Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીપી સ્કીમ-5 સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:40% જમીન મફત આપવા સાથે 900 કરોડના ડેવલોપમેન્ટ ચાર્જ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી

    6 days ago

    ​જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઝાંઝરડા વિસ્તાર માટે જે મુસદ્દારૂપ નગર રચના યોજના એટલે કે ટીપી સ્કીમ નંબર 5 જાહેર કરવામાં આવી છે. તેણે સ્થાનિક ખેડૂતો અને જમીન માલિકોમાં ભારે રોષ જગાડ્યો છે. ઝાંઝરડા ખાતે યોજાયેલી એક વિશાળ બેઠકમાં જમીન માલિકોએ એકસૂરે આ દરખાસ્તને પાયાવિહોણી અને શોષણકારી ગણાવી તેનો સામૂહિક વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું માનવું છે કે, આ સ્કીમ વિકાસના નામે માત્ર ખેડૂતોનું આર્થિક શોષણ કરવા માટે લાવવામાં આવી છે. 40 ટકા જમીન વળતર ચૂકવ્યા વિના 'મફત'માં પડાવી લેવાનો કારસો ખેડૂત અગ્રણી વીનુ અમીપરાએ સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ ખેડૂતોના ભોળપણ અને કાયદાકીય અજ્ઞાનતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આ ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની માલિકીની 40 ટકા જમીન કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના 'મફત'માં પડાવી લેવાનો કારસો રચવામાં આવ્યો છે. જે ખેડૂતો પેઢીઓથી પોતાની જમીન પર નભે છે, તેમની પાસેથી આટલી મોટી માત્રામાં જમીન છીનવી લેવી તે અન્યાયની પરાકાષ્ઠા છે. 900 કરોડનો જંગી ડેવલોપમેન્ટ ચાર્જ વસૂલવાની તૈયારી ​ખેડૂતો માટે ચિંતાનો વિષય માત્ર જમીન ગુમાવવાનો જ નથી, પરંતુ તેના પર લાદવામાં આવતો આર્થિક બોજ પણ છે. યોજનાની જોગવાઈઓ મુજબ, જમીન છીનવી લીધા બાદ પણ ખેડૂતો પર અંદાજે 900 કરોડ રૂપિયાનો જંગી 'ડેવલપમેન્ટ ચાર્જ' એટલે કે ઈન્ક્રીમેન્ટ વેલ્યુ વસૂલવાની તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, એક તરફ તેઓ પોતાની કિંમતી જમીન ગુમાવે અને ઉપરથી સરકારને કરોડો રૂપિયા ચૂકવે તે કોઈ કાળે સ્વીકારી શકાય તેમ નથી. આ સ્થિતિ ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થઈ રહી છે. ટીપી સ્કીમમાં EWS માટે મકાનો બાંધવા માટે જગ્યા અનામત રાખવામાં આવી ​આ યોજનામાં રહેલી વિસંગતતાઓ અંગે વાત કરતા અગ્રણીઓએ ગરીબ આવાસ યોજનાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. ટીપી સ્કીમમાં આર્થિક રીતે પછાત લોકો (EWS) માટે મકાનો બાંધવા માટે 1 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા અનામત રાખવામાં આવી છે. ખેડૂતોએ પ્રશ્ન કર્યો હતો કે માત્ર એક જ ટીપી સ્કીમમાં આટલી મોટી જગ્યામાં કેટલા ગરીબોના મકાન બનશે અને તે બાંધવા માટેના કરોડો રૂપિયા ક્યાંથી આવશે. આ અંગે ગુજરાત સરકારની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેનાથી આખી યોજના શંકાના દાયરામાં આવી ગઈ છે. અધિકારીઓ કાયદાની પ્રક્રિયાનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે વધુમાં ખેડૂત નેતાઓએ કાયદાકીય પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે નિયમો મુજબ જો ગુજરાત સરકાર હુકમ કરે તો જ આવી યોજનાઓ બનાવી શકાય છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની યોજનાઓ સરકારે રદ કરી હોવા છતાં, જૂડા દ્વારા ફરીથી આ જ યોજના કેમ લાવવામાં આવી રહી છે તે એક મોટો પ્રશ્ન છે. અધિકારીઓ કાયદાની પ્રક્રિયાનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે અને ખેડૂતોની જમીનો માત્ર વેચાણ કરવાના હેતુથી કાપવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ બેઠકમાં કરવામાં આવ્યો હતો. જમીન મફતમાં લઈને ટેક્સ વસૂલવાની નીતિ સામે લોકોમાં ભારે અસંતોષ ​ઝાંઝરડા વિસ્તારના ખેડૂતોએ પોતાની સ્પષ્ટ માંગણી રજૂ કરતા કહ્યું છે કે જો સરકારને જાહેર સુવિધાઓ, રસ્તાઓ કે અન્ય વિકાસકામો માટે જમીનની જરૂર હોય, તો તે જમીનના પૂરેપૂરા બજારભાવ મુજબ પૈસા ખેડૂતોને ચૂકવવા જોઈએ અથવા તેના માટે સરકારે અલગથી ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ખેડૂતોની કિંમતી જમીન મફતમાં લેવાની અને ઉપરથી ટેક્સ વસૂલવાની આ નીતિ સામે લોકોમાં ભારે અસંતોષ છે. આગામી દિવસોમાં જો આ ટીપી સ્કીમ પાછી ખેંચવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ વિવાદને કારણે હાલ ઝાંઝરડા રોડના મકાન માલિકો અને જમીનધારકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારના 22 માર્ચના ગેઝેટ નોટિફિકેશનને રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી:AIMIMને અમાન્ય પક્ષ ઘોષિત કરવા માંગ, ઉમેદવારો મનપાની ચૂંટણીઓમાં 1 ટેકેદારથી નહીં 10 ટેકેદારથી ફોર્મ ભરી શકે
    Next Article
    બોટાદમાં સબીહા હોસ્પિટલ પાસે ભંગારના ડેલામાં આગ:અગમ્ય કારણોસર લાગી, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment