશ પરત કેવી રીતે ફરશે પણ તેનું ગુમ થયેલું પર્સ એક હેડ કોન્સ્ટેબલે 60 મિનિટમાં જ પાછું મેળવી આપ્યું હતું. પર્સ મળતાં જ તેને જાણે કે ભગવાનનો સાક્ષાત્કાર થયો હોવાનો અનુભવ થયો. અમેરિકન યુવાનને થયેલા આ અનુભવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. દિવ્ય ભાસ્કરે આ ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ નિશિત પરમાર, દ્વારકાના DySP સાગર રાઠોડ તેમજ રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય પાસેથી માહિતી મેળવી હતી. 4 સપ્ટેમ્બર, જન્માષ્ટમી, દ્વારકા કૃષ્ણનગરીમાં ભક્તોની ભીડ જામી હતી. રાજાધિરાજ દ્વારકાધીશને નિહાળવા સૌ કોઇ આતુર હતા. પાંચેક દિવસ પહેલાંથી અહીં ભાવિકોનો ધસારો ચાલુ થઇ ગયો હતો એટલે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા ખૂણે ખૂણે પોલીસ તૈનાત હતી. જન્માષ્ટમીના દિવસે સવારે 8 વાગ્યાથી જ દ્વારકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિશિત પરમારની ડ્યુટી કિર્તિ સ્તંભથી લઇને નવા ગોમતી ઘાટ સુધીની હતી. ડ્યુટી શરૂ થયાને અંદાજે ત્રણેક કલાક વિત્યાં હશે. તેવામાં તેની નજર એક વિદેશી નાગરિક પર પડી. તે વિદેશી નાગરિક એકદમ ચિંતામાં હતો. આસપાસથી જે લોકો નીકળે તેને પકડીને ઊભા રાખીને કંઇક પૂછી રહ્યો હતો અને હાથથી કંઇક ઇશારો કરી રહ્યો હતો. દૂરથી આ દૃશ્ય જોતાં હેડ કોન્સ્ટેબલને કંઇ ખબર નહોતી પડતી કે આ વિદેશી નાગરિક શું પૂછી રહ્યો છે અને કેમ ચિંતામાં છે. ખાખી વર્દી જોઇને ભૂરિયો હેડ કોન્સ્ટેબલ પાસે પહોંચ્યો થોડી જ ક્ષણોમાં તે વિદેશી ધીરે ધીરે હેડ કોન્સ્ટેબલ પાસે આવ્યો. જ્યારે હેડ કોન્સ્ટેબલે તેના ચહેરા પર નજર કરી તો પરસેવો જોવા મળ્યો. તેને પહેલી જ વારમાં ખ્યાલ આવી ગયો કે આ વિદેશી નાગરિક કંઇક શોધી રહ્યો છે. હેડ કોન્સ્ટેબલ વર્દીમાં હતા એટલે વિદેશીને થયું કે આ વ્યક્તિ મને કંઇક મદદ કરી શકશે. તેણે અંગ્રેજીમાં પૂછ્યું- કેન યુ હેલ્પ મી? હેડ કોન્સ્ટેબલે જવાબ આપ્યો- યસ, અફકોર્સ, ટેલ મી. આટલું કહેતા જ એ વિદેશી નાગરિકના ચહેરા પરના હાવભાવ બદલાયા. તેને કંઇક મદદ મળવાની આશા જાગી. હવે હેડ કોન્સ્ટેબલ અને એ વિદેશી નાગરિક વચ્ચે અંગ્રેજીમાં જે સંવાદ થયો તે વાચકો માટે અહીં ગુજરાતી ભાષામાં રજૂ કર્યો છે. વિદેશી નાગરિક ઉતાવળા સ્વરે બોલ્યો- હું અમેરિકાના ન્યૂયોર્કનો વતની છું, જન્માષ્ટમીનો તહેવાર હતો એટલે હું સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન મારી પાસે એક પર્સ હતું તે ખબર નહીં ક્યાંક ગુમ ગયું છે. જેમાં મારો ફોન, પૈસા અને જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા. તેની વાત સાંભળીને હેડ કોન્સ્ટેબલે તેને પૂછ્યું કે તમે અહીં કયા-કયા વિસ્તારમાં ફર્યા હતા. તમારું જે પર્સ હતું એ કેવા કલરનું હતું, તેના પર કંઇ લખેલું હતું કે નહીં તો તેણે જણાવ્યું કે હું આવ્યો એ પછી મંદિરમાં દર્શન કરવા માટે ગયો હતો. આ દરમિયાન રેલિંગમાંથી પસાર થયો હતો સાથે જ ગોમતી ઘાટ પણ ગયો હતો. મને લાગે છે કે એટલા વિસ્તારમાં મારૂં પર્સ ગુમ થયું હોઇ શકે છે. મારા પર્સ પર હરે રામ હરે કૃષ્ણ લખેલું છે અને તેનો કલર ગ્રીન છે. જેમાં કૃષ્ણ ભગવાનની તસવીર છે. આટલી વિગતો પછી દ્વારકા પોલીસે અજાણી ધરતી પર મુસીબતમાં મૂકાયેલા એ અમેરિકન નાગરિકની મદદ કરવાનું મિશન શરૂ કર્યું. નિશિત પરમારે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, વિદેશી નાગરિક પાસેથી જરૂરી વિગતો મેળવીને અમે તેને પોલીસ સહાય કેન્દ્રમાં બેસાડ્યો. એ પછી તેને સાંત્વના આપી કે તમે ચિંતા ન કરશો અમે તમારી મદદ કરીશું તમે પાણી પીવો. આ દરમિયાન તે સતત હરે કૃષ્ણ હરે કૃષ્ણના મંત્ર ઉચ્ચારતો હતો. 'એ પછી મેં એ વિસ્તારમાં શોધ ખોળ શરૂ કરી દીધી પણ સ્વાભાવિક છે કે અહીં લાખ્ખોની ભીડ હતી એટલે સરળતાથી તેનું પર્સ મળવું પણ મુશ્કેલ હતું. છતાં મેં મારા પ્રયત્નો કરવાના ચાલું રાખ્યાં. તે જે પ્રવેશ દ્વારથી મંદિરમાં ગયો હતો હું એ જ પ્રવેશ દ્વારથી મંદિરમાં જવાના રસ્તે ગયો ત્યાં આસપાસ શોધ્યું પણ ક્યાંય પર્સ ન મળ્યું. એ પછી એ જે રેલિંગોમાંથી પસાર થયો હતો ત્યાં પણ હું ગયો અને તપાસ કરી ત્યાં મને સફળતા ન મળી. લગભગ અડધા કલાક ઉપરનો સમય થઇ ગયો મેં બધે શોધ ખોળ કરી પણ તેનું એ પર્સ મને ક્યાંય ન જોવા મળ્યું. છેલ્લે નવા ગોમતી ઘાટની એક જગ્યા બાકી હતી ત્યાં મેં આસપાસ તપાસ કરી. દૂરથી ગ્રીન કલરની કોઇ વસ્તુ પડી હોય તેવું દેખાયું. હું ત્યાં નજીક ગયો તો પર્સ જ હતું અને તેના પર હરે કૃષ્ણ લખેલું પણ જોયું એટલે હવે ફાઇનલ થઇ ગયું કે આ પર્સ પેલા અમેરિકન નાગરિકનું જ લાગે છે. લગભગ એકાદ કલાકની મહેનત બાદ મને આ પર્સ મળ્યું.' 'પર્સ લઇને હું એ અમેરિકન નાગરિક પાસે જવા નીકળ્યો. હું તેનાથી થોડો દૂર હોઇશ ત્યારે તેણે મારા હાથમાં પર્સ જોયું ત્યારથી જ તેના ચહેરા પર જે પરસેવો અને ચિંતા હતી એ હવે સ્મિતમાં ફેરવાયેલી જોવા મળી. તેના હાથમાં જેવું પર્સ આપ્યું એટલે પહેલાં તો તેણે તેની ચેઇન ખોલીને એક એક વસ્તુઓ ચેક કરી લીધી. તેણે પહેલાં તો આઈફોન ચેક કર્યો. પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ પણ હતા. તેને બધું સહી સલામત લાગ્યું એટલે મને કહ્યું આ લો 15 હજાર રૂપિયા છે, તમે રાખી લો. તમે મારી કિંમતી વસ્તુ શોધીને આપી છે.' વિદેશી નાગરિકને મદદ કરીને સોશિયલ મીડિયામાં છવાઇ જનારા હેડ કોન્સ્ટેબલ વિશે નીચેના ગ્રાફિક્સની મદદથી વધુ માહિતી મેળવો. હેડ કોન્સ્ટેબલ બાદ દ્વારકા ડિવિઝનમાં DySP તરીકે ફરજ બજાવતાં સાગર રાઠોડ સાથે પણ દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, જન્માષ્ટમીએ કિર્તિ સ્તંભથી અમે લાઇનની વ્યવસ્થા કરી હતી. આ જગ્યા ખૂબ જ પ્રેશર પોઇન્ટવાળી કહી શકાય એવી હતી. કેમ કે ત્યાં લોકો પોતાનો કિંમતી સામાન જમા કરાવીને લાઇનમાં લાગે છે. તેની બરાબર બાજુમાં નવો ગોમતી ઘાટ છે. જ્યાં લોકો સ્નાન કરીને લાઇનમાં જોડાય છે. જે વિદેશી નાગરિકનું પર્સ અને બીજો સામાન ખોવાઇ ગયો હતો તેને હેડ કોન્સ્ટેબલે શોધી આપ્યો. જેનાથી તે ખૂબ ખુશ થઇ ગયો હતો. DySP રાઠોડે ફક્ત આ જ ઘટના નહીં પરંતુ અન્ય કેટલાક કિસ્સાઓ પણ બન્યા હોવાની માહિતી આપી. તેમણે કહ્યું, અન્ય એક કિસ્સો પણ બન્યો હતો. જેમાં ઝારખંડથી તનુશ્રી નામની મહિલા તેની 3 વર્ષની દીકરી સાથે અહીં જન્માષ્ટમીએ દર્શન કરવા માટે આવી હતી. તેની દીકરીના હાથમાં દોઢ તોલાના કડલા હતા. જેની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા જેટલી હતી. આ કડલા ભીડમાં ક્યાંક પડી ગયા હતા. મહિલાએ પોલીસને જાણ કરતાં પોલીસે શોધખોળ શરૂ કરીને તેમને પરત અપાવ્યાં હતા. આ સાથે જ જુદા-જુદા લોકોના 53 હજારની કિંમતના કુલ 8 પર્સ અને 6 થી વધારે મોબાઇલ ફોન પણ પરત અપાવ્યાં છે. 15 જેટલા ગુમ થયેલા બાળકોનું પણ તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ બનાવ અંગે રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે દિવ્ય ભાસ્કરને જણાવ્યું, દ્વારકા આવનારા લોકોના મનમાં એક શ્રદ્ધા હોય છે કે ભગવાન તેમની મનોકામના પૂરી કરે છે. એવી જ રીતે શ્રદ્ધા રાખીને આ વિદેશી નાગરિક પણ દર્શન કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન તેની વસ્તુઓ ખોવાઇ ગઇ હતી. પોલીસના પ્રયત્નો બાદ તેને પાછી મળી હતી. જેથી તેની શ્રદ્ધામાં પણ વધારો થયો અને પોલીસ પ્રત્યેના વિશ્વાસમાં પણ વધારો થયો. લાખોની મેદની વચ્ચે પોલીસે દાખવેલી આ ઇમાનદારી અને નિષ્ઠાએ સાબિત કરી દીધું કે કૃષ્ણનગરીમાં આસ્થા ધરાવનાર કોઇ પણ ભક્ત ક્યારેય નિરાશ થઇને પરત નથી ફરતો.
    Click here to Read More
    Previous Article
    આ સપ્તાહ કેવું રહેશે?:મેષ અને મકર રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલશે, ધન અને મીન જાતકો માટે મુશ્કેલીના એંધાણ!
    Next Article
    ગુજરાતની 3400 અને ભારતની 4 કરોડ મહિલાઓનો અંગત ડેટા લીક:ફિમેલ સર્ચ એન્જિનમાં યુવતીનું નામ નાખો અને બધી જ ખાનગી વિગતો ₹400માં ખરીદો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment