Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દિવાળી ટાણે જ ટેક્સટાઇલ માર્કેટમાં સન્નાટો:કાચા માલનો ભાવ 50% ઉછળતા લૂમ્સના પૈડાં એક મહિનો થંભશે, 75 હજાર કારીગરોની રોજીરોટી જોખમમાં

    1 day ago

    સુરતનો વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળીના તહેવારો ટાણે જ ગંભીર આર્થિક સંકટ અને ભયંકર મંદીના વમળમાં ફસાયો છે, જ્યાં યાર્ન સહિતના કાચા માલમાં થયેલા 50%ના ભાવવધારા સામે તૈયાર કાપડના ભાવ ન મળતાં લૂમ્સ સંચાલકો માટે એકમો ચાલુ રાખવા અશક્ય બન્યા છે. માર્કેટમાં સર્જાયેલી ભારે મની ક્રાઇસિસ અને બેંક લોનના હપ્તાના ભારણ વચ્ચે આ વર્ષે 15થી 30 દિવસનું લાંબુ વેકેશન પાડવાની નોબત આવતાં 75 હજારથી વધુ કારીગરોની રોજીરોટી પર સીધું સંકટ તોળાઈ રહ્યું છે. ક્રૂડ અને યાર્નના ભાવમાં 50 ટકાનો તોતિંગ ઉછાળો બમરોલી વિવર્સ એસોસિએશન સાથે જોડાયેલા અગ્રણી વિષ્ણુ પટેલે ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા સતત વધારાના કારણે યાર્ન અને અન્ય પેટ્રોકેમિકલ રો-મટિરિયલના ભાવો ભડકે બળી રહ્યા છે. આટલો મોટો ભાવવધારો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી, જેના કારણે સામાન્ય લૂમ્સ સંચાલકો માટે ઉત્પાદન ચાલુ રાખવું અસંભવ બની ગયું છે. માર્કેટમાં સેલિંગ પ્રેશર અને રોકડની ભારે ખેંચ ઉત્પાદન ખર્ચમાં જંગી વધારો થયો હોવા છતાં તેની સામે માર્કેટમાં તૈયાર કાપડના વેચાણ ભાવમાં કોઈ સુધારો થયો નથી. વેપારીઓ અને ટ્રેડર્સ ઊંચા ભાવે કાપડ ખરીદવા તૈયાર નથી, જેને પરિણામે આખા માર્કેટમાં ભારે સેલિંગ પ્રેશર ઊભું થયું છે. પડતર કિંમત કરતાં નીચા ભાવે માલ વેચવો પડે એવી નોબત આવી છે અથવા તો ગોડાઉનોમાં માલનો ભરાવો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે સમગ્ર વિવિંગ સેક્ટરમાં રોકડની ભારે ખેંચ એટલે કે ગંભીર મની ક્રાઇસિસ સર્જાઈ છે, જેને સંભાળવી ઉદ્યોગપતિઓ માટે મુશ્કેલ બની ગઈ છે. 75 હજાર વિવિંગ કારીગરોની રોજગારી જોખમમાં સુરતના વિવિંગ સેક્ટર સાથે ઓછામાં ઓછા 75,000 કારીગરો સીધી રીતે સંકળાયેલા છે, જેમના પરિવારનું ગુજરાન આ લૂમ્સના પૈડાં પર નિર્ભર છે. કારખાના 15થી 30 દિવસ બંધ રહેવાના કારણે આ તમામ કારીગરોની રોજગારી પર સીધી માઠી અસર થવાની છે. સ્થાનિક વિવિંગ યુનિટમાં કામ કરતા કારીગર વિજયે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેની રોજની આવક મીટર દીઠ મળતા મહેનતાણા પર નિર્ભર રહે છે. દિવાળી પર હિસાબ પતી ગયા પછી જો મહિનો કારખાના બંધ રહેશે તો પરિવારનું પેટ ભરવું મુશ્કેલ થઈ જશે તેમજ વતન જઈને પરત આવવા જેટલા પૈસા પણ બચશે નહીં. બેંક લોનના હપ્તા અને વ્યાજના ભારણથી વેપારીઓ બેહાલ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આ મંદીના કારણે બેવડા મારનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના એકમ ધારકોએ લાખો-કરોડો રૂપિયાનું રોકાણ કરીને બેંકો પાસેથી ટર્મ લોન અને કેશ ક્રેડિટ સુવિધા લીધેલી છે. કારખાના બંધ રહે કે ખુલ્લા, બેંકોના માસિક હપ્તા અને વ્યાજની ચૂકવણી અનિવાર્યપણે કરવી જ પડે છે. માલનું વેચાણ અટકી જતાં અને પેમેન્ટ્સ ફસાઈ જતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આવી કપરી આર્થિક ભીંસના કારણે એકમો ચાલુ રાખવા કરતાં બંધ રાખવા સિવાય વેપારીઓ પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. રોજગારી આપતું મોટું સેક્ટર સંકટમાં, નવા રોકાણ અટકશે દેશમાં કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં ટેક્સટાઇલ સેક્ટર બીજા ક્રમે આવે છે. આ એક એવો ઉદ્યોગ છે કે, જ્યાં કોઈ ઉચ્ચ ડિગ્રીની આવશ્યકતા રહેતી નથી અને બિનકુશળ શ્રમિકો પણ સહેલાઈથી રોજીરોટી મેળવી શકે છે. પરપ્રાંતિય શ્રમિકો માટે આશીર્વાદરૂપ ગણાતા આ સેક્ટર પર જ્યારે મંદીના વાદળો ઘેરાય છે ત્યારે તેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડે છે. અગ્રણીઓના મતે જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આ જ રીતે પીડાતી રહેશે તો ભવિષ્યમાં કોઈ નવો ઉદ્યોગસાહસિક આ ક્ષેત્રમાં મૂડી રોકાણ કરવાની હિંમત નહીં કરે. યાર્નથી પ્રોસેસિંગ સુધી આખી સપ્લાય ચેઇન પ્રભાવિત આ આર્થિક સંકટ માત્ર વિવિંગ પૂરતું મર્યાદિત નથી પરંતુ, તેની લપેટમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલી તમામ કડીઓ આવી ગઈ છે. યાર્ન મેન્યુફેક્ચરિંગ, વિવિંગ પ્રોડક્શન, ટ્રેડર્સ, દલાલો તેમજ પ્રોસેસિંગ અને ડાઇંગ-પ્રિન્ટિંગ મિલો સુધીના તમામ હિસ્સેદારોને કરોડોનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ફાઇનલ કાપડના ભાવ ન વધવાના કારણે ઉત્પાદકો ભીંસાઈ રહ્યા છે. દિવાળીના વેકેશન બાદ પણ જો કાચા માલના ભાવો અંકુશમાં નહીં આવે અને માર્કેટમાં રોકડનું સર્ક્યુલેશન નહીં વધે તો સુરતનો કાપડ ઉદ્યોગ ગંભીર પ્રકારની કટોકટીમાં ધકેલાઈ જવાની ભીતિ છે.
    Click here to Read More
    Previous Article
    ફિલ્મી સોંગ કે DJ નહીં, સંસ્કૃત ગરબાએ અમદાવાદીઓને ઘેલુ લગાડ્યું:આરતીથી લઈને ફેમસ ગુજરાતી ગરબા પણ દેવભાષામાં વાગ્યા, 1500થી વધુ લોકો બન્યા અનોખી પહેલના સાક્ષી
    Next Article
    ગટર લાઈનના ખોદકામને કારણે સંપૂર્ણ બંધ હતો‎:નવસારીના બિરસામુંડા માર્ગ પર દ્વિચક્રી વાહનોની આવનજાવન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment