Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 કરોડનો DPR પ્લાન અટવાતો રહ્યો ને સુરત ડૂબી ગયું:સર્વેની પ્રક્રિયા રહસ્યમય રીતે કેમ અટકી? ખાડીના હદ વિવાદ મામલે પાલિકા અને સિંચાઇ વિભાગની આંતરિક લડાઈ

    13 hours ago

    સુરતમાં દર ચોમાસે આવતું ખાડી પૂર કોઈ કુદરતી આફત નથી, પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારી અને આંતરિક વિવાદોનું પરિણામ છે. પૂર નિવારણ સમિતિના આદેશથી કેન્દ્રીય એજન્સી 'વાપકોસ' દ્વારા તૈયાર કરાયેલો રૂ. 5 કરોડનો ફિઝિબિલિટી અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) છેલ્લા 10 મહિનાથી સરકારી ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યો છે. બીજી તરફ, બારડોલીથી લઈને મંડોળા સુધી ફેલાયેલી આ ખાડીઓની વાસ્તવિક માલિકી અને સફાઈ મુદ્દે સુરત મહાનગરપાલિકા (SMC) અને રાજ્યના સિંચાઈ વિભાગ વચ્ચે ગંભીર સીમા વિવાદ અને આક્ષેપબાજી ચાલી રહી છે, જેના કારણે લાખો નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. પૂર પછી ઊભો થતો યક્ષ પ્રશ્ન - ખાડી આખરે કોની? દરેક વખતે જ્યારે સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારો ભયાનક ખાડી પૂરમાં ડૂબી જાય છે, ત્યારે પાણી ઓસરતાની સાથે જ એક મોટો સવાલ હવામાં તરતો થાય છે: "આ ખાડી આખરે કોની માલિકીની છે?" પૂરના સમયે અબજો રૂપિયાનું નુકસાન વેઠ્યા બાદ નાગરિકો જ્યારે જવાબ માંગે છે ત્યારે જવાબદારી સ્વીકારવાને બદલે સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારી વિભાગો પોતાની પીઠ બતાવવામાં વ્યસ્ત થઈ જાય છે. સુરત મહાનગરપાલિકા અને રાજ્યના સિંચાઈ વિભાગ (ઇરિગેશન ડિપાર્ટમેન્ટ) વચ્ચેનો આ આંતરિક ગજગ્રાહ કોઈ નવો નથી, પરંતુ દર વર્ષે પૂર બાદ આ વિવાદ વધુ ઉગ્ર બને છે. વાપકોસ એજન્સીનો અહેવાલ અને રૂ. 5 કરોડનું ગ્રહણ સુરતમાં ભૂતકાળમાં આવેલા ભયાનક પૂર બાદ સરકારે એક ઉચ્ચ સ્તરીય પૂર નિવારણ સમિતિની રચના કરી હતી. આ સમિતિના કડક આદેશ બાદ સિંચાઈ વિભાગે પૂરના કાયમી ટેકનિકલ ઉકેલ માટે કેન્દ્રીય સંસ્થા 'વાપકોસ' (WAPCOS) એજન્સી પાસે ફિઝિબિલિટી રિપોર્ટ મંગાવ્યો હતો. આ નિષ્ણાત એજન્સીએ સુરતથી લઈને બારડોલી સુધીની આખી ખાડીનો વ્યવસ્થિત ડ્રોન સર્વે અને તપાસ કરીને એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે અંદાજિત રૂ. 5 કરોડની ટેકનો-કોમર્શિયલ ઓફર સબમિટ કરી હતી. પરંતુ અત્યંત આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર રૂ. 5 કરોડ જેવા બજેટના અભાવે આ સમગ્ર પ્રોજેક્ટ રિપોર્ટની કામગીરી કાગળ પર જ અટકી પડી છે. બારડોલીથી મંડોળા સુધીનો સીમા વિવાદ ખાડીની સમસ્યા માત્ર સુરત શહેર પૂરતી સીમિત નથી, પરંતુ તે બારડોલીથી નીકળીને મંડોળા ખાડી સુધી વિસ્તરેલી છે. આ સમગ્ર વહેણ દરમિયાન વહીવટી સીમાઓનો મોટો વિવાદ જોવા મળે છે. સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સ્પષ્ટપણે દાવો કરે છે કે નિયમ મુજબ ખાડી સંપૂર્ણપણે ઇરિગેશન એટલે કે સિંચાઈ વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જ્યારે બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ દલીલ કરે છે કે ખાડીની સફાઈની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે. આ ખેંચતાણમાં બારડોલી અને મંડોળા વચ્ચેનો મોટો વિસ્તાર પૂરના કાયમી ભય હેઠળ જીવી રહ્યો છે. સરકારી બાબુઓની ઉદાસીનતા અને ધૂળ ખાતી ફાઈલો વાપકોસ એજન્સી દ્વારા સપ્ટેમ્બર 2025માં જ આ પૂર નિવારણ પ્રોજેક્ટનો પ્રસ્તાવ સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓને મંજૂરી અર્થે મોકલી દેવાયો હતો. જો કે, આજે 10 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ આ ફાઈલ સચિવાલય અને સરકારી બાબુઓના ટેબલ પર ધૂળ ખાઈ રહી છે. સર્વેની જે પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ થવી જોઈતી હતી, તેને રહસ્યમય સંજોગોમાં થંભાવી દેવામાં આવી છે. પૂર નિવારણ સમિતિના એક પણ જવાબદાર અધિકારીએ આજદિન સુધી આ મહત્વપૂર્ણ ફાઈલ ક્યાં અટકેલી છે તે પૂછવાની તસ્દી સુધ્ધાં લીધી નથી. મુખ્યમંત્રીની બેઠકમાં પણ સત્ય છુપાવવાનો પ્રયાસ તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સુરત શહેરની પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એક અત્યંત ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી પોતે વારંવાર સર્વે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ભાર મૂકી રહ્યા હતા. પરંતુ બેઠકમાં હાજર સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વાપકોસ એજન્સી દ્વારા આપવામાં આવેલા રૂ. 5 કરોડના બેઝિક સર્વેના ખર્ચ અને અટકેલા ડીપીઆરનો કોઈ ઉલ્લેખ સુધ્ધાં મુખ્યમંત્રી સમક્ષ કર્યો નહીં. અધિકારીઓએ પોતાની નિષ્ફળતા છુપાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ટેકનિકલ સર્વે અને ડિસ્ચાર્જ મોડેલિંગની વર્તમાન સ્થિતિ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં હાઇડ્રોલોજી સર્વે સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાડીઓ માટે તાજેતરમાં જ એક નવો હાઇડ્રોલોજી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વે કોઈ જૂની કમિટીના આધારે નહીં, પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી એક વિશેષ બેઠકના નિર્ણયના ભાગરૂપે હાથ ધરાયો છે. આ બેઠકમાં ખાડીઓમાં પાણીના નિકાલ (ડિસ્ચાર્જ કેપેસિટી) અંગેની માહિતી મંગાવવામાં આવી હતી. હાલમાં આ હાઇડ્રોલોજી સર્વેની કામગીરી પ્રગતિમાં છે અને તેનો ફાઇનલ ટેકનિકલ રિપોર્ટ તૈયાર થયા બાદ તેને સત્તાવાર રીતે સબમિટ કરવામાં આવશે. હાઇડ્રોલિક મોડલ અને આધુનિક સોફ્ટવેર પ્રોસેસિંગ આ પ્રોજેક્ટને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા માટે એક વિશેષ હાઇડ્રોલિક મોડલ તૈયાર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ મોડલ માટે જરૂરી તમામ ટેકનિકલ ડેટા સંબંધિત એજન્સીઓને સબમિટ કરી દેવામાં આવ્યા છે. જેમાં સુરત મહાનગરપાલિકા (SMC) ના આઉટલેટ્સ, ખાડીઓની ડિસ્ચાર્જ કેપેસિટી, વરસાદના આંકડા અને બેથીમેટ્રિક સર્વે (એટલે કે ખાડીના આંતરિક ક્રોસ સેક્શન અને લેવલની માપણી) નો સમાવેશ થાય છે. એજન્સીઓ આ ડેટાને સોફ્ટવેરમાં પ્રોસેસ કરીને એક મોડલ બનાવશે, જેના આધારે પૂરનું પાણી ડાયવર્ટ કરવું કે રિટેન્શન પોન્ડ બનાવવા તેના વિકલ્પો નક્કી થશે. કેન્દ્રીય સંસ્થાઓની સંયુક્ત કમિટી અને 10 વર્ષનો ડેટા આ આખી પ્રક્રિયામાં સેન્ટ્રલ વોટર કમિશન (CWC), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી (NIH) અને SMC તથા સંયુક્ત રીતે WRD ના સભ્યોની એક કમિટી કાર્યરત છે. છેલ્લા 4 મહિનાથી આ કેન્દ્રીય સંસ્થાઓને ડેટા મોકલવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત તાલુકાવાર છેલ્લા 10 વર્ષના વરસાદના જૂના આંકડા પૂરા પાડવામાં આવ્યા છે, જ્યારે શહેરના ડેટા SMC દ્વારા પ્રોવાઇડ કરાયા છે. આ તપાસના ભાગરૂપે કેન્દ્રીય ટેકનિકલ ટીમ દ્વારા સુરતની રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી છે. શહેરી આયોજનની ગંભીર ભૂલો અને કુદરતી વહેણનો નાશ જો આજે પણ 15 વર્ષ પહેલાના ગૂગલ મેપ (Google Map)ના સેટેલાઇટ ચિત્રો જોવામાં આવે, તો સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ કુદરતી પેટા ડ્રેઈન અને તેનું વહેણ સ્પષ્ટપણે જોવા મળશે. ભૂતકાળમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ પેટા ડ્રેઈન મારફતે જ વરસાદી પાણી આપોઆપ વહીને મુખ્ય ખાડીઓ સુધી પહોંચી જતું હતું. પરંતુ સુરત મહાનગરપાલિકા (SMC) અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ના ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોમાં આ કુદરતી પેટા ડ્રેઈનની જગ્યાઓ પર જ ફાઇનલ પ્લોટ, ગાર્ડન કે રસ્તાઓ ફાળવી દીધા છે. કાગળ પર ટીપી સ્કીમો મંજૂર કરતી વખતે કુદરતી પ્રવાહનું જ ગળું ઘોંટી દેવામાં આવ્યું છે, જે પુરનું મુખ્ય કારણ છે. સંયુક્ત કમિટીની નિષ્ફળતા અને જનતાની અપીલ હાલની સ્થિતિએ ખાડી સુરક્ષા માટે ઇરિગેશન વિભાગ, SMC કમિશનર અને કલેક્ટરની એક સંયુક્ત કમિટી બનેલી તો છે, પરંતુ તેમની વચ્ચે કોઈ અસરકારક સંકલન દેખાતું નથી. ખાડીની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવાની મુખ્ય જવાબદારી સિંચાઈ વિભાગની છે. નિયમ મુજબ કોર્પોરેશને માત્ર સફાઈ કરવાની હોય છે, પરંતુ બ્રિજ કે અન્ય બાંધકામ માટે સિંચાઈ વિભાગની મંજૂરી લેવી પડે છે. સરકારી વિભાગોના આ અહમની વચ્ચે સુરતની જનતા કાયમી પાયમાલી તરફ ધકેલાઈ રહી છે. જો આગામી દિવસોમાં આ રૂ. 5 કરોડનો ડીપીઆર મંજૂર કરીને કામગીરી કરવામાં નહીં આવે, તો જનતાએ વધુ એક મોટી આફત વેઠવી પડશે.
    Click here to Read More
    Previous Article
    અંજલિ ચાર રસ્તા પાસે ST બસે બાઇકને કચડી:યુવકનું ઘટનાસ્થળે જ મોત, પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો
    Next Article
    મોરબીના ફડસર ગામેથી વિદેશી દારૂ ઝડપાયો:રૂ. 5.41 લાખનો જથ્થો કબજે, મુખ્ય આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment