Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંભુભાઈ મિસ્ત્રીએ 51,000 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કર્યું:મુખ્યમંત્રીએ સેવાકાર્યની નોંધ લઈ પ્રશંસા પત્ર પાઠવ્યો

    16 hours ago

    આધુનિકરણ અને શહેરીકરણના કારણે લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના શંભુભાઈ મિસ્ત્રીએ એક અનોખી મિસાલ કાયમ કરી છે. વ્યવસાયે સુથાર એવા શંભુભાઈએ પોતાના ધંધામાંથી રોજ સમય કાઢીને છેલ્લા 10 થી 12 વર્ષમાં 51,000 લાકડાના મજબૂત ચકલી ઘર બનાવીને તેનું વિનામૂલ્યે વિતરણ કરવાનો પોતાનો સંકલ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમના આ પ્રશંસનીય અને પર્યાવરણલક્ષી સેવાકાર્યની ઉચ્ચ સ્તરે નોંધ લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શંભુભાઈને પ્રશંસા પત્ર પાઠવી વિશેષ સન્માનિત કર્યા છે. પૂંઠાનું ઘર તૂટતાં ઈંડા નીચે પડ્યા અને શંભુભાઈનું હૃદય દ્રવી ઊઠ્યું વર્ષ 2012માં શરૂ થયેલા આ અનોખા અભિયાન પાછળ એક અત્યંત કરુણ અને પ્રેરણાદાયી સંવેદના છુપાયેલી છે. શંભુભાઈએ પોતાના ઘરમાં ચકલી માટે એક પૂંઠાનું ઘર બનાવ્યું હતું, જેમાં ચકલીએ માળો બાંધ્યો હતો. એક દિવસ અચાનક વરસાદ આવવાના કારણે તે પૂંઠાનું ઘર પલળીને તૂટી ગયું અને માળામાં રહેલા ચકલીના ઈંડા નીચે પડીને ફૂટી ગયા. આ દ્રશ્ય જોઈને શંભુભાઈની આત્મા કાપી ઊઠી હતી. બસ, એ જ ક્ષણે તેમણે સંકલ્પ કર્યો કે તેઓ ચકલીઓ માટે લાકડાના એવા મજબૂત અને ટકાઉ ઘર બનાવશે જેને ઠંડી, ગરમી કે વરસાદ નુકસાન ન પહોંચાડી શકે અને પક્ષીઓની મહેનત એળે ન જાય. વ્યવસાયની સાથે રોજ 2 કલાક ફાળવી 12 વર્ષમાં સંકલ્પ પૂરો કર્યો પોતાના સુથારીકામના વ્યવસાયમાંથી દરરોજ બે કલાકનો સમય માત્ર પક્ષી સેવા માટે ફાળવીને શંભુભાઈએ આ ભગીરથ કાર્ય ચાલુ રાખ્યું. તેમણે બનાવેલા લાકડાના ચકલી ઘરની આવરદા (આયુષ્ય) આશરે 10 થી 12 વર્ષની હોય છે. દર વર્ષે અંદાજે 5,000 ચકલી ઘર વહેંચવાના લક્ષ્યાંક સાથે તેમણે 10 થી 12 વર્ષની સખત મહેનત બાદ આખરે 51,000 ચકલી ઘર મફત વિતરણ કરવાનો પોતાનો મહાસંકલ્પ સાકાર કર્યો છે. શાળાઓ, મંદિરો અને તળાવોની આસપાસ જાતે જઈને ઘર લગાવી આપ્યા શંભુભાઈ માત્ર ચકલી ઘર આપતા જ નથી, પરંતુ પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે શાળાઓ, કોલેજો, મંદિરો, જાહેર બગીચાઓ, તળાવોની આસપાસ અને લોકોના ઘરે જાતે જઈને નિઃશુલ્ક લગાવી પણ આપે છે. કોઈ વ્યક્તિ પોતાના અંગત ઉપયોગ માટે ચકલી ઘર લેવા આવે તો તેને તદ્દન વિનામૂલ્યે અપાય છે, જ્યારે મોટી સંસ્થાઓને વધુ જથ્થામાં જોઈતા હોય ત્યારે જ માત્ર પડતર ખર્ચના પૈસા લેવાય છે. આ કાર્યમાં તેમના મિત્રો અને સ્થાનિક પક્ષીપ્રેમીઓ પણ ખભેખભા મિલાવીને સાથ આપી રહ્યા છે. જે વિસ્તારોમાં ચકલીઓ દેખાતી બંધ થઈ હતી ત્યાં ફરી ચીં-ચીં ગુંજી ઊઠી આ અભિયાનની સૌથી મોટી સફળતા એ છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વર્ષોથી ચકલીઓ દેખાતી બંધ થઈ ગઈ હતી, ત્યાં આ લાકડાના ઘર લાગ્યા બાદ ચકલીઓ ફરી કલરવ કરતી પાછી ફરી છે. આ સફળતાથી પ્રેરાઈને હવે સ્થાનિક લોકો પણ પોતાના જન્મદિવસ કે સ્વજનોની શ્રદ્ધાંજલિ નિમિત્તે ચકલી ઘર બનાવીને લોકોને વહેંચતા થયા છે અને શંભુભાઈની આ ઝુંબેશમાં મદદરૂપ બની રહ્યા છે. મુખ્યમંત્રીના પ્રશંસા પત્રથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે: શંભુભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રશંસા પત્ર મળતા શંભુભાઈએ ભારે આનંદ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જ્યારે મેં આ નાનકડું કાર્ય શરૂ કર્યું હતું ત્યારે મને કલ્પના નહોતી કે લોકોનો આટલો મોટો સહકાર મળશે. આજે સરકાર દ્વારા આ કાર્યની કદર થવાથી સમાજના અન્ય લોકોને પણ પ્રકૃતિ અને પક્ષી રક્ષણના વિવિધ સેવાકીય કાર્યો કરવા માટે પ્રોત્સાહન મળશે." તેમણે લોકોને અપીલ કરી હતી કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી ભૌતિક જવાબદારી છે, આપણી સુખ-સુવિધા માટે કોઈ જીવનો નાશ ન કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઈંચ:ઉના, અમરેલી-રાજુલામાં મેઘરાજાની તોફાની બેટિંગ, દરિયો તોફાની બન્યો, 3 નંબરનું સિગ્નલ; 12 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    સુરત જિલ્લામાં 5 જુલાઈ સુધી 'રેડ એલર્ટ':20થી વધુ ગ્રામ્ય રસ્તાઓ બંધ, ઓલપાડમાં NDRF અને માંગરોળમાં SDRF તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment