Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપના ધારાસભ્યએ સરકારનો આભાર માનતા કોંગ્રેસ નેતાનો કટાક્ષ:પેટ્રોલ-ડીઝલ પરના વેટ અને સેસથી રાજ્યને બે વર્ષમાં રૂ. 41 હજાર કરોડની આવક, સરકારી શાળામાં 9400થી વધુ ઓરડાની ઘટ

    13 hours ago

    વિધાનસભામાં રોડ-રસ્તાના વિકાસ કામોને લઈને ચર્ચા દરમિયાન રાજકીય ટકરાવ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના વિસ્તારમાં થયેલા રોડના કામો માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના મંત્રીઓ તરફ ઈશારો કરતા ટિપ્પણી કરી કે “હવે તેમને તમારી સાથે લઈ જાઓ.” આ ટિપ્પણી બાદ ગૃહમાં થોડો સમય માટે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ગૃહમાં પટોળા સાડીનું ‘મેચિંગ’,મહિલા ધારાસભ્યો વચ્ચે ફેશનની ચર્ચા વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિરામ મળતા ગૃહમાં રાજકારણથી અલગ જ દૃશ્ય જોવા મળ્યું. મંત્રી દર્શના વાઘેલા અને સંગીતા પાટીલ, માલતીબેન મહેશ્વરી, મનીષાબેન વકીલ, નિમિષાબેન સુથાર સહિતના મહિલા ધારાસભ્યો પટોળા સાડી અંગે ચર્ચા કરતા જોવા મળ્યા. કોણે કઈ ડિઝાઇન પહેરી, રંગ અને મેચિંગ વિશેની ચર્ચા ગૃહની અંદર થોડા સમય માટે ચર્ચાનો વિષય બની. રાજકીય ચર્ચાઓ વચ્ચે આ ફેશન ટોક ગૃહના વાતાવરણને હળવું બનાવતી જોવા મળી. વાંચ્યા વગર જવાબ આપતા મંત્રી દર્શના વાઘેલા, અધ્યક્ષે જાહેરમાં અભિનંદન આપ્યા ગૃહમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબ દરમિયાન મંત્રી દર્શના વાઘેલાએ કોઈ નોંધ વાંચ્યા વગર જ આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપી દીધો. તેમના આ આત્મવિશ્વાસથી અધ્યક્ષ પણ પ્રભાવિત થયા અને ગૃહમાં તેમને અભિનંદન પાઠવ્યા. ભાજપના વરિષ્ઠ નેતા રમણલાલ વોરાએ પણ ચિઠ્ઠી મોકલી તેમને અભિનંદન આપ્યા હોવાનું જાણવા મળ્યું. આ ઘટના બાદ ગૃહમાં થોડો સમય માટે હળવો માહોલ સર્જાયો હતો. બે હાથ ખીસ્સામાં રાખીને પ્રશ્ન: ભાજપના રમેશ ટીલાળાની ‘અદા’ ગૃહમાં ચર્ચાનો વિષય ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા પ્રશ્ન પૂછવા ઊભા થયા ત્યારે તેમની અનોખી અદા ગૃહમાં ચર્ચાનો વિષય બની. તેઓ બે હાથ ખીસ્સામાં રાખીને શાંતિથી ઊભા રહ્યા અને મૌલિક અંદાજમાં પોતાનો પ્રશ્ન વાંચ્યો. તેમની આ સ્ટાઇલને લઈને ગૃહમાં હળવું સ્મિત ફેલાયું અને કેટલાક સભ્યો વચ્ચે મજાક પણ ચાલતી જોવા મળી. પ્રશ્ન પૂછવા ઊભા થયા, પરંતુ ‘મંત્રી’ જેવી ભાષા બોલી ગયા: C.K. રાઉલજીની ભૂલથી ગૃહમાં હાસ્ય ભાજપના ધારાસભ્ય C.K. રાઉલજી પ્રશ્ન પૂછવા ઊભા થયા, પરંતુ પ્રશ્ન પૂછવાની જગ્યાએ તેમણે મંત્રી જેવો જવાબ આપવાનું શરૂ કરી દીધું. થોડા સમય બાદ તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ હસતા હસતા કહ્યું કે “હું પહેલા મંત્રી રહી ચૂક્યો છું એટલે મંત્રી જેવી ભાષા આવી ગઈ.” તેમની આ ટિપ્પણી બાદ ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું. પોતાના જ મંત્રીને ભાજપના ધારાસભ્યનો સવાલ: ‘મંત્રી પાસે કોઈ જવાબ નહતો તો અટવાયા' ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે દવાઓના લેબલમાં વધુ ભાવ લખીને વેચાણ થતું હોવાની ફરિયાદ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પરંતુ સંબંધિત મંત્રી રમણભાઈ સોલંકી પાસે તે સમયે સ્પષ્ટ જવાબ ઉપલબ્ધ નહતો. તેમણે જવાબ અધ્યક્ષ મારફત મોકલી આપવાની વાત કરી. આ સાંભળીને યોગેશ પટેલ હળવી સ્મિત સાથે ઈશારો કરતા જોવા મળ્યા કે “જવાબ જ નથી.” સત્તાપક્ષના ધારાસભ્ય દ્વારા જ મંત્રીને ઘેરવામાં આવતા ગૃહમાં થોડો સમય ચર્ચા ચાલી. બજેટ ચર્ચા દરમિયાન ખાલી ખુરશીઓ,ગૃહમાં નીરસ માહોલ વિધાનસભામાં બજેટ માંગણીઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન હાજરી નબળી જોવા મળી. કોંગ્રેસ તરફથી માત્ર એક ધારાસભ્ય હાજર હતા, જ્યારે સત્તારૂઢ ભાજપના સભ્યોમાં પણ પાંખી હાજરી જોવા મળી. મહત્વપૂર્ણ બજેટ ચર્ચા વચ્ચે ખાલી ખુરશીઓ ગૃહમાં નીરસ વાતાવરણ સર્જતી જોવા મળી. શિક્ષણ સેવા વર્ગ-1 અને 2માં 913 જગ્યાઓ ખાલી: સરકારે સ્વીકાર્યું રાજ્યમાં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2માં કુલ 913 જગ્યાઓ ખાલી હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિ મુજબ વર્ગ-1માં 54 અને વર્ગ-2માં 859 જગ્યાઓ ખાલી છે. નિવૃત્તિ, રાજીનામા અને અન્ય કારણોસર આ જગ્યાઓ ખાલી પડી હોવાનું જણાવાયું છે. સરકારે જણાવ્યું કે ભરતી અને બદલીની પ્રક્રિયા દ્વારા આ જગ્યાઓ તબક્કાવાર ભરવામાં આવશે. જામનગર-દેવભૂમિ દ્વારકામાં 1565 શિક્ષકોની ઘટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ સામે આવી છે. 31 જાન્યુઆરી 2026ની સ્થિતિ મુજબ જામનગર જિલ્લામાં 610 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 955 શિક્ષકોની ઘટ હોવાનું સરકારે સ્વીકાર્યું છે. નિવૃત્તિ, બદલી, સ્વૈચ્છિક નિવૃત્તિ અને અવસાન જેવા કારણોસર આ ખાલી જગ્યાઓ ઊભી થઈ હોવાનું જણાવાયું છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસહાયકોની મદદથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભરૂચ-નર્મદા જિલ્લામાં 1053 ઔદ્યોગિક એકમો પાસેથી ₹4035 કરોડથી વધુ GST બાકી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કુલ 1053 ઔદ્યોગિક એકમો પાસેથી લગભગ ₹4035 કરોડથી વધુ GST વસૂલવાનો બાકી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા રજૂ થયેલા આંકડાઓ મુજબ અનેક ઉદ્યોગો દ્વારા સમયસર કરચુકવણી ન થતાં બાકી રકમનો ઢગલો વધ્યો છે. આ રકમ વસૂલવા માટે કર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. પેટ્રોલ-ડીઝલ સહિત ઇંધણ પર રાજ્યની કમાણી ₹41,593 કરોડ રાજ્ય વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ પેટ્રોલ, ડીઝલ, PNG અને CNG પર વસુલાતા વેટ અને સેસથી રાજ્ય સરકારને છેલ્લા બે વર્ષમાં કુલ ₹41,593 કરોડની આવક થઈ છે. હાલ પેટ્રોલ પર 13.7% અને ડીઝલ પર 14.9% વેટ વસુલવામાં આવે છે, જ્યારે PNG અને CNG પર પણ લગભગ 15% સુધીના વેટના દર લાગુ છે. સરકારે જણાવ્યું કે રાજ્યની આવકમાં આ કર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. રાજ્યમાં 8586 પ્રાથમિક અને 856 માધ્યમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ઓરડાઓની નોંધપાત્ર ઘટ સામે આવી છે. જિલ્લાવાર આંકડા મુજબ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા જિલ્લાઓમાં પણ વર્ગખંડોની અછત સ્પષ્ટ જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભીડભાડમાં અભ્યાસ કરવો પડે છે. કેટલાક સ્થળોએ એક જ ઓરડામાં બે-ત્રણ વર્ગોને ભણાવવાની સ્થિતિ સર્જાઈ છે. ઓરડાઓના અભાવે શિક્ષણની ગુણવત્તા પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતો માને છે કે તાત્કાલિક નવા વર્ગખંડોની વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે પગલાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. ખનીજ નીતિમાં પારદર્શિતા અને ‘ડાયરેક્ટ એલોટમેન્ટ’થી નાના ખેડૂતોને રાહત રાજ્ય સરકારે ખનિજ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા ઈ-હરાજી પદ્ધતિ સાથે ‘ડાયરેક્ટ એલોટમેન્ટ’ની નવી વ્યવસ્થા અમલમાં મૂકી નાના ખેડૂતો અને જમીન માલિકોને મોટી રાહત આપી છે. ૪ હેક્ટર સુધી સીધી અરજીથી ક્વોરી લીઝ મળતી થતાં ૭૩૮ અરજીઓને મંજૂરી અપાઈ છે, જ્યારે ખનિજ ચોરી સામે કડક કાર્યવાહીથી વસૂલાત ૧.૭૧ કરોડથી વધીને ૨૫૨ કરોડ સુધી પહોંચી છે. સાથે જ નવા ખનિજ સંશોધન, કોર લાઇબ્રેરી અને REE પ્રોજેક્ટ્સથી રાજ્યના ખનિજ ક્ષેત્રને આધુનિક દિશા મળી રહી છે. મહિલાઓ માટે ‘પિંક ટોઇલેટ’ યોજના: શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા અને સુરક્ષાનો નવો ધોરણ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્ય સરકારે મહિલાઓ માટે આધુનિક ‘પિંક ટોઇલેટ’ બનાવવા ₹59.14 કરોડની જોગવાઈ કરી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં બનનારા આ ટોઇલેટમાં ચેન્જિંગ રૂમ, બેબી ફીડિંગ રૂમ અને દિવ્યાંગ સુવિધા જેવી વ્યવસ્થા હશે. આ પહેલ સ્વચ્છતા સાથે મહિલાઓની સુરક્ષા અને સન્માનને પ્રાથમિકતા આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. જિલ્લા આયોજનમાં ₹500 કરોડનો વધારો, 10 વર્ષમાં 2 લાખ સરકારી ભરતીનો રોડમેપ તૈયાર રાજ્ય સરકારે જિલ્લા આયોજન માટે ₹500 કરોડનો વધારો કરી કુલ ₹2102 કરોડ ફાળવ્યા છે, સાથે જ 2024-2033 માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરીને 2 લાખથી વધુ સરકારી જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ 6.5 લાખ કર્મચારીઓને ₹10 લાખ સુધીની સારવાર અને SPIPA મારફતે UPSCમાં સફળતા પણ રાજ્યના સુશાસનના પ્રયાસોને દર્શાવે છે. પેકિંગ પરની કિંમતથી વધુ વસૂલતા વેપારીઓ સામે કડક કાર્યવાહી, 58 વેપારીઓ પકડાયા ગ્રાહક હિત માટે રાજ્ય સરકારે કડક વલણ અપનાવી પેકિંગવાળી વસ્તુઓ પર છાપેલી કિંમત કરતાં વધુ વસૂલતા વેપારીઓ સામે કાર્યવાહી તેજ કરી છે. છેલ્લા એક વર્ષમાં વડોદરા, પંચમહાલ અને કચ્છમાં કુલ 58 વેપારીઓ સામે કેસ નોંધાઈ ₹74 હજારથી વધુ દંડ વસૂલાયો છે, જ્યારે પુનરાવર્તન થાય તો સીધી કોર્ટ કાર્યવાહીનો પણ પ્રાવધાન રાખવામાં આવ્યો છે. ‘વોકલ ફોર લોકલ’ને વેગ: કુટીર અને ગ્રામોદ્યોગ માટે ₹979 કરોડનું બજેટ રાજ્ય સરકારે સ્થાનિક કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડવા માટે ₹979 કરોડનું બજેટ ફાળવી ‘વોકલ ફોર લોકલ’ને મજબૂતી આપી છે. ODOP, ઈ-કોમર્સ સહાય, NIFT-NID સાથે તાલીમ અને સ્વદેશી મોલ જેવી પહેલો દ્વારા કારીગરોને રોજગાર અને બજાર બંને ઉપલબ્ધ કરાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મેગા પ્લાન: 3100 નવી ભરતી અને હાઈસ્પીડ કોરિડોરનો વિકાસ રાજ્યમાં રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવવા 3100 નવી જગ્યાઓ ભરવાની જાહેરાત સાથે હાઈસ્પીડ કોરિડોર, કોસ્ટલ હાઈવે અને એક્સપ્રેસ-વે જેવા મેગા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. OPRC પદ્ધતિથી રસ્તાની ગુણવત્તા સુધારવા અને મુસાફરી સમય ઘટાડવા સરકારનો ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર કેન્દ્રિત રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે ₹2017 કરોડનો વધારો: મેડિસિટી અને IVF સેન્ટરથી આરોગ્યસેવામાં ક્રાંતિ રાજ્યના આરોગ્ય બજેટમાં નોંધપાત્ર વધારો કરી ₹25,403 કરોડ ફાળવાયા છે, જેમાં મેડિસિટી, IVF સેન્ટર, નવી એમ્બ્યુલન્સ અને ‘નમોશ્રી યોજના’ જેવી પહેલો સામેલ છે. PMJAY હેઠળ 2.73 કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે, જ્યારે માતા-બાળ આરોગ્ય અને ગ્રામ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો ફોકસ રહ્યો છે. ગુજરાતના બંદરોનો દબદબો: દેશના 40% દરિયાઈ વેપારનો ભાર સંભાળે છે રાજ્ય ગુજરાતે બંદર વિકાસમાં આગવું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યાંથી દેશના 40% દરિયાઈ વેપારનું સંચાલન થાય છે. ₹322 કરોડના બજેટ સાથે શિપબિલ્ડિંગ, LNG હેન્ડલિંગ અને અલંગ યાર્ડ જેવા પ્રોજેક્ટ્સ રાજ્યને વૈશ્વિક મેરીટાઇમ હબ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. દિવ્યાંગ લગ્ન સહાયમાં વધારો: હવે ₹75 હજાર સુધી સહાય, અરજી પ્રક્રિયા સરળ દિવ્યાંગ નાગરિકોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે લગ્ન સહાય ₹50 હજારથી વધારી ₹75 હજાર કરી છે. DBT મારફતે સીધી સહાય સાથે અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેના કારણે લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક સહાય મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપાની ટીમ રણમેદાનથી વિલા મોઢે પરત ફરતા અનેક તર્કવિતર્ક:સરકારી જમીન પરના દબાણ તોડવા ગયેલી ટીમ ઉપર હુમલાની ભીતિ, પોલીસ કાફલો દોડતો થયો
    Next Article
    હીટવેવ સામે વન્યપ્રાણીઓને રક્ષણ આપવા પ્રશાસન સજ્જ.:​સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની આકરી ગરમીથી વન્યજીવોને બચાવવા વોટર સ્પ્રિંકલર,આઈસ કેન્ડી અને ઓ.આર.એસ. યુક્ત પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment