Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સાયબર ફ્રોડની 5 અલગ અલગ ઘટના:કંકોત્રીની APK, ટેલિગ્રામ ટાસ્ક અને ફેક લિંક અને અદાણી ગેસ કનેક્શન કાપવાના બહાને લાખો પડાવ્યા

    1 day ago

    અમદાવાદમાં સાયબર ફ્રોડની પાંચ ઘટનાની અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ડિજિટલ કંકોત્રીના નામે ફેક APK ફાઈલ મોકલીને 6.38 લાખ, ટેલિગ્રામ પર ટાસ્ક અને ટ્રેડિંગમાં નફાની લાલચ આપીને 5.75 લાખ, ફેસબુક પર બેંક પેન્શન કાર્ડની જાહેરાત મૂકીને 4,99 લાખ, અદાણી ગેસનું બિલ અપડેટ ન હોવાથી કનેક્શન કાપી નાખવાનો ડર બતાવીને ફેક લિંકથી 94 હજાર અને રૂબરૂ પેટીએમ કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ચાર્જ ઝીરો કરવાના બહાને રૂ.49 હજારની છેતરપિંડી થઈ છે. કિસ્સો 1 ડિજિટલ કંકોત્રીના નામે APK ફાઈલ મોકલીને 6.38 લાખ પડાવ્યા મેઘાણીનગરમાં રહેતા 71 વર્ષીય નંદકિશોર ગોરધનભાઈ ટાંકના મોબાઈલ પર કોઈ ઓળખીતાના હેક થયેલા વોટ્સએપ નંબર પરથી લગ્ન કંકોત્રીના નામે એક A.P.K ફાઈલ આવી હતી, જેને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતાં સાયબર ગઠિયાએ તેમના મોબાઈલનો એક્સેસ લઈ લીધો હતો. ત્યારબાદ ગઠિયાએ આઈડી-પાસવર્ડની ચોરી કરી અને ઓટીપી બાયપાસ કરીને વૃદ્ધની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી રોજ જુદા-જુદા ટ્રાન્ઝેક્શનથી 6,38,578 અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બેંકમાંથી મેસેજ આવતા છેતરપિંડીની જાણ થવાથી વૃદ્ધે તેમના પુત્ર સાથે મળીને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કિસ્સો 2 ટ્રેડિંગમાં નફાની લાલચ આપીને 5.75 લાખ છેતરપિંડી રાણીપમાં રહેતા અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગનું કામ કરતા 42 વર્ષીય જીગ્નેશ રજનીકાન્ત મકવાણા સાથે ટેલિગ્રામ પર ટાસ્ક અને ટ્રેડિંગના બહાને ફ્રોડ થયો છે. અલગ અલગ આઈડી પરથી ઠગે અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં એડ કર્યા હતા. શરૂઆતમાં રિવ્યુ ટાસ્કના બદલામાં નાનો પ્રોફિટ આપી તેમનો વિશ્વાસ જીત્યો હતો. એ પછી વધુ નફાની લાલચ આપી કંપનીના નામની ફેક વેબસાઇટ્સ પર ટ્રેડિંગના બહાને ફરિયાદી અને તેમની પત્નીના એકાઉન્ટમાંથી 6,01,962 જમા કરાવડાવ્યા હતા. ટ્રેડિંગમાં નફો બતાવ્યા બાદ જ્યારે ફરિયાદીએ રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે આરોપીઓએ એકાઉન્ટ ફ્રીઝ થવાનું અને ખોટી રીતે રકમ ઉપાડવા તથા ક્રેડિટ પોઈન્ટ ઓછા હોવાનું બહાના કાઢીને ઠગે વધુ રૂપિયા માગણી કરી હતી. આમ, કુલ રોકાણમાંથી શરૂઆતમાં પાછા 26,118 મળ્યા હતા. જે બાદ 5,75,844 ઠગે પાછા ના આપતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરી છે. કિસ્સો 3 ફેસબુક પર બેંક પેન્શન કાર્ડની જાહેરાતથી 4,99 લાખ ગુમાવ્યા મકરબામાં રહેતા 72 વર્ષીય નિવૃત્ત બેંકકર્મી પ્રદીપકુમાર રવજીભાઈ રૈયારેલાએ ફેસબુક પર બેંક ઓફ બરોડા પેન્શન કાર્ડની જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી હતી.જે બાદ તેમને ફોન આવ્યો હતો અને ઠગે કાર્ડ એપ્રુવ થયાનું કહી તેમની પાસેથી નામ, સરનામું અને તેમના બેંક ઓફ બરોડાના સેવિંગ એકાઉન્ટની માહિતી લઈ લીધી હતી. ત્યારબાદ બપોરે બેન્ક એકાઉન્ટમાંથી 4,99,500નું ઓનલાઈન ટ્રાન્જેક્શન થયું હતું. પોતાની સાથે થયેલા આ સાયબર ફ્રોડ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરી અને પછી પોલીસ ફરિયાદ કરી છે. કિસ્સો 4 ગેસનું કનેક્શન કાપી નાખવાનો ડર બતાવીને 94 હજાર પડાવી લીધા પાલડીમાં રહેતા અને કપડના વેપારી 48 વર્ષીય હસમુખભાઈ શાહને તારીખ 25 ઓગસ્ટના રોજ અદાણી ગેસના નામે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બિલ અપડેટ ન હોવાથી રાત્રે ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે. ફરિયાદીએ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતા સામેવાળા વ્યક્તિએ બિલ અપડેટ કરવા રૂપિયા 10 ટ્રાન્સફર કરવાનું કહી એક લિંક મોકલી હતી, જે ખોલીને ફરિયાદીએ પોતાના HDFC બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો ભરી દીધી હતી. જોકે, તેમની દીકરીએ ફ્રોડની શંકા વ્યક્ત કરતા તેમણે તરત જ પોતાના કાર્ડ બંધ કરાવી દીધા હતા. આમ છતાં, તારીખ 7 સપ્ટેમ્બરે રોજ બપોરે તેમના પત્ની બીનલબેનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 94,920 અને હસમુખભાઈના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 10,000 સહિત કુલ 1,04,980 ટ્રાન્સફકર કરી લીધા હતા. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કિસ્સો 5 પેટીએમના કર્મચારીની ખોટી ઓળખ આપીને 49 હજારની છેતરપિંડી નવા વાડજમાં રહેતા 62 વર્ષીય પ્રભાબેન રામભાઈ પટેલ ઘરે યુગ પાન પાર્લર ચલાવે છે .ગત 19 તારીખે એક્ટિવા પર આવેલા 35થી 40 વર્ષના બે શખ્સોએ પોતાને પેટીએમ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. પેટીએમનો માસિક ચાર્જ ઝીરો કરી આપવાની લાલચ આપી હતી. તેમણે પ્રભાબેન પાસે 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું અને મોબાઈલ પોતાના હાથમાં લઈ કોઈ પ્રોસેસ કરી 24 કલાકમાં સ્કીમ એક્ટિવેટ થવાનું કહી જતા રહ્યા હતા. બીજા દિવસે આ બંને શખ્સો ફરી આવ્યા અને OTP ચેક કરવાના બહાને ફરીથી મોબાઈલ અનલોક કરાવી પ્રોસેસ કરી પાછો આપ્યો હતો. તે પછી બીજા દિવસે પ્રભાબેનના પેટીએમ સાથે લિંક બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા 49,999 કપાઈ ગયાનો મેસેજ આવતા છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ બાબતે તેમના પુત્ર દીપકે પોલીસ ફરિયાદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સફાઈના પ્રશ્નો સામે આવતા કમિશનર દીપેશ કેડિયા એક્શનમાં:શહેરના માર્ગોનું નિરીક્ષણ કરી જયશ્રી સિનેમાથી હવાઈ ચોક સુધી સફાઈ-દબાણની સૂચના આપી
    Next Article
    મીઠાઈના નમૂના લેવાયા:બોટાદમાં મીઠાઈ-ફરસાણની 10 દુકાનોમાં પુરવઠાતંત્ર-ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment